પૂર્વી અને આલોક મનોમન એકબીજાંને ચાહવા લાગ્યાં હતાં



સંબંધોની આરપાર - મીતવા ચતુર્વેદી
આલોક અને સંગીતાનાં લગ્ન સાત વર્ષ પહેલાં થયાં હતાં. તેમને એક પાંચ વર્ષની દીકરી હતી. આલોકનાં માતા-પિતા જ્યારે તે કોલેજમાં ભણતો હતો ત્યારે જ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યાં હતાં. અભ્યાસ પૂરો કર્યા પછી તે તરત બેંકમાં નોકરીએ લાગી ગયો. તેની પાસે મિલકતના નામે હતો માત્ર અમદાવાદના પોશ એરિયામાં એક મોટો બંગલો. આલોકના ઓફિસે ગયા પછી સંગીતા સાવ એકલી થઈ જતી. પોતાની એકલતા દૂર કરવા અને સાથે થોડા પૈસા કમાવવા માટે માત્ર કોલેજમાં ભણતી છોકરીઓને પેઈંગ ગેસ્ટ તરીકે રાખવાનું નક્કી કર્યું. થોડા સમય પછી કોલેજમાં ભણતી બે છોકરીઓને પોતાને ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રાખી.
એક દિવસ સંગીતાના ઘરની ડોરબેલ વાગી, સંગીતા દરવાજો ખોલીને જુએ છે તો ત્યાં એક સુંદર લાગતી છોકરી ઊભી હતી. સંગીતાએ કહ્યું, "અંદર આવો, આપની ઓળખાણ ન પડી!"
તેણે હસીને કહ્યું, "હા, તમે મને નહીં ઓળખો, કારણ કે આપણે પહેલી જ વાર મળી રહ્યાં છીએ. મારું નામ પૂર્વી છે, હું વડોદરાની છું અને અમદાવાદમાં જોબ કરવા માટે આવી છું. અમારાં એક દૂરનાં સગાં પાસેથી જાણવા મળ્યું કે આપ છોકરીઓને પેઈંગ ગેસ્ટ તરીકે રાખો છો, તેથી તમને મળવા આવી છું."
સંગીતા અને પૂર્વીએ વાત ધીરે-ધીરે આગળ વધારી. પૈસા વગેરે બધું નક્કી કરી લીધું અને અઠવાડિયા પછી પૂર્વી ત્યાં રહેવા આવી. પૂર્વી ખૂબ જ હોશિયાર, ફોરવર્ડ અને બોલવામાં મીઠડી યુવતી હતી. તે થોડા જ સમયમાં બધાંની સાથે હળીમળી ગઈ. ઓફિસથી આવીને તે સંગીતાને કામમાં પણ મદદ કરતી હતી. તે આલોક અને સંગીતાને જાણે પોતાનાં જ ભાઈ-ભાભી હોય તેમ વર્તતી.
ઉનાળાનું વેકેશન શરૂ થયું. એક્ઝામ પૂરી થતાં બંને છોકરીઓ પોતાના ઘરે ગઈ. સંગીતાની દીકરી પણ મામાના ઘરે રહેવાની જીદ કરતી હતી, પરંતુ સંગીતા જાય કેવી રીતે? કારણ કે તે પિયર જાય તો આલોકનું ખાવા-પીવાથી લઈને બધું જ કામ રખડી પડે, પણ પૂર્વીએ તેમની સમસ્યા દૂર કરી દીધી. પૂર્વીએ કહ્યું કે, ભાભી તમે ચિંતામુક્ત બનીને જાઓ, હું છું જ ને! હું આલોકભાઈનું જમવાથી માંડીને બધું જ ધ્યાન રાખીશ. આ રીતે છેવટે સંગીતા પોતાની દીકરીને લઈને પિયર રહેવા ગઈ.
પૂર્વી સવારે પોતાનું અને આલોકભાઈનું ટિફિન બનાવતી અને ઘરનું થઈ શકે તેટલું કામકાજ કરતી. સાંજે જ્યારે બંને ઓફિસેથી પાછા આવે ત્યારે રસોઈ કરીને સાથે જમતાં અને થોડી વાર વાતો કરતાં. બંનેના વિચારો ખૂબ જ મળતાં હતાં. ધીરે-ધીરે બંને એકબીજાંની વધારે નજીક આવ્યાં. પૂર્વી અને આલોક મનોમન એકબીજાંને ચાહવા લાગ્યાં હતાં. આલોક એક દિવસ સાંજે જ્યારે પૂર્વી રસોડામાં રસોઈ કરતી હતી ત્યારે કામમાં મદદ કરાવવાને બહાને તેની પાસે ગયો. તેની આંખો અને વર્તન કંઈક અલગ જ લાગતાં હતાં. આલોકે પૂર્વીનો હાથ પોતાના હાથમાં પકડી લીધો અને પોતાના પ્રેમનો એકરાર કરવા લાગ્યો. પૂર્વીએ પણ આલોકના પ્રેમનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને બંને જણ એક ગાઢ આલિંગનમાં ઓતપ્રેત થઈ ગયાં.
હવે તો બંને ઓફિસે રજા રાખીને બાઈક પર ફરવા જતાં, તેમનો પ્રેમ હવે દુનિયાથી છૂપો ન રહ્યો. એક દિવસ સંગીતાને તેના કોઈ શુભચિંતકે ફોન કરીને બધી જ વાત જણાવી દીધી. તે પોતાની દીકરીને લઈને ઘરે પાછી ફરી. આલોક અને પૂર્વી રાત્રે જ્યારે સાથે ઘરે આવ્યાં ત્યારે સંગીતા ઘરમાં જ હતી. તેને જોઈને બંને ચોંકી ગયાં. સંગીતાએ કહ્યું કે, "તમારી ચોરી પકડાઈ ગઈ છે. હું તમારા સંબંધો વિશે જાણી ગઈ છું. તમે બંનેએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે." પૂર્વીનું મોં શરમથી ઝૂકી ગયું જ્યારે આલોક હાથ જોડીને માફી માગવા લાગ્યો.
સંગીતાએ પૂર્વીને ઘરમાંથી કાઢી મૂકી. તેણે પોતાના પતિને માફ તો કરી દીધો, પરંતુ વિશ્વાસની ગાંઠ પહેલાં જેટલી મજબૂત ન રહી.

Comments