યેશા સ્થળ કાળને ભૂલી ભારે અવઢવમાં છે. તેની નજર પૂજારીની પ્રત્યેક ક્રિયાને પારખવા લાગી ગઇ છે. ત્યાં એક યુવતીએ કોણી મારીને કહ્યું: કોના વિચારમાં ખોવાઇ ગયાં છો, બેનબા!
મંદિરના યુવાન પૂજારી સામે યેશાની નજર મળી, ચાર આંખો ભેગી થઇ અને તે સાથે જ યેશા ચોંકી ઊઠી. શરીરમાં વિધ્યુતપ્રવાહ પસાર થયો હોય તેમ ધ્રુજારી આવી ગઇ. હાથમાં હતો તે પૂજાનો થાળ હલબલિ ગયો. યેશા પોતાની જાતને માંડ માંડ સંભાળી શકી. વૈશાખી વાયરો વગડાને વીંઝણો વીંઝી રહ્યો છે. રેશમી સવારનું પોત સૂર્યનાં સળગતાં કિરણોથી ખરડાવા લાગ્યું છે. વગડાનું નિરોગી વાતાવરણ તન-મનને તાજપ સાથે તરવરાટ બક્ષી રહ્યું છે.
મેગા સિટીમાં મહાલતી યેશા વેકેશનમાં ગામડે તેના મામાના ઘરે આવી છે. આમ તો સાયન્સની સ્ટુડન્ટ છે પરંતુ અહીં ગામડાનો આ માહોલ જોઇ તે ગામના ત્રભિેટે આવેલ મંદિરે બહેનપણીઓ સાથે સાવિત્રીવ્રતની પૂજા કરવા આવી છે. ત્યાં આ કલ્પના બહારનું ર્દશ્ય સામે આવીને ઊભું રહ્યું છે. હવે પૂજા કરવી, પાછાં જવું કે પછી પૂજારીનો પત્તો લગાવવો! યેશા ભારે મૂંઝવણમાં મુકાઇ ગઇ. યેશાને પણ આ નવતર માહોલમાં મઝા આવે છે. એક તો ભણવાનું ટેન્શન નથી. ફાઇનલ એકઝામ આપી દીધી છે.
રઝિલ્ટ સુધી એકદમ હળવાશ છે. ગામમાં ઉજવાતા સાવિત્રીવ્રતનો ઉત્સવ યેશાને ગમી ગયો. તે તેમાં સામેલ થઇ મંદિરે આવી હતી. તેણે ટોપ ટીશર્ટના બદલે નારીત્વને નિખાર આપે, સ્ત્રીત્વનાં સૌંદર્યને પ્રગટ કરે તે રીતે સાડી-પરિધાન કરી છે. માથામાં મઘમઘતું ફૂલ ભરાવ્યું છે. ચહેરા પર કશો જ મેકઅપ કર્યા વગર નેચરલ જ રાખ્યો છે તેથી વધુ સાત્વિક અને સોહામણો લાગે છે, પણ અરીસામાં નજર નાખી ત્યારે યેશાથી નિસાસો નખાઇ ગયો હતો, કાશ કોઇ નવલી નજરે જોનાર હોય! યેશા હાથમાં થાળ લઇને ખોડાયેલા સ્તંભ માફક ઊભી છે.
