ભાવિ પત્નીનો ભૂતકાળ કેમ ભૂલું?



યૌવનની સમસ્યા - સોક્રેટિસ
સોક્રેટિસજી,
હુંજામનગરમાં રહું છું. મારી ઉંમર ૨૦ વર્ષ છે. હું એક સુખી-ખાનદાન પરિવારમાંથી આવું છું. આજથી પાંચ મહિના પહેલાં મારી સગાઈ થઈ હતી. મારી સગાઈ કોમલ નામની યુવતી સાથે થઈ છે. અમારા પરિવારો એકબીજાને સારી રીતે ઓળખે છે અને એટલે કોઈ સામાજિક સમસ્યા નથી પરંતુ મારી મૂંઝવણ જુદી છે.
કોમલ સાથે સગાઈ થયા પછી લગભગ એકાદ મહિના પછી મારો બર્થ ડે આવેલો. મારા બર્થ ડેની ઉજવણી માટે કોમલ અમારા ઘરે આવેલી. પાર્ટી પતી ગયા પછી અમે જ્યારે એકાંતમાં મળ્યા ત્યારે અમે બહુ બધી વાતો કરી. મેં તેને કહ્યું કે તું કંઈ મારાથી છુપાવતી તો નથીને? ભૂતકાળની કોઈ વાત છુપાવતી હોય તો મને કહી દે, જેથી પછી મનદુઃખ ન થાય. કોમલે મને કહ્યું કે હું આ સગાઈ તોડવા નથી માગતી એટલે અમુક વાતની ચર્ચા ન કરીએ એમાં જ આપણી ભલાઈ છે. જોકે, મેં જીદ કરી ત્યારે તેણે કહ્યું કે તમે જીદ કરો છો તો સાંભળી લો કે તમારી સાથે સગાઈ થયા પહેલાં હું એક છોકરાના પ્રેમમાં હતી. અમારી વચ્ચે ગાઢ સંબંધો હતા. હું એ છોકરા સાથે જ લગ્ન કરવા માગતી હતી, પણ ઘરનાએ બહુ વિરોધ કર્યો એટલે આખરે પરિવારની ખુશી માટે મેં તમારી સાથે સગાઈ કરી છે. કોમલે આ પછી મને જે કંઈ કહ્યું તે સાંભળીને તો મારી હાલત કાપો તોય લોહી ન નીકળે એવી થઈ ગઈ. તેણે કહ્યું કે કદાચ તમે આખી જિંદગી માફ નહીં કરો પણ સાચું કહું છું કે એ છોકરાને હું મારું સર્વસ્વ આપી ચૂકી હતી. અમારી વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. અમે તમામ હદો પાર કરી ચૂક્યાં હતાં.
કોમલની કબૂલાત સાંભળ્યા પછી હું સ્તબ્ધ થઈ ગયો, પણ તેણે સાચી વાત સ્વીકારી હતી, એટલે મેં તેને કશું જ ન કહ્યું. કોમલને ડર હતો કે તેના ભૂતકાળ અંગે જાણ્યા પછી કદાચ હું આ સગાઈ તોડી નાખીશ, પણ મેં એવું નહોતું કર્યું. તેની પાછળનું કારણ એ હતું કે મેં તેને પહેલી વાર જોઈ ત્યારથી હું તેને પ્રેમ કરવા લાગેલો. મેં તેને એટલું જ કહ્યું કે તારી તમામ ભૂલો માફ કરીને તને સ્વીકારું તો પછી તને મારી સાથે જીવન ગાળવામાં કોઈ પ્રોબ્લેમ ખરો? ત્યારે કોમલે કહ્યું કે હું પણ ભૂતકાળ ભૂલીને તમારી સાથે જ રહેવા તૈયાર છું. વધારામાં કોમલે મને ખાતરી આપી કે તે પેલા છોકરાને પોતાના દિલમાંથી કાઢી નાખશે અને માત્ર મને જ પ્રેમ કરશે.
કોમલનો ભૂતકાળ સાંભળ્યા પછી ત્યારે તો મેં તેને માફ કરવાની જ વાત કરેલી, પણ પછી મારા મનમાં વારંવાર એવા વિચારો આવતા રહે છે કે હું એની સાથે સગાઈ તોડી નાખું, એ જ બરાબર છે. વળી, મારો એક અંગત મિત્ર છે, તેને મેં બધી વાત કરી તો તેનું કહેવું એમ છે કે કોઈ છોકરી જ્યારે કોઈના પ્રેમમાં એટલી હદ સુધી પાગલ થઈ જાય કે એનું શરીર પણ એને સોંપી દે એ છોકરી ક્યારેય એને ભૂલી શકતી નથી. મિત્રની વાત સાંભળીને મારી મૂંઝવણ ઔર વધી ગઈ છે.
સગાઈ થયા પછી કોમલનાં વર્તન-વ્યવહાર ખૂબ જ સારાં છે. કોમલે મને ખાતરી આપેલી છે કે તે મારા સિવાય કોઈનો વિચાર પણ કરતી નથી. તે સતત મારી કાળજી રાખે છે, મને પ્રેમનો અહેસાસ કરાવે છે. મને પણ કોમલ પર અત્યારે પૂરેપૂરો ભરોસો છે, પણ છતાં મનમાં ડર રહ્યા કરે છે કે કોમલ તેના પ્રેમને ભૂલી નહીં શકી હોય તો? આજે પણ તે એના પ્રેમમાં હશે તો?
