એક તમાચો – નવનીત સેવક



એક મોટા ડૉક્ટર.ડૉક્ટર ભારે ભલા. ગરીબ લોકો પર ઘણો પ્રેમ રાખે. ગમે તેવું કામ મૂકીને ય કોઈ ગરીબની સેવા કરવા દોડી જાય. પૈસાવાળા પાસે ઘણા પૈસા લે. પણ એ જ દવા જો ગરીબને આપવાની હોય તો મફતને ભાવે આપે. પૈસા વગરના બિચારા લોકો બીજું તો કશું આપી શકે નહીં. એટલે ડૉક્ટરને આશીર્વાદ આપે.
એક દિવસ કોઈએ ડૉક્ટરને પૂછ્યું : ‘ડૉક્ટર સાહેબ, તમે ગરીબોની દવા મફત કેમ કરો છો ? બીજા ડૉક્ટરો તો બરાબર કસીને ફી લે છે. ગરીબ કે પૈસાદાર કશું જોતા નથી. બે વરસમાં તો ઘણાય ઘરના બંગલા બંધાવીને બેઠા છે ને તમે દયાનું પૂછડું કેમ પકડીને બેઠા છો ?’
પેલા ભાઈની વાત સાંભળીને ડૉક્ટર હસ્યા. બે-ત્રણ માણસો ત્યાં બેઠા હતા. એમાંથી એક કહે : ‘કાં ડૉક્ટર, હસ્યા કેમ ?’
ડૉક્ટર કહે : ‘મને જૂની વાત યાદ આવી ગઈ એટલે હસવું આવી ગયું.’
બધા કહે : ‘એવું હોય તો અમને ય કહો, અમે પણ હસીશું.’
ડૉક્ટર કહે : ‘સાંભળો ત્યારે.’
ઘણાં વરસ પહેલાંની વાત છે.
હું તે વખતે તાજો-તાજો જ ડૉક્ટર થયેલો. મારા બાપુજીએ દેવું કરીને મને ભણાવ્યો હતો. મોટામાં મોટી ડિગ્રી મને મળે એટલા માટે પૈસા ખરચવામાં પાછું વાળીને જોયું નહોતું. મારે વધારે ભણવા માટે વિલાયત જવાનું હતું. તે વખતે બાપુજી પાસે પૈસા નહીં એટલે ઘર વેચીને એમણે મને વિલાયત મોકલેલો. હું વિલાયત ભણી આવ્યો. ઘણો મોટો ડૉક્ટર બનીને પાછો આવ્યો. દેશમાં આવીને દવાખાનું ખોલ્યું એટલે દર્દીઓની લાઈન લાગી. રૂપિયાની છોળો ઊડવા લાગી. મારું નામ ખૂબ જાણીતું બની ગયું.
એક વખત રાતના સમયે હું ઘરની બહાર વરંડામાં એક ખુરસી નાખીને બેઠો હતો. એવામાં જ એક ગામડિયો બંગલામાં ઘૂસી આવ્યો. આવ્યો એવો જ મારા પગમાં પડી ગયો. બે હાથ જોડીને કહે, ‘ડૉક્ટર સાહેબ, હમણાં ને હમણાં ચાલો મારી સાથે. મારી પત્ની બીમાર પડી ગઈ છે. તમારા વિના એને કોઈ બચાવી શકે એવું નથી.’ ગામડિયો ગંદો હતો. એણે મારા પગ પકડ્યા એથી મારું પાટલૂન મેલું થયું હતું. મેં પગ ખસેડી લઈને કહ્યું :
‘તને કંઈ વિવેકનું ભાન છે કે નહીં ?’
ગામડિયો બાઘા જેવો બનીને મારી સામે જોઈ રહ્યો હતો. મેં કહ્યું : ‘શું થયું છે તારી પત્નીને ?’
ગામડિયો કહે : ‘એ બેઠી હતી ત્યાંથી એકદમ ગબડી પડી છે. બોલાતું પણ નથી. આપ ઝટ મારી સાથે ચાલો, નહીં તો કોણ જાણે શુંયે થશે ?’