બીજી યુવતીઓ પૂજા-પ્રાર્થનામાં રત છે. પૂજારી આરતીમાં ઓતપ્રોત છે. શંખનાદ સાથેનો ઘંટારવ નીરવ પ્રકૃતિને સભર કરી રહ્યો છે. આખું વગડાઉ વાતાવરણ મંગલકારી ભાવાવરણમાં ફેરવાઇ ગયું છે, પણ યેશા તો સ્થળ કાળને ભૂલી ભારે અવઢવમાં છે. તેની નજર પૂજારીની પ્રત્યેક ક્રિયાને પારખવા લાગી ગઇ છે. ત્યાં એક યુવતીએ કોણી મારીને કહ્યું: કોના વિચારમાં ખોવાઇ ગયાં છો, બેનબા! મીઠી મશ્કરી યેશાને ગમી પણ તેનું ચિત્ત તો પૂજારીમાં ચોંટી ગયું છે. કહેવાનું મન થાય છે, જેની જીવનભરની ઝંખના હતી તે આજે સામે ઊભો હોય એવું લાગે છે, પણ માને કોણ? અને માને તો તુરત જ ચમત્કારમાં ખપી જાય... વ્રત કરવા આવી, વ્રત ફળ્યું અને સામે જ મનગમતો માણગિર મળી ગયો! પણ થાય છે કે સોહન આમ અહીં ક્યાંથી હોય!? તેનાથી છાતીફાટ નિસાસો નખાઇ ગયો અને ન નખાયો હોત તો કદાચ રક્તના ખાબોચિયા જેવું હૃદય ફાટીને ફોદા થઇ જાત!
જીવ મંદિરે મૂકીને યેશા ઘેર આવી. તેનું ચાલ્યું હોત તો પૂજારીની પ્úચ્છા કરી, તાગ મેળવી લેત. તેની બંધ આંખોમાં સોહન તરવરવા લાગ્યો. આઠથી બાર ધોરણ સુધી બંને સાથે ભણતાં હતાં. સાયન્સ પ્રવાહ હતો. એકબીજાને ઘર પર મળતાં, અભ્યાસમાં મદદ કરતાં. વાલીને પણ વાંધો નહોતો. સારા ટકા આવે તેવી અપેક્ષા હતી, પણ એમ ન બન્યું. સોહનને ઓછા ટકા આવ્યા. તેનાં મા-બાપને ભારે આઘાત લાગ્યો.
સમાજ અને સગાં-વહાલાંમાં ઊભી કરેલી ઊંચા મેરિટની હવા, ફટાકિયા જેમ નીકળી ગઇ. પ્રતિષ્ઠાને જાણે પછડાટ મળી હોય તેવું ઘરમાં સૌ અનુભવવા લાગ્યાં. અંતે સોહન ઘર છોડી ક્યાંક ભાગી ગયો. આમ નાસી જવું તે નરી કાયરતા છે. એક ભૂલભરેલું પગલું છે. ભાગી જવું તે સમસ્યાનો ઉપાય નથી. સમસ્યા સામે લડવું અને ઝઝૂમવું પડે. આજે ભાગી જવાના કે ગુમ થયાના અનેક કિસ્સાઓ છે. યંગસ્ટર્સનું આમ ભાગી જવું તે આજનો સળગતો સવાલ છે. દેશમાં કેટલાય લોકો લાપતા છે. જેનો આજ સુધી કોઇ પત્તો કે ભાળ મળી નથી. તે ક્યાં છે, કેવી સ્થિતિમાં છે તેની કશી જ ખબર નથી.
તેથી ખરાબ કલ્પનાઓ હૃદયને વલોવી રહી છે. ગુમ થયેલા સંતાનના સ્વજનની વલવલતી વ્યથાને વાચા આપવામાં શબ્દો ટૂંકા પડે છે! પણ આવા બનાવોનાં કારણો સંતાન અને મા-બાપ બંનેને એટલા જ લાગુ પડે છે. નાસીપાસ થઇને કે કોઇ બીજા કારણોસર ભાગી જવું, ભાગી જાય તેવા સંજોગો પેદા થવા અને છેલ્લી ઘડી સુધી મા-બાપ સાવ અજાણ રહે... એ બધી જ બાબતો સમાજ માટે ચિંતા અને ચિંતન માગી લે તેવી છે. આજે આવાં સંતાનને શોધવામાં કેટલાંય મા-બાપ આકાશ-પાતળ એક કરી રહ્યાં છે. જાતને ઘસી રહ્યાં છે. તેમનું જીવવું જ હરામ થઇ ગયું છે!
