નાનાભાઈ જેબલિયા: હૈયું અને હરમત



 
ઝીણાભાઇએ જ પહેલો ઘા રાણાનો સમજીને દીપડા ઉપર હુમલો કર્યો. એક સીમવાસી અને બીજો વગડાવાસી સામસામે ડોળા તાણવતા હતા. જે ચૂકે એની ખાંભી ખોડાવાની હતી!

સૂરજ ઊગતો હતો. ગિરનાર ચડીને પાછાં વળેલાં એના ચમકતાં, ઊછળતાં, યુવાન કિરણો હવે સોરઠની ધરતીની રિળયાત ઉપર અડિઁગો લેતાં હતાં... ધરા સોરઠીના ડુંગરા, ડુંગરીઓ, નદી-નાળાં અને અડાબીડ વનરાઇઓ સૂરજના ‘સમૂર્તા’માં આવેલ સોનું પહેરીને મલકતાં હતાં... વંથલી તાલુકાના મોટા કાજલિયાળા ગામના છેવાડાના સીમાડે, ઝીણાભાઇ ઝીંઝુવાડાની વાડીના ખોરડે ખેતીકામનો ઘણોવણો શરૂ થયો હતો. વાડીનો વસવાટ. કુટુંબકબીલો કાયમ વાડીના વસવાટે... બાળકો જાગીને રમતાં’તાં... રસોડે તાવડીઓ તપતી હતી.

રોટલા ટિપાતા’તા. વાડીના પરિસરમાં આંબા, જાંબુડાનાં ફળઝાડો ઉપર પંખીઓ બેસીને પ્રભાતિયાં ગાતાં’તાં...ઝીણાભાઇના કુટુંબનાં બે ભૂલકાં, આંગણું છોડીને ખેતરના શેઢા પાસે બાળસહજ રમત રમતાં હતાં...સૂરજ આકાશનો દાદરો ચડતો હતો. ઝીણાભાઇ પોતાના ખેતરમાં સાંતિ હાંકતા હતા. શ્રાવણ ઊતરીને ભાદરવો બેઠો હતો એટલે આખી સીમ હરીભરી હતી. થોડે દૂર ઓઝત નદી એના બહોળા નીર ખળખળાવતી હસતી હતી. એના વિકરાળ કિનારા ઉપર આંબા, જાંબુડા અને વડલાના અવથાક ઝાડ શાંત ઊભાં હતાં...બળદો ચાલતા હતા. જમીન ઊઘલતી હતી.

સૂરજનો તડકો જુવાન થઇ રહ્યો હતો. બાળકો એની રમતમાં મશગૂલ હતાં. ખેતરને અડીને આવેલી ઝાડીમાંથી એક ખૂંખાર દીપડો આળસ ખાઇને ઊભો થયો. વિકરાળ જડબું એણે હવામાં માણસની ગંધ મેળવવા પહોંળું કર્યું અને બાળ લોહીની ગંધ એના નાકે અડી ગઇ. જ્યાંથી ગંધ આવી, એ દિશામાં દીપડાએ એની નજર નાખી અને એ અંકુરાઇ ઊઠ્યો! એક જ છલાંગના અંતરે કૂણાં કૂણાં બે બાળકો સાવ એકલાં એકલાં રમતાં હતાં. શિકારીની ક્રૂર આંખો ચમકી ઊઠી. પંજાના નહોર સાબદા થઇ ગયા...

