તેરે બિના જિયા લાગે ના



યૌવનની સમસ્યા - સોક્રેટિસ
સોક્રેટિસજી,
હુંમધ્યમવર્ગનો નાગરિક છું. મારું નામ સંજીવ છે. હું સાબરકાંઠા જિલ્લાના એક નગરમાં રહું છું અને ખાનગી કંપનીમાં પાર્ટટાઇમ નોકરી કરવાની સાથે સાથે એમબીએમાં અભ્યાસ કરું છું. મારા પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી હોવાથી મારે કમાણીની કે બીજી કોઈ સમસ્યા નથી પણ મારી લવ-લાઇફમાં હાલ ખૂબ જ પીડા અનુભવું છું. મારી આ સમસ્યામાંથી મને કોઈ રસ્તો નહીં મળે તો હું મરી તો નહીં જાઉં પણ અંદરથી સાવ જ તૂટી જઈશ અને એ મારા મૃત્યુ કરતાં પણ મારા માટે વધારે પીડાદાયક હશે. મેં મારું જીવન એક એવી વ્યક્તિના નામે કરી દીધું છે કે જેના માટે હું ખૂબ જ માન ધરાવું છું. સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે પ્રેમ એટલે એકબીજાની સાથે હળવું-મળવું અને ફરવું કે વધુમાં વધુ પરસ્પરનાં સુખ-દુઃખ વહેંચવા. જોકે, હું આ બાબતે પરિપકવ હતો. હું ભણ્યો તે દરમિયાન કોઈની સાથે પ્રેમ કહી શકાય એવા સંબંધો વિકસ્યા નહોતા. આ છોકરીને પણ પ્રેમ કરવાનું મેં વિચાર્યું નહોતું. હું પહેલેથી જ વિચારતો હતો કે આજના સમયમાં પ્રેમ માટે કોઈને સારા વિચાર આવતા નથી. કોઈ સાચો પ્રેમ કરતા હોય તોપણ સમાજ તેમના પ્રેમને સફળ થવા દેતો નથી. સમાજ પ્રેમને ખરાબ નજરથી જ જોતો હોય છે. મેં પહેલેથી જ નક્કી રાખેલું કે મારી જિંદગીમાં એક જ સ્ત્રી પ્રવેશશે.
એક વર્ષ પહેલાં હું પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી માટે અભ્યાસ કરતો હતો ત્યારે મારા મિત્રોમાં કોઈને લવ-પ્રોબ્લમ આવે તો હું જ તેના ઉકેલો શોધી આપતો હતો. પ્રમેશ નામના એક મારા મિત્રને કોઈ લવ-પ્રોબ્લેમ આવ્યો. એ મારાથી ઉંમરમાં નાનો હતો, પણ હું તેની સાથે મિત્રની જેમ જ વર્તતો હતો એટલે તેણે મને પોતાના દિલની વાત કરી. પ્રમેશને તેના ઘરની બાજુમાં રહેતી છોકરી ધ્રુવાની સાથે સંબંધ બંધાયો હતો. બન્ને મિત્રો બન્યાં હતાં અને ફોન પર તેમની વાતચીત ચાલતી રહેતી. એ દરમિયાન જીગર નામના બીજા એક મિત્રે મારી પાસે ધ્રુવા સાથે શારીરિક સંબંધો બાંધવામાં મદદ માગી. મેં મારી રીતે જાણકારી મેળવી ત્યારે મને ખ્યાલ આવ્યો કે ધ્રુવા આવા કોઈ સંબંધ માટે રાજી નહોતી. મેં જીગરને આ બાબતે મદદ કરવાની ના પાડી દીધી. થોડા દિવસ પછી મને જાણવા મળ્યું કે ધ્રુવાએ ના પાડી દીધા પછી જીગર તેને સતાવવા માંડયો છે અને એક દિવસ તો જીગરે ધ્રુવાને ઇજ્જત લૂંટી લેવાની ધમકી આપી દીધી. આ જાણ થયા પછી મેં ધ્રુવા માટે કંઈક કરવાનું વિચાર્યું. મેં જીગરને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આજ પછી ધ્રુવાનો વિચાર મનમાંથી કાઢી નાખજે. જીગર મને સારી રીતે જાણતો હતો એટલે