કેલેન્ડરનું પાનું પવનમાં ફંગોળાતું હતું



 
પ્રયાગે કહ્યું: પપ્પા! હું આવી ગયો છું હવે શું કરવા દુ:ખી થઇ રડો છો! મહેતા અબોલ રહ્યા પરંતુ કશું કહેવું હોય તેમ મહેતાની છાતી સુપડાતી હતી. જે કહેવું હોય તે ખુશીથી કહો પપ્પા!

મોતના બિછાને પોઢેલા મહેતા મનમાં સમજતા હતા કે, માતા હોવું તે હકીકત છે અને બાપ હોવું તે માત્ર ધારણા છે. તે આંખો બંધ કરી ગયા પણ ખાબોચિયા જેવી આંખો આંસુથી ઉભરાવા લાગી. છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. બસ, એક વખત પુત્રનું મોં જોઇ લઉં એટલે મારા જીવને સદ્ગતિ થાય, પણ મહેતાને ઊંડે ઊંડે ભીતિ છે કે પ્રયાગ ન પણ આવે, કારણ કે તેને જે પ્રશ્ન પજવી રહ્યો છે તે પોતાના સિવાય કોઇ જાણતું નથી. છતાંય પોતે કર્મ અને ધર્મ બરાબર નિભાવ્યાં છે. પ્રયાગ એક ઉત્તમ માણસ બને તેવું તેનું ઘડતર કર્યું છે.

મહેતાની ધારણા સાવ ખોટી પડી. બીમારીની વાત સાંભળી પ્રયાગ તમામ કામ પડતાં મૂકીને આવી ગયો. પ્રયાગ બેંગ્લોરની એક કંપનીમાં સિનિયર મેનેજર છે. કંપનીના વિદેશી પ્રોજેક્ટના લીધે નીકળવું મુશ્કેલ હતું છતાં જનરલ મેનેજરને સમજાવી શક્યો હતો કે પૈસા, પોસ્ટ કે પ્રતિષ્ઠા જિંદગીમાં ફરીવાર મળશે પણ બાપનું મોં જોવાનું નહીં મળે! તે પલંગ પાસે સ્ટૂલ પર બેસી ગયો. મહેતાએ તેનો હાથ પકડી પોતાની છાતીએ વળગાડ્યો. મહેતાની આંખો ફરી આંસુથી ઉભરાવા લાગી. આંસુ સુખનાં હતાં કે દુ:ખનાં તે ખુદ મહેતા નક્કી કરી શકે એમ નહોતા.

પ્રયાગે કહ્યું: પપ્પા! હું આવી ગયો છું હવે શું કરવા દુ:ખી થઇ રડો છો! મહેતા અબોલ રહ્યા પરંતુ કશું કહેવું હોય તેમ મહેતાની છાતી સુપડાતી હતી. જે કહેવું હોય તે ખુશીથી કહો પપ્પા! પ્રયાગનું કહેવું સાંભળી તેમનું હૈયું ભરાઇ ગયું. પ્રયાગ મનોમન બોલ્યો: મને ખબર છે તમારે શું કહેવું છે તેની! ખંડેર જેવા ઓરડામાં સ્મશાનવત્ શાંતિ પથરાયેલી હતી. ખરેખર તો પ્રયાગે પૂછવું હતું, મારાં મમ્મી યુવાન અને સ્વરૂપવાન હતાં. તમે વિધુર અને ઉંમરલાયક છતાંય લવમેરેજ કર્યા. આ હકીકત આજે પણ મને ગળે ઊતરતી નથી. લોકો ગપસપ કરે છે.

