'મારા માણસ સાથે તમારી રેશમ ઘોડી મોકલજો'



 
તાલબ જમાદાર-નાનાભાઈ જેબલિયા

ભાઇ તાલબને માલૂમ થાય કે આવેલ મારા માણસ સાથે તમારી રેશમ ઘોડી મોકલજો. ઘોડી અમને ખૂબ ગમી છે. માટે એના મૂલ ચૂકવી દેશું અથવા તો તમે કહેશો એમ કરી દેશું.

મહુવા પરગણાના તરેડ-કુંભણ ગામનો ગામધણી તાલબ જમાદાર જ્યારે આબરૂ અને કીર્તિએ વેંત વેંત વધવા માંડયોત્યારે ભાવનગરના મહારાજ વજેસંગના કોઇ પડખિયાની ખોપરીમાં ઇષૉની જામગરી ચંપાણી... એની અદેખી આંખે અંગારા ઝર્યા: ‘અમે બેઠા છીએ ને એક અરબસ્તાનનો આરબ આવી મોટાઇ પામે? આમ આભે જાતો આંબે?’

‘હા, ભા! કુંભણમાં રાણા બારોટે ખોબો ખોબો એના દુહા કીધા. તાલબ જમાદારે એને મોતિયાબંધ મકાનો બક્ષિસ કર્યા અને માથે જાતાં સો વીઘા જમીન પણ આપી દીધી.’

‘અને ભા! તાલબ એટલેથી ક્યાં અટકયો? કુંભણ અને તરેડના બ્રાહ્નણોને બસો વીઘા દીધી. શંકર મંદિરના પૂજારીને સો વીઘા જમીન દીધી... રખેહર (હરીજન)ને પણ સો વીઘા જોં’સી અને દશેરાની સવારીમાં કુંભણ અને તરેડ ગામને ધુમાડાબંધ જમાડ્યાં.

‘માળું આરબડું...! આંગળી ફાટીને થાંભલો થઇ ગયું હોં અરબસ્તાનમાંથી આવ્યું ત્યારે ચપટી રેતી જ હતી એની દાઢીમાં...’ અને આમ તાલબ જમાદાર, ઇષૉખોરોની આંખમાં શૂળની જેમ ખટકવા માંડ્યો. પાઘડીઓ બંધાણી, ભેટ્યો વળાણી, ઘોડે સામાન મંડાણા અને ઘોડા ભાવનગરના રાજવી વજેસંગજીના દરબાર દીમના ડાબલા વગાડી ગયા. ‘સાંભળ્યું ને બાપુ?’ મહારાજ વજેસંગના હકડેઠઠ કચેરીમાં જઇને એણે દીવાસળી મૂકી: ‘કુંભણ ગામના તાલબ જમાદારે રાવણાઇ આદરી...’

વાત કરનારની સામે રાજવીની આંખો મંડાણી... ખણખોદ કરીને જીવતર ગાળનારા આ માનવીઓના ચહેરા ઉપર તાલબ જમાદાર માટે અસૂયાનાં ઝાળાં ઊગ્યાં હતાં... મહારાજ વજેસંગજીએ બે ઘડી સુવાણ્ય માટે ખોટો ખોટો અચંબો દેખાડ્યો: ‘એમ કે? તાલબ જમાદાર એવો મોટો થઇ ગયો!’

‘થ્યો... બાપુ! અન્ન ખાય છે ભાવનગર રાજનું અને આબરૂની ગાંસડીઓ બાંધે છે એના નામની... રાણા બારોટે તાલબના દુહા કીધા અને બારોટને મોતિયાબંધ મકાન દઇ દીધાં. ઉપરી આમણમાં સો વીઘા જમીન પણ દીધી...અને બાપુ! તરેડ-કુંભણના બ્રાહ્નણોને બસો વીઘા જમીન દીધી દાનમાં... શંકરના પૂજારીને સો વીઘા દીધી. અરે, રખેહરને પણ સો વીઘા દીધી. હદ કેવાયને મહારાજ! ભાવનગરનો કાંક મલાજો રાખવો પડે આમ ને આમ?’

‘તે એમાં શું થઇ ગયું ભાઇ!’ વાત આખી સાંભળી લઇને ઉદાર ચરિત રાજવી ગરવું હસ્યા: ‘તાલબ જમાદાર બે ગામનો ધણી છે. મોજ આવી હશે. ગામ ધણી કોને કહે?’

