વિરલ કેતાની ખુલ્લી જાંઘો પર હાથ ફેરવવા લાગ્યો..



સંબંધોની આરપાર - મીતવા ચતુર્વેદી
પશ્ચિમ અમદાવાદની એક સોસાયટીમાં વસતાં બે પરિવારો વચ્ચે ખૂબ જ નજીકના અને ઘર જેવા સંબંધો હતા. બંને પરિવારના ઘર જેવા સંબંધો અને વધુ પડતો વિશ્વાસ કેતાના ભોગનું કારણ બન્યા. કેતાનાં માતા-પિતા જ્યારે આ સોસાયટીમાં રહેવાં આવ્યાં ત્યારે તેની ઉંમર ત્રણ જ વર્ષની હતી. આમ નાનું કુટુંબ સુખી કુટુંબ હતું. તેમની પાડોશમાં પણ આવું જ એક નાનું કુટુંબ રહેતું હતું. તેમને પણ સંતાનમાં દસેક વર્ષનો દીકરો હતો. તેનું નામ વિરલ હતું. કહેવાય છે ને કે પહેલો સગો પાડોશી, બંને પરિવાર વચ્ચે આવું જ કંઈક હતું.
વિરલ નાની ઢીંગલી જેવી લાગતી કેતાને ખૂબ રમાડતો, તેને તેડી-તેડીને ફરતો, ચોકલેટ અપાવતો અને હીંચકા-લપસણી પણ ખવડાવતો. સમયના વહેણની સાથે તેમનું બાળપણ પણ ધીરે-ધીરે વહેવા લાગ્યું. છતાં પણ બંને વચ્ચે પાક્કી મિત્રતા હતી, ભાઈ-બહેન જેવો સંબંધ હતો. બંનેને એકબીજા વગર નહોતું ચાલતું. એકબીજાથી દૂર હોય તો ફોન પર પણ થોડી વાર વાતચીત તો કરી જ લેતાં. બંને સાંજે સ્કૂલેથી આવીને સાથે હોમવર્ક કરતાં અને વીડિયો ગેમથી લઈને બેડમિન્ટન રમતાં. આ રીતે કેટલાંયે વેકેશન વીતી ગયાં.
હવે કેતા નાની ઢીંગલી નહોતી રહી. તે હાઈસ્કૂલમાં ભણતી હતી. તે ખૂબ જ સુંદર લાગતી હતી. તેનો વર્ણ ગોરો અને શરીર ખૂબ જ સુડોળ હતું. તેના ગોળ ચહેરા પર હંમેશાં નિખાલસ સ્મિત છલક્યા જ કરતું, કાજળ કરેલી તેની મોટી આંખો કોઈને પણ આકર્ષી લે તેવી હતી. ઘાટ્ટા સુંદર વાળ અને ભરાવદાર અંગો ઊડીને આંખે વળગે તેવાં હતાં. તેનો અવાજ એટલો મધુર હતો કે બોલે ત્યારે શબ્દોની સાથે મધ ટપકતું હોય તેવું લાગે.
જ્યારે વિરલ કોલેજનાં પગથિયાં ચઢી ગયો હતો. કોલેજમાં તેના અનેક મિત્રો બન્યા. કેટલાક સારા તો કેટલાક ખરાબ હતા. જેવો સંગ એવો રંગની કહેવત વિરલ માટે યથાર્થ ઠરી રહી હતી. ખરાબ મિત્રોની સંગતમાં આવીને તેનું મન-મગજ અને વિચાર દૂષિત થઈ રહ્યાં હતાં. સિગારેટ અને પાન-મસાલાની લત તેને લાગી ચૂકી હતી. તે અનેક રીતે ઊંધા રવાડે ચઢી ગયો હતો.
શનિવારની રાત હતી. કેતા અને વિરલનાં મમ્મી-પપ્પા કેતાના ઘરે નીચે હીંચકા પર બેસીને વાતો-ચીતો કરી રહ્યાં હતાં. કેતા અને વિરલ બેડમિન્ટન રમી રહ્યાં હતા. પછી તેમણે ફ્રેશ થઈને મોડી રાત સુધી કેરમ રમવાનું નક્કી કર્યું. કેતા ફ્રેશ થઈને વિરલની રાહ જોવા લાગી. થોડી વારમાં વિરલ આવ્યો અને બંને જણ કેરમ રમવા લાગ્યાં. કેતાએ ટી-શર્ટ અને હાફપેન્ટ પહેર્યું હતું. કેતાની તાજગી, ટૂંકાં કપડાં અને વણઢંકાયેલાં અંગો ચુંબકની જેમ વિરલની નજરને પોતાની તરફ ખેંચી રહ્યાં હતાં. તેના મગજમાં વિચારો ચકરાવે ચઢયા હતાં. અચાનક જ તે ઊભો થઈને કેતાની બાજુમાં જઈને બેસી ગયો. જોકે કેતાને તેમાં કંઈ અજુગતું ન લાગ્યું, પરંતુ વિરલ કેતાની ખુલ્લી જાંઘો પર હાથ ફેરવવા લાગ્યો, તે કેતાને હૃદયસરસી ચાંપીને ચૂમવા લાગ્યો. કેતા વિરલના આવા વ્યવહારથી ખૂબ જ ડરી ગઈ અને ચીસ પાડવા જતી હતી ત્યાં જ વિરલે તેનું મોં દબાવી દીધું અને આ અંગે કોઈને ન જણાવવાની ધમકી આપીને તે ડરતાં પગે ત્યાંથી જતો રહ્યો.
આ બનાવને કારણે કેતા ખૂબ જ ડઘાઈ ગઈ. વિરલ તેની નજીક આવે ત્યારે તેના હોશ-કોશ ઊડી જતાં, તેનો ચહેરો પીળો પડી જતો, મોઢામાંથી નીકળતા શબ્દો જ્યાં હોય ત્યાં જ અટકી જતા. તે વિરલથી ખૂબ જ ગભરાતી અને તેનાથી સંતાતી ફરતી. એક દિવસ તેણે હિંમત કરીને તેનાં મમ્મી-પપ્પાને આ બનાવ વિશે જણાવ્યું. તેમણે વિરલનાં મમ્મી-પપ્પાને આ અંગે અવગત કર્યાં. વર્ષોના સંબંધને કારણે કેતાનાં મમ્મી-પપ્પાએ વિરલ પર પોલીસ કેસ ન કર્યો, પરંતુ વિરલ બધાની નજરમાંથી ઊતરી ગયો અને તેઓ પોતાનું ઘર છોડીને બીજે ભાડે રહેવા જતાં રહ્યાં.
આટલું ન ભૂલશો
* પાડોશી સગાં જેવાં હોઈ શકે છે, સગાં નહીં.
* ખરાબ સંગતથી હંમેશાં દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
* છોકરા-છોકરી વચ્ચે વ્યવહાર અને વર્તનમાં મર્યાદા હોવી જરૂરી છે.
* કેટલીક ભૂલો વર્ષોના સંબંધો પર કડવાશની કાતર મૂકી દે છે.

Comments