ડૉ. શરદ ઠાકર: જીવનની વ્યાખ્યાઓ કરવા દો લોકોને



 
‘માફ કરજો, સાહેબ! હું તો એવું માનું છું કે ડોક્ટર બનવા માટે હેસિયતની નહીં, પણ મહેનતની જરૂર પડે છે. હું મહેનત કરવામાં પાછો નહીં પડું.’ આટલું બોલતાંમાં તો તેર વર્ષના રમેશની આંખોમાં સપનાંનું મેઘધનુષ ખીલી નીકળ્યું.

આઠમા ધોરણના ડ્રોઈંગ ટીચરે વિદ્યાર્થીઓને કહ્યું, ‘તમને ગમતું કોઈ પણ એક ચિત્ર દોરી લાવો.’ આટલું ફરમાવીને સાહેબ તો પગ લંબાવીને ખુરશીમાં ઊંઘી ગયા, જે હવે પછી પિરિયડ પૂરો થયાનો ઘંટ વાગે ત્યારે જ જાગવાના હતા. વર્ગમાં બેઠેલા પંચાવન વિદ્યાર્થીઓ મનમાં જે આવ્યું તેને કાગળ પર ઉતારવા માંડ્યા.આ કોઇ અંગ્રેજી માધ્યમની સ્કૂલ નહોતી. આ ગુજરાતી માધ્યમની ખાનગી શાળા પણ નહોતી. આ તો હતી ગરીબ વિસ્તારમાં આવેલી ગરીબ વિદ્યાર્થીઓ માટેની સરકારી શાળા.ઘંટ વાગે તે પહેલાં જ મોનિટર સુરેશે સાહેબને જગાડ્યા; હાથમાં પંચાવન કાગળોનો થોકડો મૂકી દીધો. માસ્તરે કટાણું મોઢું કરીને આ ‘કલાકૃતિઓ’ ઉપર તપાસભરી નજર નાખી લેવી જ પડી.

આ બધા ક્યાં રાજા રવિ વર્મા કે રવિશંકર રાવળ હતા? કોઈએ ઘાસ ચરતી ગાયનું ચિત્ર દોર્યું હતું, તો કોઈએ પર્વત પાછળથી ઊગતા સૂરજનું ચિત્ર કાગળ ઉપર ઉતાર્યું હતું. મનજી વાળંદના દીકરા મગને હેર કિંટગ સલૂનનું, તો ટપુ દરજીના બબલુ સિલાઈના મશીનનું ચિત્ર ઊપસાવ્યું હતું.‘આ કોણે દોર્યું છે?’ એક ચિત્ર જોઈને માસ્તરની આંખો ચમકી ઊઠી. પછી નીચે લખાયેલું નામ વાંચ્યું, ‘રમેશ, ઊભો થા; અહીં આવ.રામજી મંદિરના પૂજારી રામશંકરનો દીકરો રમેશ માસ્તર પાસે આવ્યો. ‘આ તે દોર્યું છે? દર્દીને તપાસતાં ડોક્ટરનું ચિત્ર?! આવી કલ્પના તને કેવી રીતે સૂઝી?’ માસ્તરે પૂછ્યું.

‘સાહેબ, આ ચિત્ર નથી, પણ મારું સ્વપ્ન છે. મોટા થઈને મારે ડોક્ટર બનવું છે.’ આટલું બોલતાંમાં તો તેર વર્ષના રમેશની આંખોમાં સપનાંનું મેઘધનુષ ખીલી નીકળ્યું.રમેશનો જવાબ સાંભળીને બાકીના ચોપ્પન વિદ્યાર્થીઓ હસી પડ્યા. આખો વર્ગખંડ ખખડી ઊઠે એટલું હસ્યા. માસ્તરથી પણ સહેજ તો મલકી જવાયું, ‘બેટા, રમેશ! આવું ઊંચું સ્વપ્ન જોવું એ સારી વાત છે, પણ એને સાકાર કરવા માટે આપણે આપણી હેસિયત પણ જોવી જોઈએ. નહીંતર જ્યારે જીવનમાં ધોબીપછાડ ખાવાનો વારો આવે ત્યારે માણસને રડતાંયે ન આવડે.‘માફ કરજો, સાહેબ! હું તો એવું માનું છું કે ડોક્ટર બનવા માટે હેસિયતની નહીં, પણ મહેનતની જરૂર પડે છે. હું મહેનત કરવામાં પાછો નહીં પડું.’

