ડૉ.શરદ ઠાકર: અસ્તિત્વ પ્રેમ શબ્દનું કાયમ નહીં રહે



 
હું તને એટલું જ કહેવા આવ્યો છું કે ક્યાં સુધી તું મને આમ હપ્તે-હપ્તે મારતી રહીશ. કાં તું બુરખો ઓઢીને ઘરની બહાર નીકળવાનું રાખ, કાં મારી બેય આંખો ફોડી નાખ. તારા સવાઁગસુંદર દાહક રૂપને જોતાં-જોતાં જિવાતું નથી અને જીવતેજીવ મરાતું નથી. કમ-સે-કમ આ રીતે લચકાતી ચાલે ચાલવાનું તો બંધ કર...

સ રર...ર...ર્... કરતી ગાડી પાણીના રેલાની જેમ આવીને કોલેજના પ્રાંગણમાં ઊભી રહી. ગણવેશ પહેરેલો શોફર બહાર નીકળ્યો. એણે પાછળનો દરવાજો ઉઘાડ્યો, પછી એ અદબપૂર્વક ઝૂકીને ઊભો રહ્યો. અને એ રાજકુમારીના ઠાઠ સાથે બહાર નીકળી. એ મનસ્વી મહેતા હતી. એ કોઇ સીધી સાદી છોકરી ન હતી, પણ રૂપની તિજોરી હતી, સુગંધની પોટલી હતી, અદાઓની સામ્રાજ્ઞી હતી અને નખરાંઓની નાઝનીન હતી.

એને જોતાં વેંત દસેય દિશાઓમાંથી ‘આહ’, ‘વાહ’ અને ‘હાય’ના ઊંહકારા અને સીસકારા સંભળાવા શરૂ થઇ ગયા. કોલેજની કમ્પાઉન્ડ વોલ ઉપર બેઠેલા મજનૂઓ વડના પાકેલા ટેટાઓની જેમ નીચે ખરવા માંડ્યા. કોલેજનાં પગથિયાં પર ઊભેલા રાંઝાઓ કાચની લખોટીની જેમ ગબડવા લાગ્યા. દૂર ઝાડ નીચે ઊભેલા ફરહાદો પાંખો ફફડાવતાં પતંગિયાં બનીને ઊડાઊડ કરવા લાગ્યાં. કોરિડોરમાંથી પસાર થતા પુરુષ પ્રાધ્યાપકો પણ મર્યાદા ભૂલીને લાળ ટપકાવતા પળ-બે પળ ઊભા રહી ગયા.

સૌથી બૂરી હાલત તીરથ ત્રિવેદીની હતી. એ આમ પણ મનસ્વીની ઉપર મનોમન મરતો હતો, પણ આજે તો તનોતન પણ મરવા માટે તૈયાર થઇ ગયો હતો. બાજુમાં ઊભા હતા એ દોસ્તોને ઉદ્દેશીને એ બોલી ગયો, ‘આ ઉઘાડી તલવાર જેવી છોકરીને કોઇ જઇને એટલું તો કહી આવો કે એ આમ મ્યાનમાં પુરાયા વગર ઘરની બહાર ન નીકળે. એનું દાહક રૂપ અને મારક અદાઓ સલવાર-કમીઝમાંયે પૂરા ઢંકાતાં નથી, ત્યારે આ માઇક્રો મિની સ્કર્ટ અને સ્પગેટ્ટીના સાંકડા પટ્ટામાં એનાં અંગો અંગારા જેવા બની જાય છે.

આ લાલ ભડકતા રંગના સ્કર્ટમાંથી નીકળતી બે ગોરી માખણ જેવી ટાંગ પગ મટીને કરવત જેવી બની જાય છે અને મારી છાતીને વહેરવા માંડે છે. એને કહો કે એના શરાબી હોઠોને એ મચકોડે નહીં અને પહેલી ધારના મહુડાના દારૂ જેવી નજરને એ પાંપણના ઢાંકણામાં ઢબૂરીને રાખે. એની આંખોમાંથી છલકતા આ નશાને જોઇને જોનારને પીનાર થવાનું મન થઇ આવે છે. અરે, જાવ... કોઇ જઇને કહો એને...’મિત્રોમાંથી કોઇએ ટકોર કરી, ‘એય, રોમિયો! અમે શા માટે જઇને કહીએ એને? તારામાં હિંમત હોય તો તું જ એને કહી દેને! ખાલીપીલી અહીં ઊભો ઊભો કવિતા કરે છે એમાં તને આ ગઝલની મહારાણી વરમાળા નથી પહેરાવી દેવાની.’

ટોળામાં ઊભેલા માણસને માત્ર હાથ-પગ હોય છે, મગજ નથી હોતું. તીરથની સ્થિતિ પણ અત્યારે દિમાગશૂન્ય જેવી હતી. એ નીકળી પડ્યો મનસ્વીની દિશામાં. રણમેદાનમાં જતો હોય એવી અદાથી રાણીમેદાનમાં પ્રેમનું યુદ્ધ જીતવા ચાલી નીકળ્યો. ‘યાહોમ કરીને પડો, ફતેહ છે આગે!’ એ પંક્તિ અત્યારે એને પ્રેરણા આપી રહી હતી.