‘બાપુ! દાન તો આપ કરી શકો પણ આપનો એક વારનો ચાકર આમ કરી શકે? અને એ પણ આપના રાજ્યમાં રહીને?’, ‘હા...’ મહારાજ હસ્યા: ‘તાલબ કરી શકે... ઇ તો લાખેણો છે... તાલબ જમાદાર માટે મને બાૈ માન છે.’

‘રાખો હવે બાપુ! આપણા હાથ હેઠળના માણસોને બૌ મોઢે ન ચડાવાય.’, ‘કાં?’

‘કાં શું? કાલ ઊઠીને એવાં દાન કરશે કે ભાવનગર ભોંઠું પડશે...’

‘ન પડે... તાલબ તો મારા દાદભા દીકરા જેવો મને વહાલો છે.’ મહારાજ વજેસંગજીની આંખમાં અમીરાત ઊભરી: ‘મારા બાપુ આતાભાઇ ગોહિલે રાજી થઇને એને બે ગામ દીધાં છે. તાલબ એ માટે લાયક હતો... જાણો છો? તાલબ જમાદાર ઠેઠ અરબસ્તાનમાંથી ત્રણસો આરબોની બેરખ લઇને સિહોરમાં આતાભાઇની ફોજમાં જોડાયો હતો... રાજ માટે માથાં મૂકીને તાલબ લડ્યો હતો... તાલબ જમાદારના પ્રતાપે રાજના સીમાડા સો સો ગાઉ પહોળા થયા’તા બાપ! તાલબે એનું કુટુંબ હોમેલું... શત્રુની તોપોના ગોળા સામે, ભાલા અને તલવારો સામે તાલબ એના ત્રણ ત્રણ ભાઇઓ સાથે મોતને માંડવે ઊભો તો... માટે તાલબ જમાદારની વાત મૂકીને બીજી સુવાણ્યની વાતું કરો, બા!’ આઘાપાછી કરીને તાલબ જમાદારનું સૂડ કાઢવાવાળાઓના હાથ હેઠા પડ્યા...! પણ એની મૂડી હજી અકબંધ હતી. એના ભાથામાં રામબાણ જેવું હજી પણ એક હથિયાર હતું અને એણે વાપરી નાખ્યું.

‘ભલે બાપુ! તાલબ આપને દાદભા કુંવર જેવો વહાલો હોય તો એનાં પારખાં પણ થવાં જોઇએ.’ મહારાજ વજેસંગજીએ સૂચક નજર નોંધી કે બોલો શું એનાં પારખાં કરંુ?

‘બાપુ! તાલબ જમાદાર પાસે ચિત્તલની રેશમ ઓલાદની ઘોડી છે. ઇ ઘોડી આપ મંગાવી જુઓ..આપ જોજયો કે શું થાય છે?’

‘ઓહોહો!’ મહારાજ હસ્યા: ‘વાત તો એટલી જ ને?’ કહીને ભાવનગરના રાજવીએ કાગળ, કલમ અને ખડિયો મંગાવ્યાં. તાલબ જમાદાર ઉપર ચિઢ્ઢી લખી: ‘ભાઇ તાલબને માલૂમ થાય કે આવેલ મારા માણસ સાથે તમારી રેશમ ઘોડી મોકલજો. ઘોડી અમને ખૂબ ગમી છે. માટે એના મૂલ ચૂકવી દેશું અથવા તો તમે કહેશો એમ કરી દેશું પણ ઘોડી રાજને આપવાની છે.’ અને તાબડતોબ સાંઢણી સવારને કુંભણના માર્ગે વહેતો કર્યો. ખણખોદિયાએ એકાંતમાં જઇને કાંખલિયો કૂટી: ‘હવે થાશે જોવા જેવી.’

‘હા, સાચું એટલે બ્રહ્નાના અક્ષર...!’, ‘રંગ તમને. આપણી મહેનત લેખે લાગશે, પણ શું થાશે એની જરાક વિગતે વાત કરો ને ભા! કાંક સૂઝકો પડે.’