મીંઢું અને ચાલાક એ જાનવર, તરકીબ અને અંદાજ સાથે ચૂપચાપ, બિલાડીપગે આગળ વધ્યું. સાત ફૂટની એની કાબરચીતરી કાયા તડકામાં ચમકી અને ઝાડની ડાળીએ ગીત ગાતાં પંખીઓ હડબડી ગયાં. ખેતરોમાં ઘાસ ચરતાં સસલાંઓ ઝીણી ચીસો નાખીને છલાંગી ગયાં...! કાળના અવતાર જેવો દીપડો, બાળકોને આંખમાં રાખીને ધીમી પણ લાંબી ચાલે આગળ વધી રહ્યો હતો. કુદરત આખી કકળતી હતી... દીપડો સફળતાના માર્ગે પગલાં દઇ રહ્યો હતો. ક્રૂર ઘટના બનવાની ઘડીઓ ગણાતી હતી, પણ કુદરતી રીતે જ સાંતિ હાંકતા ઝીણાભાઇ કોળીએ બાળકોની દિશામાં જોયું અને જોતાંની સાથે જ એની આંખો ચાર થઇ ગઇ. ગળું ઊઘડ્યું પણ એમાંથી બહાર નીકળતો અવાજ તાળવે આવીને જીભની સાથે ચોંટી ગયો...

બંને બાળકો દીપડાના મોઢા સામે આવી ગયાં હતાં. હવે તો દીપડો છલાંગ મારે અને મોં ઉઘાડે એટલી જ વાર હતી. ઝીણાભાઇનાં રૂંવાડાં ઊભાં થઇ ગયાં. બુદ્ધિ અને સમજણ ઠરી ગયાં. વળતી પળે આવેશનો એક આંચકો આવી ગયો. નજર સામેથી જો પોતાનાં પોતરાં દીપડો લઇ જાય તો જીવતર ધૂળ હતું. ધૂળ જેવા જીવતરને લંબાવવા કરતાં આ પળે જ ફેંકી દેવાનો દ્રઢ મનસૂબો થઇ ગયો... ગંગાજળ અને તુલસીપાન કલ્પનાથી મોંમાં મૂકી દીધાં અને ખાપણનું કાંઇ નક્કી નહોતું. ખાઉધરો ભયાનક એ દીપડો પોતાના દેહમાંથી કાંઇ વધવા દેશે તો છોકરા ખાંપણ ઓઢાડશે નીકર હાડકાં તો દામાકુંડમાં નાખવા જાશે જ અને ઝીણાભાઇએ કાળજગરી એક ચીસ સાથે દીપડા તરફ દોટ દીધી.

પગરખાં તો ખેતરમાં જ ઊડી ગયાં પણ સાંતિ હાંકવાનો ખરપિયો પણ આવેશમાં ફંગોળાઇ ગયો.‘હત્ કૂતરા!’ અડવાણા પગે અને ખાલી હાથે ઝીણાભાઇ બાળક અને દીપડાની વચ્ચે થાંભલાની જેમ ખોડાઇ ગયો. સોરઠની જવામર્દ ધરતી, સિંહને પાણી પાતી ઓઝત અને અસંખ્ય મર્દાનગીભર્યા ખેલો જોઇ ચૂકેલો ગરવો ગિરનાર, ઉત્સુક આંખે આ ઘટનાને નિહાળી રહ્યાં હતાં અને પોતાને ગળે ઊતરે અને હૈયે ટાઢક થાય એવી મર્દાનગી ખેલાય તો હજારો મર્દાનગીઓના ચોપડામાં આ એક આદમીનું નામ લખવા તલપાપડ પણ હતા.
કોઇપણ જાતની દહેશત કે ધ્રુજવારટ વગર પોતાની સામે આવીને ઊભેલા ઝીણાભાઇ કોળીની સામે દીપડાએ ત્રાડ નાખી, છતાં ઝીણોભાઇ તો ઊભો હતો... દીપડો બીજીવાર ત્રાડ્યો અને બાળકો તરફ એનું કાંધ નમાવ્યું.