મનસ્વી લચકાતી, મચકાતી, નાગણની જેમ ચાલી આવતી હતી, તીરથ એની સામે, એના માર્ગમાં અંતરાય બનીને ઊભો રહી ગયો. મનસ્વીએ એની ઘેઘૂર આંખોમાંથી સવાલનું તીર ફેંકર્યું, ‘યસ? વ્હોટ ડુ યુ વોન્ટ ટુ સે ટુ મી? એની પ્રોમ્લેબ?’ મનસ્વી શહેરના ધનાઢÛ વકીલની પુત્રી હતી. અંગ્રેજી માધ્યમમાં ભણેલી હતી. તીરથ બાપડો સુદામા જેવો ગરીબ વિપ્રનો પુત્ર હતો. એ પોતાને જે આવડતી હતી એ માતૃભાષામાં જ એકશ્વાસે બોલી ગયો, ‘હા, પ્રોમ્લેબ છે.

આમ તો કોલેજના બધા છોકરાઓને તારાથી પ્રોબ્લેમ છે, પણ મારો પ્રશ્ન સૌથી મોટો છે. હું તને એટલું જ કહેવા આવ્યો છું કે ક્યાં સુધી તું મને આમ હપ્તે-હપ્તે મારતી રહીશ. કાં તું બુરખો ઓઢીને ઘરની બહાર નીકળવાનું રાખ, કાં મારી બેય આંખો ફોડી નાખ. તારા સવાઁગસુંદર દાહક રૂપને જોતાં-જોતાં જિવાતું નથી અને જીવતેજીવ મરાતું નથી. કમ-સે-કમ આ રીતે લચકાતી ચાલે ચાલવાનું તો બંધ કર, સીધી લીટીમાં ચાલવાનું રાખ! તારા એક-એક ડગલે મારું દિલ છુંદાય છે, સ્વીટી!’

વાતાવરણમાં સન્નાટો છવાઇ ગયો. મેદાનમાં હાજર હતાં એ તમામ યુવાનો-યુવતીઓ સાંભળી શકાય એટલા નજીક આવીને ઊભાં રહી ગયાં હતાં. બધાની મીટ મનસ્વીની દિશામાં હતી. મનસ્વીએ બોલતાં પહેલાં એની રૂપાળી ગરદનને એક હળવો ઝટકો આપ્યો. પછી હોઠ મરડીને કટાક્ષભર્યું મલકી, ‘ઓહ! તો તમે મારા પ્રેમમાં પડી ગયા છો! વાંદારાઓ પણ હવે વાઘણને વરવાનાં સપનાં જોવા લાગ્યા છે, એમ જ ને? મિસ્ટર, જો હું ભૂલતી ન હોઉં તો તમે મારા જ કલાસમાં મારી સાથે ભણતા સ્ટુડન્ટ છો, ખરું ને? ભણવામાં ‘ઢ’, તોફાનમાં મોખરે અને જેબના ખાલીખમ્મ! તમારું નામ તીરથ ત્રિવેદી છે, રાઇટ? નો, નો! એમાં આટલા બધા રાજી થઇ જવાની જરૂર નથી. મને તમારું નામ યાદ છે એનું કારણ એ નથી કે મને તમારામાં રસ છે. મને આ નામ એટલા માટે યાદ છે કે આજ-કાલ કોલેજના નોટિસ બોર્ડ ઉપર રોજ એ વાંચવા મળે છે.’ બધાં હસી પડ્યાં. નોટિસ બોર્ડ ઉપર કોલેજની ટર્મ ફી ન ભરનારા કંગાળ વિદ્યાર્થીઓનાં નામની યાદી મૂકવામાં આવેલી હતી. એમાં સૌથી પહેલું નામ તીરથનું હતું.

‘લૂક મિ. તીરથ! પ્રેમ કરતાં પહેલાં પુરુષે પોતાની હેસિયત જોવી જોઇએ. તમને ખબર છે કે મારા વોર્ડરોબમાં અઢીસો ડ્રેસીઝ છે? મારા મેકઅપનો અને બ્યુટી ટ્રીટમેન્ટનો મન્થલી એક્સપેન્સ કેટલો આવે છે એ તમે જાણો છો? તમારા આખા વર્ષના ભણતરના ખર્ચ કરતાં મારા ડ્રાઇવરનો એક મહિનાનો પગાર વધારે છે એની તમને જાણ છે? તમને તો હું ડ્રાઇવર તરીકે પણ ન રાખું, ને તમે ચાલી નીકળ્યા છો મારા વર બનવા? ગેટ લોસ્ટ! આજે તો આટલેથી તમને જવા દઉં છું, પણ ફરી વાર જો આવી હરક્ત કરી છે, તો યાદ રાખજો મારા પપ્પા ટોચના ક્રિમિનલ લોયર છે. જેલની ચક્કી પીસતા થઇ જશો.’