‘સાંભળો...’ કહીને પેલાએ વાત માંડી: ‘આ દશેરાના દિવસે ગામધણી લેખે તાલબ જમાદારની કુંભણમાં સવાર ચડી. હથિયારો બાંધ્યાં. ઘોડા શણગાર્યા... લોકો ઊમટયા... તાંબાળુ ધડક્યાં. નિશાન ચડ્યાં... તાલબ સહિત ચારેય ભાઇ ઘોડે ચડ્યા. મોટો તાલબ, નાનો સૈયદ, ત્રીજો બહાદર અને ચોથો અલી... આમેય આરબોના રૂપાળાં કલેવરો. આંખ તો અરબસ્તાનની... વાને ઊજળા... પૂરા ગજાના... પણ સૌથી નાનો અલી તો અનહદ રૂપાળો અને એમાંય અલીની રાંગમાં રેશમ ઘોડી..! ઘોડી કુદાવતો અલી એવો તો રૂપાળો લાગતો તો કે ખુદ તાલબ પણ બોલી ઊઠ્યો: ‘સુભાનલ્લાહ! ભાઇ અલી! તારી રૂડપ તો ખુદાને પણ ખુશ કરે એવી દીસે છે હોં અને એમાંય તારી આ રેશમ ઘોડી.’ અલી મોટાભાઇ તાલબ સામે થોડુંક મરકયો અને પછી થોડો હતાશ થઇને બોલ્યો: ‘બડેભાઇ! અટાણે તો શોભું છું... પણ પછી પગપાળો...’

‘ગાંડો કાં થા, અલી?’ તાલબ ગંભીર થયો: ‘મારો ભાઇ પગપાળો શું કામે?’

‘તમારી ઉદારતાનો કોઇ આંક થોડો છે... બડેભાઇ!’ અલી હસ્યો: ‘કોક માગણ ભિખારી ઉપર તમે ખુશ થાશો અને રેશમ ઘોડી એને નજર કરી દેશો. મારાથી ના પડાશે?’

‘મત બોલ્ય, અલી!’ તાલબે હાથ ઊંચો કર્યો: ‘તારી રેશમ ઘોડી ખુદ અલ્લામિયાં માગે તો પણ નૈ આપું... જો આપું તો ખુદાની કસમ... હાંઉ?’

‘પત્યું...!’ પેલા આઘાપાછિયા ખુશ થયા: ‘હવે તાલબ જમાદાર ઘોડી ન આપે... આરબ બચ્ચો ખુદાના સમ ખાય એટલે પછી લોઢામાં લીંટો.’

‘એટલે જ હવે જોવા જેવી થાશે... મહારાજ વજેસંગજીને આ વાતની ખબર નથી અને ઘોડી મંગાવી બેઠા છે. સાંઢણી સવાર હમણાં પાછો આવશે ધોયેલા મૂળા જેવો!’ સાંઢણી સવાર કુંભણ પહોંચ્યો. તાલબ જમાદારેને મહારાજ વજેસંગની ચિઢ્ઢી અંબાવી. ચિઢ્ઢી વાંચતાં તાલબ જમાદારની ઉપર જાણે આખો પહાડ પડ્યો...! મનોમન તાલબ પોકારી ઊઠ્યો: ‘અય ખુદા! મારા પર આવી બેરહમી! મહારાજ વજેસંગજી તો મારા અબ્બાજાનના સ્થાને.’ અને પોતાની પ્રતજિ્ઞા યાદ આવતાં તાલબનું માથું ખળભળ્યું. જો ઘોડી આપે તો ખુદાના કસમ ફોક થાય અને ન આપે તો પોતાનાં બે ગામ જાય... પણ એકાદ પળના ગાળામાં તાલબે ગામ ગિરાસને જતાં કરી દીધાં: ‘ઘોડી નૈ મળે ભાઇ!’

‘હેં?’ સાંઢણીસવાર ચોંકયો: ‘ભાનમાં છો, જમાદાર?’, ‘હા...’