કોમલ સાથે લગ્ન કરી લીધા પછી પણ જો એ પેલા છોકરાને ભુલાવી નહીં શકે તો હું માનસિક રીતે સાવ ભાંગી પડીશ, એવા વિચારો આવ્યા કરે છે. મનમાં એવું પણ થાય છે કે તેણે ભૂતકાળમાં જે ભૂલ કરી, પણ હવે હું એની એક નાનીસરખી ભૂલ પણ સાંખી શકીશ નહીં, એને માફ કરી શકીશ નહીં. જો એવું કંઈક થશે તો હું શું કરી બેસીશ એ હું પણ જાણતો નથી. હું જાણવા માગું છું કે શું મારા મિત્રની વાત સાચી છે? કોમલ પોતાના પ્રેમને નહીં ભૂલી શકે? શું અમે પરસ્પરનાં વિશ્વાસુ પતિ-પત્ની નહીં બની શકીએ? તમે જ માર્ગદર્શન આપો કે કોમલ પર વિશ્વાસ મૂકું કે નહીં? આ સગાઈ તોડી નાખું કે રાખું?
લિ. ગુંજન
પ્રિય ગુંજન,
આપણે ત્યાં પ્રેમ અંગે અનેક ભ્રમણાઓ છે. 'પહેલી નજરના પ્રેમ'થી માંડીને 'પહેલો પ્રેમ આખી જિંદગી ભુલાતો નથી.' પ્રકારની અનેક વાતો સાંભળવા મળતી હોય છે. આવી ભ્રામક વાતોમાં આવીને ક્યારેય કોઈ નિર્ણય લેવો ન જોઈએ. કોમલના પ્રેમ અંગે તમારા મિત્રે જે વાત કરી છે, તેને સાચી માનવાને કોઈ કારણ નથી. સમય અને સંજોગો મુજબ માણસ બદલાતો હોય છે. સમજદાર માણસ પોતાના ભૂતકાળની ભૂલોમાંથી શીખીને એવી કોઈ ભૂલનું પુનરાવર્તન ન થાય તેની કાળજી રાખે છે. ભૂલોનો ભાર ન રાખવાનો હોય, ભૂલો સુધારવાની હોય.
કોમલને કોઈ છોકરા સાથે પ્રેમ થયો હોય તો એમાં કંઈ ખોટું નથી. જિંદગીના અમુક તબક્કે વિજાતીય આકર્ષણને ખાળવું બહુ મુશ્કેલ હોય છે. કોમલને પણ તેની કાચી ઉંમરમાં કોઈ ગમવા લાગ્યું હોય કે તેમની વચ્ચે કોઈ સંબંધો બંધાયા હોય એટલે પછી તે આજીવન એ વ્યક્તિને ભૂલી ન શકે એવું માનવાને કોઈ કારણ નથી. મુદ્દાની વાત તો એ છે કે જો કોમલ એ છોકરાને ભૂલી ન શકી હોત તો તે તમને અપનાવી શકી ન હોત. કોમલે તમને અપનાવ્યા છે. તે તમારી કાળજી રાખે છે. તમારી સાથે બહુ સારું વર્તન રાખે છે. તે ઇચ્છે છે કે તમારી સાથે એનાં લગ્ન થાય. આ બધી બાબતોને ધ્યાનમાં લઈએ તો સ્પષ્ટ છે કે તેની જિંદગીમાં હવે બીજો કોઈ પુરુષ નથી.
કોમલે પેલા છોકરાને ભલે શરીર આપ્યું હોય, પણ તમને તો આખી જિંદગી આપવા જઈ રહી છે ત્યારે એ તમને પેલા છોકરા કરતાં કેટલો વધારે પ્રેમ કરતી હશે, એવું હકારાત્મક વિચારોને... હા, તમારો સ્વભાવ શંકાશીલ હોય, તમને એવું લાગતું હોય કે કોમલ તેનો ભૂતકાળ ભૂલી જશે પણ તમે તો નહીં જ ભૂલી શકો, તો પછી સંબંધ અંગે તમારે ફેરવિચારણા જરૂર કરવી જોઈએ, કારણ કે લગ્ન પછી પણ તમારા મનમાં શંકાનો કીડો સળવળ્યા કરશે તો તમે એકબીજાં સાથે વિશ્વાસપૂર્વક જિંદગી જીવી શકશો નહીં. સુખી દાંપત્યજીવન માણી શકશો નહીં. એટલે કાં તો તમારે કોમલને છોડવાનો જ નિર્ણય કરવો પડે અથવા તો પછી તમારા દિમાગમાંથી શંકાના કીડાને ડામી દેવો જોઈએ. કોમલ પર પૂર્ણ વિશ્વાસ કરવો જોઈએ. આડાઅવળા વિચારોને છોડવા જોઈએ.
તમે જ કોમલને ભૂતકાળની વાત કહેવા માટે આગ્રહ રાખ્યો. હવે તેણે સાચી વાત કહી છે તો તમારે તેને સ્વીકારવાની-પચાવવાની તાકાત રાખવી જોઈએ. કોમલે તમને પોતાના ભૂતકાળની વાત ખુલ્લામને કહી એ બહુ મોટા સાહસની વાત છે. ભાગ્યે જ કોઈ છોકરી આવી કોઈ વાત સ્વીકારતી હોય છે. કોમલ એટલી નિખાલસ છે, તમારે તેની નિખાલસતાની સજા એને ન આપવી જોઈએ

Comments