બંને મિત્રો નિરાંતે એકાંતમાં મળ્યા. બેઠા. પાણી પીધું. પછી નિશ્વયે વાત કાઢી. કોઇ જાતના થીગડાં વગર સીધી, મુદ્દાની જ વાત. છાતી સોંસરવો નીકળી જાય તેવો અણીદાર સવાલ, ‘મેં સાંભળ્યું તે સાચું છે?’ વિકલ્પ સમજી ગયો કે એનો જૂનો મિત્ર શું પૂછતો હતો, તેમ છતાં એણે ચોખવટ કરવા ખાતર પૂછી લીધું, ‘તેં શું સાંભળ્યું છે?’‘એ જ કે તને નોકરીમાંથી ‘સસ્પેન્ડ’ કરવામાં આવ્યો છે. ચાલુ ઓફિસમાં તું બંધબારણે તારી સાથે ‘જોબ’ કરતી કોઇ ખૂબસૂરત મહિલા કર્મચારી સાથે રંગરેલિયા માણી રહ્યો હતો અને તારા સ્ટાફે તને રંગે હાથ ઝડપી લીધો...’‘તેં સાંભળ્યું છે એ સાચું છે...’ વિકલ્પે આટલું કહીને ઉમેર્યું, ‘જોકે હકીકત એનાથી સાવ જુદી હતી, પણ જે વાત બહાર આવી તે આવી જ હતી.’
‘મને સમજાયું નહીં. ફોડ પાડીને વાત કર.’ નિશ્વયે સચ્ચાઇની ઉઘરાણી કરી. જોકે એનો અંદાઝ પોલીસમેનના જેવો હતો, એક મિત્રના જેવો નહીં. વિકલ્પે ખુલાસાની શરૂઆત કરી. જે વાત અત્યાર સુધીમાં એ પાંચસો જણાં સામે કરી ચૂકયો હતો, એ જ વાત એણે પાંચસો એકમી વાર કહેવી શરૂ કરી.વાત કંઇક આ પ્રમાણે બની હતી: વિકલ્પ એક સરકારી વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર આસીન એવો અધિકારી હતો. એની પોતાની અલગ અને અંગત ઓફિસ હતી. બહારના વિશાળ ઓરડામાં બીજા ત્રીસેક જેટલા કર્મચારીઓનાં ખુરશી-ટેબલ ગોઠવાયેલા હતાં. એમાં વીસેક પુરુષો હતા, દસેક સ્ત્રીઓ હતી. એમાંની એક મહિલા કર્મચારી એટલે વ્યાખ્યા વ્યાસ.
વિકલ્પ અને વ્યાખ્યા પ્રથમ દિવસથી જ એકમેક પ્રત્યે આદર અને કશીક ખાસ લાગણી ધરાવવા લાગ્યાં હતાં. વ્યાખ્યા ખૂબસૂરત સ્ત્રી હતી. એની ‘ડ્રેસિંગ સેન્સ’ અદ્ભુત હતી. એ ભલે અતશિય મોંઘાં વસ્ત્રો ન પહેરતી હોય, પરંતુ એની રંગ પસંદગી, એની મેચિંગ સેન્સ, વસ્ત્રો ધારણ કરવાની એની છટા આ બધું એને અન્ય સ્ત્રીઓ કરતાં બે પગથિયાં ઊંચે મૂકી આપતું હતું.
એક દિવસ સવારના જ્યારે વિકલ્પે ઓફિસમાં પગ મૂક્યો, ત્યારે એણે સાંભળ્યું કે બધા કર્મચારીઓ ભેગા મળીને વ્યાખ્યાની સાડીનાં વખાણ કરતા હતા. રાવલે કહ્યું કે એ સાડી ઓછામાં ઓછી બે હજાર રૂપિયાની હોવી જોઇએ, એના કારણે જ વ્યાખ્યા આટલી સુંદર દેખાય છે. પંડ્યાએ કહ્યું, ‘સાડી-બાડીની વાત જવા દો, આજે વ્યાખ્યા જામે છે એનું કારણ એનાં ઇયરિંગ્ઝ છે.’ મધુમિતાના મતે વ્યાખ્યાની આજની ખૂબસૂરતીનું રાજ એનાં સેન્ડલ્સમાં છુપાયેલું હતું, તો પ્રિયાનું માનવું એવું હતું કે બ્રાન્ડેડ પર્સના લીધે વ્યાખ્યા આજે વધુ આકર્ષક દેખાતી હતી.
