પોથી પંડિત – રમણલાલ સોની


ત્રણ હતા દોસ્તો. ત્રણે બ્રાહ્મણ હતા. ભણવા-ગણવા માટે તેઓ કાશી ગયા. કાશીમાં ગંગાજીના કિનારા પર એક મસ્ત મોટા પંડિતની પાઠશાળા હતી. પંડિતજી વ્યાકરણના ખાં હતા. એક બ્રાહ્મણ એમની પાઠશાળામાં ભણવા રહ્યો. બીજો બ્રાહ્મણ બીજા પંડિતને ત્યાં રહ્યો. એ પંડિત તર્કશાસ્ત્રી હતો. તર્કમાં એમને કોઈ ન પહોંચે. જીવતા જાગતા માણસને એ હાડમાંસનું ખાલી પિંજર સાબિત કરી આપે એવું ભારે એમના તર્કનું જોર હતું. ત્રીજો બ્રાહ્મણ એક કવિને ત્યાં રહ્યો. કવિ ખરેખર કવિ હતો. જ્યાં બીજાને કેવળ ચાંદની દેખાય ત્યાં એને સ્વર્ગનું અમૃતસરોવર દેખાય અને એ સરોવરમાં એ ડબકડૈયાં ખાય !
ત્રણે બ્રાહ્મણો ગુરુને ત્યાં રહી ચોટલી બાંધીને ભણ્યા-ભણીને જબરા મોટા પંડિત થયા- એક થયો વ્યાકરણ-પંડિત, બીજો થયો તર્ક-પંડિત અને ત્રીજો થયો કાવ્ય-પંડિત. આ ત્રણે ભણીને ઘેર આવ્યા. આખા ગામે એમનું સામૈયું કર્યું. પંડિતો કહે : ‘વાહ ! આવું જ અમારું સ્વાગત થવું જોઈએ. અમે એને લાયક છીએ !’ આમ બોલી ત્રણેએ ગર્વમાં પોતાની ચોટલીઓ હવામાં ઉછાળી. આખી સભાએ પંડિતોનો જયજયકાર કર્યો. હવે ગામમાં પંડિતોની ભારે બોલબાલા હતી. પંડિતો ગામમાં ફરવા નીકળે તો રસ્તે જતું લોક એમને જોવા ઊભું રહી જાય. એમની સાથે વાત કરતાં ભલભલાની કસોટી થઈ જાય.
વ્યાકરણ પંડિતની સાથે તમે વાત કરવા માંડો કે તરત એ તમારી ભાષામાં વ્યાકરણની ભૂલો કાઢ્યા વિના રહે જ નહિ; તમારી કહેવાની વાત તો બાજુએ જ રહી જાય, ને તમારી ભાષાની તથા ઉચ્ચારની શુદ્ધિ ઉપર તમારે લાંબુલસ ભાષણ સાંભળવું પડે. તમે છટકવાનું કરો તે ચાલે જ નહિ – પંડિત છટકવા દે તો ને ? તમારે ભૂલ કબૂલ કરવી પડે ને સુધારી બતાવવી પડે. પછી વિજયના ગર્વથી ફુલાતા પંડિત આગળ ચાલવા માંડે- તમે તેમને રોકવા મથી કહો કે પંડિતજી, હું આપને પૂછવા આવેલો કે આજે અગિયારસના દિવસે બાફેલાં રીંગણાં ખવાય કે નહિ ? તો એનો જવાબ તમને નહિ મળવાનો. પણ પંડિતજી ભવાં ચડાવીને તમને કહેવાના કે અગિયારસ નહિ, ‘એકાદશી’ કહો ! આવું જ બને તર્ક-પંડિતની મુલાકાતમાં. પેલી એક પંડિતની વાત છે ને કે પંડિતે પવાલામાં તેલ લીધું, પણ પછી એમને શંકા થઈ કે ‘પાત્રાધારે તૈલ કે તૈલાધારે પાત્ર ? પવાલાના આધારે તેલ છે કે તેલના આધારે પવાલું છે.’ અને શંકાનું સમાધાન કરવા એમણે પાત્રને ઊંધું વાળીને જોયું. તેલ બધું જમીન પર ઢોળાઈ ગયું ! આ તૈલાધારે પાત્રવાળા પંડિતજીના વંશમાં જ આપણા વિદ્વાન પંડિતજી જન્મેલા હતા, ને તેમના જેટલી જ ખ્યાતિ તેમણે પ્રાપ્ત કરી હતી.
કાવ્યપંડિતનો હસતો ચહેરો, ફરફરતી ચોટલી, વિશાળ ભાલમાં રમતું ત્રિપુંડ અને ઉઘાડા ડિલ પર લટકતો ખેસ જોઈને તમે આભા બની જઈ કહેશો કે હં…. આનું નામ કવિ ! આનું નામ કાવ્યપંડિત ! એ બોલવા માંડે ત્યારે વાણીનો એવો ધોધ વછૂટે કે તમે એમાં તણાઈ જાઓ ને સૂધબૂધ ભૂલી જાઓ; તમે એ વાણીનું શૃંગ કે પુચ્છ કંઈ જ સમજી ન શકો, પણ અહોહો ! અહોહો ! કરી તમે આંખો ફાડી જોઈ રહો ! કવિ કહે : ‘એવી વાત છે બંદાની ! હું એવી ઊંચી વાતો કરું છું કે તમે કશું સમજી જ શકતા નથી !’ આમ આ પંડિતો બહુ આત્મસંતોષથી ને આનંદગર્વથી રહેતા હતા.
