અલ્કેશે કહ્યું: મારે ટૂંક સમયમાં મેરેજ કરવાં પડે તેવું નક્કી થયું છે. બોલ તારે શું કહેવું છે? દિવ્યા કશું જ બોલ્યા વગર અલ્કેશ સામે ટગરટગર જોતી રહી. તેના માટે આ સાવ કલ્પના બહારનું હતું.
અલ્કેશ માટે સાવ અણધારી કહી શકાય તેવી સ્થિતિ છે... એક તરફ પ્રેયસી, બીજી બાજુ પરિવાર અને ત્રીજી બાજુ પોતાનું ભવિષ્ય-કારકિર્દી. પોતે નહીં પોતાની જિંદગી ત્રિભેટે આવીને ઊભી રહી ગઇ છે. શું કરવું તે સૂઝતું નથી. કોઇ દિશા દેખાતી નથી. જાણે નર્યો અંધકાર છવાઇ ગયો હોય! જીવનમાં ક્યારે શું બને તે કહી શકાતું નથી. આફત હંમેશાં વણનોતરી આવે છે અને સમસ્યા ક્યારેય સરનામું શોધીને નથી આવતી! કોઇને કલ્પના પણ નહોતી કે આમ બનશે! અલ્કેશનાં મમ્મી હવે આ દુનિયામાં નથી તે સત્ય અને નઘરોળ હકીકત છે.
એક કલરવતો પંખીનો માળો પીંખાઇ ગયો. પ્રેમાળ પરિવારના ટહુકા વિરમી ગયા છે. ઘર સાવ સૂનું થઇ ગયું છે. આ જગતની બે મોટી કરુણતાઓ, એક માતા વગરનું ઘર અને બીજું ઘર વગરની માતા! આમ તો સાવ સામાન્ય ઘટના પણ અસામાન્ય થઇને ઊભી રહી. પતિ-પત્ની બાઇકમાં બેસીને આવતાં હતાં. રોડ પર સાવ જ અણધાર્યો બમ્પ આવ્યો તે પડી ગયાં, હેમરેજ થઇ ગયું ને સાવ નજીવા સમયમાં પ્રાણપંખેરું ઊડી ગયું! આવા ધાર્યા અને અણધાર્યા બમ્પ જીવનમાં ડગલે ને પગલે આવતા હોય છે. કાળજી રાખવા છતાંય ગબડી પડાતું હોય છે.
ઘરમાં કોઇ, ઘરકામ કરનાર નથી. બે બાઇઓ છે અને પપ્પા સાવ ભાંગી પડ્યા છે. આમ પણ તેમનું દરજીકામનું રગડધગડ ચાલતું હતું. મમ્મી મદદ કરતાં તેથી ગાડું ગબડતું હતું બાકી આ કાળઝાળ મોંઘવારીમાં બે છેડા ભેગા કરવા મુશ્કેલ હતા. તેથી આવક પણ ઓછી થઇ ગઇ. સાવ ઓછા સમયમાં સઘળું છિન્નભિન્ન થઇ ગયું. હવે શું કરવું? સળગતા સવાલના સોલ્યુશન સિવાયનો કોઇ આરોઓવારો નહોતો. કુટુંબીજનોએ ભેગા થઇ નિર્ણય કર્યો કે અલ્કેશનાં લગ્ન કરી દેવા જેથી ઘરકામનો સવાલ હલ થાય અને ભણવાનું છોડી દરજી કામમાં જોતરાઇ જવું! આમ પણ ભણવાનું તો નોકરી-ધંધા માટે જ હોય છે ને! કારીગરીનો જમાનો છે તેમાં દરજીનો ધંધો નાખી દીધા જેવો નથી.
કોઇકે ઉમેરીને કહ્યું કે, દરજીનો દીકરો જીવે ત્યાં લગી સીવે! અલ્કેશને આ કહેવત ખોટી પાડવી હતી પણ તેના હાથની વાત રહી નથી. અલ્કેશ માટે જીવનનો આ ત્રિભેટો કે ટિનઁગ પોઇન્ટ છે... શું કરવું તે કશું જ સૂઝતું નથી. પરિવારનો નિર્ણય તદ્દન વાજબી છે. જે બની ગયું તેનો વિકલ્પ હવે આવો જ હોઇ શકે. ક્યારેક આખા પરિવારના ભલા માટે એકાદ સભ્યનો આવો ભોગ લેવાતો હોય છે. તેનાં અસંખ્ય ઉદાહરણો સમાજમાં શ્વસે છે. અલ્કેશ એમ.એ.નો એક પાર્ટ પાસ કરી ચૂકયો છે હવે બીજા પાર્ટમાં બી પ્લસ મેળવીને કોલેજમાં લેકચરર થવાનું સ્વપ્ન છે. પોતાનું ધ્યેય નક્કી છે. ત્યાં સામે આવા સંજોગો આવીને ઊભા રહ્યા.