તેણે ધ્રુવાને મેળવવાના ધમપછાડા છોડી દીધા. ધીમે ધીમે આ વાત ધ્રુવા સુધી પહોંચી. ધ્રુવાને જ્યારે ખબર પડી કે મેં તેની મદદ કરી હતી એટલે તેણે મને સામેથી ફોન કર્યો. સાચું કહું તો મને ખબર જ નહોતી કે હું શા માટે તેની મદદ કરી રહ્યો છું. અમે મિત્રો જે ચાની કીટલીએ ભેગા થઈને ગપ્પાં માર્યાં કરતા ત્યારે તે સ્કૂલમાં ભણતી હતી અને તે રોજ ત્યાંથી પસાર થતી ત્યારે અમે તેને જોતા. તે સીધી-સાદી અને ખૂબ જ સારી છોકરી હતી. તે અમને જોઈને આંખો નીચી કરી લેતી અને કોઈની સાથે બહુ વાતો કરતી નહીં. તેના માટે મારા મનમાં એક સારી છાપ હતી, તેને કારણે જ કદાચ મેં તેની મદદ કરી હશે. તેનો આભાર માનતો ફોન આવી ગયા પછી તેના ફોન લગભગ રોજ આવવા લાગ્યા. એક દિવસ તેણે અચાનક મને ફોન પર પ્રપોઝ કર્યું. મેં ધ્રુવાનો પ્રેમ પ્રસ્તાવ સ્વીકારી પણ લીધો. અમે થોડાક સમયમાં જ એકબીજાંના એટલા નજીક આવી ગયાં કે હવે જુદાઈ સહન થતી નથી. તેની સાથે વાત કર્યા વિના ચાલતું નહોતું. અમારી વચ્ચેના સંબંધોની જાણ તેના ઘરના લોકોને થઈ ગઈ. અમારી વચ્ચે પવિત્ર સંબંધો જ હતા. અમારા સંબંધો ગાઢ હતા પણ અમે શારીરિક સંબંધો બાંધ્યા નહોતા. ધ્રુવા જે સમાજમાંથી આવે છે, ત્યાં દીકરી બીજા સમાજના યુવક સાથે લગ્ન કરે એ તો બહુ મોટું દુષ્કૃત્ય ગણાતું હતું. તેના ઘરેથી અમારા સંબંધ સામે ઉગ્ર વિરોધ થયો. અમે બન્નેએ સમજીને થોડા દિવસ સુધી મળવાનું સાવ બંધ કરી દીધું. તેના ઘરનાને બીજી શંકા ન જાય એટલે ફોન પર વાતચીત કરવાનું પણ બંધ કરી દીધું છે. પણ મળ્યા વિના રહી શકાતું નહોતું. મામલો જરા થાળે પડયો એટલે થોડા દિવસ પછી ફરી અમે ફોન પર એકબીજા સાથે વાતો કરવા લાગ્યાં. જોકે, તેની બહેન તેને મારી સાથે વાત કરતા જોઈ ગઈ એટલે તેનું આવી બન્યું અને અમારી વાતચીત ફરી અટકી પડી. તેના ઘરના મને મળવા આવ્યા અને મને કહ્યું કે તું આ બધું ભૂલી જા પણ મારાથી ધ્રુવાને ભુલાતી નથી. ધ્રુવા પણ મને ભૂલી શકતી નથી. હું મારાં ભવિષ્ય કે લગ્ન માટે પણ કંઈ વિચારી શકતો નથી. અમારી વચ્ચે કોઈ જાતનો સંપર્ક ન થાય એવા હેતુથી ધ્રુવાને તેમના કોઈ સંબંધીને ત્યાં મોકલી દેવામાં આવી છે.
મારા ઘરના લોકો મારાં લગ્નની વાતો કરે છે પણ હું તેને ટાળતો રહું છું. મને નથી લાગતું કે હું આ જિંદગીમાં ધ્રુવાને પામી શકીશ. મેં આજીવન કુંવારા રહેવાનો નિર્ણય કરી લીધો છે. જો ધ્રુવા મારી પત્ની નહીં બને તો બીજી કોઈ સ્ત્રી પણ મારી પત્ની નહીં બને. મારી જિંદગી ખતમ થઈ ગઈ હોય એવું મને લાગે છે. હું જાણે શરીરનું ખોખું હોઉં અને મારો આત્મા તો મરી પરવાર્યો હોય એવું લાગે છે. ધ્રુવાને કઈ રીતે પામી શકાય? ધ્રુવાને પામી ન શકું તો જિંદગી જીવીને શું કરવાનું? મને કોઈ યોગ્ય માર્ગ બતાવો.