એક વાર એક ભૂખે મરતો માણસ વ્યાકરણ-પંડિતના ઘર આગળ આવી ઊભો. પંડિતજી બારણામાં જ ઊભા હતા. ભિખારીએ હાથ લાંબો કરીને કહ્યું : ‘મહારાજ, ચાર દિવસનો ભૂખ્યો છું. કંઈ ખાવાનું આપો !’
પંડિતે કહ્યું : ‘કેમ રે, શાની તૃષ્ણા છે તને ?’ ભિખારી કંઈ સમજ્યો નહિ. તે પોતાનું ભૂખ્યું પેટ દેખાડી બોલ્યો :
‘આ…આ… ખાલી છે. ભૂખ્યો છું… ચાર દિવસનો ભૂખ્યો છું.’
પંડિતે કહ્યું : ‘હં, ઉદર ભરવું છે તારે ? ક્ષુધા પીડે છે તને ? અરે, તું કેવળ મૂઢ જણાય છે ! ઉદર અને ક્ષુધા જેવા સરળ શબ્દોનું યે તું ઉચ્ચારણ નથી કરી શકતો !’ ભિખારી પેટનો ખાડો દેખાડી કંઈ કહેવા જતો હતો ત્યાં પંડિતે કહ્યું : ‘હં, એ ઉદર – બોલ, ઉદર.’
ભિખારી બોલ્યો : ‘ઉંદર ! સો ઉંદર પોઢી જાય એવી મારા પેટમાં બખોલ પડી છે, બાપજી, હવે કંઈ દયા કરો તો સારું !’
પંડિતે કહ્યું : ‘હું ‘ઉદર’ કહું છું ત્યારે તું ‘ઉંદર’ કહે છે ! કેવો મૂર્ખ છે ! અસલ મહામૂર્ખ છે !’ ભિખારીએ મોં પહોળું કરી હાથનો ખાલી કોળિયો દેખાડી કહ્યું, ‘ભૂખ-ભૂખ-ભૂખ્યો છું, ભૂખે મરું છું…’
પંડિતે કહ્યું : ‘ભૂખ નહિ, ક્ષુધા ! બોલ, ક્ષુધા !’
ભિખારીએ કહ્યું : ‘ખુધા ! ખુધા !’
પંડિતે ચિડાઈને કહ્યું : ‘ખુધા નહિ, ક્ષુધા !’
ભિખારી હવે કંટાળ્યો હતો, પણ કંઈ કરતાં યે બટકું રોટલો મળે એ આશાએ તે બોલ્યો : ‘આપ ખુધા કહો તો ખુધા, ખધા કહો તો ખધા, ને ગધા કહો તો ગધા ! આપ જે નામે કહો તે નામે હું આપને બોલાવવા તૈયાર છું, પણ મને બટકું રોટલો આપો. ભૂખે મારો જીવ જાય છે, બાપા !’
પંડિતે કહ્યું : ‘તો ઉદર ઉદર અને ક્ષુધા ક્ષુધા કરી શું કરવા તારો અવતાર ધૂળ કરે છે ! વ્યાકરણનો પાઠ કર- શબ્દશક્તિનું સેવન કર ! શબ્દ તો કામધેનુ છે કામધેનુ ! જરી સમજ !’ ભિખારી હવે નિરાશ થઈ ગયો હતો. તે બોલ્યો : ‘ભૂખ !’
પંડિતે કહ્યું : ‘ક્ષુધા શી ચીજ છે શબ્દની આગળ ? શબ્દમાં શક્તિ છે, શબ્દમાં સામર્થ્ય છે, શબ્દમાં પ્રાણ છે, શબ્દમાં જીવન છે ! માટે તું શબ્દનું સેવન કર ! શબ્દનું સ્તવન કર ! શબ્દનું ભજન કર !’ ભિખારી નિસાસો નાંખી પાછો ફરી ગયો. તેની પાછળ વ્યાકરણ પંડિતે કહ્યું : ‘જોયું ? મારા શબ્દોથી એના અંતરનાં પડળ ઊઘડી ગયાં ! એ ભીખ માગવાનું ભૂલી ગયો – હવે એ ‘ઉંદર ઉંદર’ અને ‘ખુધા ખુધા’ નથી બોલતો ! કેવો જાદુ છે મારી વાણીમાં ! કેવી શક્તિ છે મારા શબ્દોમાં !’