ભયંકર નાલેશીની કાળી મેશ ચોપડીને તીરથ પાછો ફરી ગયો. યુવાનો અને યુવતીઓનાં અટ્ટહાસ્યોનું ‘કોરસ’ એની પીઠ ઉપર હથોડાની જેમ વિંઝાતું રહ્યું. એ દિવસ પછી તીરથને કોઇએ ક્યારેય કોલેજની કોરીડોરમાં કે મેદાનમાં ટોળટપ્પાં મારતો જોયો નહીં. તેજીને ટકોરો ને ગધેડાને ગામ. એ અનુસાર મનસ્વીના વાગ્બાણોએ તીરથના મન ઉપર ચાબુક વીંઝવાનું કામ કરી લીધું હતું. એ મોટાભાગનો સમય લાઇબ્રેરીમાં જ વિતાવતો હતો. વાંચન એ એનો એક મુદ્દાનો કાર્યક્રમ બની ગયો હતો, મિત્રોને એણે છોડી દીધા હતા, એની ડિક્ષનેરીમાંથી ‘ગર્લ’ અને ‘વુમન’ શબ્દોવાળાં પાનાઓ ફાડીને એણે ફેંકી દીધાં હતાં.

રાત્રે ઘરે જઇને પણ એ મોડે સુધી જાગતો રહેતો હતો અને પંદર વોટના બલ્બના પીળા પ્રકાશમાં પોતાનું સોનેરી ભવિષ્ય ઘડવાની મહેનત કયેg જતો હતો. દીવાલ ઉપર એણે એક કાગળ ચોંટાડી દીધો હતો જેમાં લખ્યું હતું: કઠોર પરિશ્રમનો માત્ર એક જ વિકલ્પ છે, એ છે વધારે કઠોર પરિશ્રમ.જગતના વિદ્વાનોનો સર્વે કહે છે કે કોઇપણ વિદ્યાશાખાનો પૂરો અભ્યાસક્રમ ત્રણ જ મહિનામાં પૂરો કરી શકાય છે અને કોઇપણ વ્યક્તિ કારકિર્દીનાં ચાર જ વર્ષ મહેનત કરે તો એ સફળતાની ટોચ પર પહોંચી શકે છે. તીરથની પરીક્ષા આડે ત્રણ મહિના બાકી હતા અને પૂરી કેરિયર માટે ચાર વર્ષ જમા હતાં.

@@@

શહેરની અદાલતમાં પહેલીવાર આવી ઘટના બની કે પ્રખ્યાત વકીલ એક જુવાન છોકરડા સામે કેસ હારી ગયા. અખબારોમાં અને ચર્ચાઓમાં એ તેજસ્વી વકીલનું નામ ‘ટોક ઓફ ધી ટાઉન’ બનીને ગુંજી રહ્યું. બે દિવસ પછીની એક સુંદર સાંજે સિનિયર વકીલ તેજ નારાયણ મહેતા પોતાની સુંદર પુત્રી મનસ્વીને લઇને એ હીરા પાસે જઇ પહોંચ્યા, ‘મિ. તીરથ, વ્હોટ એ કો-ઇન્સિડેન્સ! તમે અને મનસ્વી સાથે ‘સ્ટડી’ કરતાં હતાં? મને તો એણે કહ્યું ત્યારે ખબર પડી કે તમે એને પ્રેમ કરતા હતા. એક વાર તમે એને ‘પ્રપોઝ’ પણ કર્યું હતું. મનસ્વીનું કહેવું છે કે આજે તમે જે સ્થાન ઉપર પહોંચી શક્યા છો એનું કારણ એણે મારેલું મહેણું જ છે. આજે મનસ્વી સામે ચાલીને તમારો પ્રસ્તાવ કબૂલ કરવા આવી છે. જો તમને વાંધો ન હોય તો...’

તીરથ હસ્યો, ‘વાંધો છે, મહેતા સાહેબ! મોટો વાંધો છે! સાડા પાંચ ફીટની કાયાની સ્નિગ્ધ ચામડી જોઇને લપસી જતો હતો એ તીરથ તો ક્યારનોય મરી ગયો છે. હવે હું સ્ત્રીનું આંતરિક સૌંદર્ય જોઇ ચૂકયો છું. મારી સફળતા પાછળ જેટલું કારણ મનસ્વીના મહેણાનું ન હતું એનાથી વધારે કામનું પરબિળ એક સામાન્ય રૂપ ધરાવતી છોકરીએ કરેલી આર્થિક મદદ હતું. એ યશસ્વી હતી જેણે મારી ટર્મ ફીના રૂપિયા ભરી દીધા હતા. કોઇપણ માર્ગ ભૂલેલા પુરુષને સીધા રસ્તે લઇ આવવા માટે અભિમાની સ્ત્રીનાં મહેણાંની જરૂર નથી હોતી, પણ પ્રેમાળ સ્ત્રીની હૂંફની જરૂર હોય છે. મારી યશસ્વી તમારી દીકરી જેટલી ગોરી ભલે નથી, પણ નમણી અને ઘાટીલી જરૂર છે.’

Comments