ડૉ.શરદ ઠાકર: આપ જો આદેશ તો આગળ કહું તેં લખેલા એક-બે કાગળ કહું

હા, મારા દીકરાનો દીકરો. મારો લાલો! એ તો ઘોડિયામાં હતો ત્યારે એનાં મા-બાપ ખટારા નીચે આવીને મરી ગ્યા’તાં. મેં જ પેટે પાટા બાંધીને એને મોટો કર્યો. ખેતર વેચીને ભણાવ્યો. છેલ્લે દાગીના વેચીને એને શે’રમાં મોકલ્યો. બસ, આજે એ વાતને છ મહિના થઇ ગ્યા. ન લાલો આવ્યો, ન એની ટપાલ આવી.

રાજુ ટપાલીની સાઇકલ ઢાળ ઊતરીને સીધી મગન મુખીના મકાનના ફળિયા આગળ જઇને ઊભી રહી ગઇ. રાજુએ ટપાલની થોકડી હાથમાં લઇને બૂમ મારી, ‘મુખીકાકા...આ...આ... ટપાલ...!’ મગન મુખીએ ટપાલ પછી હાથમાં લીધી, પહેલાં અંદરના ઓરડા તરફ જોઇને મોટેથી કહ્યું, ‘વહુ બેટા! તું હમણાં પૂછતી’તી ને કે ઘડિયાળમાં સમય મેળવવો છે તો અત્યારે કેટલા વાગ્યા હશે? મેળવી લે સમય! બરાબર અગિયાર વાગ્યા છે.’ પછી ટપાલીની સામે જોઇને હસ્યા, ‘ભાઇ, તું તો ભારે નિયમિત! મને તો સમજાતું નથી કે તું ટપાલી મૂવો છે કે ઘડિયાળનો કાંટો? આવ, ભાઇ, આવ! પાણી-બાણી પી! આજે કોની-કોની ટપાઇ લાવ્યો છે?’

ગામડા ગામના ટપાલીની આ પણ એક ફરજ કહેવાય. જેની ટપાલ હોય એને એના સરનામે પહોંચતી તો કરવાની જ, ઉપરથી વળી એને વાંચી પણ સંભળાવવાની. ગામમાં ભાગ્યે જ દસ-બાર જણા એવા હશે જે લખી-વાંચી શકતા હતા. એ બધા તો ગામ છોડીને આજુબાજુનાં શહેરોમાં જઇ વસ્યા હતા. મગન મુખી આમ ભલે મુખી હતા, પણ નિરક્ષર સમૂહના નિરક્ષર મુખી. રાજુએ થોકડીનો ટૂંકસાર વર્ણવી દીધો, ‘એક ટપાલ ગાંધીનગરથી છે. સરકારે પોતાના તઘલખી કાર્યક્રમ વિશેની માહિતી લખી મોકલી છે. એમાં ગામના કામનું કશુંયે નથી. બે કાગળિયાં સીતાપરથી આવ્યાં છે. સરકારી દવાખાનામાંથી ‘મલેરિયા નાબૂદી’ અંગેનાં છે. એક રાજપુરથી તમારા વેવાઇનો પત્ર છે. ઉનાળામાં આંબો વેડાવ્યો છે. તમને કેરીઓ ખાવા માટે બોલાવે છે. પાંચમો પત્ર...’

દસ મિનિટ બેસીને, પોતાની ફરજ પૂરી કરીને, ઠંડા પાણીનો ગ્લાસ ગટગટાવીને રાજુ ટપાલી ઊભો થયો, ‘હજુ તો બાર-પંદર સરનામે ટપાલો વહેંચવાનું બાકી છે. લ્યો, આવજો મુખીકાકા...!’ ફરતાં ફરતાં રાજુ ટપાલીએ સાઇકલને ત્રીજી શેરીમાં વાળી ત્યાં પહેલા જ ઘરની બહારના ઓટલા ઉપર ગંગામા બેઠાં હતાં. સાઇકલનો ખખડાટ સાંભળીને એમણે આંખોની ઉપર જમણી હથેળીનું છાપરું કરીને અપેક્ષાસભર અવાજમાં પૂછ્યું, ‘બેટા, મારી ટપાલ છે?’