ભિખારી હવે આગળ ચાલ્યો ને બીજા પંડિત- તર્ક પંડિતના ઘર આગળ જઈને ઊભો. તર્ક-પંડિત તે વખતે માથા પર વિશાળ ચકરી પાઘડી દાબતા ઘરમાંથી બહાર નીકળતા હતા, ત્યાં આ ભિખારીએ તેમની સામે જોઈ કહ્યું : ‘મહારાજ ! ભૂખની પીડાથી હું મરું છું. દયા કરો !’
તર્ક-પંડિતે કહ્યું : ‘દયા કરવાનું કહેવાનો અધિકાર તને કોણે આપ્યો ? અલ્યા, તું મને દયા કરવાનું કહેનાર કોણ ? ક્યા અધિકારથી તું એ શબ્દો બોલ્યો ?’ ભિખારી કંઈ સમજ્યો નહિ. તે બોલ્યો, ‘મહારાજ, ભૂખે મરું છું.’
તરત પંડિતે કહ્યું : ‘તું ભૂખે મરે છે એની સાબિતી શી ?’
ભિખારીએ પેટનો ખાડો દેખાડી કહ્યું : ‘આ પેટ !’
તર્ક-પંડિતે કહ્યું : ‘તારા પેટનો એ ખાડો ભૂખથી જ પડ્યો છે એની ખાતરી શી ?’
ભિખારી ગભરાઈને બોલ્યો : ‘ભૂખથી જ આ ખાડો પડ્યો છે, બાપા ! ભૂખ વગર ખાડો પડે કેવી રીતે ?’
તર્ક-પંડિતે કહ્યું : ‘તું પ્રાણાયામ કરી શ્વાસ ખેંચી પેટમાં ખાડો પાડતો હોય તો ?’
ભિખારીએ કહ્યું : ‘ના, બાપજી, ના ! પાનારામ બાનારામને હું ઓળખતો નથી. તેઓ ક્યાં રહે છે ને શું કરે છે તેયે હું જાણતો નથી. હું તો કેવળ ભૂખે મરું છું ! ચાર દિવસથી મેં કશું ખાધું નથી !’
તર્ક-પંડિતે કહ્યું : ‘શું કહ્યું ? ચાર દિવસથી તેં કશું ખાધું નથી ? તો શું આ ખાડો ચાર દિવસનો ખાડો છે ? મને એ વિષે પૂરેપૂરી શંકા છે !’
ભિખારીએ કહ્યું : ‘બાપજી, હું સાચું કહું છું, મારા પર વિશ્વાસ રાખો !’
પંડિતે કહ્યું : ‘એટલે ? ન્યાયસૂત્રના રચયિતાને મૂકી હું તારા શબ્દો પર વિશ્વાસ રાખું ? હું એવો મૂર્ખ નથી તો ! હું તો બે ને બે ચાર થાય એમ ગણી જોઉં તો જ માનું ! અનુમાન પર હું આધાર રાખતો નથી. તું ચાર દિવસનો ભૂખ્યો છે એવું તારા શબ્દોથી સાબિત થતું નથી, કારણ કે તારો શબ્દ પ્રમાણ નથી; વળી પ્રત્યક્ષ પ્રમાણથી પણ એ સાબિત થતું નથી, કારણ કે તારું પેટ જોઈને હું તને છ દિવસનો ભૂખ્યો પણ કહી શકું છું. તું કહે છે કે હું ભૂખ્યો છું અને ચાર દિવસનો ભૂખ્યો છું; પણ એ વાતનો કોઈ સાક્ષી નથી. તું ભૂખ્યો છે તે ખરેખર ભૂખ્યો જ છે, વળી તું ક્યારથી ભૂખ્યો છે અને શા માટે ભૂખ્યો છે એ કહેનારો કોઈ સાક્ષી હોવો અત્યંત આવશ્યક છે. તને ભૂખ લાગી છે એમ અનુમાનની ખાતર માની લઈએ તોપણ ભૂખ લાગી છે તો ક્યાં લાગી છે, શું કરતાં લાગી છે, લાગી જ છે તો હજી લાગેલી છે કે હોલવાઈ ગઈ છે, એના લાગવાથી શું પરિણામ આવવાનો સંભવ છે, એ બધા પ્રશ્નોનું સમાધાન પહેલાં થવું જોઈએ. તને ભૂખ લાગવાનું મને તો કોઈ ન્યાયપુરઃસરનું વાજબી કારણ દેખાતું નથી. તારા હાથ આખેઆખા છે, મોં પણ હેમખેમ છે, પેટ પણ હયાત છે અને છતાં તું કહે છે કે મેં ખાધું નથી. આ બધું એક સમસ્યા જેવું લાગે છે. તું આખેઆખો છે, તાજોમાજો છે, તો તારું આહારતંત્ર બંધ થઈ ગયું કેવી રીતે ? માટે ભૂખની સામેની તારી આ ફરિયાદ પહેલાં સાબિત કર ! તે પછી જ એ વિષે કંઈ થઈ શકે.’
ભિખારીએ કહ્યું : ‘અરે મહારાજ, હું ભૂખ્યો છું ને ભૂખે મરું છું, એમાં વળી સાબિત શું કરવાનું ?’
