૨૪ વર્ષના દેખાવડા ભત્રીજા સાથે કાકીના પ્રેમની હ્રદયદ્રાવક સત્યઘટના



 
- કળયુગી સંબંધોનાં આધુનિક સમીકરણો
- અગ્નિની સાક્ષીએ સાત ફેરા એટલે સાત જન્મોના અતૂટ સબંધની માન્યતા સાચી ?


અગ્નિદાહ આપવા લંબાયેલો એનો હાથ ક્ષણેક અચકાયો. એને થયું એ કોના દેહને અગ્નિ આપી રહ્યો છે ? ત્રણ-ત્રણ વહાલસોયાં સંતાનોની મહામૂલી પૂંજી આપનાર પોતાની અર્ધાંગિનીને ? કે પોતાની ભત્રીજા વહુને...??

હમણાં તાજી જ ફૂટેલી માટલીનાં ઠીકરાંઓ જાણે એની સામે હસી રહ્યાં હતાં. ભીની થયેલી ફર્શ પરથી દદડી રહેલા પાણીના રેલા જાણે એની ઠેકડી ઉડાડી રહ્યા હતા... અગ્નિમાં હોમાયેલા ઘીએ છોડેલી ધ્રૂમસેરોની શાખા-પ્રશાખા એની મશ્કરી કરી રહ્યા હતા. ચિતાને ઘેરીને ઉભેલા ડાઘુઓ, સગા-સંબંધીઓની આંખમાં પ્રશ્નાર્થો નાચી રહ્યા હોય એવું એને લાગ્યું...

પણ, મન કઠણ કરીને એણે હાથ લંબાવ્યો. ચિતા પર પોઢેલા દેહના અંગૂઠાને અગ્નિ અપાયો અને એ સાથે સુક્કાં ઘાસ-છાણાંઓએ આગ પકડી લીધી. ઘડીના છઠ્ઠા ભાગમાં તો ચિતા ભડભડ સળગવા માંડી.

એ ભાંગી પડશે અને હૈયાફાટ રૂદન કરશે એ બીકે એના એક-બે નિકટના મિત્રો-સગાઓ એને પકડીને સ્હેજ બાજુ પર લઇ ગયા. સ્મશાન પરના એક બાંકડા પર એને બેસાડ્યો અને એના વાંસે હાથ ફેરવવા માંડ્યા. એ અન્યમનસ્ક ભાવે ભડભડ બળતી ચિતા તરફ જોઇ રહ્યો હતો. એના મનમાં વિચારોનું ધમાસાણ શરૂ થયું.

હિન્દુ સંસ્કૃતિ મુજબ અગ્નિની સાક્ષીએ લીધેલા સાત ફેરા એટલે સાત જન્મનું બંધન. પરંતુ પવિત્ર શ્લોકો-મંત્રોચ્ચારના પાશ્વgસ્વરો વચ્ચે લેવાયેલા એ સાત ફેરા ખરેખર અતૂટ હોય છે ? કે માત્ર સ્થૂળ રૂપે કે સદેહે એક છત નીચે રહેલાં પતિ-પત્ની મન કે આત્માથી અન્ય વ્યક્તિ સાથે જોડાઇ ગયાં છતાં માત્ર દેખાવ કરવા પતિ-પત્નીનો પાઠ અદા કરતાં રહે છે ? એવા અનેક પાયાના પ્રશ્નો સર્જતી સત્યઘટનાનું એ પાત્ર સ્મશાનના બાંકડે બેઠા-બેઠા ભડભડ બળી રહેલી ચિતાને એકીટશે તાકી રહ્યું હતું. એ ચિતા સામાજિક સંબંધોની દ્રષ્ટિએ એની પત્નીની હતી, પરંતુ...

બદલાતાં સામાજિક મૂલ્યો ભારતીય સંસ્કૃતિ પર સુધારાવાદી વિચારસરણીનું અતિક્રમણ જેવા અનેક વિષયોનાં પ્રકરણો ખોલી આપે એવી આ સત્યઘટનાનું એ પુરુષપાત્ર એટલે અશ્વિન.રાજકોટમાં ટાઇલ્સ બેસાડવાના અને ઘસીને પોલિસ કરી આપવાના નાના નાના કોન્ટ્રાકટ લેતો અશ્વિન જાતમહેનતથી પ્રમાણમાં સમૃદ્ધ થયો હતો. સૌરાષ્ટ્રના અંતરિયાળ વતનના ગામમાં જ્ઞાતિના ચાર લોકોમાં પૂછાતા થયેલા અશ્વિનનાં લગ્ન જ્ઞાતિના જ એક પ્રતિષ્ઠિત કુટુંબની કન્યા અસ્મિતા સાથે થયાં.

