બ્લેકમેઇલ
શહેરના ભરચક વિસ્તારમાં કટલેરીની દુકાન ચલાવતી બિંદિયાની હત્યા કોણે કરી હતી?
મહાનગરના ઉત્તરીય વિસ્તારમાં આવેલી સ્વિસ્તક સોસાયટીના બ્લોક નંબર સાતમાં ડ્રીમ ઈમિટેશન કટલેરીની દુકાન એ વિસ્તારની બહેનોનું ખાસ આકર્ષણનું કેન્દ્ર હતી કારણ એ દુકાનની માલિક બિંદિયા રાવત હતી. ભોળી મુખમુદ્રા ને સામેવાળાને સંમોહિત કરી દે એવી માંજરી આંખો ધરાવતી બિંદિયા મૃદુભાષી હતી. વાતોથી કોઇ પણનું દિલ જીતી લેવામાં પાવરધી હતી. બિંદાસ્ત હતી. પરંતુ એના પતિ સુરેશકુમારનું દિલ જીતી શકી નહોતી. ગમે તે પુરુષ સાથે જ્યાં ત્યાં જવું આવવું, જેવી બિંદિયાની આદત સુરેશને ગમતી ન હતી. એ વિરોધ કરે તો ઝઘડો થતો. તેથી ગયે વર્ષે જ એ કંટાળીને બિંદિયાને છોડીને એકલો જુદો અલગ રહેવા જતો રહ્યો હતો.
બિંદિયાને સ્વિસ્તક સોસાયટીમાં બે માળનું મકાન હતું. એમાં નીચેના મજલે ડ્રીમ ઈમિટેશન નામે કટલેરી અને કોસ્મેટિકની એ દુકાન ચલાવતી હતી અને ઉપર એ એની યુવાન પુત્રી અર્ચના સાથે રહેતી હતી. અર્ચનાને દુકાનમાં રસ નહોતો. એ તો બસ મોડર્ન સ્ટાઈલમાં બની ઠનીને મિત્રો સાથે હરવા ફરવામાં જ માનતી હતી. બિંદિયા એને લાડકોડમાં રાખી એની તમામ માગ પૂર્ણ કરતી હતી. તેથી એ છકી ગઈ હતી. એ હંમેશાં મિત્રો સાથે હુક્કાબાર અને ડિસ્કો ક્લબમાં જતી હતી. આમ મા-દીકરીનાં આવા વર્તનથી જ સુરેશ નારાજ હતો અને ઘર તજીને ભાગી ગયો હતો.
એમાં એક દિવસ અર્ચના એની ફ્રેન્ડ સપનાના પરિવાર સાથે તરણેતરના મેળામાં ગઈ હતી, જેમાં વિદેશથી પણ સહેલાણીઓ આવ્યા હતા. એ મેળાની મોજ માણી રહી હતી. ત્યાં કોઈનો ફોન આવ્યો કે અર્ચના તારા ઘરમાં કશી દુર્ઘટના બની છે. તું જલદી આવી જા. એટલે અર્ચનાએ તેનાં મમ્મીને ફોન કર્યો, પણ લાગ્યો નહીં. મેળાનો આનંદ ઓસરી ગયો. એ તુરત જ સપનાના પપ્પા સાથે પરત આવી. તો એના ઘર પાસે લોકોની ભીડ જામેલી હતી. પોલસની જીપ પણ હાજર હતી.
એસ.એસ.પી. નાગેન્દ્રસિંહના અંડરમાં પી.આઈ. જશપાલ સાહેબ ઘરના સ્થળનું પરીક્ષણ કરી રહ્યા હતાં. અર્ચનાએ જોયું તો બેડરૂમમાં લોહીથી ખરડાયેલી એની મમ્મીની લાશ પડી હતી. ર્દશ્ય જોતાં એ આક્રંદ કરી રહી. પોલીસ પરીક્ષણમાં નોંધાયું કે બેડરૂમમાં ટિપોઇ પર બે ખાલી ગ્લાસ હતા અને તેની બાજુમાં R ૨૨ હજાર હતા. નીચે ફર્શ પર કાગળની એક પર્ચીના ઝીણા ઝીણા ટૂકડા વેરાયેલા પડ્યા હતા. રૂપિયા અને એ ટૂકડા એક પોલિથિનની બેગમાં લઈ લેવાયા પછી જરૂરી ચીજનાં ફિંગર પ્રિન્ટ લેવાયાં. પંચનામું થયું અને લાશ પી.એમ. અર્થે રવાના કરાઇ.
હત્યાના ખબર આપનાર દુકાન સામેની લોન્ડ્રીવાળા ધોબીની જશપાલે પૂછપરછ કરી. ત્યારે એણે જણાવ્યું કે બપોરના ત્રણ વાગ્યા સુધી બિંદિયાબહેન દુકાને હતાં. પછી એ ચા-પાણી માટે કદાચ ઉપર ગયાં હશે. બે-ત્રણ ગ્રાહક બહેનો બંગડી લેવા આવેલી, પણ બિંદિયાબહેન હતાં નહીં તેથી એમણે બે-ચાર બૂમ પાડી. છતાં કશો પ્રત્યુત્તર ન આવતાં એમણે મને પૂછ્યું બિંદિયાબેન ક્યાં ગયાં છે? અંતે હું ઉપર ગયો, પણ લાશ જોતાં હું ધ્રુજી ઊઠ્યો. નીચે આવી મેં દેકારો કરી મૂક્યો. એટલે લોકો એકઠા થઈ ગયા અને તમને ફોન કર્યો.