જો આ આદમી જરાક ચસકે તો એક બાળકને મોમાં નાખીને, એક જ છલાંગ બસ હતી. ઝીણાભાઇ પળ એક અકળાયો. બાળકોને દીપડાના મોઢા સામેથી દૂર કરવા એણે પાછાં પગલાં લીધાં. દીપડો તરાપ મારવા થોડો પાછો હટ્યો અને આ બે પળોમાં ઝીણાભાઇએ બાળકોને બાવડે પકડી પકડીને દૂર ફંગોળી નાખ્યાં હતાં. બચ્ચાં ધૂળમાં આળોટતાં, બાંગો દેતાં હતાં એ સમયે ઝીણાભાઇ ચાર ડગલાં સામે ચાલીને દીપડાના મોઢા સામે ગોઠવાઇ ગયા...ઝીણાભાઇ હવે હરમતમાં હતા. બાળકો દીપડાથી દૂર થઇ ગયાં હતાં અને જાનની બાજી લગાવવા માટે મેદાન તૈયાર હતું.

દીપડો ઝીણાભાઇને અને ઝીણાભાઇ દીપડાને છોડવા તૈયાર નહોતા. બેમાંથી એકે વિદાય લેવાની હતી... ઝીણાભાઇએ તો એક સ્મશાન લગીની બધી જ આરીકારી પોતાને હાથે પૂરી કરી લીધી’તી. વિચારવાનું હોય તો હવે દીપડાએ...! અને પછી તો ઝીણાભાઇએ જ પહેલો ઘા રાણાનો સમજીને દીપડા ઉપર હુમલો કર્યો. એક સીમવાસી અને બીજો વગડાવાસી સામસામે ડોળા તાણવતા હતા. જે ચૂકે એની ખાંભી ખોડાવાની હતી! ‘જે માતાજી!’ ઝીણાભાઇએ ઠાલા હાથનાં બાવડાં દીપડા સામે કકડાવીને તૈયાર કર્યા. દશ આંગળીઓ અને બે અંગૂઠાને દીપડાની ગળચી સુધી પહોંચાડીને દીપડાને પણ ભાન કરાવવી હતી કે તારી જેમ મેં પણ ઓઝતનું પાણી પીધું છે અને વગડોય વેઠ્યો છે. હવે આવી જા કૂતરા! હરણાં, સસલાં અને સુંવાળાં ગરીબ બચ્ચારાં જાનવરોનાં લોહી પી પીને ભીમનાથના ખૂંટિયા જેવો થયો છે. આ ઝીણા નાનજી કોળીના હાથ પણ જોતો જા...!

દીપડો બે પગે ‘લા’ નાખતો ઝીણાભાઇ ઉપર જ છલાંગ્યો અને ઝીણાભાઇએ બાવડાં કચકચાવીને દીપડાની ગળચી હાથમાં લેવા દાંત પીસ્યા પણ દીપડો ચાલાક હતો... કજિયો જીતવાના શસ્ત્ર જેવા ઝીણાભાઇનાં બંને બાવડાં, એક જ ડાચીએ મોઢામાં લઇ લીધાં અને શેરડીના માદિળયાને કોઇ બાળક ચાળવથી ચાવતું હોય એમ ચાવવા માંડ્યો.

ઝીણાભાઇએ બાવડાંની ધોરી નસો તૂટતી અનુભવી, માંસના લોચા ઓગળતા અનુભવ્યાં... દીપડાના છરી જેવા દાંત વચ્ચેથી લોહીની પડનાળો વછુટતી હતી પણ એમ હારી જાય તો આ વનવાસી શાનો? વગડે વાડી કરીને વગડાની છાતી માથે રહેનારો આ વજજરનો માનવી, હાથને જતા કરીનેય દીપડાને હરાવવા માગતો હતો... કોણી સુધીના બંને બાવડાં દીપડાના મોઢામાં હતાં છતાં એણે ખભાના બળે બાવડાં વધારે ઊંડા ઉતારવા દીપડાને હડસેલવા માંડ્યો.

આંગળાં પોચાં અને કાંડા તો એ હારી ચૂક્યા’તા... ઝીણાભાઇના આવેશમય પડકારા અને દીપડાના ગળાનો ઘુરકાટ આખા વગડામાં પડઘાતાં હતાં...ધૂળમાંથી ઊભાં થઇને પોતાના દાદાને દીપડા સાથે બાખડતાં જોઇને બાળકો ચીસો દેતાં હતાં. દૂરનાં ખેતરોમાં મજૂરીકામ કરતી બાઇઓ ‘હાય માડી!’ની બાંગો દઇને નાસવા માંડી...આખો સીમાડો ચિસાઇ ઊઠ્યો’તો... ઝીણોભાઇ દીપડાને અને દીપડો ઝીણાભાઇને એકમેકને છોડતા નહોતા...

