“હું તારી બધી ભૂખ સંતોષી દઈશ"



સંબંધોની આરપાર - મીતવા ચતુર્વેદી
ઉપાધ્યાન હિસ્ટરીનું બોરિંગ લેક્ચર સંભળાવી રહ્યા હતા ત્યારે હેત્વીને બગાસાં આવી રહ્યાં હતાં. તેને મોબાઇલ પર ગેમ રમવાની ઇચ્છા થઈ પણ પછી સરને ખ્યાલ આવી જાય તો? એવા ડરને કારણે હાથમાં લીધેલો મોબાઇલ તે બેગના પોકેટમાં મૂકવા જતી હતી કે મોબાઇલ ધ્રૂજ્યો. હેત્વીને ખ્યાલ આવી ગયો કે કોઈનો મેસેજ છે. તેણે સિફતપૂર્વક મોબાઇલ ફરી બહાર કાઢયો અને બેન્ચે માથું ઝુકાવીને મેસેજ ખોલ્યો. એબીનો મેસેજ હતો - ઉપાધ્યાય પછી પેલા અકોણાનું લેક્ચર છે. બંક મારવો છે કે બોર થવાની ઇચ્છા છે? એબી એટલે હેત્વીનો મિત્ર અતુલ બારડિયા. એબી થોડો તોફાની અને થોડો ખેપાની હતો. મજાક મજાકમાં તે ક્યારેક દ્વીઅર્થી વાક્યો પણ બોલતો,પણ બધા તેના આવા નેચરને ઓળખતા હતા એટલે બહુ ધ્યાનમાં નહોતા લેતા. મેસેજ વાંચ્યા પછી હેત્વીને પણ થયું કે આજે તો બહુ ભણી લીધું. કંટાળો આવે છે. ચાલ ને જરા એબીની બાઇક પર આંટો મારી આવું. તેણે તરત રિપ્લાઇ કર્યો, બંદા તો બંક મારવાના જ મૂડમાં છે. સામે ઘડીના છઠ્ઠા ભાગમાં મેસેજ ઝબક્યો, યે હુઈ ન બાત!
પ્રો. ઉપાધ્યાન ક્લાસની બહાર નીકળ્યા તેની પાછળ પાછળ જ એબી નીકળ્યો. એબીના ગયા પછી એક પણ સેકન્ડ ગુમાવ્યા વિના હેત્વીએ પણ ક્લાસરૂમમાંથી ચાલતી પકડી. તેણે જતાં જતાં રોમાને મેસેજ કરી દીધો કે હું લેક્ચર બંક મારીને જાઉં છું. રિસેસમાં પાછી કેન્ટિનમાં મળીશ.
હેત્વી જેવી બાઇકમાં બેઠી કે એબીએ બાઇક ભગાડી. હેત્વીએ તરત પૂછયું, “એબી આ બાજુ ક્યાં જાય છે? મને સખત ભૂખ લાગી છે. સતરંગી ચોક પર જઈએ...”
એબીએ બાઇકની સ્પીડ વધારતાં કહ્યું, “હું તારી બધી ભૂખ સંતોષી દઈશ. તું ચિંતા ન કર. સતરંગી ચોકમાં દેશી નથી ખાવું. આજે કોઈ સારી જગ્યાએ જઈએ...”
“રહેવા દેને... બહુ ખર્ચ નથી કરવો... હું તો સેન્ડવિચ ખાઈશ તોપણ ધરાઈ જઈશ.”
“પણ હું તો નહીં ધરાઉં ને...” એબી કંઈક ગંદા પ્રકારનું હસ્યો.
હેત્વીને થયું કે એબીને ક્યાં પૈસાની કમી છે, એક દિવસ સારી હોટલમાં ખવડાવશે તો કંઈ ખૂટી નહીં પડે. તેણે એબીને કહ્યું, “જ્યાં જવું હોય ત્યાં જઈએ, પણ મોડું ન થાય એ જોજે કારણ કે રિસેસમાં રોમા મારી રાહ જોશે.”
એબીએ તરત બાઇકને ઔર તેજ કરી એટલે હેત્વીએ ટોક્યો, “ઉતાવળ છે પણ ઉપર પહોંચવાની નહીં, જરા ધીમે ચલાવ...”
“ફિકર નોટ ડાર્લિગ...”
હેત્વીને અજુગતું લાગ્યું પણ પછી તેને થયું કે એબી આજે કંઈક જુદા જ મૂડમાં લાગે છે. બાઇક મસ્તી રિસોર્ટમાં પહોંચ્યું. એબીએ બાઇક પાર્ક કરીને કહ્યું, “ચાલો મેડમ, આજે એવી મજા કરાવીશ કે તમે જિંદગીમાં ક્યારેય ન કરી હોય.”
એબી હેત્વીને રૂમ નં. ૪૦૮માં લઈ ગયો. હેત્વીએ કહ્યું, આપણે તો લોનમાં બેસીને જ નાસ્તો કરી લેત. આ રૂમ બુક કરાવી રાખ્યો તો?”
“તારા માટે કરાવવો જ પડે ને...” આટલું કહેતાં એબીએ રૂમનો ડોર બંધ કરી દીધો. રૂમનું ઇન્ટીરિયર જોઈ રહેલી હેત્વીને એનો ખ્યાલ નહોતો. તેણે નજીક આવી રહેલા એબીને કહ્યું, “હવે કંઈક નાસ્તાનું કર...”
એબીએ તેને પોતાના તરફ ખેંચતાં કહ્યું, “નાસ્તામાં શું વળે હું તો ડિનરનું જ પ્લાન કરીને આવ્યો છું.” આટલું બોલતાં બોલતાં એબીએ હેત્વીના ખભે લટકતી બેગ લઈને બાજુમાં ફેંકી દીધી અને હેત્વીને વળગી પડયો. એબી તેના શરીર પર પોતાનો હાથ પ્રસરાવવા માંડયો. તેના શ્વાસ ભારે થઈ ગયા હતા. હેત્વી તરત છંછેડાઈ, “આ શું કરે છે... આવું કરવા માટે તું મને અહીં લાવ્યો છે?”
“ડાર્લિગ, અત્યારે ગુસ્સે થવાનો સમય નથી, પ્રેમમાં ગરકાવ થવાનો સમય છે...” માદક સ્વરમાં આટલું બોલતાં બોલતાં કામાંધ થયેલા એબીએ હેત્વીને પકડીને બેડ પર સુવડાવી દીધી. હેત્વીને થયું કે હવે એક પણ સેકન્ડ જવા દેશે તો એબીને કાબૂમાં લેવો મુશ્કેલ બનશે. તેણે હતું એટલું જોર વાપરીને એબીને પોતાનાથી દૂર હટાવીને બેગ ઊંચકીને સીધી જ રૂમની બહાર નીકળી ગઈ. લગભગ દોડતી દોડતી જ તે રિસોર્સમાંથી બહાર નીકળી આવી. રીક્ષા પકડીને પાછી કોલેજ પહોંચી ગઈ. તેણે રસ્તામાં જ પોતાના કપડાં અને વાળ સરખા કર્યા. કોલેજ પહોંચી ત્યારે તેને હાશ થઈ.
બીજા દિવસથી તેણે એબી સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા.

Comments