અર્ચનાએ હત્યારા તરીકે બે જણા તરફ શંકા દશાવી. એક એના પિતા રમેશકુમાર જેને િંબદિયા સાથે અવાર નવાર પહેલાં ઝઘડો થતો ને એ મારપીટ કરતો હતો. બીજો બબલુ એ વિસ્તારનો ટપોરી હતી. એ બળજબરીથી પ્રેમ કરવા માગતો તેમજ શરીર સુખની માગણી કરતો. અર્ચનાએ એને કોઠું ન આપ્યું એટલે એ પાછળ પડી ગયો હતો. એક વાર બિંદિયાએ એને જાહેરમાં થપ્પડ મારીને અપમાનિત કર્યો હતો. એનો બદલો લેવા એ રઘવાયો થયો હતો.
જોકે અર્ચનાના નિવેદન બાદ જશપાલ સાહેબે હાજર લોકોમાંથી કેટલાક લોકોની પૂછપરછ કરી, પણ કોઈ સબળ રસ્તો મળે તેમ ન લાગ્યું. હત્યાનો મામલો જરા જટિલ હતો. તપાસમાં એક માત્ર અર્ચનાનો આધાર હતો. આથી એણે સૂચવેલા બબલુને પોલીસ સ્ટેશને બોલાવીને હાથ પર લીધો, પણ એ હત્યામાં સામેલ ન જણાયો. અર્ચનાનો બાપ રમેશકુમાર દારૂ ઢીંચીને ઘરે આવીને બિંદિયાને મારતો હતો પોલીસ એની તપાસમાં નીકળી પડી પણ એ હાથ ન આવ્યો.
ત્યાં પી.એમ. કાર્ય પૂરું થતાં લાશ અર્ચનાને સુપ્રત કરાઈ ત્યારે અગ્નિસંસ્કાર કરવા માટે રમેશકુમાર આવી પહોચ્યો. એ કામ પૂર્ણ થતાં પોતે સામેથી પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો અને એણે કહ્યું કે બિંદિયાની હત્યામાં એ પોતે જોડાયેલો નથી અને ખરેખર એની આંખોમાં અને શબ્દોમાં નિર્દોષતા તરી આવતી હતી. એને પણ જવા દેવામાં આવ્યો.
હવે જશપાલ સાહેબને અર્ચના જરા વધુ ચાલક લાગી. એ વારે વારે ફર્યું ફર્યું બોલતી હતી. એટલે એમણે બે પોલીસને ખાનગી રાહે અર્ચના પર વોચ રાખવા ગોઢવી દીધા. છતાંય જશપાલ સાહેબને એક પ્રશ્ન પજવી રહ્યો કે, હત્યારો કોણ હશે? પાછું કોઈ મહત્વની કડી મળતી ન હતી. બસ, આ જ વિચારમાં એ કોઈ ચેઇન સ્મોકરની જેમ એક પછી એક સિગાર ફૂંકી રહ્યા હતા. એમાં એમના મનમાં એક ઝબકારો થયો. હત્યાસ્થળ બિંદિયાનાં બેડરૂમમાંથી મળેલા પર્ચીના ટૂકડા યાદ આવ્યા. એમણે સહાયકને એ ટૂકડા જોડવા માટે કહ્યું. એમાંથી એ.ટી.એમ.ની વિથડ્રોઅલ સ્લિપ બની. જેનો એકાઉન્ટ નંબર હોઝીયરીની ફેકટરીના માલિક વલ્લભભાઈના પુત્ર ભુવનના નામે હતો.
બીજા દિવસે સવારે બેંક ખૂલતાં ભુવનનું એડ્રેસ અને સંપર્ક નંબર મળતાં જશપાલ સાહેબે એને ફોન કર્યો. એ સાથે જ ભુવન તુરત જ પોલીસ સ્ટેશન દોડી આવ્યો. પૂછપરછમાં એણે કહ્યું કે બિંદિયા ખરીદી કરવા અમારા રિટેલ કાઉન્ટર પર આવતી હતી. એ હિસાબે એ અમારી ગ્રાહક હતી અને હું રિટેલ કાઉન્ટર સંભાળતો હતો. તેથી અવારનવાર અમારી મુલાકાત થતી. ઘણીવાર હું એમના ઘરે પણ આવતો જતો હતો, પણ હત્યા મેં નથી કરી સાહેબ. અંતમાં જશપાલ સાહેબે લાલ આંખ કરીને સખ્તાઈથી કહ્યું, ભુવન જે સાચું હોય તે કહી દે એમાંજ તારી ભલાઈ છે.
ત્યારે ભુવને મોં ખોલ્યું, સાહેબ, હું બિંદિયાની મોહજાળમાં ફસાઈ ગયો હતો અને અમારાં બંને વચ્ચે અવૈધ્ય સંબંધ હતો. શરૂઆતમાં અમે ખૂબ જ આનંદ માણ્યો. પછી બિંદિયા મને બ્લેકમેઇલ કરીને પૈસા પડાવવા લાગી અને હું ઇજજત બચાવવા પૈસા આપતો રહ્યો, પણ એ પૈસાથી એની લાલચ વધતી રહી. હું આખરે થકી ગયો. છેલ્લે એણે મારી પાસે પચાસ હજાર માગ્યા. હવે મારી પાસે સગવડ નહોતી છતાં મેં એ.ટી.એમ.માંથી બાવીસ હજાર કાઢીને આ૫યા. તો એણે પચાસ હજારની હઠ કરી એટલે કંટાળીને એનાથી છુટકારો મેળવવા મેં જ એની હત્યા કરી છે.‘
Comments
Post a Comment
Thanx For Comment