ભોળા કબૂતરની ઉદ્દાત ભાવના – મિત્રિશા મહેતા


એક શિકારી વહેલી સવારે રોજ ખભે થેલો લટકાવી પક્ષીઓને પકડવા જંગલ તરફ નીકળતો હતો. કાબર-ચકલી જેવાં નાનાં, નાજુક અને રંગબેરંગી સુંદર લાગતાં પક્ષીઓને જાળમાં ફસાવી પાંજરામાં પૂરી નજીકના શહેરમાં જઈ વેચી નાખતો હતો. આવી રીતે એ રોજ સવારથી સાંજ જંગલમાં ઘૂમ્યા કરતો હતો.
એક વખત ઠંડીની મોસમમાં એ વહેલી સવારે જંગલ તરફ જવા નીકળી પડ્યો, આજે જંગલ સૂમસામ લાગતું હતું. એ ચારેતરફ નજર દોડાવતો ફરતો રહ્યો, પણ એકે પક્ષી તેની જાળમાં ફસાયું નહીં. એ દૂરદૂર એક જંગલથી બીજા જંગલ તરફ પક્ષીઓની શોધમાં નીકળી પડ્યો. સાંજ ઢળવા આવી. ચોમેર અંધારું થવા લાગ્યું. ત્યારે તેને ભાન થયું કે પોતે ઘણો જ દૂર આવી ગયો છે. પોતાના ઘર સુધી પાછો પહોંચી શકે તેમ નહોતો. ભૂખ અને ચિંતાથી તેનું મન ગમગીન થઈ ગયું. ‘હવે શું કરું, ક્યાંય આશરો પણ મળે તેમ નથી.’ એટલે કમને નાછૂટકે એ મોટા ઘટાદાર વૃક્ષ નીચે થેલો મૂકીને થાક્યો-પાક્યો આરામ કરવા બેસી ગયો.
ઠંડીના દિવસો હોવાથી અંધારું થતાં જ ઠંડી હવા સુસવાટા મારતી ચોમેર પ્રસરવા લાગી. વાતાવરણમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધવા લાગ્યું. જોકે, શિકારી કંઈ રાત રોકાવાની તૈયારી કરીને આવ્યો નહોતો એટલે તેની પાસે કપડાં કે ખાવા-પીવાનું કંઈ નહોતું. તેની ચિંતામાં ખિસ્સામાંથી માચીસ કાઢી બીડી સળગાવી એમ ને એમ સૂનમૂન બેસી રહ્યો, પણ ઠંડી કહે મારું કામ. જંગલ આખામાં ઠંડીનું જોર ધીરે ધીરે વધવા લાગ્યું. જોતજોતામાં શિકારીનું આખું શરીર ઠંડા પવનના કારણે ધ્રૂજવા લાગ્યું. તેના દાંત કડકડ બોલવા લાગ્યા.
જે વૃક્ષ નીચે શિકારી બેઠો હતો તેની ઉપરની ડાળ પર એક કબૂતર ને કબૂતરીનો માળો હતો. ક્યારનાં એ શિકારીની દયનીય હાલત જોઈ રહ્યાં હતા. શિકારીની આવી દુર્દશા જોઈ કબૂતરે પોતાની કબૂતરીને કહ્યું :
‘આ શિકારી રોજ આપણાં સુંદર પક્ષીઓને પકડીને લઈ જાય છે એટલે એ આપણો મિત્ર નથી, શત્રુ છે.’
તેની વાત સાંભળી કબૂતરીએ દયામણા સ્વરે કબૂતરને સમજાવતાં કહ્યું : ‘પણ આજ એ આપણા આશરે આવ્યો છે. એ આપણા આંગણાનો અતિથિ છે. એટલે તેને શત્રુ ન માનતા. તેને થોડીઘણી મદદ કરવી જોઈએ. તેની હાલત જો કેવી દયાને પાત્ર છે ? સેવા કરવી એ આપણો પરમધર્મ છે એવું આપણે મંદિરના કાંગરે અને ચબૂતરે બેસીને ધાર્મિક કથાઓ સાંભળીએ છીએ ને ! હજી તો રાતની શરૂઆત થઈ છે. ઠંડીનું જોર ખૂબ જ વધશે. એ જો આખી રાત આમ ને આમ પડ્યો રહેશે તો આવી કડકડતી ઠંડીમાં થીજી જશે. આપણને તેનું પાપ લાગશે તો ?’
