સોનાની માટી – હુંદરાજ બલવાણી


દૂર દેશમાં એક બાદશાહ હતો.
સિંહાસન પર બેસતાં જ તેને પોતાનો ખજાનો વધુ સમૃદ્ધ બનાવવાનો વિચાર આવ્યા કરતો. આથી જ્યારે એને ખબર પડતી કે કોઈ દેશ સમૃદ્ધ છે, પૈસેટકે સુખી છે, તો તેના ઉપર ચડાઈ કરી, એ દેશને લૂંટી લેવા એ તત્પર રહેતો અને ત્યાંથી મેળવેલી અઢળક દોલત પોતાના ખજાનામાં ઉમેરતો. બાદશાહે એવા જાસૂસો પણ રાખ્યા હતા કે જેઓ વિવિધ દેશોની સમૃદ્ધિ અને ખજાનાઓની માહિતી લઈ આવતા. બાદશાહ અવારનવાર જાસૂસોના સહકારથી શાહુકાર દેશો પર ચડાઈ કરતો અને એ દેશનું ધન લૂંટી લાવીને પોતાના ખજાનાને વધુ સમૃદ્ધ બનાવતો.
એક વાર એક જાસૂસે આવીને બાદશાહને કહ્યું કે : ‘દક્ષિણ તરફ એક એવો દેશ છે, જ્યાંના રહેવાસીઓ સૌથી વધુ સુખી અને સમૃદ્ધ છે. એ દેશની માટીય સોનાની છે !’
‘સોનાની માટી !’ બાદશાહની આંખો પહોળી થઈ ગઈ.
એણે અત્યાર સુધીમાં કેટલાયે દેશો જોયા હતા, લૂંટ્યા હતા પણ કોઈ દેશની માટી સોનાની હોય એવું સાંભળ્યું નહોતું. બાદશાહે તુરત જ લશ્કર મોકલીને એ દેશને લૂંટવાની યોજના બનાવી. પણ એક મુશ્કેલી હતી. એ દેશ કઈ બાજુ છે, એ દેશનું નામ શું છે, એની તો રાજાને ખબર જ ન હતી.
જાસૂસે કહ્યું : ‘જહાંપનાહ, મને મળેલી માહિતી તદ્દન સાચી છે. પણ એ દેશનું નામ હું જાણતો નથી. અલબત્ત, એ દેશ દક્ષિણ દિશાએ આવેલો છે. એ દેશના લોકો બહાદુર છે. એ દેશમાં પ્રવેશતાં પહેલાં કેટલાંયે પહાડો અને નદીઓ ઓળંગવાં પડે છે.’
બાદશાહે કહ્યું : ‘વાંધો નહિ. ગમે તેટલી તકલીફ પડે તોપણ મારે એ સોનાની માટીવાળા દેશને જીતવો જ છે.’
સોનાની માટીવાળો દેશ જીતવાની તાલાવેલીમાં બાદશાહે ઉતાવળ કરી અને દક્ષિણ તરફ કૂચ કરવાનો હુકમ આપ્યો. બાદશાહના હુકમ મુજબ લશ્કર તૈયાર થઈ ગયું. વજીરોએ અને અન્ય અમલદારોએ સલાહ આપી, ‘સોનાની માટીવાળા દેશની પૂરી માહિતી મેળવીને પછી હુમલો કરીએ તો સારું.’ બાદશાહે કહ્યું : ‘નહિ, હું ધીરજ રાખી શકું તેમ નથી. મારે સોનાની માટીવાળો દેશ બને એટલો જલદી જીતવો છે.’
બીજે દિવસે બાદશાહ લાવલશ્કર સાથે આગળ વધ્યો. ઘણા દિવસો વીતી ગયા પણ બાદશાહને એ દેશનો પત્તો ન લાગ્યો. ઊંચા ઊંચા પહાડો પાર કરવાનું બાદશાહને મુશ્કેલ લાગ્યું. પણ સોનાની માટીનો લોભ છેવટે બાદશાહને ત્યાં સુધી ખેંચી ગયો. ખૂબ જ યાતનાઓ વેઠીને લશ્કર તથા રાજા એ સુંદર દેશમાં આવી પહોંચ્યા. બાદશાહને લાગ્યું કે આ જ સોનાની માટીવાળો દેશ હોવો જોઈએ. બાદશાહે લશ્કરને સાવધાન કર્યું અને સોનાની માટીવાળા દેશ પર હુમલો કરવા કહ્યું. લશ્કર પૂરા જોશથી એ દેશ જીતી લેવા આગળ વધ્યું. એ દિવસોમાં એ દેશ નાનાંનાનાં રાજ્યોમાં વહેંચાયેલો હતો. એક જ મોટા દેશનાં અલગ-અલગ રાજ્યો પર અલગ-અલગ રાજાઓનું રાજ્ય હતું. લશ્કરે આ નાનાં નાનાં રાજ્યો જીતી લીધાં. એ રાજ્યોના રાજાઓને કેદ પકડીને બાદશાહ સમક્ષ રજૂ કરવામાં આવ્યા.
