મને વિશ્વાસ છે, તું જરૂર આવીશ , મને નિરાશ ન કરતો....



પ્રેયસીનું પ્રેત
ખેર, છોડ, આ બધી વાતને. મેં તને મારો સાચો હમદર્દ માન્યો છે. મને વિશ્વાસ છે, તું જરૂર આવીશ. મારા પતિને જોવા માટે તું ગમે તે તકલીફે પણ અહીં જરૂર આવીશ. એ તને જોઈને ખુશ થઈ જશે. હું તારી વાટ જોઈશ... મને નિરાશ ન કરતો... “સુભાષબાબુ ! તમારો ફોન છે.” પટાવાળાએ કહ્યું. તો સુભાષે ફાઈલમાંથી ગરદન ઊંચી કરીને પૂછયું, “મારો ફોન !? કોણ છે ?”
“મેં પૂછયું નથી. કોઈ સ્ત્રીનો અવાજ લાગે છે. તમે જ પૂછી જુઓને !” પટાવાળો આટલું કહીને જતો રહ્યો.
કોનો ફોન હશે એવા અવઢવમાં સુભાષે ફોન ઉપાડયો. “હલ્લો, હું સુભાષ બોલું છું. તમે કોણ ?”
“હલ્લો, સુભાષ ! હું શારદા બોલું છું, શારદા !” સામા છેડેથી એક સ્ત્રીનો અવાજ સંભળાયો. અવાજ બહુ દૂર દૂરથી આવતો હોય એવું લાગતું હતું.
“ઓહ ! શારદા ! તું બોલે છે ? મારા તો માનવામાં જ નથી આવતું.”
સુભાષે મૂંઝવણભર્યા શબ્દોમાં કહ્યું.
“આમાં નહીં માનવા જેવી વાત ક્યાં આવી? મારો અવાજ તું ઓળખી ન શક્યો. હું શારદા બોલું છું. તારા માનવામાં નથી આવતું ?” સામા છેડે બોલનાર સ્ત્રીએ પણ સવાલ કર્યો.
“ના... ના... એવું નથી, શારદા ! આ તો ઘણા વરસો પછી ફોન કર્યો એટલે તને મજાકમાં કહું છું.”
“મજાક છોડ, સુભાષ ! અત્યારે હું બહુ જ ટેન્શનમાં છું અને એ ટેન્શનમાં જ મેં તને ફોન કર્યો છે.” સામે છેડેથી ટેન્શનભર્યો અવાજ સંભળાયો.
“ટેન્શન... ! શાનું ટેન્શન ? શું થયું તને... ?” સુભાષના ચહેરા પર હવે ટેન્શનના ભાવ આવી ગયા.
“સુભાષ ! હું એક મુસીબતમાં ફસાઈ ગઈ છું. એટલે જ મેં તને ફોન કર્યો છે !”
“મુસીબત... ! શાની મુસીબત... ?” સુભાષે ઝડપી લહેકામાં કહ્યું.
“સુભાષ ! એ માટે તું મને અહીં મળવા માટે આવી જા... મેં તને ગયા અઠવાડિયે પત્ર પણ લખ્યો હતો. એનો પણ તેં કોઈ જવાબ નથી આપ્યો.”
“પત્ર... ! તેં મને ક્યાં પત્ર લખ્યો છે ?” સુભાષે સામો સવાલ કર્યો.
“મેં તને ગયા અઠવાડિયે જ પત્ર લખ્યો હતો... સુભાષ... કદાચ...”
“તારો પત્ર તો મને આજ દિવસ સુધી નથી મળ્યો, શારદા ! પણ... તું આમ ગભરાયેલી કેમ લાગે છે... ? આ તારી બધી વાતો મને કંઈ સમજમાં નથી આવતી... તું કહે છે... હું ટેન્શનમાં છું... ને હું તને તાત્કાલિક આવીને મળી જાઉં, પણ... થયું છે... શું ? તું એ તો મને કહે...” સુભાષ બધું એક જ શ્વાસે બોલી ગયો.
“એ બધું જ્યારે તું અહીં આવીશ... પછી હું તને કહીશ...” શારદાએ પોતાનું રટણ ચાલુ રાખ્યું.
“ના..., હવે તારી વાતથી હું પણ જબરો ટેન્શનમાં આવી ગયો છું. જ્યાં સુધી તું મને કહીશ નહીં, ત્યાં સુધી મને ચેન નહીં પડે...”સુભાષ ખરેખર ટેન્શનમાં આવી ગયો હતો.
