ભગતના ઘરમાં સાપ ફરે છે, એવી વાતો ગામલોકોમાં ચર્ચાતી હતી. આનાથી મદારી ખુશ હતો કે જતે દિવસે એ ઘર એના હાથમાં આવી જશે. જોકે વીરબાળાએ જ્યારે આ વાત જાણી, તે દિવસથી એ રાહ જોઇને બેઠી હતી કે ક્યારે સાપ નીકળે... એ સાપને જંગલમાં છોડી આવ્યાની વાત જ્યારે ગામમાં ફેલાઇ, ત્યારે મદારીને ખ્યાલ આવ્યો કે વીરબાળા ખરેખરી નાગણ જેવી થઇ ગઇ છે... કેમ?
નેજાતજાતની વાતોનો વંટોળ ચડ્યો...‘એ ભગતડાના ઘરમાં તો લાંબ્બોલચ્ચ હાપ ફરે છે હાપ...’ તો કો’ક કહેતું, ‘લાંબો ને પાછો મૂછાળો... જાડો પણ ચેટલો બધો!’ તો વળી પાછું બીજું સાવ જુદું જ ઓકતું,‘રોજ દેખા દે છે... રખોપો લાગછ રખોપો...’ને બસ પછી તો ઘણાના મુખે મરચું-મીઠું ભભરાવીને વાતો થતી એ સાપ વિશે. નટવરભૈ ભગતનું એ ઘર ત્યારે તો કેવું હર્યુંભર્યું હતું! પણ આજે તો એય હનુમાનજી ભૂસકા મારે! તેમના ત્રણે દીકરા શહેરમાં વસ્યા હતા ને એકાદો દીકરો વતનના ઘરે આવતો અને કો’ક મજુર પાસે ઘરને સાફસૂફ કરાવતો.
કો’ક કો’ક ઘર ભાડે માગે પણ કોણ જાણે કેમ ત્રણેમાંથી કોઇને પણ તે ઘર ભાડે આપવાની દિલચસ્પી થતી નહીં. એક જ વાત હૈયામાં ફૂટી નીકળતી... ‘કો’ક ભાડૂઆત એવો નાલાયક...’ બાકી કૈંક લોકો એ ઘર ભાડે રાખવા શહેરમાં જઇને દીકરાઓના ઘરે આંટા મારતાં! પણ તેમનો દિલમાં તંબૂરો વાગ્યા કરતો, ‘જોઇશું... હવે પછી...’તો કો’ક એમ પણ દરખાસ્ત મૂકતું, ‘જો વેચાતું આપવું હોય તો વેચાતું લૈ લઇએ.’
પણ દીકરાઓના મુખેથી તો નન્નો જ સાંભળવા મળતો...
ને પાછી પેલી સાપની વાત જાણે રમણે ચડતી...
‘ભગતનું ઘર રખાય જ નૈં. મોટોમસ સાપ ફરે છે...’
‘અરે! ઘર મફતમાં આપે ન તોય ના લેવાય!’
ને પેલા ભવાન ભુવાને આવું આવું સાંભળીને શેર લોહી ચડતું. એને તો મનમાં એમ કે આપણ એ ભગતના ઘર પડોશી છીએ ન. કોઇ માંણહ એ ઘર નહીં ભાડે રાખ કે પછ કોઇ વેચાણ નૈ રાખ. આપણ મફતના ભાવમાં લૈ લઇશું છેવટ.’ ભુવાના મનમાં સોગટા ગોઠવાતા...આખું ગામ હેલે ચડ્યું’તું. એ ઘરમાં કાળોતરો નાગ. મોટોમસ સાપ... ઘણાને એ સાપ જોવાની ઇચ્છા થઇ પણ કંઇ ઓછો એમની અનુકૂળતાએ દેખાય. એ તો મરજી પડે ત્યારે આવે ને જાય. મગલા મદારીના કાને વાત અથડાઇ... ‘ભગતના ઘરે સાપ...’
તેને પકડવાની ઇચ્છા થઇ આવી.