બાદશાહે તેમને પૂછ્યું : ‘ક્યાં છે સોનાની માટી ?’
‘સોનાની માટી !’ બધા એકબીજાનાં મોઢાં જોવા લાગ્યાં. એક રાજાએ હિમ્મત કરીને કહ્યું : ‘અહીં તો આવી કોઈ માટી નથી.’
‘તમે લોકો જૂઠું બોલો છો.’ બાદશાહે કહ્યું, ‘અમે સાંભળ્યું છે કે આ દેશ સોનાની માટીવાળો છે. અમે તમને છોડી મૂકવા તૈયાર છીએ. પણ તમે અમને સોનાની માટી બતાવો એ શરતે.’ કેદ થયેલા રાજાઓએ ફરી વાર એકબીજા સામે જોયું. આટલાં વર્ષોથી રાજ્ય કરવા છતાં એમણે ક્યારેય સોનાની માટીનાં દર્શન કર્યાં ન હતાં. સોનાની માટી અહીં છે એવું વળી બાદશાહને કોણે કહ્યું હશે ? સૌ વિચારમાં પડ્યા.
રાજાઓએ કહ્યું : ‘હજૂર, આપને કોઈએ ખોટી માહિતી આપી છે, અહીં એવું કાંઈ જ નથી.’
બાદશાહે કહ્યું : ‘મારા જાસૂસો કદી ખોટા હોય નહિ. તમારે સોનાની માટી બતાવવી જ પડશે.’ રાજાઓએ ફરી ધીરજથી વિચાર કર્યો. આખરે એક રાજાએ ધીમેથી કહ્યું : ‘મને એ સોનાની માટીની ખબર છે. ચાલો, હું તમને સોનાની માટી બતાવું.’ સોનાની માટી ખરેખર છે જ એવું સાંભળીને બાદશાહ રાજી થયો. તેણે એ રાજાને છોડી મૂકવાનો હુકમ કર્યો. રાજાએ બાદશાહને પોતાની સાથે આવવા કહ્યું. બંને એક લીલીછમ વાડીમાં પહોંચ્યા. રાજાએ ખેતરની જમીન તરફ આંગળી ચીંધીને કહ્યું : ‘આ રહી સોનાની માટી.’
બાદશાહે આંખો ફાડીને ધૂળનાં ઢેફાં જોયાં અને ગુસ્સે થઈને કહ્યું :
‘આ સોનાની માટી છે ? આ ?’
‘જી હજૂર, આ જ સોનાની માટી છે, આ માટીમાં જ અનાજ થાય છે, જેની કિંમત સોનાથી પણ વધુ ગણાય. જે ખાઈને આ દેશના લોકો પેટ ભરે છે તથા વધારાનું અનાજ જરૂરિયાતવાળા દેશોને મોકલે છે. ભૂખ્યાની ભૂખ સંતોષે એ માટી સોનાની ન કહેવાય ? અહીંના ખેડૂતો લગનથી માટીમાં પોતાનો પરસેવો ભેળવીને માટીને સોનાની બનાવે છે. તમે જે સોનાની માટીની તલાશમાં અહીં સુધી આવ્યા છો, તે આ જ છે.’
‘હેં !’ બાદશાહ વિચારમાં પડી ગયો. તેને હવે સમજાયું કે નાહક ઠેઠ દૂરથી આ માટીની તલાશમાં આવ્યો ! આવી માટી તો દરેક દેશમાં હોય છે. આ રીતે તો દરેક દેશની માટી સોનાની કહેવાય. ખેડૂત જો મહેનત કરે તો દરેક દેશની માટી પણ સોનું ઉગાડી શકે. તરત જ બાદશાહ પોતાના દેશ તરફ પાછા વળવાની તૈયારી કરવા લાગ્યો.

Comments