કબૂતરે ઘૂઘૂઘૂ કરી કબૂતરીને કહ્યું : ‘તારી વાત તો સાવ સાચી છે, પણ આપણે માણસને શું મદદ કરી શકીએ ?’
‘હા… એ તો છે.’ એમ કહી કબૂતર અને કબૂતરી વિચાર કરવા લાગ્યાં. થોડી વાર પછી કબૂતરી બોલી, ‘શિકારી પાસે માચીસ તો છે…. આપણે ઘાસ, રૂ અને તણખલાંનો બનાવેલ માળો નીચે ફેંકી દઈએ તો ? વળી આ વૃક્ષનાં પીળાં પાંદડાં, નાની-નાની ડાળખીઓ ચાંચથી તોડીને નીચે ફેંકતા જઈએ ! કદાચ એ તાપણું કરશે તો તેનો જીવ બચી જશે.’ સમજુ કબૂતરીની વાત કબૂતરને સાચી લાગી, એટલે બેઉએ મળી પોતાનો માળો ઉખેડી શિકારીના પગ તરફ ફેંકી દીધો.
શિકારી ઝોલે ચડ્યો હતો. એ એકદમ મોટા અવાજથી ઝબકી ગયો. તેણે જોયું એક મોટું પોટલાં જેવું કંઈક તેના પગ પાસે પડ્યું. આ શું ? તેણે ત્વરિત ઉપર નજર કરી. જોયું તો છેક ઉપરની ડાળ ઉપર પંખીના ફફડવાનો અવાજ આવ્યો. થોડી વારમાં પાછાં પાંદડાં અને ડાળખીઓ એક પછી એક નીચે પડવા લાગ્યાં. શિકારી સળગાવેલ બીડી વૃક્ષના થડ પાસે મૂકીને ઊભો થઈ ગયો. ઉપર કોઈ માણસ કે જાનવર તો નથી ને તેમ વિચારી આખા વૃક્ષની આસપાસ આંટા મારવા લાગ્યો. કબૂતરી ક્યારની નીચે જોતી હતી. તેણે વિસ્મયથી કબૂતરને પૂછ્યું, ‘આ માણસ તાપણું કેમ નથી કરતો ? તેની પાસે માચીસ તો છે.’ પળભર વિચાર કરી કબૂતર ઊડીને નીચે આવ્યું. શિકારી હજી થોડો દૂર ફરતો હતો. એટલે ઝડપથી કબૂતરે થડ પાસે પડેલી સળગતી બીડી પોતાની ચાંચથી બીજા છેડેથી ઉપાડી અને પોતે ફેંકેલાં માળા અને પાંદડાં પર ફેંકી દીધી. પાછું શિકારી પાસે આવે એ પહેલાં તો ઊડીને ઉપરની ડાળ પર કબૂતરી પાસે બેસી ગયું. તે જોઈ કબૂતરી ખુશ થઈ ગઈ. સૂકું ઘાસ, પાંદડાં અને રૂને કારણે નીચે તાપણું થઈ ગયું. શિકારી થરથર ધ્રૂજતો દોડીને તાપણા પાસે પહોંચી ગયો. હાશ, તેને ખૂબ સારું લાગ્યું. તેને પેલાં અજાણ્યાં પક્ષી પર માન ઊપજ્યું, જેણે પોતાનો માળો, પાંદડાં નીચે ફેંક્યાં હતાં. પોતાના હાથ-પગને શેક મળતાં તેના જીવમાં જીવ આવ્યો, પણ હવે તેને કકડીને ભૂખ લાગી હતી. સવારથી આખા જંગલમાં ભટકી ભટકીને એ ખૂબ થાકી ગયો હતો. થોડો નાસ્તો હતો એ તો બપોરના સમયે પોતે ખાઈ ગયો હતો. અત્યારે પેટ સાવ ખાલી હતું. અહીં જંગલમાં ખાવું શું ? અંધારામાં એ ચારેબાજુ નજર ફેરવતો રહ્યો. ભૂખના માર્યા એને કંઈ સૂઝતું નહોતું. તેનાથી નિઃસાસો નખાઈ ગયો. તાપણું ઓલવાઈ ન જાય તે માટે ઊભા થઈ આજુબાજુમાંથી લાકડાં, ખપાટિયાં તાપણામાં નાખતાં નાખતાં જોરથી આળસ મરડી ઉપર આકાશ તરફ જોઈ મોટા અવાજે એ બબડ્યો…. ‘હે ભગવાન, કકડીને ભૂખ લાગી છે. આ ઘોર જંગલમાં ક્યાં હું ફસાઈ ગયો ? ક્યાં જાઉં ? શું કરું ?’