પંડિતે કહ્યું : ‘તું કોઈ દિવસ પંડિતોની સભામાં ગયો નથી લાગતો. આ તો ગહન બાબત છે; ભાઈ, તારા જેવા બાળકનું એ સમજવાનું ગજું નહિ !’ ભિખારી હવે કંટાળી ગયો હતો. તેણે નિસાસો નાખી ત્યાંથી ચાલવા માંડ્યું. તેની પાછળ તર્ક-પંડિતે કહ્યું : ‘બાપડો પામર જીવ છે ! મને એની દયા આવે છે ! પણ એ કશું જ સાબિત કરી શકતો નથી એટલે હું એને મદદ પણ કેવી રીતે કરી શકું ?’
ભિખારી હવે ત્રીજા પંડિતના ઘર આગળ જઈને ઊભો. કાવ્યપંડિત બારણામાં જ ઊભા હતા અને એક હાથમાં ‘રઘુવંશ’ અને બીજા હાથમાં ‘કાવ્ય-કલશ’ ગ્રંથ રાખી મોટેથી કવિતા લલકારતા હતા, ને કાવ્યના અલંકારોની એકલા એકલા ચર્ચા કરતા હતા. ભિખારીએ ત્યાં આવી કહ્યું :
‘મહારાજ ! ઓ મોટા મહારાજ !’
કેટલી બૂમો પાડી ત્યારે કવિના કાને એના શબ્દો ગયા. તેમણે કહ્યું : ‘કેમ રે, તું કયા અલંકારમાં વાત કરે છે ?’ બાપડો ભિખારી આ સાંભળી સડક જ થઈ ગયો. તે બોલ્યો :
‘બાપજી, મને ભૂખ લાગી છે !’
કવિએ કહ્યું : ‘ભૂખ લાગી છે એટલે કે તું અન્નરસનો અભાવ અનુભવે છે, એમને ! પણ રે, તું મૂર્ખ લાગે છે !’ આભો બની ભિખારી કવિની સામે જોઈ રહ્યો.
કવિએ કહ્યું : ‘તું ખાલી અન્નરસની પાછળ માર્યો માર્યો ફરે છે, તેથી તારું કંઈ કલ્યાણ થવાનું નથી. તારે જો તારું કલ્યાણ કરવું હોય, તારે જો તારા આત્માનો ઉદ્ધાર કરવો હોય તો કાવ્યરસનું સેવન કર ! કવિતારસનું પાન કર ! એ રસનું જે પાન કરે છે તેના આઠે કોઠે અજવાળું થઈ જાય છે, તેની આધિ, વ્યાધિ, ઉપાધિ ટળી જાય છે, તે મૃત્યુલોકનો જીવ મટી દિવ્યલોકનો જીવ બની જાય છે !’
ભિખારી બોલ્યો : ‘ભૂખથી મારો જીવ જાય છે, મહારાજ ! દયા કરો ! હું બહુ દુઃખી છું !’
કવિએ કહ્યું : ‘તે તું શા માટે દુઃખી થાય છે, મૂઢ ? જો, પ્રચુર કાવ્યરસનો સાગર અહીં ઊછળી રહ્યો છે. તું એમાં ડૂબકી માર ! કાવ્યરસ પી ને મસ્ત બન. તારી આધિ, વ્યાધિ, ઉપાધિ બધી ચાલી જશે, ને તું સુખિયો જીવ બની જશે ! દેખ આ ‘રઘુવંશ’ કવિકુલગુરુ કાલિદાસે કેવું સુંદર કાવ્ય સરજ્યું છે ! એક એક શબ્દ…’ ભિખારી કશું સમજ્યો નહિ, ભૂખથી હવે તેને ચક્કર આવતાં હતાં. તે ત્યાંથી આગળ વધ્યો. તેને જતો જોઈ કવિ બોલી ઊઠ્યા : ‘મૂઢ ! મહામૂઢ ! કવિ કાલિદાસની વાણીમાં એ સમજે શું ? રે પ્રભુ ! આવાનો ઉદ્ધાર કેમ થશે ?’
ત્રણે જગાએથી નિરાશ થઈને ભિખારી આગળ વધ્યો. હવે તે એક ઘર આગળ આવી ઊભો. બીતાં બીતાં તેણે બૂમ મારી : ‘બાપજી, ચાર દિવસનો ભૂખ્યો છું, ભૂખે જીવ જાય છે.’ ઘરવાળા ભાઈ પ્રભુભક્ત હતા. તે વખતે નાહીને પૂજાપાઠ કરી દેવદર્શને જવા ઘરમાંથી બહાર નીકળતા હતા. તેમના કાને ભિખારીના આ શબ્દો પડ્યા : ‘ચાર દિવસનો ભૂખ્યો છું, ભૂખે જીવ જાય છે !’ તરત એમના પગ થંભી ગયા, એમણે ભિખારીને હાથનો ઈશારો કરી થોભવા કહ્યું ને પછી પોતે ઘરમાં પાછા ફર્યા. થોડી વારમાં ભોજનની પતરાળી લઈને તે પાછા આવ્યા. ભિખારી તો અન્ન જોઈ જાણે ગાંડો જ બની ગયો. જેવી ભક્તે પતરાળી તેની સામે મૂકી, કે તે લાંબો થઈને ભક્તના પગમાં આળોટી પડ્યો, ને ‘મારા ભગવાન ! મારા ભગવાન !’ પોકારવા લાગ્યો. પછી પતરાળીનેય તે પગે લાગ્યો, ને એને પણ ‘મારા ભગવાન ! મારા ભગવાન !!’ કહેવા લાગ્યો.
