યૌવનની સમસ્યા - સોક્રેટિસ
સોક્રેટિસજી,
હુંસુરતમાં રહું છું. મારું નામ વિમુક્ત છે. મારી ઉંમર ૨૭ વર્ષ છે. હું નોકરી કરું છું અને આર્થિક રીતે સુખી છું. અમારી સોસાયટીમાં મારા ઘરની સામે નગમા કરીને એક મહિલા રહે છે, જેને અમે ભાભી કહીએ છીએ. નગમાભાભીની ઉંમર ૪૨ વર્ષ છે. તેઓ પણ નોકરી કરે છે. અમારી વચ્ચે ત્રણ વર્ષ જૂના સંબંધ છે. અમે બહુ સારી રીતે રહેતાં હતાં. અમારી વચ્ચે અનેક વાર શારીરિક સંબંધો પણ બંધાયા હતા,જેને કારણે અમારી વચ્ચે ગાઢ સંબંધો સ્થપાયા હતા. એ વખતે નગમાભાભી મને કહેતાં કે તું મને કોઈ દિવસ ભૂલી તો નહીં જાય ને?ત્યારે હું કહેતો કે હું તો કોઈ દિવસ તમને નહીં ભૂલું પણ તમે મને કોઈ દિવસ ન ભૂલતા.
છેલ્લા ત્રણેક મહિનાથી અમારી વચ્ચેના સંબંધોને જાણે કોઈની નજર લાગી ગઈ છે. નગમાભાભી જાણે હવે મારી સાથે વાત કરવામાં રસ જ નથી ધરાવતાં. હું તેમને ફોન કરું તોપણ સરખી વાત નથી કરતાં અને મને વાતે વાતે ઉતારી પાડી મારું અપમાન કરે છે. મેં તેમને એટલે સુધી કહ્યું કે આપણે માત્ર બોલવાના જ સંબંધો રાખીએ, હું બીજી કોઈ માગણી તમારી પાસે નહીં કરું, છતાં પણ તેમના તરફથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળતો નથી. તેઓ મને સતત ઇગ્નોર કરે છે. છેલ્લે તેમણે મને સામેથી ક્યારે ફોન કરેલો, એ પણ હું ભૂલી ગયો છું, એટલા મહિનાઓ થઈ ગયા છે.
મારી મુશ્કેલી એ છે કે હું તો તેમને દિલોજાનથી ચાહવા લાગ્યો છું. તેમને મળ્યા કે વાતચીત કર્યા વિના મને ક્યાંય ચેન નથી પડતું. મને તેમના પર એટલો પ્રેમ થઈ ગયેલો કે તેઓ કોઈ બીજા પુરુષ સાથે વાત કરે એ પણ મને નહોતું ગમતું, અરે, એમના પતિ ઘરે આવે એ પણ મને પસંદ નહોતું, કારણ કે હું તેમને માત્ર મારા જ માનવા લાગ્યો હતો.
થોડા દિવસ પહેલાં મને ખબર પડી છે કે નગમાભાભીને તેમની સાથે નોકરી કરતા કોઈ બીજા પુરુષ સાથે સંબંધ બંધાયો છે. મને તરછોડવાનું કારણ હવે મને મળી ગયું છે. મને તેમના પર એક તરફ અત્યંત ગુસ્સો આવે છે તો બીજી તરફ મને મારી જાત પર પણ ગુસ્સો આવે છે કે હું જાણું છું કે તેઓ મને ઇગ્નોર કરે છે અને બીજા કોઈ પુરુષ સાથે રંગરલિયા મનાવે છે છતાં પણ તેમના પ્રત્યેનો મારો પ્રેમ જરાય ઓછો થઈ રહ્યો નથી. હું તેમના વિના તડપી રહ્યો છું. નગમાભાભી સાથેનો સંબંધ એક દૃષ્ટિએ મારા જીવનની કદાચ સૌથી મોટી ભૂલ છે, છતાં અત્યારે હું ઇચ્છું છું છતાં તેમને કેમેય ભૂલી શકતો નથી. મને આમાંથી નીકળવાનો કોઈ ઉપાય બતાવવા વિનંતી છે.