શિકારીનો અવાજ સાંભળી કબૂતરે કબૂતરી સામે જોયું.
‘બિચારાને ખૂબ ભૂખ લાગી છે, જોયું ? આપણે તાપણું તો કર્યું પણ ખાવાનું ક્યાંથી લાવીએ ?’
કબૂતરી પણ નિરાશ થઈને બોલી, ‘આપણા આંગણે આવેલ અતિથિ તો સાક્ષાત ઈશ્વરનું રૂપ ગણાય. જેના ઘરેથી અતિથિ ભૂખ્યો જાય તેનાં પુણ્ય ખતમ થઈ જાય. ખબર છે ? એકવાર પેલા સાધુ મહારાજ મંદિરમાં આવું કહેતાં હતાં.’
‘હા, પણ આપણે હવે શું કરીએ ? એ બુદ્ધુ અહીં સુધી આવ્યો, પણ હજી એક ફર્લાંગ આગળ ચાલ્યો હોત તો ગામ ઘણું નજીક હતું. આપણે રોજ ત્યાં સવાર-સાંજ પાસેના મંદિરમાં ચબૂતરો છે ત્યાં ખાઈ-પીને આવીએ છીએ ને….. ?’
‘એ પણ સાચું.’ કબૂતરી બોલી. બેઉ જણ કેટલીક વાર સુધી ચૂપચાપ વિચારવા લાગ્યાં અને બેઉ નિરાશ થઈ ગયાં. ઘણોબધો સમય પસાર થઈ ગયો ને અચાનક કબૂતરીને કંઈક સૂઝ્યું. એણે કબૂતર પાસે ઘૂઘૂઘૂ કરી કાન પાસે જઈ કહ્યું : ‘અરે આ વિશાળ વડના વૃક્ષમાં જો કેટલા બધા ટેટા લટકે છે ? આપણે થોડા કાચા-પાકા જોઈ નીચે ફેંકવા માંડીએ તો ?’ કબૂતર તેની કબૂતરી પર વારી ગયો. બેઉ ખુશ થઈ ગયાં અને એક પછી એક ટેટા કાચા-પાકા જોઈ જોઈને ચાંચથી તોડી નીચે ફેંકવા લાગ્યાં.
