યૌવનની સમસ્યા - સોક્રેટિસ
સોક્રેટિસજી,
હુંમૂળ રાજસ્થાનનો છું પણ સુરતમાં રહું છું. હું બીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરું છું. અમારો આખો પરિવાર ઘણાં વર્ષોથી સુરતમાં જ રહે છે. મારા પપ્પાને પોતાનો બિઝનેસ છે. આજથી ચાર વર્ષ પહેલાંની વાત છે. મારા દાદીમાનું નિધન થતાં અમારા આખા પરિવારને રાજસ્થાન વતનના ગામમાં જવાનું થયું. ત્યાં મંજરી નામની એક છોકરીના કોન્ટેક્ટમાં આવવાનું થયું. અમે મોબાઇલ નંબરની આપ-લે કરી. હું પાછો સુરત આવી ગયો અને વાત ભૂલી ગયો, પણ એક દિવસ અચાનક મંજરીનો મારા પર ફોન આવ્યો. મને બહુ આશ્ચર્ય થયેલું. તેણે મને ફોન પર કહ્યું કે મારાં લગ્ન નક્કી થઈ ગયાં છે. તમે લોકો લગ્નમાં નહીં આવો તો હું લગ્ન નહીં કરું. મારે કંઈ પણ બહાના બતાવીને ત્યાં જવું પડયું. હું જે દિવસે ત્યાં પહોંચ્યો તે દિવસે જ મંજરીનાં લગ્ન હતાં. હું ફ્રેશ થઈને લગ્ન એટેન્ડ કરવા ગયો ત્યારે જોયું કે એક ઘરની બહાર છોકરાઓ ઝઘડી રહ્યા હતા, જે બધા મારા મિત્રો હતા. તેમને ઝઘડાનું કારણ પૂછયું તો કહ્યું કે અહીં એક ઋચા નામની છોકરી આવી છે, જેના માટે આ બધા ઝઘડો કરે છે. મેં વિચાર્યું કે ઋચા નામની તો કોઈ છોકરી જોવા મળી જ નથી, પણ મેં જ્યારે ઋચાને જોઈ ત્યારે જાણે મને તેની સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો. મારા ગામમાં તેના માસી રહે છે એટલે તે ત્યાં આવી હતી. મેં સૌથી પહેલાં તો મહામહેનતે તેની માસીનો ફોન નંબર મેળવ્યો. ઘણા પ્રયત્ન પછી ઋચા સાથે બે વાર વાત થઈ. મેં તેને ફ્રેન્ડશિપની વાત કરી તો તેણે સ્પષ્ટ ના પાડીને ફોન મૂકી દીધો. પછી મેં વારંવાર તેને ફોન કર્યા. લગભગ ૪૫ જેટલા ફોન કર્યા પછી ઋચાએ મારી ફ્રેન્ડશિપ માટે હા પાડી. મારા માટે ત્યાં સૌથી મોટી સમસ્યા એ હતી કે મારે માત્ર બે જ દિવસમાં સુરત પાછા ફરવાનું હતું. બીજી તરફ ઋચા પણ પોતાના ઘરે ચાલી ગઈ. મારી પાસે હવે તેનો કોઈ સંપર્ક નંબર ન રહ્યો. મેં વિચાર્યું કે તેને એક સપનું ગણીને ભૂલી જવું જોઈએ, પણ માત્ર છ દિવસ પછી ઋચાનો સામેથી ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે આ મારાં મમ્મીનો ફોનનંબર છે, હું મિસકોલ કરું પછી જ ફોન કરવો. એકાદ વર્ષ સુધી તો અમે બેસ્ટ ફ્રેન્ડની રીતે જ વાતો કરતાં રહ્યાં, પણ પછી ઋચાએ આખરે મારા પ્રેમનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. અમને એકબીજાં સાથે વાતો કર્યા વિના ચાલતું નહોતું. છેલ્લાં ચાર વર્ષથી અમે એકબીજાંના પ્રેમમાં છીએ અને એકબીજાં માટે કોઈ ફરિયાદ નથી.
અમે એક જ કાસ્ટના છીએ અને લગ્ન પણ કરવા માગીએ છીએ. ઋચાની મમ્મીને અમારા સંબંધો વિશે ખ્યાલ છે અને તે પોઝિટિવ છે. એક દિવસ અચાનક ઋચાનો ફોન આવ્યો કે તારી મમ્મી સાથે વાત કરાવ. મેં અમારા સંબંધો વિશે મારાં મમ્મી-પપ્પાને કશું જણાવ્યું નહોતું એટલે હું નહોતો ઇચ્છતો કે તે આ રીતે અચાનક વાત કરે, પણ ઋચાએ જીદ કરી. આખરે તેને મેં મારી મમ્મીનો નંબર આપી દીધો. હવે સમસ્યા એ છે કે મારા કાકાનાં પણ લગ્ન બાકી છે. ઘરમાં મારાં લગ્ન અંગે કોઈ વિચારતું પણ નથી ત્યારે અચાનક કોઈ છોકરી આ રીતે તેમની સાથે વાત કરે ત્યારે નેગેટિવ રિએક્શન આવે એમ હતું. મને શંકા હતી એવું જ થયું. ઋચાએ મમ્મી સાથે વાત કરી, પણ તેનાથી મામલો બગડયો. હવે મારાં મમ્મી કે પપ્પા ઋચા સાથેના મારા સંબંધોની વિરુદ્ધ થઈ ગયાં છે. હું મારાં મમ્મી-પપ્પાની ઇચ્છા વિરુદ્ધ કશું કરવા માગતો નથી. મારાં મમ્મી-પપ્પાની નજરોમાં હું નીચો પડવા નથી માગતો. તેમને કોઈ રીતે દુઃખ પહોંચે એવું હું બિલકુલ ઇચ્છતો નથી. મારાં મમ્મી-પપ્પા માટે ઋચાને છોડવી પડે તોપણ હું છોડી દઈશ.