ભક્તે કહ્યું : ‘ભાઈ, હવે તું શાંતિથી જમી લે !’
આટલા શબ્દો સાંભળતાં તો ભિખારીની આંખોમાંથી ટપટપ આંસુ પડવા માંડ્યાં. ભક્ત સમજી ગયા કે આ માણસ બહુ દુઃખી છે, તેથી તેને આશ્વાસન આપવા તેમણે કહ્યું : ‘ભાઈ, સુખદુઃખની ઘટમાળ ગોળગોળ ફર્યા કરે છે. આજે સુખ, તો કાલે દુઃખ ! આજે દુઃખ તો કાલે સુખ !’
ભિખારીએ રોતાં રોતાં કહ્યું : ‘ભગતજી, માણસ આવો નિર્દય કેવી રીતે થઈ શકતો હશે ?’ ભક્તને લાગ્યું કે ભિખારીની વાત સાંભળવા જેવી છે, એટલે એમણે કહ્યું : ‘શાથી આવું કહેવું પડે છે ?’
ભિખારીએ કહ્યું : ‘હું ચાર દિવસનો ભૂખ્યો છું, પણ આજે મારી વાત સાંભળી એક જણ કહે કે ભૂખ ભૂખ શું કરે છે ? વ્યાકરણનો પાઠ કર ! બીજો કહે કે તું ભૂખ્યો છે તેની ખાતરી શી ? તું સાક્ષી લાવે તો તારી વાત માનું. ત્યારે ત્રીજો કહે કે અન્ન અન્ન કરી મરવાને બદલે કવિતા વાંચ ! તારો ઉદ્ધાર થઈ જશે !’ આ સાંભળી ભગત વિચારમાઅં પડી ગયા. તેમણે કહ્યું : ‘હં, હવે તું ખાતો જા, ને વાત કરતો જા ! મારે તારી બધી જ વાત સાંભળવી છે.’ આમ કહી ભગતે પેલા ત્રણે પંડિતોની વાત પૂરેપૂરી જાણી લીધી.
ભિખારીએ વાત કરતાં કરતાં કહ્યું : ‘આપને મંદિરમાં જવાનું મોડું થાય છે.’
ભક્તે કહ્યું : ‘હું મંદિરમાં જ છું અત્યારે ! જ્યાં ભૂખ્યાને અન્નજળ અપાય છે ત્યાં જો પ્રભુનું મંદિર નથી, તો મંદિર બીજે ક્યાંય નથી !’ ભિખારીને બરાબર જમાડ્યા પછી જ ભક્તે ઘરમાંથી બહાર પગ દીધો. પણ હવે તેમનું મન વિચારે ચડી ગયું હતું. મંદિરમાંથી પાછા ફરતાં તેઓ સીધા જ એ ત્રણે પંડિતોને ઘેર ગયા ને બીજે દિવસે સાંજે પોતાને ત્યાં ભોજન માટે પધારવા એ ત્રણેને નિમંત્રણ આપી આવ્યા. ત્રણે પંડિતોએ આનંદથી એ નિમંત્રણનો સ્વીકાર કર્યો. બીજે દિવસે સવારે ત્રણે પંડિતો ભેગા થયા, ત્રણે દોસ્તો હતા ખરા ને ! વ્યાકરણ-પંડિત કહે :
‘આજે તો ભગતજીને ઘેર બરાબર ઝાપટવું છે ! મને ભાવતું ભોજન જમાડવાનું એમણે કબૂલ કર્યું છે.’
તર્ક-પંડિત કહે : ‘મને પણ ભાવતું ભોજન જમાડવાનું એમણે કહ્યું છે. ભગતજી બહુ સમજુ માણસ છે !’
કાવ્ય-પંડિત કહે : ‘છે જ ! મને પણ ભાવતાં ભોજન પીરસવાનું તેમણે કહ્યું છે. એટલે કાલે રાતે મેં વાળું કર્યું જ નથી !’
તર્ક-પંડિત કહે : ‘મેં પણ નથી કર્યું.’
વ્યાકરણ-પંડિતે કહ્યું : ‘મેં પણ !’ હવે રાતે ભગતને ઘેર ભાવતાં ભોજન એવાં ઝાપટું એવાં ઝાપટું ! – હા, વાત કરતાં જીભ પાણી પાણી થઈ જાય છે !’
વ્યાકરણ-પંડિતે કહ્યું : ‘આનું નામ સરસ્વતી ! આનું નામ ભક્તિ !’