તાપણાનાં આછાં અજવાળામાં શિકારીએ જોયું. અરે… આ તો વડના ટેટા ઉપરથી નીચે એક પછી એક પડતા હતા. ટેટા ઉપાડી નીરખીને જોયું. પોતાની ધોતીથી લૂછી મોઢામાં મૂક્યા. ‘આ તો સરસ લાગે છે. હે ભગવાન, તારી લીલા અપરંપાર છે’, કહી ભૂખ્યા શિકારીએ એક પછી એક ટેટાને લઈ મોઢામાં ઓરવા માંડ્યા. પંદર-વીસ ટેટા એ ખાઈ ગયો. પેટ થોડું ભરાઈ જતાં તેના જીવમાં જીવ આવ્યો. તેણે ‘ઉપરવાળાની મહેરબાની’ કહી બે હાથ જોડી ઊંચે જોયું. અંધારામાં પક્ષીની પાંખનો ફડફડાટનો અવાજ આવતો હતો અને ટેટા હજી ઉપરથી પડતા હતા. એ વિચારમાં પડી ગયો. ‘શું પક્ષીઓ જ ભગવાન બની મારી મદદે આવ્યાં હશે ? આજ તો હું ઠંડીમાં ઠૂંઠવાઈને ભૂખ્યો જ મરી ગયો હોત. શું પક્ષીઓમાં પણ આવી સમજણ હોતી હશે ? ક્યા પક્ષી હશે આ ? અંધારામાં પૂરું દેખાતું નથી. જે હોય તે, મારા માટે તો ભગવાન છે.’ પોતે રોજ જાતજાતનાં પક્ષીઓને પકડીને પાંજરે પૂરી દે છે તેનો તેને મનોમન પસ્તાવો થવા લાગ્યો. આખી રાત એ પોતાનાં પાપકર્મોનો વિચાર કરી દુઃખી થવા લાગ્યો. વહેલી સવારે થોડું અજવાળું થતાં જ તે ઊભો થયો. તેણે પ્રેમાળ નજરે વૃક્ષ ઉપર જોયું તો એક કબૂતર અને કબૂતરી ડાળ પર ઝૂલતાં અને ગેલ કરતાં હતાં. તેના ચહેરા પર અસીમ સંતોષ અને મહેમાનગતિ કર્યાનો આનંદ વર્તાતો હતો.
‘અરે આ તો કબૂતર ને કબૂતરી છે.’ તેને નવાઈ લાગી. આજુબાજુમાં અન્ય પક્ષીઓનો કલરવ આહલાદક લાગતો હતો. શિકારીનું મન આ દશ્ય જોઈ તદ્દન બદલાઈ ગયું. એકાએક મક્કમ નિર્ણય સાથે ઊભા થઈને તેણે પોતાનું પાંજરું અને જાળને દૂરદૂર જંગલની ખીણમાં ફેંકી દીધાં. નિર્મળ ભાવે પ્રાર્થના કરી બે હાથ કબૂતર અને કબૂતરી સામે ઊંચા કરી અહોભાવથી મનોમન પ્રતિજ્ઞા લીધી કે આજથી હું કોઈ મૂગાં, અસહાય પશુ-પક્ષીઓને પકડીને કોઈ અધમ કૃત્ય નહીં કરું. તેમને પાંજરે પૂરી બજારમાં વેચી, પાપનો ભાગીદાર નહીં બનું. હું ખૂબ મહેનત-મજૂરી કરી મારું ને મારા કુટુંબનું પેટ ભરીશ, પણ આવું પાપ નહીં કરું.

બાળકો, તમે જાણો છો ? કબૂતર પક્ષી અન્ય પક્ષીઓ કરતાં નિર્દોષ, ભોળું, ધીર-ગંભીર અને સમજુ પક્ષી છે. એ અબોલ છે છતાં ક્યારેય કોઈ પક્ષી સાથે વેરઝેર કે ઈર્ષ્યા રાખતું નથી. ઈશ્વરે પણ તેને સાધુ-સંતની ઉપમા આપી છે. એટલે જ માણસજાત તેને આવકારે છે. તે સંપૂર્ણ શાકાહારી હોવાથી તેને ચણા, જુવાર, બાજરીનું લોકો ચણ નાખે છે. શહેરો અને ગામડાંમાં પણ ચોરે-ચૌટે ઊંચાં મકાનો અને મંદિર, મસ્જિદ, હવેલી, ગુરુદ્વારાઓનાં મકાનના કાંગરે બધે જ આપણા ઘરની આસપાસ તેનો વાસ હોય છે. તેના માટે ઠેરઠેર ચબૂતરા અને પાણીના પ્યાઉ બંધાય છે. કબૂતર માનવમાત્રનું મનગમતું અને સૌથી નજીક રહેતું પક્ષી છે. તમે પણ હંમેશાં મૂગાં અને અસહાય પશુ-પક્ષીનું જતન કરજો. અને તમારા મિત્ર બનાવજો.

Comments