અંધશ્રદ્ધાના વરવાં સ્વરૂપો હેબતાવી નાખનારાં હોય છે અને તેનું બોલતું ઉદાહરણ સૌરાષ્ટ્રના રેશમિયા ગામમાં જોવા મળેલું. આશા રાખીએ કે હવે આ બધું અટકી ગયું હોય...
વાતાવરણ તંગ બની ગયું છે. ગરદનથી સાફ થઈ ગયેલા એક બકરાને દોરડેથી બાંધીને ફળિયાની વચ્ચોવચ લવાય છે. તેના કપાળે કંકુનો ચાંદલો કરાય છે. પઢિયાર ભૂવા હાથમાં તલવાર લઈને ઊભા છે. પાઘડી બાંધેલા એક વૃદ્ધ તાંબાનો ત્રાંસ લઈને બકરાની બાજુમાં જ ઊભા છે. મઢના મુખ્ય ભૂવા મનુભાઈ માત્ર ચોરણાભેર, બે હાથ પાછળ રાખીને, બકરા સામે ત્રાટક નજરે જોઈ રહ્યા છે. આસપાસ ઊભેલી તમામ નજરો બકરા પરથી ઊંચકાઈને પઢિયાર ભૂવાની ચળકતી તલવાર પર અટકે છે અને રિ-બાઉન્સ થઈને ફરી બકરા પર ખોડાઈ જાય છે.
બકરાને સ્થિર કરી દેવાયો છે એટલે તેની અકળામણ વધી ગઈ છે. અચાનક એક વાર અને બકરાનું માથું અને દેહ અલગ થઈ જાય છે. હજુ તેનો ‘મોક્ષ’ નથી થતો. તરફડાટ ચાલુ છે. હાથમાં ત્રાંસ લઈને ઊભેલી વ્યક્તિ બકરાના વહી રહેલા લોહીને ભરવા ધસી જાય છે. મનુભાઈ ભૂવા હવે આગળ વધે છે અને બકરાના માથા પાસે નમીને કપાયેલા માથામાંથી સીધું લોહી પીવા લાગે છે. માતાની જયના ગુંજારવની વચ્ચે ફળિયા વચાળે એક બીજો બકરો આવી જાય છે.
ફેબ્રુઆરી, ૧૯૯૬ની અજવાળી ત્રીજે સૌરાષ્ટ્રના રેશમિયા ગામમાં આવાં દ્રશ્યો સર્જાયાં હતાં. રેશમિયા ગામમાં એ વખતે દર મહિનાની અજવાળી ત્રીજે બકરાઓની બલિ ચઢવાતી હતી. જાન્યુઆરી, ૧૯૯૬ની અજવાળી ત્રીજે પાંત્રીસેક બલિ ચઢ્યા હતા. ચોટીલાથી જસદણ જતાં માર્ગે આવેલું રેશમિયા ગામ ડામર રોડથી જોડાયેલું છે, પણ ધૂળિયા જમાનાની પ્રથા ત્યાં જીવતી હતી.
રેશમિયામાં પુરાણપ્રસિદ્ધ એવો માતાજીનો મઢ છે. એ વખતે ત્રણ હજારની વસતીમાં માલકિયા કુટુંબના સો જેટલાં ખોરડાં હતાં. ભૂવા મનુભાઈ માલકિયા પાંચમી પેઢીએ ભૂવા બનેલા. તેઓએ મને કહેલું કે, ‘અહીં માતાજીને શ્રીફળ, ધજા, ચૂંદડી અને છત્તરની પણ માનતા રખાય છે. ઘણા નોકરી, સંતાન કે બીમારી કે ઘર માટે બકરાના બલિ ચઢાવવાની માનતા માને છે. સવા વરસથી મોટો બકરો હજારથી દોઢ હજાર રૂપિયાનો આવે છે, પણ માતાજી આજ્ઞા આપે તો જ બલિ ચઢાવાય છે. નહીંતર માનતા પૂરી કરવા બીજી અજવાળી ત્રીજે શ્રદ્ધાળુઓએ આવવું પડે છે.’
બલિ ચઢાવાતો જાય તેમ મનુભાઈ ભૂવા બલિનું ગરમ લોહી પીતા જાય. શ્રદ્ધાળુઓની ભાષામાં તેને ‘પ્યાલો પીધો’ કહેવાય. મનુભાઈ ઊંધી હથેળીથી હોઠ લૂછીને બીજો પ્યાલો પીવા તૈયાર થઈ જાય. મેં મનુભાઈને પૂછ્યું કે બકરાનું લોહી પીતાં કશું થતું નથી? તેમણે કહેલું, ‘માતાજીની ‘પ્રસાદી’ લેવાથી કંઈ થતું હોય તો તેની સામે માથું નમાવવા કોણ આવે?’ જોકે બકરાનો બલિ ચઢાવવા માટે મોટા ભાગે ગામડાના અભણ લોકો જ આવતાં અને એ લોકો શ્રદ્ધા-અંધશ્રદ્ધા કે હિંસા અને ભક્તિનો તફાવત સમજતા હોતા નથી. બલિ ચઢાવાઇ જાય પછી તમામ બકરાઓનાં માથાં દાટી દેવાતાં. માથા વગરના દેહને ઝીણવટપૂર્વક સાફ કરી નાખ્યા પછી તેને રાંધવામાં આવે અને પછી ભકતો તેને પ્રસાદી તરીકે આરોગે. કોઈને આ ઘટનામાં હિંસા, અત્યાચાર કે અંધશ્રદ્ધા દેખાતાં નહોતાં.
શ્રદ્ધાનો સૂરમો આંજેલા તમામ લોકો ઊલટું એવું માનતાં કે બલિનો વિરોધ કરનારને મા પરચો દેખાડ્યા વગર રહેતી નથી. માધવસિંહ સોલંકી મુખ્ય પ્રધાન હતા ત્યારે બકરાઓનો બલિ અટકાવવા માટે રેશમિયામાં પોલીસ બંદોબસ્ત મુકાયો હતો. મનુભાઈ ભૂવાને ગાંધીનગર બોલાવાયા હતા, પરંતુ ‘બિનસાંપ્રદાયિક’ સરકાર બધું ભૂલી ગઈ હતી. રેશમિયામાં ચઢતા બલિ સામે અમદાવાદ હાઈકોર્ટના એક એડવોકેટ જાહેર હિત માટેની રિટ પિટિશન પણ દાખલ કરવાના હોવાની વાત ચાલતી હોવાથી ૧૯૯૬ના આરંભે ભકતો અને ભૂવા પરેશાન થઈ ગયા હતા.
જાન્યુઆરીમાં પાંત્રીસેક બલિ ચઢ્યા પછીના મહિને કેટલા બકરાનો બલિ ચઢે છે એ જાણવા અમે રેશમિયા ગયેલા ત્યારે વિચાર્યું હતું તેવું જ બન્યું. અમારી હાજરીને કારણે મનુભાઈ ભૂવા ધૂણ્યા જ નહીં અને માતાજીનો આદેશ પણ મળ્યો નહીં. આશા રાખીએ કે હવે રેશમિયા કે બીજે કશેય આવું નહીં થતું હોય.
નોંધ: આ સત્યઘટના વાચકોની લાગણી ઉશ્કેરવા માટે નહીં, પરંતુ અંધશ્રદ્ધાનો વરવો ચહેરો દર્શાવવા જ અહીં આલેખાઇ છે.
Comments
Post a Comment
Thanx For Comment