માતા-પિતાએ મને ફસાવી દીધો છે!



યૌવનની સમસ્યા - સોક્રેટિસ
સોક્રેટિસજી,
મારું નામ ચંદ્રેશ છે. મારી ઉંમર ૨૬ વર્ષની છે. હું દાહોદમાં રહું છું. મેં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો છું. હું મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું. મારી બે બહેનો સાસરે છે અને હું એકલો જ મારાં માતા-પિતા સાથે રહું છું.
હવે મારી મૂંઝવણની વાત કરું તો થોડા મહિના પહેલાં મારાં માટે લગ્નનું માગું આવ્યું. છોકરીવાળાનો પરિવાર અમારો પરિચિત હતો. દીકરીના પિતાએ મને જોઈને જ પસંદ કરી લીધો. તેમણે મને છોકરીનો ફોટો પણ બતાવ્યો. છોકરી દેખાવે તો સારી હતી, પણ તે દસ ધોરણ સુધી જ ભણી હતી. તેના ઓછા ભણતરને કારણે મેં ના પાડી દીધી. જોકે, મારાં માતા-પિતાને છોકરી કરતાં પણ તેમનો પરિવાર પસંદ આવી ગયો. મારી ના છતાં તેમણે મને દબાણ કરીને એ છોકરીને જોવા માટે મોકલ્યો. છોકરીવાળા વડોદરા રહે છે. મારે નાછૂટકે છોકરી જોવા જવું પડયું. મેં છોકરી સાથે વાતચીત કરી ત્યારે મને તે ઘણી નાસમજ લાગી. થોડી મંદબુદ્ધિની હોય એવું પણ લાગ્યું. અને એટલે જ એ વધુ ભણી શકી નહીં હોય એવો વિચાર આવ્યો. મારા મનમાં ના પાડવાનું નક્કી હતું, પણ સીધી ના પાડવાને બદલે મેં છોકરીનાં માતા-પિતાને કહ્યું કે હું વિચારીને જવાબ આપીશ.
ઘરે આવીને મેં છોકરીની વાત કરી અને એ છોકરી સાથે લગ્ન માટે અનિચ્છા દર્શાવી, પણ મારાં માતા-પિતા મારી વાત માનવા તૈયાર જ નહોતાં. મેં તેમને ચોખ્ખી ના પાડી કે આ છોકરી સાથે મારું નક્કી કરીને તમે મારી જિંદગી બરબાદ કરી નાખશો, છતાં તેમણે મારી એક વાત ન સાંભળી. મારા સગાંવહાલાંઓ થકી મને સમજાવવાની કોશિશ કરી કે છોકરી અને ઘર સારા છે, ના ન પાડીશ. મારી છેક સુધી ના જ રહી છતાં તેમણે પેલી છોકરી સાથે સગાઈની તારીખ પણ નક્કી કરી નાખી. એક અઠવાડિયાના સાવ ટૂંકા ગાળામાં મારે માતા-પિતાની શરમે અને પરિવારની ઇજ્જત-આબરૂનો વિચાર કરીને કમને પણ પેલી છોકરી સાથે સગાઈ કરવી પડી.
સગાઈ પછી મારા પિતા એ છોકરીના ઘરે જઈ આવ્યા. છોકરીનો વધુ પરિચય થતાં તેમને પણ ખ્યાલ આવ્યો કે છોકરીને કોઈ માનસિક પ્રોબ્લેમ છે. હવે તેમને પોતે કરેલી ભૂલ સમજાઈ. તેઓ સામેથી મને કહેવા લાગ્યા કે આપણે સગાઈ તોડી નાખવી છે. તેમની વાત સાંભળીને મને બહુ ગુસ્સો આવ્યો. મેં તેમને સંભળાવી દીધું કે હું જ્યારે કહેતો હતો ત્યારે તો તમે માનવા તૈયાર નહોતા. આ બધું તમારે સગાઈ પહેલાં વિચારવું જોઈતું હતું. આ તો રાંડયા પછીનું ડહાપણ કહેવાય!