સાંજે રમેશ ઘરે આવ્યો. હાથ-પગ ધોઈને વાંચવા બેસી ગયો. રાત્રે ઝટપટ રોટલો-દૂધ જમીને મોડે સુધી ભણતો રહ્યો. આઠેક વાગ્યે એના પિતા રામજી મંદિરમાં પૂજા-આરતી પતાવીને ઘરે આવ્યા. પત્નીના હાથમાં ત્રણ રૂપિયા ને પાંત્રીસ પૈસાનું પરચૂરણ મૂકીને નિરાશ વદને બબડ્યા, ‘આ ઘોર કિળયુગમાં લોકોની શ્રદ્ધાયે ઓછી થતી જાય છે. આજે આખા દિવસમાં દસ રૂપિયા તો માંડ...’ આ દસ રૂપિયા એ હેસિયત હતી અનેે રમેશ ચોવીસમાંથી દસ કલાક ધ્યાન લગાવીને ભણતો રહ્યો એ મહેનત હતી. હવે વિધાતાએ નક્કી કરવાનું હતું કે કાગળ પરનું સપનું કાગળ પર જ રહેવા દેવું કે એને હકીકતમાં ઉતારવું!બે વર્ષ પછીની ઘટના. સાંજનો સમય. શેરીના મિત્રો ભવિષ્યની ચર્ચા કરતા હતા. ઘોડાગાડી ચલાવતા ઇબ્રાહીમભાઈના ઇસ્માઈલે મનની છલાંગ જાહેર કરી દીધી, ‘હું તો મોટો થઈને મોટર ડ્રાઈવર બનીશ.

ઘોડાગાડી કોણ ચાલવે?’ફૂટપાથ પર બેસીને બકાલુ વેચતા મંગાના દીકરાએ મહેચ્છાની પોટલી ખોલી નાખી,’ હું મોટો થઈને શાકની લારી ચલાવીશ, પાથરણું લઈને બેસતાં મને તો શરમ આવે.’અડધા કલાકની ચર્ચામાં છેલ્લો વારો રમેશનો આવ્યો. ‘હું ડોક્ટર બનવા ઇચ્છું છું.’ એણે કહ્યું. એ સાથે જ શેરી આખી હસી પડી.કો’કે ટોણો માર્યો, ‘એવી ઈચ્છા રાખતાં પહેલાં એ તો જોવું હતું કે તારા બાપા શું કરે છે!’એ રાત્રે રામશંકર પૂજારીએ રડતાં દીકરાને છાનો રાખ્યો, ‘બેટા, હિંમત ન હારીશ. જો દરેક દીકરો પોતાના બાપનો ધંધો જ નજર સામે રાખીને મોટો થતો હોય તો પછી આ દેશમાં બીજો ગાંધી, સરદાર કે વિવેકાનંદ પાકશે જ ક્યાંથી? તારે ડોક્ટર બનવું છે ને? તો તું બનીશ જ. મહેનત તું પણ કર, હું પણ કરીશ.’

રમેશ તનતોડ મહેનતમાં જોડાઈ ગયો. ગાઈડ, ટ્યૂશન કે અન્ય સુવિધાઓનો સદંતર અભાવ. પૈસાની ખેંચ. શાળાના શિક્ષકો, વિદ્યાર્થી મિત્રો અને શેરીમિત્રો એ બધાની ઉપેક્ષા, ટીકા અને નફરત. આટલી બધી પ્રતિકૂળતાઓની વચ્ચે રમેશ દિવસ-રાત એક કરીને, સમયના ખેતરમાં ઉજાગરાનું હળ ફેરવતો રહ્યો અને પરસેવાના વરસાદમાં અભ્યાસનાં બીજ વાવતો રહ્યો.‘બેટા, મારે તને કંઈક કહેવું છે.’ એકવાર એની માએ ઢીલા-ઢીલા અવાજમાં રમેશ આગળ મનની મૂંઝવણ રજુ કરી, ‘તારા બાપુ તને કહી શકતા નથી, માટે એમણે મને આ કામ સોંપ્યું છે.’