“તો સાંભળ, સુભાષ ! મારા પતિની હાલત એકદમ સિરિયસ છે. ડોક્ટરે એને જીવલેણ બીમારી બતાવી છે.”
“ઓહ... !”
“હા, ડોક્ટરે દવા અને ઈલાજને બદલે હવે ભગવાનને યાદ કરવાનું કહ્યું છે. કદાચ... સુધીર હવે બચી ન પણ શકે...”
“આવું ન બોલ શારદા ! ભગવાન બધું સારું કરશે. તું બોલ, આમાં હું તને શું મદદ કરી શકું તેમ છું ?” સુભાષના કપાળ પર પરસેવાના બિંદુ બાઝી ગયા હતા.
“સુભાષ ! તું બસ એકવાર મને આવીને મળ અને મારા પતિ સુધીરને જોઈ જા તો મને આનંદ થશે મને રાહત થશે. સુધીર પણ તને અંતિમ સમયે મળવા માગે છે. એ તને મળીને ખુશ થશે એ તને બહુ જ યાદ કરે છે. એ તારી સાથે કંઈ વાત પણ કરવા માગે છે. તને અંતિમ સમયે મળીને ખુશ થશે. એ હવે ચેનથી મર...”
“આવું ન બોલ, શારદા ! ભગવાન બધું સારું કરશે. તું ભગવાન પર ભરોસો રાખ. આમ નિરાશ ન થા.” સુભાષે એને દિલાસો આપતાં કહ્યું.
“ભગવાન પર તો મને ભરોસો છે જ. હું એના જ ભરોસે બેઠી છું. હવે તું અહીં મને મળવા માટે આવે છે કે કેમ એ કહે?” શારદા ફરી પોતાની એ જ વાત પર આવી.
“શારદા ! આજે શુક્રવાર છે. આજકાલ અમારી કંપનીમાં વાર્ષિક મીટિંગ છે. એટલે મને અહીંથી રજા મળે તેમ નથી. એટલે કાલનો દિવસ તું ખમી જા. હું રવિવારે તારે ત્યાં જરૂર પહોંચી જઈશ, પણ... હા, તું મને એ તો બતાવ કે સુધીરને કઈ હોસ્પિટલમાં દાખલ કર્યો છે ?”
“સિવિલમાં. તું રવિવારે જરૂર આવજે. હું તારી વાટ જોઈશ.” સામા છેડેથી શારદાએ ભાવથી કહ્યું.
“જરૂર આવીશ, શારદા, તું ચિંતા ન કર. હું રવિવારે સવારે ટ્રેનમાં નીકળી જઈશ. ત્રણ કલાકમાં તો તારે ત્યાં પહોંચી જઈશ.” સુભાષે મક્કમતાથી કહ્યું.
“જરૂર આવજે, હું તારી વાટ જોઈશ. સુધીરના કોઈ કોઈ સગાં-વહાલાં કે પરિવારનો કોઈ માણસ આજ દિવસ સુધી એમને જોવા માટે નથી આવ્યા. એ લોકો કઠણ કાળજાના છે. એ પૈસાવાળા છે ને ! એટલે અભિમાનથી મરે છે. એમને સુધીરની જરાય પડી નથી. સુધીર આટલો સિરિયસ હોવા છતાં કોઈએ એની દરકાર લીધી નથી. એને જોવા સુદ્ધાં કોઈ આવ્યું નથી. ખેર, છોડ, આ બધી વાતને. મેં તને મારો સાચો હમદર્દ માન્યો છે. મને વિશ્વાસ છે, તું જરૂર આવીશ. મારા પતિને જોવા માટે તું ગમે તે તકલીફે પણ અહીં જરૂર આવીશ. એ તને જોઈને ખુશ થઈ જશે. હું તારી વાટ જોઈશ... મને નિરાશ ન કરતો...”
“આ તું શું બક બક કરે છે, શારદા ! મને તો કંઈ જ સમજાતું નથી. મેં તને એકવાર તો કહ્યું કે હું તને રવિવારે મળવા માટે આવું છું. પછી આમ વારે ઘડીએ મને વિનંતી શું કામ કરે છે ? આવા દુઃખના સમયે તો પારકા માણસો પણ સાથ આપે છે, જ્યારે હું તો તારા માટે જરાયે અજાણ્યો નથી. હું જરૂર આવીશ અને મારાથી બનતી તને અને તારા પતિ સુધીરને બધી જ મદદ કરીશ. તું ફિકર ન કર.” કહેતા સુભાષ ગળગળો થઈ ગયો. એ થોડીવાર માટે ચૂપ થઈ ગયો અને પછી આગળ બોલ્યો, “જો, શારદા ! હવે તું સુધીરની બરાબર દેખરેખ રાખજે અને હિંમત રાખજે. ભગવાન બધું સારું કરશે.” શારદાએ કોઈ જવાબ ન આપ્યો, પણ એના રડવાનો અવાજ ફોન પર સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. સુભાષની આંખો પણ ભીની થઈ ગઈ હતી. બંને તરફથી ફોન ચાલુ હતા. બંને જણાને ખબર હતી કે, બંને એકબીજા માટે રડી રહ્યાં હતાં. બંને તરફથી થોડીવાર સન્નાટો છવાઈ રહ્યો. શારદાના માત્ર ડૂસકાં સંભળાઈ રહ્યાં હતાં.