વિકલ્પ થંભી ગયો. બધાંની સામે ઠપકાભરી નજર ફેંકીને એ માત્ર આટલું જ બોલ્યો, ‘સાડી, ઇયરિંગ્ઝ, સેન્ડલ અને પર્સ. શું તમને આ બધું જ દેખાય છે? કોઇની નજર આ બધી નિર્જીવ ચીજોને ધારણ કરતાં સજીવ ‘હેન્ગર’ ઉપર નથી પડતી? સાચી ખૂબસૂરતી તો માત્ર એમાં જ સમાયેલી છે.’વિકલ્પ તો આટલું કહીને પોતાની ઓફિસમાં ચાલ્યો ગયો, પણ વ્યાખ્યાની લજજાનો પાર ન રહ્યો. આવા અનોખા ‘કોમ્પ્લિમેન્ટ્સ’ એને કોઇએ આજ સુધીમાં કદીયે આપ્યાં ન હતાં.
ઓફિસમાં પણ એ બંને વિશે ગપસપ શરૂ થઇ ગઇ. પછી તો વિકલ્પ અને વ્યાખ્યા ખૂબ સારા મિત્રો બની ગયા. નવરાશ મળે કે તરત વ્યાખ્યા વિકલ્પની ઓફિસમાં પહોંચી જતી. બારણું ડોર કલોઝરની સુવિધાવાળું હતું, આપોઆપ વસાઇ જતું હતું. આવી જ હાલતમાં એક દિવસ કોઇ વિઘ્નસંતોષીએ બહારથી બારણાંની આંકડી વાસી દીધી. હો-હા મચી ગઇ. વાત મોટા સાહેબ સુધી પહોંચી. તરત જ અભદ્ર વર્તન આચરવા બદલ વિકલ્પને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો.
‘તો આમ વાત છે.’ નિશ્વયે આખી હકીકત જાણી લીધા પછી મિત્રને ઠપકો આપ્યો, ‘ભૂલ તારી જ ગણાય. જો તમારા સંબંધો નિદોર્ષ હોય તો પછી બંધબારણે બેસવાની શી જરૂર? તમે ખુલ્લામાં બેસીને વાત નહોતાં કરી શકતાં?’ વિકલ્પે દલીલ કરી, ‘આપણો સમાજ રુગ્ણ છે. શું બે વિજાતીય વ્યક્તિઓ એકાંતમાં મળી જ ન શકે? અને જો મળે તો લોકોએ એવું જ ધારી લેવાનું કે એ બંને વચ્ચે શારીરિક સંબંધ...?’‘હા.’ નિશ્વયે નિશ્વયાત્મક દ્રઢતાથી કહ્યું, ‘એવું કશુંક હોય તો જ બારણાં બંધ કરવાં પડે ને! સ્ત્રી અને પુરુષ એટલે આગ અને ઘી! નજીક આવે એટલે ઘી પીગળવાનું જ છે. તું ગમે એટલો બચાવ કરે, પણ કોઇ નહીં માને. હું ખુદ ન માનું. તેં ભૂલ કરી. હવે સજા ભોગવ.’
@@@
એક મહિના પછીની બીજી ઘટના. નિશ્વય સવારનું છાપું વાંચતો હતો, ત્યાં એનો ફોન રણકયો. સામે છેડેથી મધપૂડો બોલી રહ્યો હતો, ‘મે આઇ સ્પીક ટુ મિ. નિશ્વય નાણાવટી?’ અવાજ થોડો જાણીતો લાગ્યો, થોડો અજાણ્યો. નિશ્વયે કહ્યું, ‘સ્પીકિંગ. હુ ઇઝ ધેર ઓન ધ અધર એન્ડ?’મધપૂડાએ મધ ઠાલવ્યું, ‘નેત્રા બોલું છું. તારી વીસ વર્ષ પહેલાંની...’ નિશ્વય અધૂરા વાક્યમાંથી ન બોલાયેલો સંબંધ શોધી રહ્યો. નેત્રા એના માટે શું હતી? અને શું ન હતી? વહેલી સવારનું ઝાકળભીનું સ્વપ્ન? કે પછી રાતભરના જાગરણનું કારણ? સૂજેલી આંખોની લાલશ? કે વધેલી દાઢીની ખરબચડતા? કોલેજકાળનો રેશમી સમય? કે પછી બાકીની જિંદગીને માદરપાટ જેવી બનાવી દેનારું નિમિત્ત?‘તારા શહેરમાં આવી છું. ફકત પાંચ-છ કલાક માટે. સાંજે મારી કનેક્ટિંગ ફ્લાઇટ છે. આપણે ક્યાંક મળી શકીએ?’ નેત્રા પૂછી રહી. અગિયાર વાગ્યે નિશ્વયે પોતાની જૂની પ્રેમિકાને એરપોર્ટ પાસેથી ‘પિક અપ’ કરી. પૂછ્યું, ‘ક્યાં બેસીશું?’‘જાહેરમાં કે ખુલ્લામાં નથી બેસવું. તારા ઘરે?’ નેત્રા હસી.