રમેશ સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો, મા કહેતી હતી, ‘ગયા મહિનાનું વીજળીનું બિલ દર વખતના કરતાં બમણું આવ્યું છે. તું મોડી રાત સુધી જાગીને વાંચતો હોય છે ને એટલે...! બેટા, આપણને આ બિલ પરવડે તેમ નથી.’બીજા દિવસથી રમેશે પોતાનો ક્રમ બદલી નાખ્યો. વાંચવાનું તો એણે બંધ ન કર્યું, પણ ઘરની વીજળીનો ઉપયોગ કરવો બંધ કરી દીધો. સાંજે વાળુ પતાવીને એ ઘરમાંથી નીકળી જતો. ઢગલો એક પુસ્તક થેલીમાં ભરીને શેરીની ફૂટપાથ પર બેસી જતો. સ્ટ્રીટ લાઈટના અજવાળામાં પોણી પોણી રાત સુધી એ વાંચ્યા કરતો.

પડોશીઓથી આટલું પણ સહન ન થયું. જે થાંભલા પાસે બેસીને એ વાંચતો હતો એની પાસેના મકાનમાં રહેતા જીવાભાઈએ સમી સાંજથી જ ત્યાં પાણી ઢોળવાનું શરૂ કરી દીધું.‘જીવાકાકા, અહીં પાણી ન ઢોળોને! મારે અહીં બેસીને વાંચવું હોય છે.’ રમેશ કરગરે તો સામે જીવાભાઈનો જવાબ મળે, ‘બીજે જઈને વાંચ. આ ઉનાળાની ગરમીમાં ઘરની બહાર પાણી છાંટવાથી આખી રાત ઠંડક રહે છે.’બીજો થાંભલો, બીજો દિવસ, બીજી ઠંડક. આમ કરતાં કરતાં રમેશ છેક બીજી શેરી સુધી ધકેલાતો ગયો, પણ આખરે એનું ઝનૂન રંગ લાવીને જ રહ્યું. બારમા ધોરણમાં એ કેન્દ્રમાં પ્રથમ ક્રમે પાસ થયો.

એને એક પણ રૂપિયાનું ડોનેશન ભર્યા વગર સારી, સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો. સપનાંનાં બીજ વાવ્યાં હતાં એ ઊગવાનાં શરૂ થયાં. બસ, હવે લણવાની ઋતુ આવે એની જ રાહ જોવાઈ રહી.કઠોર પરિશ્રમ તો હજુયે કરવાનો જ હતો. વેકેશનમાં જ્યારે તે ઘરે આવતો ત્યારે પણ ભણવાનું ને વાંચવાનું તો ચાલુ જ હોય. પડોશીઓ મોટે મોટેથી રેડિયો વગાડીને રમેશને ખલેલ પહોંચાડે અને જો રમેશ વિનંતી કરે તો સામો જવાબ આપે, ‘જોયો મોટો ડોક્ટર થવાવાળો! કંઈ અમારા માટે થોડો ડોક્ટર બનવાનો છે?’

***

કેટલાક સવાલોના જવાબો માત્ર સમય પાસે જ હોય છે.એમ.બી.બી.એસ. થઈ ગયા પછી ડૉ. રમેશ પાસે ત્રણેક વિકલ્પો હાજર હતા. સરકારી નોકરી સ્વીકારી લેવી, આગળ ભણવું ને ઉચ્ચ ડિગ્રી મેળવવી અથવા કોઇ સારા વિસ્તારમાં ક્લિનિક ખોલીને ધીકતી કમાણી શરૂ કરી દેવી.ડૉ. રમેશે ચોથો જ વિકલ્પ પસંદ કર્યો. પોતાના જ વિસ્તારમાં દવાખાનું શરૂ કર્યું. આજે આ વાતને વર્ષો થઈ ગયાં. દર્દીઓનાં ટોળાં ઊમટે છે, જોકે રૂપિયા ઓછા મળે છે. કારણ? વસ્તી ગરીબ છેને એટલે. એમાં પણ એની પોતાની શેરીના દર્દીઓ પાસેથી એ એકપણ પૈસો લેતો નથી. જે લોકો એને ઉતારી પાડતા હતા એમની સારવાર એ મફતમાં કરે છે. જો પૂછવામાં આવે તો એ કારણ જણાવે છે: ‘એ બધાં અભણ છે અને અજજડ છે, હું તો ભણ્યો છુંને? જો હું પણ એમના જેવો જ થાઉં તો એ લોકોમાં સારા થવાની સમજ ક્યાંથી આવશે?’

(સત્ય ઘટના)

Comments