લ. સંજીવ,
પ્રિય સંજીવ,
પ્રેમ માણસની જિંદગીને ઉલ્લાસથી છલકાવી દેતો હોય છે. પ્રેમ માણસને પરિપૂર્ણ બનાવતો હોય છે. આ પ્રેમ-તત્ત્વને કારણે તો માણસ પશુ મટીને માણસ બની શક્યો છે. પ્રેમને કારણે જ દુનિયામાં માનવતા ટકી રહી છે. પ્રેમની અનુભૂતિ વ્યક્તિની જિંદગીની મૂલ્યવાન ભેટ સમાન હોય છે. સાચા પ્રેમ વિના જીવન તો જિવાય છે પણ એને મરેલા ઢોરની જેમ ઢસડાવું પડે છે. તમે અત્યારે કેવી પીડા અનુભવતા હશો અને કેવો ખાલીપો તમને ખાવા દોડતો હશે તે સારી રીતે સમજી શકાય છે.
તમારા પત્ર પરથી ચોક્કસ લાગે છે કે તમે પરિપકવ છો, તમે પ્રેમનો ખરો અર્થ જાણો છો. પ્રેમને તમે ટોળાટપ્પા કે શારીરિક સંબંધો ગણીને ચાલનારી વ્યક્તિ નથી. હવે તમારા પ્રશ્નની વાત કરીએ તો આપણા સમાજમાં મોટાભાગનાં પ્રેમીઓને નડતી આ સમસ્યા છે. આપણે ત્યાં જ્ઞાતિ-સમાજનાં મૂળિયાં એટલાં ઊંડાં છે કે તેને કાઢવામાં હજુ કેટલા દાયકા જશે કંઈ કહેવાય નહીં. આજના જમાનાનાં માતા-પિતા પણ પોતાની દીકરી કે દીકરાની ખુશીને બદલે સમાજના ડરને ધ્યાને લઈને નિર્ણયો લેતા અને એ નિર્ણયોને દીકરી-દીકરા પર થોપી બેસાડતાં હોય છે. વ્યક્તિની ઉંમર પુખ્યવયની થઈ જાય પછી તેને તેના નિર્ણયો લેવાની આઝાદી આપવી જોઈએ, પણ કદાચ આપણા સમાજમાં આવો ટ્રેન્ડ આવતા હજુ વર્ષો નીકળી જશે. તમારા કિસ્સામાં તમે અને ધ્રુવા ગમે તેટલું ઇચ્છો તોપણ તમારાં બન્નેનાં માતા-પિતા નહીં માને ત્યાં સુધી વિનાવિઘ્ને તમારાં લગ્ન થવાની શક્યતા ઓછી જણાય છે. કાં તો તમારે ધ્રુવાને ભગાડી જવી પડે, પણ આ નિર્ણય ઘણો જોખમ અને જવાબદારીભર્યો છે. આવો કોઈ નિર્ણય લેતાં પહેલાં કાયદાકીય કલમો અને જોગવાઈઓનો અભ્યાસ કરી લેજો. ધ્રુવા જો તેનાં માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવાનું સાહસ કરવા તૈયાર ન હોય તો તમારે તેને ભૂલી જવી જ પડે.
સ્વાભાવિક છે કે અત્યારે તો તમારા મનમાં ધ્રુવાના સ્થાને બીજી કોઈ છોકરી આવી જ ન શકે, પણ થોડા વાસ્તવિકતાની ધરતી પર આવીને વિચાર કરજો કે શું વ્યક્તિ માટે પ્રેમનો સ્રોત કોઈ એક જ હોઈ શકે? જિંદગીમાં કોઈ પણ પ્રકારની નકારાત્મકતા રાખતા નહીં. હકારાત્મક રહેશો તો ધ્રુવા પણ મળશે અને ધ્રુવા નહીં મળે તો કોઈ બીજી મળશે, જે તમારી જિંદગીને પ્રેમથી તરબતર કરી દેશે, પણ જો તમારો અભિગમ નકારાત્મક રહેશે તો ધ્રુવા તો નહીં જ મળે, બીજા કોઈ પાત્ર તરફથી પણ તમે પ્રેમ પામી શકશો નહીં. ધીરજથી કામ લો, સકારાત્મક વિચાર કરો, તમને ધ્રુવા મળશે અથવા તો પછી પ્રેમ તો મળશે જ, જે તમારી જિંદગીને ઉલ્લાસથી છલકાવી દેશે.

Comments