પણ, હું ઋચાને પ્રેમ કરું છું. હું ઇચ્છું છું કે કંઈક એવું થાય કે ઋચાને પણ જીવનસાથી બનાવી શકું અને મમ્મી-પપ્પાને પણ દુઃખ ન થાય. મને કોઈ એવો રસ્તો બતાવવા વિનંતી.
લિ. વીરસિંહ
પ્રિય વીરસિંહ,
મોટા ભાગના યુવાનોનો સૌથી મોટો એક પ્રોબ્લેમ એ છે કે તેઓ જ્યારે કોઈ છોકરી કે છોકરા તરફ આકર્ષાય ત્યારે આગળ પાછળનો કશો વિચાર કર્યા વિના તેમાં કૂદી પડતા હોય છે. પહેલી નજરનો પ્રેમ, એક ભ્રામક વાત છે. પહેલી નજરે તો આપણને હંમેશાં રૂપાળું અને સોહામણું જ ગમતું હોય છે. આપણે માત્ર બાહ્ય દેખાવના આધારે વ્યક્તિને બહુ વધારે મહત્ત્વ આપી દેતા હોઈએ છીએ. ખાસ કરીને છોકરાઓ પાત્રની પસંદગીમાં દેખાવને જ વધારે મહત્ત્વ આપે છે, ખરેખર તો માત્ર દેખાવ નહીં સમગ્ર વ્યક્તિત્વ જોવું જોઈએ. ખેર એ જવા દો, કારણ કે ઋચા તો વ્યક્તિ તરીકે પણ સારી છોકરી છે.
બીજી વાત, તમને તમારાં મમ્મી-પપ્પાની આબરૂ અને ગમા-અણગમાનો વિચાર છેક ચાર વર્ષ પછી કેમ આવે છે? પ્રેમના પ્રારંભે કદાચ તમે લાગણીઓમાં તણાયા હોય પણ ચાર ચાર વર્ષ સુધી તમે તમારા પારિવારિક વાતાવરણનો કે મમ્મી-પપ્પાના ગમા-અણગમાનો વિચાર જ ન કરો, એ તો નાદાનિયત જ કહેવાય. તમે જો ખરેખર ઋચા સાથેના સંબંધોની બાબતમાં ગંભીર હોત તો ચાર વર્ષમાં તમે તમારા ઘરે એવું વાતાવરણ ઊભું કરી શક્યા હોત કે ઋચાનો બહુ આસાનીથી સ્વીકાર કરવામાં આવે. પણ, તમે ઋચા સાથે ગળચટ્ટી વાતો કરવામાંથી જ ઊંચા ન આવ્યા અને અત્યારે હવે કહ્યાગરા દીકરા બનવા બેઠા છો. તમે ઋચાને પ્રેમ કરવાની પણ વાત કરો છો અને તેને છોડવી પડે તો છોડવાની પણ વાત કરો છો. તમે કોઈ એક નિર્ણય પર આવો. તમારો જે કંઈ નિર્ણય હોય તે વહેલી તકે ઋચાને તેમજ તમારાં મમ્મી-પપ્પાને જણાવો.
સ્વાભાવિક છે કે તમે હજુ અભ્યાસ કરો છો અને તમારા કાકાનાં લગ્ન પણ બાકી છે ત્યારે તેઓ તમારાં લગ્ન વિશે કોઈ નિર્ણય કરવા માગતા ન હોય. તે ઇચ્છતા હોય કે પ્રેમ-બ્રેમના ચક્કરમાંથી તમે નીકળી જાવ અને અભ્યાસ પર ધ્યાન આપીને ઉજ્જવળ કારકિર્દી ઘડો. તમારે ઋચા સાથે લગ્ન કરવાં જ હોય તો સૌથી પહેલાં તમારે કારકિર્દી માટે ગંભીર થવું પડે અને મમ્મી-પપ્પાને બે વાતે વિશ્વાસ અપાવવો પડે, એક તો તમે અભ્યાસ-કારકિર્દી બાબતે ગંભીર છો અને બીજું, તમે ઋચા સાથે જ લગ્ન કરવા મક્કમ છો. તમે સારું ભણીને સારી નોકરી મેળવીને તમારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરવા માગશો તો પછી ભાગ્યે જ તમારાં મમ્મી-પપ્પા એમાં વિરોધ નોંધાવશે. ઋચાને પણ તમે જો પ્રોમિસ કરશો કે તમે વહેલા કે મોડા, ગમે તે ભોગે તેની સાથે જ લગ્ન કરશો તો તે કદાચ બે-ચાર વર્ષ રાહ પણ જોશે. કાસ્ટ એક જ છે એટલે બીજા સામાજિક પ્રશ્નો નડશે નહીં. તમે માત્ર સમજદારીથી કામ લો અને મહેનત કરીને તમારી કારકિર્દી સફળ બનાવો. પછી મમ્મી-પપ્પા પણ માની જશે અને ઋચાને જીવનસાથી બનાવી શકશો.
Comments
Post a Comment
Thanx For Comment