સુખી ઘરસંસારના પુરાવારૂપ બે દીકરી અને એક દીકરાના જન્મ સાથે રાજકોટ ખાતે મોજથી જીવી રહેલા આ કુટુંબને જાણે કોઇની નજર લાગી.

એક સાવ સહજ અને સામાજિક રીતે અત્યંય સ્વાભાવિક લાગતી નાનકડી ઘટના બની. થયું એવું કે, અશ્વિનના પિતરાઇ ભાઇનો મોટો દીકરો વિક્રમ અભ્યાસ પૂર્ણ કરીને વતનના નાના ગામડાથી નોકરી-ધંધામાં નસીબ અજમાવવા રાજકોટ આવ્યો. સ્વાભાવિક રીતે જ એ એના પિતરાઇ કાકા અશ્વિનને ત્યાં રોકાયો.

જોત-જોતામાં એ ઘરના એક સભ્યની જેમ જ હળીમળી ગયો. કાકાને એમના ધંધામાં નાની-મોટી મદદ કરવાથી માંડી એણે એના પોતાના સ્વતંત્ર ધંધા કે નોકરીના પ્રયત્નો પણ આદર્યા. અશ્વિનકાકાનાં ત્રણ બાળકો સાથે પણ વિક્રમ હળીમળી ગયો હતો. એટલે નવરાશના સમયે તેમને ભણાવવા ક્યારેક સોડા પીવા કે, આઇસક્રીમ ખવડાવવા બજાર લઇ જવા જેવા લાગણીના સંબંધો ઘડાઇ રહ્યા હતા.

પરંતુ તે દરિમ્યાન એક એવો સંબંધ પણ અજાણપણે ઘડાઇ રહ્યો હતો કે જે આ કુટુંબની કુંડળીમાં કાલસર્પયોગ સાબિત થવાનો હતો. બન્યું એમ કે, દિવસ દરમિયાન વ્યસ્ત અશ્વિનકાકાપાસે ઘર કે કુટુંબ માટે માંડ માંડ સમય મળતો. દિવસ દરમિયાન બાળકો શાળાએ જતાં ત્યારે માંડ ૨૪ વર્ષનો દેખાવડો વિક્રમ અને માંડ ૩૮ વર્ષની કાકી અસ્મિતા ઘરમાં એકલાં પડતાં. આ એકલતાએ તેમના વચ્ચે આત્મીયતા વધારી અને તેમની જાણ બહાર તેઓ એક-બીજાના પ્રેમમાં પડ્યાં. સામાજિક દ્રષ્ટિએ અનૈતિક અને કલંકિત કહેવાય એવો કાકી-ભત્રીજા વચ્ચેનો આ પ્રેમ લગભગ બે વર્ષ ચાલતો રહ્યો.

દરમિયાન વિક્રમ પણ પોતાના એક નાનકડા ધંધામાં સ્થિર થઇ ગયો હતો. પ્રેમાળ અશ્વિનકાકા, ત્રણ પિતરાઇ નાનકડાં ભાઇ-બહેનો અને હેતાળ અસ્મિતાકાકીના કુટુંબનું અવિભાજય અંગ બની ગયલો વિક્રમ ધંધામાં સ્થિર થતાં જ એનાં માતા-પિતાએ એના લગ્ન માટે કન્યાની શોધ આરંભી.

માત્ર ૨૪ વર્ષના જુવાનજોધ અને દેખાવડા ભત્રીજાના ગળાડૂબ પ્રેમમાં આંધળી બની ગયેલી ત્રણ-ત્રણ બાળકોની માતા એવી અસ્મિતાકાકી માટે વિક્રમનાં લગ્નની વાતો આઘાતજનક હતી. એણે વિક્રમને સમજાવ્યો પણ વિક્રમ એના પોતાનાં માતા-પિતા પાસે ક્યા મોઢે અને ક્યાં સુધી લગ્ન ટાળી શકે ? એણે કાકીને કહ્યું કે, આપણા વચ્ચેના સંબંધો આગળ ધરીને તો હું એમ કહી જ ન શકું કે મારે લગ્ન નથી કરવાં. તો પછી લગ્ન ટાળવા માટે બીજું સંતોષકારક કારણ કર્યું ? ટૂંકમાં એણે લગ્ન કરવાં જ પડશે એ સિવાય બીજો કોઇ ઇલાજ કે ઉપાય નથી એમ કાકીને આડકતરી રીતે જણાવી દીધું.