હવે શું કરવું? પોતાની જિંદગીનો સવાલ હતો. વળી દિવ્યા સાથેની એક દુનિયા ઊભી કરી છે. તેને ખબર પડશે ત્યારે તેને આઘાત લાગશે... તે ક્યારેક કહેતી: અલ્કેશ! પ્રેમ કરવો એક કલા છે પણ તેને નિભાવવો તે સાધના છે. તેનું આમ કહેવું જાણે અનાયાસે પણ સાચું પડતું હોય તેવું અલ્કેશને લાગ્યું. તેનું મન બળવો પોકારી રહ્યું હતું: ‘ના, આ વાત હું કોઇપણ રીતે ખોટી સાબિત કરીશ!’ ઘરનો માહોલ બદલાઇ ગયો હતો. મમ્મીની ગેરહાજરીએ સાબિત કરી આપ્યું કે જગતમાં જનેતાનો કોઇ જ વિકલ્પ હોઇ ન શકે. આમ પણ વ્યક્તિ ગયા પછી જ તેની કિંમત સમજાતી હોય છે. વચ્ચેથી સમય કાઢીને દિવ્યાને મળવા માટે બોલાવી, પણ વેકેશન હોવાથી આમ નીકળવું દિવ્યા માટે સહેલું નહોતું.
તેણે તેનાં મમ્મીને આખી વિગત કહી. તો મમ્મીએ કહ્યું, એવું હોય તો ઘેર બોલાવી લે ને, મારે પણ તેના મોઢે ખરખરો થઇ જાય! પણ ઘણી વાતો ઘરમાં થઇ શકતી નથી. તે હોટલ કે બાગ-બગીચામાં જ સારી લાગે. છેવટે બીજું બહાનું કાઢીને પણ દિવ્યા, અલ્કેશને મળવા આવી. બગીચામાં ઝાડના છાંયે બેઠાં. આખી વાત થઇ. પછી અલ્કેશે કહ્યું: મારે ટૂંક સમયમાં મેરેજ કરવાં પડે તેવું નક્કી થયું છે.
બોલ તારે શું કહેવું છે? દિવ્યા કશું જ બોલ્યા વગર અલ્કેશ સામે ટગરટગર જોતી રહી. તેના માટે આ સાવ કલ્પના બહારનું હતું. તે બોલી-બોલીને શું બોલે! ત્યાં અલ્કેશે સ્પષ્ટતા કરતાં કહ્યું, મારા કોઇ બીજી છોકરી સાથે મેરેજ થાય તેમાં તને વાંધો નથી ને! દિવ્યાએ ધ્રાસકા સાથે આંચકો અનુભવ્યો. તેની આંખો ફાટી રહી અને જીભ તાળવે ચોંટી ગઇ. કાન પર વિશ્વાસ બેસતો નહોતો પણ આ કડવું સત્ય હતું. થોડીવાર પછી તે સ્વસ્થ થઇને બોલી: આઇ કાન્ટ બીલિવ... આ બધું મારા ગળે ઊતરતું નથી... આ બંને એક મૂંઝવણ સાથે છૂટાં પડ્યાં. દુ:ખનું ઓસડ દહાડા, પણ ઘરમાં મમ્મીની, એક ગૃહિણીની ખોટ તો ડગલે ને પગલે સાલતી હતી.
આમ જુઓ તો ઘર-વ્યવહાર લકવાઇ ગયો હતો. તેથી સ્મશાનમાં મમ્મીની રાખ ભલે ન ઊડી હોય પણ ઘરમાં કંકુ ઉડાડ્યા વગર ચાલે તેમ નહોતું. વળી અભ્યાસ અને વ્યવસાયનો સળગતો સવાલ સામે ઊભો જ હતો અને દિવ્યા સાથેના પ્રેમસંબંધનો પણ સવાલ નાનોસૂનો ક્યાં હતો! શું કરવું? રહી રહીને આ સવાલો અજગરની જેમ ભરડો લીધા કરે છે. સામે પરિવારમાં તો છોકરી શોધવાનું પણ શરૂ થઇ ગયું છે! થોડા દિવસ પછી દિવ્યા સામેથી મળી. તેણે કહ્યું, હું તારી સાથે મેરેજ કરું એમ તું ઇચ્છે છે! અલ્કેશ કશું બોલ્યા વગર દિવ્યાના મોં સામે તાકી રહ્યો. દિવ્યા ખરેખર શું કહેવા માગતી હતી તે સમજાતું નહોતું એટલે મૌન રહેવામાં શાણપણ સમજ્યું.
દિવ્યાએ વાતને આગળ વધારતાં કહ્યું: મેં સાવ ખુલ્લા દિલે મારાં મમ્મી-પપ્પા સાથે ચર્ચા કરી છે. તારી સમસ્યાને તેઓ સારી રીતે સમજી શક્યાં છે. આવું સાંભળી અલ્કેશના દશેય કોઠે દીવા થયા. દિવ્યાનો સાથ અને હાથ હોય તો જિંદગીનો જંગ જીતવામાં મને વાંધો નહીં આવે. પછી દિવ્યા થોડી વધુ ગંભીર થઇને બોલી: ઘરમાં તમારે એક ઘરરખુ સ્ત્રી, ગૃહિણીની જરૂર છે. હા, એમ જ ને! દિવ્યાએ કહ્યું: તો પછી તારા પપ્પા માટે વિચારી ન શકાય! અલ્કેશ ઘડીભર દ્રિધામાં રહ્યો, પછી થયું કે મને આવું કેમ ન સૂÍયું!? આ સવાલ સાથે તેના અંતરમાં અજવાળું પથરાઇ ગયું.
Comments
Post a Comment
Thanx For Comment