‘ખરું, ખરું !’ કહી ત્રણે જણ એકબીજાને શાબાશી આપવા લાગ્યા. બપોરે કોઈએ કશું ખાધું નહિ. નમતો પહોર થતાંમાં તો તેમની ભૂખ બરાબર ટોચે પહોંચી. સાંજ પડતાં ત્રણે જણા પંડિતાઈના પૂરા ઠાઠમાં ભગતને ઘેર આવી ઊભા.
ભગતે એમનો ભાવથી સત્કાર કર્યો, ને ત્રણેને પોતાના ઘરના બેઠકખંડમાં લઈ જઈને બેસાડ્યા. પછી કહે : ‘જી, હું જરી…. આપના જેવા પ્રખર પંડિતોને જમાડવાના… એટલે જરી વ્યવસ્થા… માફ કરજો, આપ એટલી વાર….’
‘અમે બેઠા છીએ, ચિંતા ન કરો !’ ત્રણેએ કહ્યું.
ભગતજીના ગયા પછી ત્રણેએ ગર્વથી કહ્યું : ‘ભગતે ભોજનની વ્યવસ્થા બહુ મોટા પાયા પર કરી લાગે છે !’ અને પછી તેમણે જ તેનો જવાબ દીધો : ‘જમનારા કંઈ સામાન્યજન નથી !’ કલાકેક પછી ભગત આવ્યા, આવતાં જ તેમણે કહ્યું :
‘બસ, હવે થોડી વાર છે. એટલી વાર આપ જરી જ્ઞાનચર્ચા કરો, હું સાંભળું !’ આનો જવાબ દીધો વ્યાકરણ-પંડિતે. તેણે કહ્યું : ‘એ બધું જમ્યા પછી !’
તર્ક-પંડિતે કહ્યું : ‘જમ્યા પછી ચર્ચામાં ભભક આવશે !’
કવિએ કહ્યું : ‘રંગ જામશે !’
ભગતે કહ્યું : ‘ભલે, તો એમ ! પણ આજે આપ ત્રણેએ આપના અગાધ પાંડિત્યનો મને લાભ આપવો પડશે, એ કહી રાખું છું.’
‘અવશ્ય ! અવશ્ય !’ ત્રણે બોલી ઊઠ્યા. આમ વળી એક કલાક પસાર થઈ ગયો.
‘હું જરી તપાસ કરી આવું, કેમ આટલી વાર લાગી !’ કહી ભગત ફરી ઊભા થયા ને ગયા, તે કલાક દોઢ કલાકે પાછા આવ્યા. એમ કરતાં મધરાત થવા આવી. ભૂખનું શૂળ હવે બરાબર ભોંકાવા માંડ્યું હતું. ભગતે એકદમ હાંફળા ફાંફળા બની દોડાદોડ કરી મૂકી. પછી તેમણે કહ્યું : ‘પધારો પંડિતવર્યો, પધારો, ભોજન તૈયાર છે.’
ભગતજી ત્રણે પંડિતોને એક વિશાળ ખંડમાં લઈ ગયા. ખંડમાં પગ દેતાં જ ખંડના મઘમઘતા સુગંધીદાર વાતાવરણથી પંડિતો પ્રસન્ન થઈ ગયા. ભગતે ઓરડાને ફક્કડ સજાવ્યો હતો. ચાર ખૂણે ચાર ફૂલદાનીઓ અને ધૂપદાનીઓ હતી, તેમાંથી ધૂપની ને ફૂલની સુગંધ પ્રસરતી હતી. વચ્ચે એક નાનકડો ફુવારો, ઝબ ઝબ ઝબ કરતો ઊડતો હતો. ભોજન માટે રંગીન પાટલા ઢાળેલા હતા, ને પાટલા ઉપર ગરમ આસનિયાં બિછાવેલાં હતાં. પાટલાની સામે નાનકડા બાજઠો ઉપર ભોજનના થાળ ગોઠવેલા હતા. થાળ પર રેશમી કપડું ઢાંકેલું હતું. તે પરથી જણાતું હતું કે ભોજન પીરસાઈ ગયું છે. ત્રણે પંડિતો પાટલાઓ પર ગોઠવાઈ ગયા કે ભગતે કહ્યું :
‘આપને ત્રણેને ભાવતાં ભોજન પીરસ્યાં છે, આનંદથી જમો, જરા પણ શરમાશો નહિ !’ આભારસૂચક હસીને ત્રણે પંડિતોએ થાળ પરથી કપડાંનાં ઢાંકણ દૂર કર્યાં – તરત તેમની આંખો ફાટી ગઈ ! આ શું ? ભોજન ક્યાં છે ? લાડુ ક્યાં છે ? વેઢમી ક્યાં છે ? માલપૂડા ક્યાં છે ? બાસૂંદી-મલાઈ ક્યાં છે ? જલેબી-ફરસાણ ક્યાં છે ?
અરે, અહીં તો થાળમાં પોથી છે !
નવાઈ પામી ત્રણેએ ભગતની સામે જોયું.
ભગતે જાણે કંઈ સમજ્યા ન હોય તેમ કહ્યું : ‘જમો, ટેસથી જમો, આનંદ ઉલ્લાસથી જમો ! આપને ભાવતાં ભોજન છે ! ધરાઈને જમજો, જરાયે શરમાશો નહિ !’
