પિતાની ઉંમરના પરણેલા પ્રેમીનું શું કરું?



યૌવનની સમસ્યા - સોક્રેટિસ
સોક્રેટિસજી,
મારું નામ જાસ્મિન છે. મારી ઉંમર ૨૪ વર્ષ છે. હું ગાંધીનગર જિલ્લામાં રહું છું. હું મારાથી બે ગણી મોટી ઉંમરની વ્યક્તિના પ્રેમમાં છું. એમનું નામ જયંતિ છે. જયંતિ પરણેલા છે અને તેમને બે છોકરીઓ છે, જે મારા કરતાં પણ મોટી છે! એમની પત્નીને અમારા સંબંધની જાણ છે.
જયંતિ મને એમની પત્નીની જેમ જ રાખે છે. હું પણ તેમને મારા પતિ જ માનું છું. તેઓ જ્યારે તેમના પરિવાર સાથે હોય છે ત્યારે તેઓ મારી સાથે વાત નથી કરતા, એ વખતે મને ખૂબ જ દુઃખ થાય છે. જોકે, મેં તેમને કદી કોઈ ફરિયાદ નથી કરી. તેમની પત્ની અંગે કોઈ સાચીખોટી વાતો નથી કરી. મને તેમની પત્ની કે પરિવારથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ તેઓ જ્યારે તેમના ઘરે જઈને જાણે મને ભૂલી જ જતા હોય એવું વર્તન કરે છે ત્યારે મારા દિલમાં બહુ પીડા અનુભવું છું.
હું મારાં માતા-પિતાની એકનીએક છોકરી છું. હું અમારા ઘરમાં જયંતિ વિશેના સંબંધો વિશે કંઈ કહી શકું એમ નથી, કારણ કે મારા ઘરમાં અમારા સંબંધોને પિતા-પુત્રીના સંબંધની દૃષ્ટિએ જોવામાં આવે છે અને એટલે જ હું તેમની સાથે ગમે ત્યાં બહાર જાઉં તો પણ મને કોઈ રોકટોક કરાતી નથી. મારા પિતાને તેમના પ્રત્યે બહુ માન છે. હું જાણું છું કે તેઓ અમારા સંબંધ વિશે જાણશે ત્યારે તેમને બહુ દુઃખ થશે અને જયંતિ પ્રત્યેનું માન ઓસરી જશે.
હું જયંતિને ખૂબ ચાહું છું, તેઓ પણ મને બહુ ચાહે છે, પણ હું જાણું છું કે અમે આ સંબંધને ક્યારેય કોઈ નામ આપી શકવાનાં નથી. અમારા આ સંબંધને સમાજ ક્યારેય સ્વીકારવાનો નથી, પણ હું એમના વગરનું મારું જીવન વિચારી શકતી નથી. જોકે, હું મારાં માતા-પિતાનાં દિલને ઠેસ પહોંચાડવા માગતી નથી. મારે શું કરવું જોઈએ, મને કંઈ સમજ પડતી નથી. મને મારું આગળનું ભવિષ્ય અંધકારમય લાગે છે. મને કોઈક રસ્તો બતાવો, જેથી હું મારા ભવિષ્ય વિશે કંઈક વિચારી શકું.       
- લિ. જાસ્મિન
પ્રિય જાસ્મિન,
આમ તો એવું કહેવાય છે કે 'ના ઉમ્ર કી સીમા હો, ના જન્મોં કા હો બંધન. જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન....' હા, સાચી વાત છે, પ્રેમ કંઈ ઉંમર જોઈને થતો નથી. લાગણીનો પ્રવાહ જ્યાં મોકળું (અહીં ગમતાના સંદર્ભમાં) મેદાન મળે ત્યાં વહી જતો હોય છે. આપણા કરતાં મોટી ઉંમરની વ્યક્તિ સાથે પ્રેમ થઈ જ શકે, પણ લગ્નની વાત આવે ત્યારે ઉંમરનું પરિબળ બહુ કામ કરતું હોય છે. તમારા કિસ્સામાં તો લગ્નની કોઈ શક્યતા જ જણાતી નથી. જયંતિભાઈ પોતાની પત્નીને તમારા માટે છૂટાછેડા આપીને પરણશે એવી શક્યતા જણાતી નથી, એટલે મામલો વધુ પેચીદો બની જાય છે. પ્રેમની મંજિલ લગ્ન જ નથી હોતી, પણ જો તમે તમારું જીવન સુખરૂપ અને સન્માનપૂર્વક જીવવા માગતા હોય તો તમારે આવા સામાજિક રીતે અસ્વીકાર્ય પ્રેમને છોડીને લગ્નનો માર્ગ અપનાવવો જોઈએ.