યેશાથી સહેવાયું નથી તેથી મામીને વાત કરી. તે સાથે આવવા તૈયાર થયા. આથમતા પહોરે યેશા અને તેનાં મામી મંદિર આવ્યાં. રસ્તામાં બધી વાત થઇ. યેશાના લોહીના લયમાં સોહન રમતો હતો. તે સાથે હતો ત્યાં સુધી તો કશું સમજાયું નહોતું, પણ તેના આમ ભાગી જવાથી જાણે પોતાનામાંથી કશું ભાગી ગયું હોય તેવું લાગતું હતું. શૂન્યાવકાશ સર્જાઇ ગયો હતો.કોઇને કહી કે સહી ન શકે તેવી સ્થિતિ હતી. આમ છતાં જાતને સંભાળી લઇ અભ્યાસમાં મન પરોવ્યું હતું. મામીએ જોરથી ઘંટ વગાડ્યો. થોડીવારે પૂજારી બહાર આવ્યા. યેશા અપલકનેત્રે તેને નીરખતી રહી.
ઓળખી ગઇ પણ વિશ્વાસ બેસતો નથી, સોહન સાધુ કેવી રીતે હોઇ શકે! સીતારામ બાપુ! મામીએ કહ્યું: સાધુનું કુળ અને નદીનું મૂળ ન પુછાય પણ આ અમારી ભાણેજને સંદેહ છે એટલે... પૂજારી પળભર થથરી ગયા, આમ છતાં બોલ્યા વગર છુટકો નહોતો. યેશા! સવારે મેં તને ઓળખી લીધી હતી પણ તું અહીં ક્યાંથી હોય...! ઘડીભર વિશ્વાસ ન બેઠો. પણ સામે નર્યું સત્ય હતું. તે ઝડપથી બે ડગલાં આગળ ચાલી પણ મામીએ તેને રોકી લીધી. યેશા, અત્યારે એ સાધુ છે, આ મંદિરના પૂજારી છે. ઘડીભર સન્નાટો છવાઇ ગયો.
વહેતા પવનને પણ વિમાસણ થઇ હોય તેમ અટકી ગયો. સારું એ હતું કે કોઈ ચોથું નહોતું! મંદિરના પછવાડેની ઓરડીમાં ત્રણેય બેઠાં. યેશા કંઇ પૂછે એ પહેલાં જ સોહને વાત કરતાં કહ્યું કે, ઓછી ટકાવારીના લીધે ઘરમાં મારા માટે નફરત થઇ ગઇ હતી. મારી સાથેનો વ્યવહાર બદલાઇ ગયો હતો. ક્યાંય એડમશિન ન મળવાના લીધે મને સૌ ધુત્કારવા લાગ્યાં હતાં. પછી થયું કે હવે અહીં રહેવું નથી. સોહનનું આમ કહેવું સાંભળી યેશાનું હૃદય ધબકારો ચૂકી ગયું પછી શું... રખડતો-ભટકતો, ભૂખ્યો અને તરસ્યો અહીં આ જગ્યામાં આવી ચઢ્યો. કોઇ હતું નહીં. રાતભર એમજ પડ્યો રહ્યો.
સવારે મારા ફાટી ગયેલા કપડાં ધોવા આ ભગવા પહેર્યાં, વધી ગયેલી દાઢી અને ભગવા જોઇ મને કોઇએ સીતારામ કહ્યું...! હું સાધુ પૂજારી છું એમ સમજવા લાગ્યા... તે આગળ બોલી ન શક્યો તેની આંખો આંસુથી ઉભરાવા લાગી. કોઇ આમ ભાગી જવાની ભૂલ ન કરે તે કહેવું હતું, કારણ કે કુટુંબથી વિખૂટા પડ્યાની યાતના બેસુમાર હતી. ક્યાંય સુધી મૌનનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું. બોલે તો પણ શું બોલે! યેશા પણ તેનું રડવું રોકી ન શકી. ત્યાં તેનાં મામીએ કહ્યું: હજુ પણ કંઇ બગડી ગયું નથી. નવેસરથી પણ જીવી શકાય... જિંદગી ફરીવાર નથી મળતી...! કોઇએ ઘંટ વગાડ્યો અને નવજીવનની ઘોષણા કરતો ઘંટારવ ગુંજી ઊઠ્યો.
Comments
Post a Comment
Thanx For Comment