યુવાસંતાનને તેનાં મા-બાપના ચારિત્રય અંગે કોઇ શંકાથી જુએ ત્યારે તેની સ્થિતિ મરવા જેવી, ભારે કફોડી થતી હોય છે. પોતાનો કશો જ દોષ ન હોવા છતાં માનસિક સંતાપ ભોગવવો પડે છે. કોઇને કહી પણ ન શકાય મૂંગો માણસ મનમાં સંઘરે તેવું થાય. પ્રયાગ અબોલ રહ્યો. તે પપ્પાની લાગણીને બરાબર સમજતો હતો. જે પીડા, પ્રશ્ન કે પજવણી પોતાના પક્ષે છે તેમાં પપ્પા જવાબદાર છે કે નહીં તેની ખબર નથી, પણ પિતા તરીકેની ફરજમાં ક્યારેય ગરજ દાખવી નથી. ધીરજ ગુમાવી નથી.
પ્રયાગને કહેવાનું મન થઇ આવ્યું કે, તમે આટલા દુ:ખી શું કરવા થાવ છો, ભાગ્યે જ કોઇ પિતા દાખવી શકે તેવું વિરલ કર્તવ્ય અને પિતૃત્વ તમે દાખવ્યું છે. મારું સર્વથી નોખું અને અનન્ય જીવનઘડતર કર્યું છે. હું જ્યારે હાયર સેકન્ડરીમાં હતો ત્યારે મને મેગાસિટીના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લઇ ગયા હતા. ત્યાં અર્ધનગ્ન અવસ્થામાં આમતેમ ભટકતાં ગંદા-ગોબરાં બાળકોને જોયાં, કાળી મજૂરી કરી રહેલા મારા સમવયસ્કોને જોયા... મને દુ:ખ અને ગરીબાઇનો ખ્યાલ આપોઆપ આવી ગયો હતો. આમ ઘણું શીખવી દીધું હતું. તેથી મેં મારી ન્યુનતમ જરૂરિયાતોથી જિંદગીને ઘડી.

હું ડિગ્રી કોલેજમાં દાખલ થયો ત્યારે તમે જ મને કહ્યું હતું કે, આજનું કોલેજ કલ્ચર સાવ જુદું છે. યુવાનો કોલેજનું પગથિયું ચઢે તે પહેલાં જ તેને બાઇક અને મોબાઇલ મળી જાય છે અથવા તો જીદ કરીને મેળવી લે છે. કોઇ એવી ફ્રેન્ડશિપ ફરજિયાત છે અને એ પણ તેના હાથમાં કેવો અને કેટલો કીમતી મોબાઇલ છે તેના પરથી નક્કી થાય છે, પણ હું આવી કોઇ ઝપટ કે લપેટમાં ન આવ્યો, સારી રીતે અભ્યાસ કરી શક્યો તેમાં તમારો પ્રભાવ અને સ્વભાવ જ મને ખપ લાગ્યા હતા. હા, તમે મને કોઇ વાતની ના નહોતી પાડી પણ પ્રેમપૂર્વક સમજાવ્યો હતો.

બેટા! મહેતાએ રડવું ખાળીને ઓશિકા નીચેથી કાગળ કાઢ્યો પછી ધ્રૂજતા હાથે પ્રયાગ તરફ લંબાવ્યો અને કહ્યું, લે આ વાંચી લે! કાગળ હાથમાં લઇ પ્રયાગે કહ્યું: હા, હું વાંચી લઇશ. શું ઉતાવળ છે! મહેતાને કહેવું હતું કે હકીકત જાણી લે પછી મને સાથે લઇ જવાનો નિર્ણય કરજે! બંને કશું બોલ્યા વગર એકબીજામાં ખોવાઇ ગયા. પોતાને જ્યારે વિકલાંગોની સંસ્થા દેખાડી, પોતાની ઉંમરના અનેક વિકલાંગ લોકોને જોયા. આમ જીવનના પદાર્થપાઠ શિખવવાની તમારી સૂઝ વિશેષ અને વિશિષ્ટ રહી છે. જ્યારે ઘરડાઘર દેખાડ્યું ત્યારે થયું કે જિંદગીનો આ નિચોડ છે!!