વીરબાલાએ જાણ્યું. શું મગલો પકડે એ સાપને? અરે, હેંડ પડ રસ્તે... એ તો સાપને પકડીને બિચારાને ટોપલીમાં પૂરી દેશે ને...’ વીરબાળાના મનમાં એ સાપ પકડીને સુરક્ષિત કરવાની તાલાવેલી જાગી. તે હમણાં હમણાંથી નવિશક્ષિત બની હતી. ભણીગણી હતી. તેની સમજણ પાર વગરની. સાપ વિશે તેણે ઘણુંબધું સાંભળેલું ને પાછું વાંચવામાં પણ આવેલું. કો’ક સાપને મારી નાખવાની વાત કરે તો તરત જ તે સાપને પકડી લેતી ને દૂર જંગલમાં મૂકી આવતી... ને પછી તો બધા તેને ‘સાપની વીરબાળા’ તરીકે ઓળખતા થઇ ગયા. તે પરણીને આવેલી ત્યારે ફાટફાટ થતા એના જોબન પર કંઇ કેટલાય જુવાનિયા ભમરાની માફક તેની અડખે-પડખે ફરતા.
‘દલસુખ’ જેવા જુવાનડાએ તેની છેડતી કરેલી ત્યારે તેણે તેને છઢ્ઢીનું ધાવણ યાદ કરાવેલું! ભોંયભેગો કરેલો... ને પછી તો ખુદ ‘નાગણ’ તરીકે જ જાણીતી થઇ ગયેલી. તે પછી તો બધા ‘ભમરા’ ત્યારથી કાયમ માટે જાણે કે પાંખ વગરના થઇ ગયેલા!વીરબાળાના મગજમાં વીજળીના ઝબકારની જેમ વિચાર આવ્યો, ‘જો ભગતના ઘેર સાપ હોય તેથી શું? ભગત કંઇ ઓછા ‘થયા’ છે? નટવરભૈ ભગત ભૂત થાય ખરા? અલ્યા, એમના ઘરમાં તો ચેવાચેવા સંતો ને ભગતો આવતા. પેલા આત્માનંદજી, પેલા નારણગિરિજી, પેલા વિશુદ્ધાનંદજી, રતનદાસ સાહેબ, રામચંદ્ર સાહેબ, રામભગત, જવાનભગત... ઓહો! કેવું એ ઘર! ને ભગત તો ચેવા. હોર આની હાચા. ચોખ્ખેચોખ્ખું કહેતાં અચકાય તે બીજા...’ વીરબાળાના મગજમાં એ સાચા ભગતના વિચારોની વણઝાર આવી... એક પછી એક...ને બીજી જ સવારે વીરબાળા તે ભગતના ઘરે ગઇ.
હાથમાં ડાંગ... ઘર પછવાડે વાડામાં જઇને એક બાજુ બેઠી... ને થોડી જ વારમાં સાપ દેખાયો... વીજળીવેગે તેની નજીક પહોંચી... ડાંગ જમીન પર પછાડી... સાપે ફેણ ધરી... ડાંગની સામે એકીટસે જોઇ રહ્યો... વીરબાળાએ સાપે ફેણ કરેલું મોં ત્વરિત પકડી લીધું ને સરકાવી દીધો સીધો જ કોથળામાં... ને ઉપર મજબૂત કાથી વડે બાંધી દીધો! સાપભાઇ અંદર! ફિળયાએ ને પછી ગામલોકોએ જાણ્યું. ગામમાં તરેહતરેહની વાતો થઇ. ‘અલ્યા એય, પેલી ‘વીરલી’એ હાપ પકડ્યો... ભગતના ઘરનો સાપ...’ લોકો સાંભળીને દંગ રહી ગયા...ને પછી તો તે ગઇ સીધી જ દૂર જંગલમાં... દૂર સુધી જઇને તેને છોડી મૂકતાં જ તે બોલી, ‘જાઓ નાગબાપા, મજા કરો અવ. પાછા અમારા ગામમાં ના આવતાં.’ ને તે સાપ પણ જાણે કે સમજી ગયો હોય તેમ પાણીના રેલાની જેમ સડસડાટ વાડમાં જઇને છુ થઇ ગયો.
ને ‘ભગતજી’ના ઘરમાંથી સાપની વિદાયથી ભસનારા બધા મૌન થઇ ગયા! તે પછી ભગતનું એ ઘર ભાડે લેવા લોકોએ એમના દીકરાઓને ત્યાં લાઇન લગાવી દીધી... મગલો મદારી અવાક થઇ ગયો, ને પેલો ભવાન ભુવો પણ સાવ શરમિંદો બની ગયો... તે સ્વગત બોલી રહ્યો, ‘મારી હાહરી વીરલી, નાગણ જેવી થૈ ન નાગણન પકડી લીધી... મારી બાજી બગાડી...’ ને ખરેખર તે પકડ્યોતે નાગ નહીં, પણ નાગણ હતી. વીરબાળાને સાપની જાતિનું પૂરેપૂરું જ્ઞાન થઇ ગયું હતું!
Comments
Post a Comment
Thanx For Comment