“શારદા... !” અને સુભાષ આટલું બોલ્યો ત્યાં સામેથી ફોન મૂકાઈ ગયો. સુભાષે પણ ધીરે રહીને ફોન મૂકી દીધો. ફોન મૂકાયા પછી એ થોડીકવાર સુધી એ જ હાલતમાં પૂતળાની જેમ બેઠો રહ્યો.... એનો ચહેરો એકદમ ગમગીન બની ગયો હતો. શારદા અને સુભાષ બંને સ્કૂલના સમયથી લગાવીને છેક કોલેજકાળ સુધી સાથે રહ્યાં હતાં. બંનેમાં ખૂબ જ ગાઢ પ્રેમ હતો. બંને એકબીજાને ખરા દિલથી પ્રેમ કરતાં હતાં. બંને લગ્ન કરવા માગતાં હતાં. સુભાષ સૌથી પહેલાં નોકરીની તલાશ કરી રહ્યો હતો. એ નોકરી મળી જાય પછી જ લગ્ન કરવા ઇચ્છતો હતો. એ દરમિયાન જે સમય વીત્યો, એમાં ન બનવાનું બની ગયું. એમાં ખાસ કરીને શારદાના પિતાની મજબૂરી ઊભી થઈ ગઈ હતી અને એ જ મજબૂરીને વશ થઈને એમણે પોતાની દીકરી શારદાનો હાથ સુધીરના હાથમાં આપવો પડયો હતો. શારદાના પિતાએ સુધીરના વેપારી પિતા પાસેથી ખૂબ જ કરજ લઈ લીધું હતું. શારદાના પિતાએ પોતાના ધંધા માટે જ દેવું કર્યું હતું, પણ એ પોતાના ધંધાના કારોબારમાં નુકસાન થતાં દેવામાં ઊતરી ગયા હતા. હવે સુધીરના પિતાને આપવા માટે એમની પાસે ફૂટી કોડી પણ ન હતી. આથી તેમણે કરજને બદલે શારદાને સુધીરના હાથમાં સોંપવી પડી હતી.
લગ્ન પછી પણ શારદા અને સુભાષના પ્રેમમાં કોઈ જ આંચ આવી નહોતી. સુધીરના પિતા હાર્ટ એટેકથી એક વરસ પહેલાં જ અવસાન પામ્યા હતા. સુધીર પોતે પણ શારદાને ખૂબ જ ચાહતો હતો. એ એને ખૂબ જ પ્રેમ કરતો હતો, પણ એના ઘરવાળા શારદાથી સખત નફરત કરતા હતા. એ સુધીરને શારદાથી છૂટાછેડા લેવડાવીને બીજી પૈસાદાર ઘરની દીકરી સાથે લગ્ન કરાવીને દહેજમાં મોટી રકમ લેવા માગતા હતા, પરંતુ સુધીર એમના આ ષડયંત્રથી સાવ વિરુદ્ધ હતો. એ કોઈ પણ હાલતે શારદાને પોતાનાથી દૂર કરવા માગતો નહોતો. એને લગ્ન પહેલાં શારદા અને સુભાષના પ્રેમની ખબર હતી. પોતાની અને સુભાષના પ્રેમની વાત ખુદ શારદાએ સુધીરને બતાવી હતી. પોતાની પત્નીની આવી સાફ દિલની વાત સાંભળીને સુધીર ખૂબ જ ખુશ થયો હતો અને બોલ્યો હતો, “શારદા ! જો મારી જગ્યાએ સુભાષ હોત તો એ પણ તારી આ નિર્દોષ મહોબ્બત અને સાફ દિલની વાત પર ખુશ થાત. તેં સહેજ પણ છૂપાવ્યા વિના સાચી હકીકત બતાવીને પોતાને સાફ દિલની જાહેર કરી દીધી છે. હું બહુ જ ખુશ છું. હું તને હંમેશાં આ રીતે જ પ્રેમ કરતો રહીશ, તને. તારા જીવનમાં સુભાષની કમીને ક્યારેય મહેસૂસ થવા નહીં દઉં.”