‘શું અમારી મશ્કરી કરો છો ?’ કહી વ્યાકરણ-પંડિતે માથેથી ચોટલીની ગાંઠ છોડવા માંડી.
ભગતે ઠંડકથી કહ્યું : ‘ચાણક્યની પેઠે ચોટલીની ગાંઠ છોડવી રહેવા દો, પંડિતજી ! નહિ તો ફરી બાંધવી મુશ્કેલ થઈ પડશે. આપને વ્યાકરણ પર પ્રીતિ છે અને ચાર દિવસના ભૂખ્યા માણસને પણ આપ ભૂખના નિવારણ માટે વ્યાકરણનો પાઠ કરવાનું કહી શકો છો, એટલે આપને માટે મેં ખાસ પાણિનિના આ વ્યાકરણની પોથી મંગાવીને ભોજનમાં પીરસી છે ! ચટણીમાં ‘અમરકોશ’ ચાલશે એમ માનું છું.’
પછી ભગતે તર્ક-પંડિત સામે જોઈ કહ્યું : ‘આપ તો મહાન તર્ક-શાસ્ત્રી છો, ન્યાયશાસ્ત્રી છો, આપ કોઈથી છેતરાતા નથી; ચાર દિવસના ભૂખ્યા માણસની વાત આપ સાક્ષી-પુરાવા વગર માનવા તૈયાર નથી, એ આપની ઉચ્ચ વૃત્તિને ભાવે તેવું ભોજન આપના ભાણામાં પીરસેલ છે – ‘વૈશેષિક ન્યાયસૂત્ર !’ ચટણીમાં આપણો નવો ‘હિંદુ કોડ’ ચાલશે કે કૉલેજની ‘તર્ક પ્રવેશિકા’ મૂકું ? શાંતિથી જમજો, જરાયે શરમાશો નહિ !’ પછી તેમણે કાવ્ય-પંડિતની સામે જોઈ કહ્યું :
‘કવિરાજ, આપ તો અન્નરસ કરતાં કાવ્યરસને અધિક ગણો છો અને ચાર દિવસના ભૂખ્યા માણસને કાવ્યરસનું પાન કરી મૃત્યુલોકના જીવ મટી દિવ્યલોકના જીવ બનવાનો ઉપદેશ આપો છો; એટલે આપની એ ઉચ્ચ કાવ્યભક્તિ જોઈ આપના ભાણામાં ‘કાદંબરી’ પીરસેલ છે. મોજથી એ આરોગો ને તૃપ્ત બનો ! ચટણીમાં ‘ગીતગોવિંદ’ ચાલશે ને ? – કે ‘મેઘદૂત’ મૂકું ? દિલ ચાહે તે માગો, બંને હાજર છે !’ ભૂખથી પંડિતો બહાવરા તો બનેલા જ હતા. હવે પોથી સિવાય બીજું કંઈ ખાવાનું નથી એ જાણી વધારે અકળાયા. તેમણે કહ્યું :
‘ભગતજી, પંડિતોને ઘેર જમવા તેડી તેમનું આવું અપમાન કરો છો ?’
ભગતે શાંતિથી કહ્યું : ‘આમાં અપમાન શાનું ? તમને ભાવતાં ભોજન તો પીરસ્યાં છે ! પ્રેમથી જમો, તૃપ્ત થાઓ !’ ત્રણે ગુસ્સામાં બોલી ઊઠ્યા :
‘શું જમીએ, કપાળ ? પોથી પુસ્તકનું તે કદી ભોજન થતું હશે ?’
ભગતે નવાઈ પામી કહ્યું : ‘હેં, ન થાય ? ખરેખર ન થાય ?’
પંડિતોએ કહ્યું : ‘ન જ થાય.’ ભગતે કહ્યું : ‘પરંતુ ગઈ કાલે સવારે એક ભૂખ્યો ભિખારી આપને ત્યાં અન્નજળ માગવા આવ્યો ત્યારે તો, આપે તેને કંઈ જુદું જ કહેલું ! એ પરથી હું સમજ્યો કે તમે સૌ એવા મહાન જીવ છો કે પોથીઓનું ભોજન કરીને જીવો છો !’
વ્યાકરણ-પંડિતે કહ્યું : ‘પેટમાં અત્યારે બિલાડાં બોલે છે, ભગતજી, અત્યારે આ પોથીચર્ચા રુચતી નથી !’
ભગતે કહ્યું : ‘શું બોલો છો તમે આ ? પેલા ભિખારીને તો તમે ઉદર અને ક્ષુધાનું ઉચ્ચારણ શીખવતા હતા ! કહેતા હતા કે ભૂખ શી ચીજ છે શબ્દની આગળ ! શબ્દમાં પ્રાણ છે, શબ્દમાં જીવન છે ! તો પંડિતજી, એ જીવનથી હવે પેટ ભરો !’