‘તો લખી દો.’ અને તાલબે જવાબ લખ્યો: ‘પ્યારા બાપુને માલૂમ થાય કે રેશમ ઘોડી આપને કોઇપણ સંજોગોમાં આપી શકીશ નહીં. મેં મારા છોટાભાઇને બક્ષિસ કરી દીધી છે. માટે રેશમ મંગાવશો નહીં. મારા જેવા નાચીજ ઇન્સાનને મુઆફ કરના... લિ. તાલબના દુઆ-સલામ...’ સાંઢણીસવાર કુંભણનો નનૈયો લઇને ભાવનગર આવ્યો.
ભરી સભામાં તાલબ જમાદારનો જવાબ આપ્યો... રાજવી વજેસંગની દાઢી-મૂંછોનાં રણશિંગાં ફૂંકાણાં: ‘એની જાતનો આરબ! ભાવનગરના ધણીનું અપમાન!’ મહારાજ વજેસંગે પળનાય વિલંબ વિના વળતો કાગળ મળતાં મારા ભાવનગરની હદ છોડીને બીજે જતા રહેજો. મારા લશ્કરને કુંભણનો ધક્કો ન થાય એ જોશો. ’ તાલબ જમાદાર ખોપ ખોદવાની રાહ જોઇને જ બેઠા હતા અને ત્યાં તો સાંઢણસવારે વળતો કાગળ આપ્યો... તાલબના હિતશત્રુઓએ તાલબ જમાદારની લીલી વાડી ચારેય છેડેથી સળગાવી દીધી’તી!

ખુદાનું નામ લઇને તાલમ જમાદારે કુંભણ છોડવાની તૈયાર કરી... ગારિયાધારના ધણી નોંધણને ખબર મળતાં એણે તાલબને સમાચાર મોકલ્યા કે જમાદાર! ગારિયાધાર આવતા રહો... ભાવનગર કરતાં સવાયો ગિરાસ અને ગામ આપું... ‘ગારિયાધાર આવું?’ તાલબે ઉત્તર મોકલ્યો: ‘બાપ! મેં તો ભાવનગરનું ઓઢણું ઓઢેલું છે. મારાથી કાંઇ દિયરવટું વળાશે?’

ભાવનગરજનો થાંભલા જેવો આરબ તાલબ, ભાવનગરરાજ છોડે છે એવા સમાચાર જૂનાગઢ પહોંચ્યા. નવાબ હામદખાંએ કાગળ મોકલ્યો: ‘તાલબ જમાદાર! જૂનાગઢ આવો. તમને બાર ગામ આપું.’

‘ન બને બાપ!’ તાલબે એને પણ નનૈયો ભણ્યો. ‘ભાવનગર સારંુ મેં તમારી ફોજ સામે ધીંગાણાં કરેલાં. હવે હું જૂનાગઢમાં કઇ રીતે શોભું?’ અને તાલબ જમાદારની ખાનદાની, વફાદારી, પ્રામાણિકતા ભાવનગર તરફની રાજભક્તિની આ બધી વાતો સાંભળીને મહારાજ વજેસંગ તાલબને મનાવી લેવા ધોળા ગામે આડા ફર્યા. ‘તાલબ જમાદાર! ગઇ ગુજરી ભૂલી જાઓ... ઉચાળા પાછા વાળો.’ દિશાઓના બિડાણને તાકતી તાલબની પીડાભરી આંખો મહારાજ વજેસંગ સામે મંડાણી અને પછી તાલબે માથું ધુણાવી દીધું: ‘નૈ બને બાપુ! ખુદાવંદ! હવે સલામ...!’

વજેસંગજી દ્રવ્યા: ‘જમાદાર! મારી ભૂલ થઇ ગઇ.’

‘અન્નદાતા! માફ કરો... હિન્દની ધરતીનાં મારાં અન્નજળ હવે પૂરાં થયાં.’ તાલબની આંખો ભીંજાણી: ‘મારાં બાળબચ્ચાંને હવે કાઠિયાવાડની ધરતીનાં અન્નજળ સુવરની માટી બરોબર છે. મને મુઆફ કરો બાપુ!’

‘ભારે થઇ જમાદાર!’ અને વજેસંગજીનું ગળું રૂંધાયું. ‘ઓછું લાવશોમા બાપુ! મારું બાકીનું જીવન હવે અરબસ્તાનમાં ગાળીશ. ખુદાની બંદગી કરીશ અને આપને યાદ કરીશ. આરબનો ઇતબાર કોણ કરશે, માલિક!’ અને ભારે હૈયે તાલબ એના ઉચ્ચાળા સાથે ચાલી નીકળ્યો... એણે વજેસંગનાં ચરણો ગ્રહ્યાં. ધરતીની ધૂળ માથા પર ચડાવી...! અને એ પળે એક ટીપું રાજવીની આંખનું અને બીજું ટીપું એક આરબની આંખનું ધરતી પર પડ્યાં. ફૂલ બની ગયાં.‘

Comments