કેવા વિવિધ અનુભવો આપીને મને ઉછેર્યો! પ્રયાગ મૂકપણે મહેતાના કરચલીવાળા ચહેરા સામે તાકી રહ્યો. તેનાથી નશિ્ર્વાસ નખાઇ ગયો. ખાલી ઓરડામાં નજર ફેરવી તો ભીંતે લટકતી છબી પર નજર ચોંટી ગઇ. જનેતાની આકૃતિમાં પોતાની પ્રતિકૃતિ શોધવા લાગ્યો. મહેતાથી પણ અનાયાસે છબી જોવાઇ ગઇ. આંખોમાં આંસુ સાથે અતીત ઉભરાવા લાગ્યો. શોભના ઓફિસમાં પતંગિયાની જેમ ઊડાઊડ કરતી હતી. પોતે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ હતા તેથી ટકોર કરતાં કહ્યું હતું કે, આ મોહમયીનગરી છે, જાત સંભાળીને ચાલવું પડે. એકવાર લપસી ગયા પછી ઊભું થવું મુશ્કેલ હોય છે અને ઊભા થઇ ગયા પછી પણ હાથ-પગ છોલાયા વગર ન રહે, પણ પછી શું બન્યું તે બંનેએ મેરેજ કરી લીધાં હતાં.

ઓફિસ દંગ રહી ગઇ હતી. કોઇ કહેતું કે ઘરડા ઘોડાને વળી લાલ લગામ! પ્રયાગ મોટો થતો ગયો તેમ તેને જાણકારી મળવા લાગી હતી. જ્યારે પૂરો સભાન થયો, ત્યારે મમ્મીને સીધો જ સવાલ કરી શકે તેમ હતો: મમ્મી ખરેખર શું બન્યું હતું!? જોકે આ દિવસો બહુ દૂર નથી. વીર્યદાનથી પ્રાપ્ત થયેલો દીકરો તેના બાપને કહેશે, તમે મારા પિતા ક્યાં છો? અને તમારામાં પિતા થવાની ક્ષમતા જ નહોતી છતાંય બાપ થવાના ઉધામા શું કરવા કર્યા!? સરોગેટમધરથી મેળવેલ સંતાન તેની માતાને કહેશે, હું તારી કૂખમાં ક્યાં પાકયો છું તે માતા હોવાનું ગૌરવ લે છે? અને ક્યાં છે એ મારી જનેતા જેણે કૃષ્ણ જેવી મારી હાલત કરી! આવી સંવેદનશીલ સ્થિતિ યુવા-સંતાનને પજવવામાં પાછીપાની નહીં કરે ત્યારે આવા સવાલો પૂછવા-કહેવામાં કોઇને લાજ-શરમ જેવી ચીજ આડે નહીં આવે.’

શોભનાના અકાળે અવસાન પછી મહેતાએ પોતાની જાત ઘસીને પણ માતા અને પિતાનો બેવડો પ્રેમ આપ્યો હતો, પણ પ્રયાગના મનમાં ઠાંસીઠાંસીને ગેરસમજ ભરાઇ હતી. તે અપસેટ રહ્યા કરતો હતો. જાંઘના જખમ કોને બતાવવા! પણ મહેતા સારી રીતે સંભાળી લેતા હતા. પ્રયાગે ન છુટકે કાગળ પર નજર ફેરવી. અક્ષર ઉકેલતાં પહેલાં ફરી એક વખત મહેતા તરફ જોઇ લીધું. તે મોં વકાસીને સ્થિર થઇ ગયા હતા. માત્ર કોઠામાં શ્વાસ ચાલતો હોય એવું જ લાગતું હતું. પ્રયાગ એ બધું જાણતો હોય તેવા ડોળ સાથે નજર સ્થિર કરી. બેટા! સાચી વાત તો એ છે કે, પણ તારા મમ્મી સંજોગોનો શિકાર બની હતી.

તે જીવવા કે કોઇને મોં બતાવવા લાયક રહી નહોતી ત્યારે મેં તેને આપઘાત કરતાં રોકીને સ્વીકારી હતી, માત્ર તેના બાળકને બાપનું નામ આપવા માટે... પ્રયાગે એકદમ પપ્પા ઉર્ફે મહેતા સામે જોયું. તેમની આંખો સદાયના માટે મીંચાઇ ગઇ હતી. ભીંતે લટકતા કેલેન્ડરમાં ફાધર્સ ડે લખેલ પાનું પવનમાં આમતેમ ફંગોળાતું હતું.

Comments