‘ના, મારા ઘરે ઘરવાળી પણ હશે. હોટલના કમરામાં?’ જવાબની રાહ જોયા વગર જ નિશ્વયે ગાડી સ્ટાર્ટ કરી દીધી. નેત્રા મસ્તીભર્યા અંદાઝમાં ગુનગુનાતી રહી, ‘મરજી હૈ તુમ્હારી... લે જાઓ જીસ ઓર...’ફાઇવ સ્ટાર હોટલના કમરાનું બારણું બંધ થયા પછી નિશ્વયે પૂછી લીધું, ‘માત્ર વાતો જ કરવી છે કે પછી... તને હાથ લગાડી શકું?’‘ઓહ નો, ડિયર!’ નેત્રાએ ડનલોપથી ડબલ બેડ ઉપર રેશમના તાકા જેવી કાયાને ફેલાવી દીધી, ‘તું મારા દેહને સ્પર્શે એ કદાચ ઇશ્વરને મંજૂર ન હતું. માટે તો આપણે પરણી ન શક્યાં. આપણે માત્ર વાતો જ કરીશું.’
માત્ર વાતો જ કરી. નિશ્વયે અને નેત્રાએ પ્રેમની વાતો કરી. હૃદયો ઠાલવી દીધાં. લાગણીના સાગરમાં હિલ્લોળા ખાધા. સ્મૃતિઓના વનમાં ખૂબ ફયાઁ. હૈયું ઠાલવીને હસ્યાં અને છાતી ફાડીને રડ્યાં. પૂરા ચાર કલાક સાથે વિતાવ્યા. પ્રેમ કર્યો, પ્રેમની વાતો કરી, શરીર વગરના સ્નેહની ઉજાણી કરી. આ જન્મે ન મળી શક્યાં એ વાતનો ખરખરો મનાવ્યો, આવતા જન્મે અચૂક મળવાનો વાયદો કર્યો. ચાર વાગ્યા એટલે હોટલમાંથી ‘ચેક આઉટ’ કરી ગયાં. નેત્રા વિમાનમાં બેસીને ઊડી ગઇ. નિશ્વય સંતૃપ્ત પણ ભારે હૈયે પોતાની ઓફિસમાં આવી ગયો.
પહેલું કામ એણે વિકલ્પને ફોન કરવાનું કર્યું, ‘સોરી, દોસ્ત! આજે મને સમજાયું કે બે વિજાતીય વ્યક્તિઓ એકાંતમાં ભેગી થાય ત્યારે પવિત્ર રહી શકે છે. તું અને વ્યાખ્યા નિર્દોષ મિત્રો હોઇ શકો છો. બહાર બેઠેલા દુષ્ટોને જે ધુમાડો દેખાતો હોય તે આગનો ન પણ હોય, એ અગરબત્તીની ધૂમ્રશેર પણ હોઇ શકે છે. તું ચિંતા ન કરીશ. તારા ડિપાર્ટમેન્ટના કમિશનર મારા પરિચિત છે. હું એમને ભલામણ કરીશ કે તારો ‘સસ્પેન્શન ઓર્ડર’ પાછો ખેંચવામાં આવે. વ્યાખ્યાને મારી યાદ આપજે. ગુડ લક ટુ બોથ ઓફ યુ!’
Comments
Post a Comment
Thanx For Comment