રાજુએ સાઇકલને ‘બ્રેક’ મારીને ઓટલા પાસે જ થંભાવી દીધી. સીટ ઉપર બેઠા-બેઠા જ થેલામાંથી કાગળોની થોકડી બહાર કાઢી. ઝડપથી દરેક પત્રનાં સરનામાં ઉપર નજર દોડાવી લીધી. પછી માથું હલાવ્યું, ‘ના, ગંગામા! આજેય તમારી ટપાલ નથી.’ગંગામાની ઊંડી જતી રહેલી આંખો નિસ્તેજ બની ગઇ. કરચલિયાળો ચહેરો વધારે કરચલીવાળો બની ગયો. સાડલના છેડાથી આંખો લૂછતાં બબડવા લાગ્યાં, ‘બેટા, મારા લાલાની આજેય ટપાલ નથી? ઇ હાજો-હારો તો હશે ને? એને કાંઇ થ્યું તો નહીં હોય ને?’ રાજુએ પૂછ્યું, ‘લાલો તમારો દીકરો છે, માડી?’

‘હા, મારા દીકરાનો દીકરો. મારો લાલો! મારો વા’લો! મારો કાનુડો! એ તો ઘોડિયામાં હતો ત્યારે એનાં મા-બાપ ખટારા નીચે આવીને મરી ગ્યા’તાં. મેં જ પેટે પાટા બાંધીને એને મોટો કર્યો. ખેતર વેચીને ભણાવ્યો. છેલ્લે દાગીના વેચીને એને શે’રમાં મોકલ્યો. બસ, આજે એ વાતને છ મહિના થઇ ગ્યા. ન લાલો આવ્યો, ન એની ટપાલ આવી. એને કો’ક એટલા તો ખબર પહોંચાડો કે તારી દાદીને ખાવાનાયે ફાંફાં...!’

એક ઊંડો નિસાસો છોડીને ટપાલીએ સાઇકલ મારી મૂકી. અજબની નોકરી હતી એની! એના થેલામાં લગ્નની શરણાઇના સૂરો પણ હતા અને કોઇના સ્વજનના મૃત્યુની માઠી ખબર પણ હતી. કંકોતરી અને કાળોતરી આ બેઉંનો સંગમ હતો એના થેલામાં. પણ ક્યાંય લાલાની ટપાલ ન હતી. બાજુના જ ઘરની બહાર લવજી લુહાર ઊભો હતો. એણે રાજુને કહ્યું પણ ખરું, ‘બિચારી ડોશી આ ટપાલના તાંતણા પર ટકી રહી છે. જો વધુ એકાદ મહિનો લાલાની ટપાલ વગરનો જશે તો આ વગર મોતે મરી જાશે.’ 

પણ એવું ન બન્યું. ભગવાને ગંગામાની પ્રાર્થના સાંભળી લીધી હશે. બીજા જ દિવસે રાજુ ટપાલીની સાઇકલ આવી અને ગંગામાએ પૂછ્યું એની સાથે જ રાજુએ થેલો ખુલ્લો કર્યો. અંદરથી એક પોસ્ટકાર્ડ કાઢીને ગંગામાના હાથમાં મૂકર્યું, ‘લ્યો, માડી, તમારા કાનુડાનો કાગળ!’ ગંગામાની આંખોમાંથી જમનાની ધારા વરસી રહી. પોસ્ટકાર્ડ ભીંજવી દીધું. પછી એ જ પોસ્ટકાર્ડ ટપાલીને પાછું આપ્યું, ‘ભાઇ, તું જ વાંચી સંભળાવ! હું લખે છે મારો કાનુડો?’

‘મારી વહાલી બા!’ રાજુ આટલું વાંચીને પળવાર માટે અટકી ગયો. ગંગામાની આંખોનાં કોડિયામાં તેજ પ્રગટયું, ‘ટપાલ લખવામાં હું મોડો પડ્યો છું, પણ શહેરની પરિસ્થિતિની તને ખબર ન હોય. મને શરૂમાં તો બહુ તકલીફો પડી, પણ હવે હું સારી રીતે ગોઠવાઇ ગયો છું. નોકરી સારી છે અને પગાર પણ સારો છે. હવેથી દર મહિને હું તને પાંચસો રૂપિયા મોકલતો રહીશ. આજે જ મનીઓર્ડર રવાના કરું છું. રજા મળશે ત્યારે ઘરે પણ આવી જઇશ. લિ. તારા લાલાના પ્રણામ.’ જોકે આ તો હજુ સુગંધ જ આવી હતી, ફુલ અજવાળું બાકી હતું. રાજુએ સમજાવવું પડ્યું, ‘માડી, ટપાલમાં લાલાએ લખ્યું તો છે, પણ હજુ પૈસા મોકલ્યા નથી. જ્યારે મનીઓર્ડર આવશે ત્યારે હું પહેલો તમારા ઘરે આવીશ. મુખીકાકાના ઘરેય પછી જઇશ.’