લિ. વિમુક્ત
પ્રિય વિમુક્ત,
તમને કદાચ આકરું લાગશે પણ હકીકત એ છે કે નગમાભાભી તમારી જિંદગીમાં નાગણીભાભી જેવાં ખતરનાક છે. તેઓ જો તમારી જિંદગીમાંથી જતાં હોય તો તેનાથી વધુ સારું તમારા માટે બીજું શું હોઈ શકે? સ્ત્રી અને પુરુષ એકબીજાના સંપર્કમાં આવે,વાતચીતના સંબંધો બંધાય એ સામાન્ય ગણાય, પણ તેમની વચ્ચે શારીરિક સંબંધો બંધાય પછી એ સંબંધ અમુક રીતે ગાઢ બની જતો હોય છે, જેનાથી સહેલાઈથી છેડો ફાડી શકાતો નથી. અલબત્ત, શારીરિક સંબંધો માત્ર મોજશોખ પૂરતા પણ હોઈ શકે અને લાગણીભર્યા પણ હોઈ શકે. તમારા માટે એ સંબંધો લાગણીભર્યા હતા, પણ નગમાબહેન માટે તો માત્ર મોજશોખ ખાતર જ બંધાયેલા હશે એવું લાગે છે.
નગમાબહેનને કદાચ પોતાના પતિ તરફથી કોઈ અસંતોષ હશે અને એટલે જ તેઓ પરપુરુષો સાથે સંબંધો વિકસાવતા હશે. એવું પણ બની શકે કે તેમની માનસિકતા જ એવી હોય કે તેઓ સમયાંતરે જુદા જુદા પુરુષોનો સહવાસ માણતાં હોય. જોકે,નગમાબહેનની ચિંતા છોડો તમે તમારી જિંદગીનો વિચાર કરો. નગમાબહેન સાથેનો તમારો સંબંધ તમામ દૃષ્ટિએ અનૈતિક છે. આવો સંબંધ આદર્શ રીતે તો બંધાવો ન જોઈએ અને કોઈ કાચી ક્ષણે ભૂલ થઈ જાય તો તેને વહેલીતકે સુધારી લેવી જોઈએ. આ ભૂલ સુધારવાની તક તમને નગમાબહેન તરફથી જ મળી છે ત્યારે તમારે લાગણીઓના આવેગોમાં તણાયા વિના તેમના વિચારોને મનમાંથી કાઢી નાખવા જોઈએ. તમે પરણેલા છો કે કુંવારા, એનો ઉલ્લેખ પત્રમાં નથી કર્યો પણ પરણેલા હો તો તમારી પત્ની તરફ ધ્યાન આપો અને કુંવારા હો તો ભાવિ જીવનસાથી અંગે વિચારો. નગમાબહેન તમારી જિંદગીમાં હશે ત્યાં સુધી તમને કદાચ ટૂંકા ગાળાનો આનંદ મળી શકશે પણ સન્માનપૂર્વકનું સુખ તમે ક્યારેય પ્રાપ્ત કરી શકશો નહીં.
સોક્રેટિસજી,
મારી સમસ્યા એ છે કે હું યાત્રી નામની એક છોકરીને ખૂબ જ પ્રેમ કરું છું. અમારી લવલાઇફ ચાર વર્ષ સુધી ચાલી. અમારી વચ્ચેના પ્રેમસંબંધની જાણ તેના પરિવારજનોને થઈ ગઈ. યાત્રીના પરિવારજનોએ અમારા સંબંધ સામે વાંધા ઉઠાવ્યા અને અમારા પર દબાણ લાવ્યા ત્યારે અમે સમજણભર્યો નિર્ણય લઈને ભારે હ્ય્દયે છૂટા પડવાનું નક્કી કર્યું.