ત્યાં તો તર્ક-પંડિત બોલી ઊઠ્યો : ‘હવે મશ્કરી છોડો, ભગતજી ! વેઢમી, લાડુ, માલપૂઆ, જે હોય તે પીરસો ! ભૂખે મારો જીવ જાય છે !’
ભગતે કહ્યું : ‘આપનો જીવ જાય છે એ વાત હું કેવી રીતે માનું ? પંડિતજી ! એ આપનું કેવળ અનુમાન છે. આપ આખેઆખા છો, સાજાતાજા છો, ને આપનો જીવ જાય છે એ વાત બને કેવી રીતે ? વળી આપનો જીવ જાય છે તો શાથી જાય છે, શા માટે જાય છે, શું કરતાં જાય છે, કેવી રીતે જાય છે, જાય છે તો ક્યાં જાય છે અને ક્યાં નથી જતો એ બધા પ્રશ્નોનું સમાધાન પહેલાં થવું જોઈએ અને પ્રત્યક્ષ સાક્ષી-પુરાવાથી આપે એ સાબિત કરવું જોઈએ. માત્ર આપના કહેવાથી એ વાત હું માની લઈ શકું નહિ !’
ત્યાં તો કાવ્ય-પંડિત બોલી ઊઠ્યો : ‘અરે, એમાં સાક્ષી પુરાવાની ક્યાં જરૂર છે ? આ તો પ્રત્યક્ષ અનુભવની વાત છે ! અમે ભૂખ્યા છીએ, કાલના ભૂખ્યા છીએ. લાડુ, વેઢમી ન હોય તો તમારા ઘરમાં જે લૂખું સૂકું હોય તે પીરસો….’
ભગતે કહ્યું : ‘આપ રસપાન કરવાવાળા જીવ છો, આપને લૂખું સૂકું કેમ પીરસાય ?’
‘તો અમને અમારા ઘર ભેગા થવા દો !’
‘થાઓ !’ – ભગતે આ કહ્યું કે ત્રણે પંડિતો ઊભા થયા, પણ જ્યાં બારણામાંથી નીકળવાનું કરે છે ત્યાં બારણામાં જ એક માણસ હાથમાં લાઠી લઈને ઊભેલો દેખાયો.
તેણે ગર્જના કરી કહ્યું : ‘ખબરદાર ! કહું છું કે અહીં ભાણામાં પીરસેલું બધું જમી લો, નહિ તો આ જોઈ છે ?’ આમ કહી એણે ડાંગ માથા પર ઉગામી. ત્રણે પંડિતો ગભરાઈને પાછા હઠ્યા. ભગતે હસીને કહ્યું :
‘જમી લો, પંડિતવર્યો, જમી લો, ભાણામાં પીરસેલાં ભોજન જમી લો !’
ત્રણેએ કહ્યું : ‘પણ આ પોથીઓ ખવાય કેવી રીતે ? પોથીથી કંઈ પેટ ભરાતું હશે ?’
બારણામાં ઊભેલા ડંડાધારીએ કહ્યું : ‘તો કાલે પેલા ભૂખ્યા માણસને પોથીથી પેટ ભરવાનું કેમ કહેતા હતા ? તે વખતે ભૂખની પીડાથી એનો જીવ જતો હશે એ તમને કેમ સમજાયું નહિ ?’ ત્રણે જણા આભા બની એ બોલનારની સામે જોઈ રહ્યા. આ જ એ ભિખારી ! હવે બધી વાત તેમને સમજાઈ ગઈ.
તેમણે કહ્યું : ‘હવે અમને ભૂખની પીડા સમજાઈ ! ભૂખ બહુ ભૂંડી ચીજ છે, એની આગળ શાસ્ત્ર કે કાવ્ય બધું નકામું છે ! અત્યારે અમને એવી ભૂખ લાગેલી છે કે વ્યાકરણપોથી જલાવીને ખીચડી પકાવી ખાઈએ !’
ભગતે કહ્યું : ‘સમજાય છે એ વાત ?’
ત્રણેએ કહ્યું : ‘સમજાય છે, બરાબર સમજાય છે ! હવે અમારે આંગણેથી કોઈ કાળે કોઈ ભૂખ્યો નહિ જાય !’
ભગતજી બોલી ઊઠ્યા : ‘વાહ, પંડિતજી, વાહ !’
અને તરત તેમણે હુકમ કર્યો : ‘અરે, લાવો, ભાણાં લાવો !’
બીજી જ પળે ત્યાં નવાં ભાણાં પીરસાઈ ગયાં. આ વખતે ભાણામાં ખરેખર મનભાવતાં મિષ્ટાન્ન હતાં – લાડુ, વેઢમી, માલપૂઆ, બાસૂંદી – એક ખાઓ ને બીજું ભૂલો, એવી બધી વાનગીઓ ! ત્રણે પંડિતોએ પેટ ભરીને ખાધું – આનંદ-ઉત્સાહથી ખાધું, સંતોષથી ખાધું. ભગતજીએ ત્રણેને દક્ષિણામાં અમુક રકમ આપી. પંડિતો રાજી થતા થતા ઘેર ગયા.

Comments