‘મનીઓર્ડર’ નહોતું આવ્યું, તોયે ગંગામા ઘેલાં-ઘેલાં થઇ ગયાં. અડધા ગામમાં ફરી વળ્યાં. લાલાની નોકરીના ખબર વહેંચી આવ્યાં. બે દિવસ પછી રાજુ ફરી એકવાર સાઇકલ પર બેસીને આવી પહોંચ્યો. આ વખતે ‘મનીઓર્ડર’ લઇને આવ્યો હતો. ગંગામા બે દિવસ પહેલાં અડધા ગાંડા થઇ ગયાં હતાં, આજે પૂરા ગાંડા થઇ ગયાં.

સતત અઢાર-અઢાર મહિના સુધી લાલાએ મોકલાવેલા પાંચસો રૂપિયાના ‘મનીઓર્ડર’ ગંગામાના હાથમાં પહોંચતા રહ્યા. હૃદયની ગતિની નિયમિતતા સાથે મળતા રહ્યા. એક દિવસ અણધારી ઘટના બની ગઇ. બપોરના ત્રણ વાગ્યા હશે. ગામમાં ઘરે-ઘરે ટપાલ વહેંચીને રાજુ ટપાલી પાછો પોતાના ગામ ભણી જઇ રહ્યો હતો. ત્યાં સાકરિયા આંબા પાસે સામેથી આવતી એક બાઇક એણે ભાળી. ગામડામાં આજે પણ વણજોઇતી પૂછપરછનો રિવાજ હોય છે. રાજુએ બાઇકસવારને પૂછ્યું, ‘રામપરમાં જાવ છો? કોના ઘરે?’અલેલ ટપ્પુ જેવા જુવાને જવાબ આપ્યો, ‘ગંગામાના ઘરે. એ ડોસી મારી દાદી થાય. તમે ટપાલી? ગામના શું સમાચાર છે? ડોસી જીવે છે કે મરી ગઇ...?’‘કેમ આવું પૂછો છો, ભાઇ?’ ટપાલીને આઘાત લાગ્યો.

‘ત્યારે બીજું શું પૂછું? મેં શહેરમાં જઇને ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો છે. મેં તો લગ્ન પણ કરી લીધાં છે. મારો સસરો જ મારો ભાગીદાર છે. હમણાં ધંધો જરાક ખોટમાં ચાલે છે. મને થયું કે લાવ, ગામડે આંટો મારી આવું. જો ડોશી મરી ગઇ હોય તો ખોરડું વેચી મારું.’‘અહીંથી પાછા વળી જાવ, લાલાભાઇ! ગંગામા હજુ જીવે છે. આમ તો એ બહુ લાંબું નહીં ખેંચે, બે-ચાર મહિનાનાં જ મહેમાન છે, પણ તમારી વાત સાંભળીને કદાચ ત્યાં ને ત્યાં એ ઢળી પડશે. એ તમને એકવાર આંખ ભરીને જોઇ લેવા માટે જીવી રહ્યાં છે. 

તમારે જો માને ‘દર્શન’ દેવા જવું જ હોય તો ભલે જઇ આવો, પણ આ ખોરડું વેચવાની વાત અત્યારે કરશો મા!’ રાજુએ વિનંતી કરી.‘ભલે, નહીં કરું, પણ અહીં સુધી આવ્યો જ છું તો ડોસીને મળી તો લઉં જ.’ કહીને લાલાએ બાઇકને કીક મારી. રાજુ ટપાલીએ ફરી પાછો એને રોકયો, ‘ભાઇ, એક બીજી વિનંતી છે, સ્વીકારશો? ગંગામાને એમ ન કહેતા કે દર મહિને પાંચસો રૂપિયાનું ‘મનીઓર્ડર’ તમે નથી મોકલતા! મેં ઊભો કરેલો આટલો ભરમ ટકી રહેવા દેજો...’

Comments