અમે છૂટા પડયાના થોડા મહિના પછી હમણાં મેં યાત્રીને એક છોકરા સાથે બેસીને વાત કરતાં જોઈ. મને જબરદસ્ત આંચકો લાગ્યો. છૂટા પડતી વખતે યાત્રીએ મને વચન આપેલું કે મારે મજબૂરીને કારણે કદાચ કોઈ બીજી વ્યક્તિ સાથે લગ્ન કરવાં પડશે પણ હું પ્રેમ તો કોઈ બીજી વ્યક્તિ સાથે નહીં જ કરી શકું. મને યાત્રી પર વિશ્વાસ હતો કે તે જે કહી રહી છે તે દિલથી કહી રહી છે અને તે મનોમન મને જ ચાહતી રહેશે. તેના દિલમાં મારા સિવાય બીજા કોઈનું સ્થાન ક્યારેય નહીં હોય. પણ, તેને કોઈ બીજા છોકરા સાથે પ્રેમપૂર્વક વાતો કરતા જોઈને મને આઘાત લાગી ગયો. મને ખૂબ જ દુઃખ થયું. મારાથી આવેશમાં આવીને તેને ઘણુંય કહેવાઈ ગયું. પણ જોકે, હવે મને પસ્તાવો થાય છે.
બીજી એક વાત એ કરવી છે કે એક માલવિકા નામની છોકરી મને ખૂબ જ પ્રેમ કરે છે. તેણે મને સીધી અને આડકતરી રીતે અનેક વાર પ્રપોઝ કર્યું છે. શું મારે માલવિકાના પ્રેમનો પ્રસ્તાવ સ્વીકારી લેવો જોઈએ? મને માર્ગદર્શન આપો.
લિ. પાર્થેશ
પ્રિય પાર્થેશ,
યાત્રી સાથે તમે સમજપૂર્વક સંબંધોનો અંત લાવી દીધો હતો. પછી તમે જે અણસમજભર્યું કાર્ય કર્યું તે તમારી લાગણીના ઉશ્કેરાટને કારણે થયું હશે. આવું થવું સ્વાભાવિક છે પણ તમારાથી જે થયું એ યોગ્ય નથી. યાત્રી સાથે તમારે કોઈ સંબંધ નથી ત્યારે તે ઇચ્છે તેની સાથે સંબંધો બાંધી શકે છે. તમારે યાદ રાખવું જોઈએ કે તમે હોય, યાત્રી હોય કે કોઈ પણ ધબકતું હ્ય્દય ધરાવતી વ્યક્તિ હોય, તેને પ્રેમ વિના ચાલી શકતું નથી. યાત્રીને કોઈ યુવક સાથે સંબંધ બંધાયો હોય તો તેમાં તેને કોઈ દોષ દેવો ન જોઈએ. પ્રેમ શાશ્વત છે તો પ્રેમની જરૂરિયાત પણ શાશ્વત છે. પત્રના અંતમાં તમે પોતે જ મૂંઝવણ વ્યક્ત કરો છો કે માલવિકાના પ્રેમનો પ્રસ્તાવ સ્વીકારવો જોઈએ કે નહીં, એ બતાવે છે કે પ્રેમની જરૂરિયાત તો તમે પણ અનુભવો છો. માલવિકા જો તમને ખરેખર પ્રેમ કરતી હોય અને તમારા વ્યક્તિત્વ તથા લાગણીઓને સમજી શકે એમ હોય તો પછી તમારે ચોક્કસ તેના માટે પોઝિટિવલી વિચારવું જોઈએ.
પ્રેમ એક જ વાર થાય, એવા ભ્રામક આદર્શમાં રહેવું નહીં. યાત્રીને પણ બીજી વાર પ્રેમ થઈ શકે અને તમે પણ કોઈ અન્ય યુવતીના પ્રેમમાં પડી શકો. પ્રેમને સંકુચિત દૃષ્ટિએ ન જોવો જોઈએ, પ્રેમને અધિકારભાવનાથી દૂર રાખવો જોઈએ. તમે જો યાત્રીને ખરેખર ચાહતા હો, તેના સુખમાં જ તમારું સુખ જોતા હોય તો તમારે તેની જિંદગીમાં પ્રેમની સરવાણી ફૂટે એ જોઈને આનંદિત થવું જોઈએ,ઇર્ષ્યાભાવ ન રાખવો જોઈએ. હિંમત હોય તો યાત્રીની માફી માગી લેજો અને સાહસ હોય તો માલવિકાના પ્રેમનો સ્વીકાર કરજો. હા,માલવિકાને પ્રેમ કરજો પણ તેના પર હક જમાવવાની વૃત્તિ ક્યારેય ન રાખતા.
Comments
Post a Comment
Thanx For Comment