વિક્રમનાં લગ્ન એક કન્યા સાથે લગભગ નક્કી થઇ જ ચૂક્યાં અને એ ઘટનાએ ઘરમાં જાણે દાવાનળ ભભૂકી ઉઠ્યો. કાકીએ વિક્રમને રીતસર ધમકી આપી કે, જો તું લગ્ન કરીશ તો હું આત્મહત્યા કરી લઇશ. વાત એટલી બધી વણસી કે અશ્વિનકાકા સુધી પહોંચી. પોતાની વ્યસ્તતા દરમિયાન પત્ની અને ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમસંબંધથી આઘાત પામેલા કાકા પહેલાં તો અવાચક થઇ ગયા.

પણ, પછી વિક્રમને મનોમન વરી ચૂકેલી અને હવે સાવ ભાંગી પડેલી પત્નીને સમજાવટ દરમિયાન અશ્વિનકાકાએ એમ કહ્યું કે, જો તું ખુશ રહેતી હોય તો અને વિક્રમ પણ તૈયાર હોય તો હું જાતે તમારા બન્નેનાં લગ્ન કરાવી આપવા તૈયાર છું અને આમ કરવા માટે હું આખી દુનિયા સાથે લડીશ. કોઇપણ પતિ પત્નીના આવા અનૈતિક સંબંધની જાણ પછી એને જાનથી મારી નાંખે અથવા તરછોડી દે તેના બદલે અશ્વિનના વલણે એક તબક્કે વિક્રમને પણ હચમચાવી નાંખ્યો.

હવે પ્રશ્ન વિક્રમનો હતો. પોતાનાથી ૧૪વર્ષ મોટી અને ત્રણ બાળકોની માતા સાથે માત્ર બે વર્ષના અનૈતિક સંબંધોની કિંમત ચૂકવવા સ્વરૂપે પરણવું અને બાકીની આખી જિંદગી એની સાથે ગુજારવી કે નહીં ?

વિક્રમે એક દિવસ સ્પષ્ટ કહી દીધું કે, અસ્મિતાકાકી સાથે લગ્ન કરવાની તો એ કલ્પના પણ કરી શકે એમ નથી અને એમ કરીને એ એના કુટુંબની આબરુ ખોવા નથી માંગતો અને સમાજમાં પોતે પણ હાંસીપાત્ર અને બદનામ થવા નથી માંગતો. સ્વાભાવિક રીતે જ અનૈતિક સંબંધોની આ પરાકાષ્ઠાએ વિક્રમ તાત્કાલિક ઘર છોડી અન્યત્ર રહેવા ચાલ્યો ગયો. પણ, આખા ઘરના લાગણીસભર વાતાવરણને ડહોળી નાંખનારી આ ઘટના ભલે ઘરની ચાર દીવાલો વચ્ચે જ રહી પરંતુ એના પડઘા લાંબો સમય પડતા રહ્યાં.

અસ્મિતા વિક્રમ સાથે એટલી ઓતપ્રોત થઇ ગઇ હતી કે, એના ચાલ્યા જવાના આઘાતમાં એ દિવસો સુધી ગુમસૂમ રહી. અને એક દિવસ એને આમંત્રણરૂપે જાણ થઇ કે, વિક્રમનાં લગ્ન નક્કી થઇ ગયાં છે અને આવતીકાલે વતનના ગામે એનો વિવાહ છે. આ સાંભળીને ભાંગી પડેલી અસ્મિતાએ આખી રાત માંડ-માંડ પસાર કરી અને બીજે દિવસે સવારે જ્યારે એક તરફ વિક્રમનો વિવાહ થઇ રહ્યો હતો ત્યારે પતિ અને બાળકોની ગેરહાજરીમાં અસ્મિતાએ પોતાના શરીર પર કેરોસીન છાંટી આગ ચાંપી લીધી !

પાડોશીઓ એને તત્કાળ દવાખાને લઇ ગયા પરંતુ એ પહેલાં તો અસ્મિતા મૃત્યુને ભેટી ચૂકી હતી. સમાચાર મળતાં જ દોડી આવેલા અશ્વિન પાસે ચોધાર આંસુએ પોક મૂકીને રડવા સિવાય બીજો કોઇ જ ઇલાજ નહોતો. અસ્મિતાનું મોત અકસ્માતે દાઝી જવાથી થયાનું ભલે આખી દુનિયાને લાગ્યું પણ અશ્વિન જાણતો હતો કે એક અવાસ્તવિક પ્રણયકથાનો આ કરુણાંત છે.

પ્રેમ કર્યો અસ્મિતા અને વિક્રમે પણ એની કિંમત ચૂકવી અશ્વિન અને એના ત્રણ નાનાં નિર્દોષ ભૂલકાંઓએ. તાજેતરમાં જ બનેલી આ સત્યઘટનાનાં પાત્રોનાં નામ બદલ્યાં છે.

Comments