હવે તેમણે મારા પર આખરી નિર્ણય છોડયો છે. હું હવે આ મામલે ભરાઈ પડયો છું. હું જાણું છું કે અમારા સમાજમાં કોઈ છોકરીની એક વાર સગાઈ તૂટે પછી તેને મહાપરાણે બીજું પાત્ર મળતું હોય છે. મારે કારણે કોઈ છોકરીની જિંદગી બરબાદ થાય એવું હું ઇચ્છતો નથી. વળી, હું આ સગાઈ તોડી નાખું તો છોકરીવાળાના પરિવારની સાથે સાથે મારા પરિવારની ઇજ્જતને પણ ફટકો પડી શકે છે. મને લાગે છે કે મારાં માતા-પિતા અને સગાંવહાલાંઓએ મને ફસાવી દીધો છે. હું જાણે ન ઘરનો, ન ઘાટનો હોઉં એવી મારી હાલત થઈ ગઈ છે. મને મારી જિંદગી ઉપરાંત પરિવારની આબરૂ અને પેલી છોકરીના ભાવિ જીવન અંગે ટેન્શન થઈ રહ્યું છે. મારે શું નિર્ણય લેવો જોઈએ, એ સમજાતું નથી. તમે કોઈ સલાહ આપો, જેથી મારી સમસ્યાનું સમાધાન થાય.                                       - લિ. ચંદ્રેશ
પ્રિય ચંદ્રેશ,
તમે સમજદાર હોવા છતાં માતા-પિતાના નિર્ણયને કારણે સમસ્યામાં ફસાયા છો. તમને તમારાં માતા-પિતાએ ફસાવી દીધા છે, એવું લાગવું સ્વાભાવિક છે, કારણ કે તમે તો પહેલેથી લઈને છેલ્લે સુધી એ છોકરી માટે હા પાડી નહોતી અને તેમની જીદને કારણે જ સગાઈ કરવા મજબૂર બન્યા હતા. અલબત્ત, માતા-પિતા ક્યારેય એવું ઇચ્છતાં નથી હોતાં કે તેમનાં સંતાનોનું જીવન બગડે કે તેઓ કોઈ પણ રીતે હેરાન થાય. તમારા પિતા હવે પરિવારની આબરૂની ચિંતા કર્યા વિના સામેથી જ સગાઈ તોડવાની વાત કરી રહ્યા છે,એ બતાવે છે કે તેઓ તમને ફસાવવા નહીં પણ ઉગારવા માગે છે. તે હવે પોતાની ભૂલ સુધારવા તૈયાર છે ત્યારે તમારે તેઓ તમને ફસાવવા માગે છે, એવો વિચાર મનમાંથી કાઢી નાખવો જોઈએ. માતા-પિતા પણ આખરે માણસ હોય છે અને તેમનાથી પણ ક્યારેક કોઈ વાત ધ્યાન બહાર જતી હોય છે. લગ્નની બાબતમાં માતા-પિતા જ્યારે સામેવાળાનાં દીકરા કે દીકરીને બદલે તેમના ઘરની સંપત્તિ-સમૃદ્ધિ અને સમાજમાં સારી શાખને મહત્ત્વ આપતા હોય છે ત્યારે આવી ભૂલો થવાની શક્યતા રહેતી હોય છે. તમારાં માતા-પિતાથી ભૂલ થઈ છે અને હવે તેઓ તેને સુધારવા માગે છે ત્યારે તમારે તેમના પર ગુસ્સો કરવાને બદલે સૌએ સાથે મળીને આ સમસ્યામાંથી ઉગરવાનો ઉકેલ વિચારવો જોઈએ.
તમે પેલી છોકરી વિશે આટલું વિચારો છો, તેના ભાવિ જીવન માટે ચિંતિત છો, એ બતાવે છે કે તમે સારા માણસ છો. તમારામાં માનવતા છે. તમારો આ સારો ગુણ છે, પણ તમે જો શરમમાં રહીને કે આવી ચિંતા કરીને એ છોકરીને પરણશો તો તમે અને તમારો પરિવાર હેરાન-પરેશાન થઈ શકે છે અને લગ્ન પછી તમારે છૂટા પડવાનું થશે તો સમસ્યા વધુ ગંભીર બની ગઈ હશે.
પરિવારની આબરૂ બચાવવા માટે તમારે સગાઈ તોડવાનો નિર્ણય માત્ર તમારો જ છે, તેમાં તમારાં માતા-પિતાનો ફાળો નથી, એવું સમાજમાં દર્શાવવું જોઈએ. વળી, સગાઈ તોડવા પાછળ છોકરીનો કોઈ વાંક નહીં કાઢીને બસ તમને પસંદ નથી, એવું કારણ જ આગળ ધરવું જોઈએ, જેથી તેના માટે કોઈ ખોટી ધારણા ન બાંધી લે. તમે આવો કોઈ વ્યાવહારિક રસ્તો કાઢશો તો તમે સગાઈ તોડી શકશો અને ઘરની આબરૂની સાથે સાથે પેલી છોકરીના ભાવિ જીવનને પણ ઓછામાં ઓછું નુકસાન કરવામાં સફળ થશો.

Comments