પોતાના પતિના હૃદયને જોઈને શારદા એકદમ ગદ્ગદિત થઈ ગઈ હતી. પોતાના પતિની મહાનતાની વાત શારદાએ ઘણીવાર સુભાષને પણ બતાવી હતી. સુભાષ પણ ખુશ હતો કે, શારદાને પતિના રૂપમાં એક ઇન્સાન મળ્યો હતો એટલે આજે પણ જ્યારે બંને મળતા ત્યારે પોતાના પ્રેમની વાતો કરતા. ઘણીવાર સુભાષ પણ સુધીરના ઘરે ગયો હતો.
***
મિટિંગના કારણે સુભાષને ઓફિસમાંથી પાછા ફરતાં મોડું થઈ ગયું હતું. એ થાકી પણ ખૂબ ગયો હતો. સવારે વહેલા ઊઠીને એને શારદાને ત્યાં જવા માટે ટ્રેન પકડવાની હતી. છેલ્લે એને શારદાને ફોન પર કહ્યું હતું કે, એ રવિવારે સવારે નીકળીને પોતે ત્યાં બપોર સુધીમાં પહોંચી જશે. એને એ વાતની પણ ચિંતા હતી કે, પોતે આખો દિવસનો થાકેલો હોવાથી અને અત્યારે વધારે પડતું મોડું થઈ ગયું હોવાથી સવારે વહેલી આંખ ખૂલી જાય તો સારું. અત્યારે સાડા અગિયાર તો વાગી ગયા હતા. ઘડિયાળમાં સવારના પાંચ વાગ્યાનો એલાર્મ મૂકીને એ સૂઈ ગયો. અચાનક પરોઢના સાડાચાર વાગ્યે કોલબેલ વાગી. સતત કોલબેલ વાગવાના કારણે સુભાષની આંખ ખૂલી ગઈ. એણે લાઈટ ચાલુ કરીને બાજુમાં પડેલા એલાર્મ ઘડિયાળ પર નજર નાખી. પરોઢના સાડા ચાર વાગ્યા હતા. સુભાષ આંખો ચોળતાં ચોળતાં ઊભો થયો. “અત્યારે પરોઢના વળી કોણ આવ્યું હશે ?” મનમાં બબડતાં બબડતાં એ મુખ્ય દરવાજા પાસે ગયો અને એણે દરવાજો ખોલ્યો તો એના આશ્ચર્ય વચ્ચે સામે શારદા ઊભી હતી. “શારદા ! તું !! અત્યારે અહીં કઈ રીતે ? હું સવારે તો તારા ત્યાં આવવા માટે નીકળવાનો હતો ! તું... તું... આવ અંદર તો આવ.” સુભાષે તેને અંદર આવવા માટે રસ્તો કરી આપ્યો. જેવી એ ઘરમાં દાખલ થઈ કે એણે મુખ્ય દરવાજો બંધ કરી દીધો.
“શારદા... ! તું અત્યારે આમ વહેલી સવારે... !”
“સુભાષ ! તારી વાત સાચી. મને અત્યારે જોઈને તને નવાઈ લાગે એ ખોટું નથી, પણ શું કરું ? મારું મન માન્યું નહીં. હું તને યાદ દેવડાવવા માટે જ અહીં આવવા માટે નીકળી ગઈ, પણ પહોંચવામાં થોડું મોડું થઈ ગયું. મને તારી જૂની ભૂલવાની આદતની ખબર છે. તારો ભૂલકણો સ્વભાવ હું કઈ રીતે ભૂલી શકું ? તું રવિવારે મારે ત્યાં આવવાનું ભૂલી જાય તો... ? એટલે તને લેવા માટે હું અહીં આવી પહોંચી. હવે હું તને લઈને પાછી જઈશ. મારા પતિ પાસે તને સાથે લઈને જ જઈશ.” શારદાએ આંખો નચાવતા કહ્યું.
“ઠીક છે, આમેય મેં પાંચ વાગ્યાનો એલાર્મ તો મૂક્યો જ હતો. હવે પાંચ વાગવામાં ખાલી વીસ મિનિટ બાકી છે. તું બેસ, હું તૈયાર થઈ જાઉં છું. પછી હું આપણા બંને માટે ચા-નાસ્તો બનાવું છું. પછી આપણે છ વાગ્યે અહીંથી સાથે જ નીકળી જઈએ.” સુભાષે બાથરૂમ તરફ જતાં કહ્યું.