તમને તમારું ભાવિ અંધકારમય લાગે છે, એ યોગ્ય જ લાગે છે. જયંતિભાઈ તમારી સાથે લગ્ન નથી કરવાના અને તમે તેમના પ્રેમમાં જ રચ્યાપચ્યા રહેશો તો તમે બીજી કોઈ વ્યક્તિને અપનાવી નથી શકવાનાં. આ સ્થિતિમાં તમે તો કાયમ એકલા જ રહી જવાનાં. જયંતિભાઈ ખરેખર પરિપક્વ હોય અને તમારા જીવનની ચિંતા કરતા એમ હોય તો તમારે જ હોય તો તેમણે જ સામેથી આવા સંબંધને પ્રોત્સાહન ન આપવું જોઈએ. આ સંબંધમાં જો કોઈને ગુમાવવું પડે બધું ગુમાવવું પડશે. તમારી પાસે પ્રેમ હોવા છતાં નથી. તમે સમજદાર હો તો આવા આભાસી પ્રેમના મોહમાંથી વહેલીતકે મુક્ત થઈ જવું જોઈએ. જયંતિભાઈ સાથેના સંબંધોમાં પૂર્ણવિરામ મૂકીને વહેલીતકે ભાવિ જીવનસાથી વિશે વિચારવું જોઈએ. તમે જયંતિભાઈને દિલથી ચાહો છો એટલે આ નિર્ણય લેવામાં તકલીફ પડશે, પણ જિંદગીમાં બધા નિર્ણય દિલથી નહીં દિમાગથી લેવાના હોય છે.
***
સોક્રેટિસજી,
મારે એક છોકરી સાથે પ્રેમસંબંધો બંધાયા છે. એ છોકરી મારા કરતાં ઉંમરમાં નવ વર્ષ મોટી છે. વળી, તે જમણો હાથ ધરાવતી નથી. હું તેની વિકલાંગતા છતાં તેને ખૂબ ચાહું છું. તેને જીવનસાથી બનાવવા માગું છું. મારાં મમ્મી-પપ્પા કહે છે કે આ તારી આખી જિંદગીનો નિર્ણય છે, તારે આવી વ્યક્તિ સાથે પરણવું ન જોઈએ. કોઈ વિકલાંગ વ્યક્તિ સાથે આખું જીવન કાઢવું બહુ અઘરું હોય છે. હું તેને ચાહું છું, પણ માતા-પિતાનો સૂર જુદો છે. મારે આ સ્થિતિમાં શું કરવું જોઈએ?  
લિ. સ્નેહલ
પ્રિય સ્નેહલ,
આપણે ત્યાં સામાન્ય રીતે પત્ની પતિ કરતાં ઓછામાં ઓછી બે વર્ષ નાની હોય એવું જોવા મળે છે. આ પરંપરા પાછળ વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક કારણો રહેલાં છે અને તેને લગ્નના નિર્ણય વખતે ધ્યાનમાં લેવા જરૂરી હોય છે. તમારાં મમ્મી-પપ્પા તમારા કરતાં મોટી ઉંમરની વ્યક્તિ સાથે લગ્નની ના પાડે છે, એમાં તમારું હિત જોઈને જ કહેતા હશે. વળી, તમે જેને પ્રેમ કરો છો એ વિકલાંગ હોવાને કારણે પણ તમારા કુટુંબીજનોમાં તેની સ્વીકાર્યતા ઓછી થઈ જાય એ સ્વાભાવિક છે. આપણે ત્યાં પુત્રવધૂની પસંદગીમાં તે ઘરનું કામકાજ કરે એવી અપેક્ષા રહેતી હોય છે, એ મુદ્દો પણ અહીં જવાબદાર છે.
અલબત્ત, તમે જો તેને દિલથી ચાહતા હોય, તમારો એના માટેનો અને એનો તમારા માટેનો પ્રેમ ઉત્કૃષ્ટ હોય તો પછી તમે સામાજિક માન્યતાઓથી વિરુદ્ધ જઈને નિર્ણય લઈ શકો છો. કોઈ પણ નિર્ણય કરતાં પહેલાં ગંભીરતાપૂર્વક વિચારજો કે કોઈ વ્યક્તિને અલપઝલપ મળવું અને તેની સાથે જિંદગી ગાળવી એમાં જમીન-આસમાનનો તફાવત હોય છે. ક્યારેક નગણ્ય લાગતી બાબતો પણ લગ્નજીવનમાં જીરવવી મુશ્કેલ પડી જતી હોય છે. નિરાંતે આ અંગે વિચારજો.
વિકલાંગ વ્યક્તિને પણ તમે ચાહો છો અને સ્વીકારવા માગો છો, એ તમારું સાહસિક વલણ છે, પણ લગ્નજીવનમાં પરસ્પરની સમજદારી અને સ્વભાવ બહુ અગત્યના હોય છે. તમને એવી સો ટકા ખાતરી હોય કે તમે બંને એકબીજાં સાથે કોઈ પણ સંજોગોમાં સુખી રહી શકશો તો પછી તમે તમારાં મમ્મી-પપ્પાને વિશ્વાસમાં લઈને તેની સાથે લગ્ન કરી શકો છો. તમે બહુ સમજી વિચારીને જ આ અંગે નિર્ણય કરજો, કારણ કે તમારા લીધેલા નિર્ણયને જ તમારે આખી જિંદગી ભોગવવાનો છે.

Comments