દીપડો ઝીણાભાઇનાં બેય બાવડાં પૂરાં ચવાઇ રહે કે એની ગળચીએ બાઝવાનો હતો અને ગોદડું ખેંચે એમ ખેંચી ઢસડીને ઓઝત નદીના કોતરોમાં લઇ જઇને ઝીણાભાઇને વિગતે ચાવી જવા ચાહતો અને પોતાની સામે કોઇ અડપલું ન કરે એવો ‘પો’ પણ પાડવા માગતો હતો. અડખે પડખેના આખા વિસ્તારમાં હોં દેકારો સાંભળીને ચારેક ખેતરવાના અંતરે સાંતિ હાંકતા રતિભાઇ જાદવે કાન માંડ્યા અને આંખે નેજવાં કરીને તડકાના કાચમાંથી જોયું તો ઝીણાભાઇના ખેતરમાં જ દીપડા સાથેનું દંગલ દેખાયું અને પડકારો મારીને રતિભાઇ જાદવે ખરપિયો લઇને એ દંગલ બાજુ દોટ મૂકી. જોયું તો ઝીણાભાઇ અને દીપડો બથોબથ હતા!

‘મૂંઝાશો મા ઝીણાભાઇ!’ રતિભાઇએ ખરપિયો તોલ્યો: ‘ઇ ઇ ખવીસનું માથું જરાક છુટું કરો એટલે ફોડી દઉં...’ઝીણાભાઇએ આઠ મણ વજનના ખવીસ જેવા દીપડાને થોડોક વધારે ઊંચો કર્યો અને રતિભાઇ જાદવનો ખરપિયો દીપડાના માથમાં ઝીંકાયો... અત્યાર સુધી સાવ નિર્ભય બનેલો દીપડો થોડોક પાછો હટ્યો. રતિભાઇ પણ વગડાનું છોરંુ... ઝીણાભાઇને દીપડાથી અલગ કરવા પાછળ જઇને દીપડાને પૂછડેથી પકડ્યોગંજીમાંથી પૂળો ખેંચે એમ ખેંચ્યો. પાછલા પગનો સહારો ગુમાવતાં દીપડો ભીતમાંથી પોડું એમ જમીન ઉપર પછડાયો. ઝીણાભાઇના હાથ દીપડાના મોંમાંથી છુટા થયા.

ચવાઇને ચÃથરાં બનેલા હાથે પણ એણે દીપડા ઉપર હુમલો કર્યો અને આટલી વારમાં રતિભાઇના ધબાધબી આઠ દસ ઘા દીપડાની ખોપરીમાં પડી ચૂક્યા હતા... ચૂંથાયેલા નાળિયેર જેવી ખોપરી સાથે દીપડો લાંબો થઇ ગયો. વગર બંદૂકે વગર ધારના હથિયારે, માણસખાઉ દીપડો હાથ હરમત અને હૈયાબળથી ખતમ થયો એ ઘટના મર્દાનગીની હરોળમાં આવીને, છાતી કાઢીને સોરઠની ધરતી ઉપર લખાઇ ગઇ...

(નોંધ: ઝીણાભાઇને વંથલી દવાખાને લઇ ગયા... શાબાશી દેતાં દેતાં ડોક્ટર લાડાણીએ સાઠ જેટલા ટાંકા લીધા. વન સંરક્ષણ વિભાગના અધિકારીઓએ બે કુમળાં બાળકોના જાન બચાવવા બદલ ઝીણાભાઇને શાબાશી આપી. ઘટના તા. ૯-૮-૯૬ના દિવસે બની હતી.)

Comments