“સુભાષ ! તું જલદી તૈયાર થઈ જા. આપણે નાસ્તો નથી કરવો. નાસ્તો આપણે સ્ટેશને કરી લઈશું.”
“બહુ જ સરસ. તારો આઈડિયા સારો છે. હું સ્નાન કરીને તરત જ તૈયાર થઈ જાઉં છું. પછી આપણે નીકળી જઈએ છીએ. તું ત્યાં સુધી સોફા પર આરામથી બેસ.” “સારું, તું હવે ઝડપથી તૈયાર થઈ જા.” શારદાએ કહ્યું અને સુભાષને બાથરૂમ તરફ જતાં જોઈ રહી.
તૈયાર થઈને સુભાષ ડ્રોઇંગ રૂમમાં આવ્યો તો શારદા ત્યાં નહોતી. સુભાષને બહુ જ નવાઈ લાગી. એણે અંદર-બહાર બધે એની શોધખોળ કરી, પણ શારદા ક્યાંય દેખાઈ નહીં. સુભાષ ત્યાંથી સીધો જ રેલવે સ્ટેશન દોડયો. ત્યાં પણ શારદા દેખાઈ નહીં. એને લાગ્યું કે, એને તૈયાર થવામાં થોડું મોડું થઈ ગયું એટલા માટે એ નીકળી ગઈ હશે. ટ્રેન પ્લેટફોર્મ પર લાગી તો સુભાષે આખો ડબ્બો ફેંદી નાખ્યો, પરંતુ શારદા ત્યાં પણ ક્યાંય દેખાઈ નહીં. સુભાષ હેરાન-પરેશાન થઈ ગયો.
અંતે થાકી-હારીને એ ટ્રેનમાં શારદાના પતિ પાસે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો, પણ ત્યાં તો હોસ્પિટલમાં પહોંચતાં એને બીજું જ દૃશ્ય જોવા મળ્યું.
સુધીર બિલકુલ સાજો હતો, પણ એનાથી ઊલટું શારદાનું અવસાન થઈ ચૂક્યું હતું. સુધીર પછડાટીઓ ખાતાં ખાતાં રડી રહ્યો હતો.
“શું થયું... ? કઈ રીતે થયું... ? ક્યારે થયું... ?” સુભાષે આશ્ચર્યથી પૂછયું. ત્યારે સુધીર એના ગળે વળગીને જોર જોરથી રડવા લાગ્યો. “તેં બહુ મોડું કરી દીધું, સુભાષ... !”
“શું મતલબ... ?”
“શારદા છેક અંતિમ શ્વાસ સુધી તારું નામ લેતી હતી સુભાષ... સુભાષના નામને એ છેવટ સુધી પોકારતી રહી... તારી વાટમાં એની આંખો દરવાજા પર જ મંડાયેલી રહી હતી...”
“શારદાનું મોત ક્યારે થયું ? શું થયું હતું એને ?”
“એને જીવલેણ બીમારી લાગી હતી ?”
“બીમારી તને લાગી હતી કે એને, સુધીર ?”
“તું શું બકે છે, સુભાષ ! બીમારી એને જ લાગી હતી અને આજે પરોઢિયે ત્રણ વાગ્યે જ એ અવસાન પામી છે.”
“પણ... સાડા ચાર વાગ્યે તો શારદા મારે ત્યાં આવી હતી !”
“અશક્ય છે... તેં સપનું જોયું હશે... !” “ના, સુધીર. હું બિલકુલ સાચું બોલું છું. પરમ દિવસે શારદાએ ફોન પર મને કહ્યું હતું કે, તું સિરિયસ છે. ડોક્ટરે એની બચવાની ઉમ્મીદ છોડી દીધી છે.”
“પરંતુ પરમ દિવસે તો શારદા આખો દિવસ કોમામાં હતી. આજે પરોઢિયે ત્રણ વાગ્યે એણે મને છેલ્લીવાર પૂછયું... “સુભાષ નથી આવ્યો ?” અને પછી એણે ત્યાં જ અંતિમ શ્વાસ લીધો હતો.” સુધીરની વાત સાંભળીને સુભાષ ત્યાં જ શારદાની લાશ પાસે માથું પકડીને બેસી ગયો. એની સમજમાં કંઈ જ નહોતું આવતું. એ જે કંઈ જોઈ રહ્યો હતો એ હકીકત હતી... સપનું હતું... કે પછી ભ્રમ છે...?
(નોંધ : આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે)

Comments