મેં કહ્યું : ‘તને ખબર છે કે ડૉક્ટરને ઘેર બોલાવવા હોય તો ગાડી લાવવી પડે !’
ગામડિયો કહે : ‘ગાડી તો હું હમણાં લઈ આવું છું, સાહેબ. આપ તૈયાર થઈ જાવ.’ એમ કહીને એ ઊભો થયો.
મેં કહ્યું : ‘મારી ફીનું શું છે ?’
ગામડિયાએ ફાળિયાને છેડે બાંધેલા પાંચ રૂપિયા કાઢીને મારા હાથમાં મૂક્યા. કહે : ‘મારી પાસે તો આટલા પૈસા છે સાહેબ. આપ બધા લઈ લો પણ મારી સાથે ચાલો.’
મને તે વખતે ખૂબ અભિમાન હતું. મેં પાંચની નોટ ફેંકી દીધી. કહ્યું :
‘તારા જેવા ભિખારીની દવા મારાથી નહીં થાય. હું તો એક વિઝિટના પચ્ચીસ રૂપિયા લઉં છું. એટલા પૈસા હોય તો કહે ને નહીં તો રસ્તો માપ.’
ગામડિયો કાલાવાલા કરવા લાગ્યો. મારા પગ પકડીને રડવા લાગ્યો. કહે : ‘વધારે પૈસા ક્યાંથી લાવું, સાહેબ ! અનાજ લાવવા આટલા રાખી મૂક્યા હતા તે આપું છું.’ ગામડિયે ઘણી વિનંતી કરી પણ મેં એની એકેય વાત ન સાંભળી તે ના જ સાંભળી.
આવું ચાલતું હતું એવામાં જ અંદરથી મારા બાપુજીએ મારા નામની બૂમ પાડી. હું અંદર ગયો. બાપુજીએ મને જોતાં જ પૂછ્યું : ‘બહાર કોણ રડે છે ?’
મેં કહ્યું : ‘એક ગામડિયો આવ્યો છે તે આ બધી ધમાલ કરે છે. જવાનું કહું છું પણ જતો નથી.’
બાપુજી કહે : ‘ગામડિયો શું કામ આવ્યો છે ?’
મેં કહ્યું : ‘એની પત્ની બીમાર છે એટલે મને તેડી જવા આવ્યો છે.’
બાપુજી કહે : ‘તો તું હજી અહીં કેમ ઊભો છે ? ગયો કેમ નથી ?’
મેં કહ્યું : ‘જાઉં કેવી રીતે ? દર્દીને જોવા જવાની મારી ફી પચ્ચીસ રૂપિયા છે અને એની પાસે તો પાંચ જ રૂપિયા છે. મેં એને કહી દીધું કે બીજા ડૉક્ટર પાસે જા. પણ માનતો નથી.’ હું આમ બોલતો હતો એવામાં જ બાપુજીનો હાથ ઊંચો થયો ને ફટાક કરતો એક તમાચો એમણે મારા ગાલ ઉપર ફટકારી દીધો. મારો ગાલ ચમચમી ઊઠ્યો. હું તો આભો બની ગાલ ઉપર હાથ મૂકીને બાપુજીની સામે ફાટી આંખે જોઈ રહ્યો.
બાપુજી લાલ-લાલ આંખો કરીને કહે : ‘નાલાયક પાજી ! આટલા માટે દુઃખ વેઠીને તને ભણાવ્યો હતો ? કોઈ બિચારાનો જીવ જતો હોય તે વખતે તું પૈસાનો લોભ છોડી શકતો નથી ? ડૉક્ટરનો ધંધો તો સેવાનો ધંધો છે. તું ભણીગણીને મોટો ડૉક્ટર થાય, ગરીબોની સેવા કરે એટલા માટે તો મેં ઘરબાર વેચીને તને ભણાવ્યો છે. આવા ગરીબોને તો તારે મફત દવા આપવી જોઈએ. ઉપરથી ફળફળાદિ લાવવાના પૈસા પણ આપવા જોઈએ, એને બદલે તું રાક્ષસ જેવો બની ગયો છે ?
મેં ડરતાં ડરતાં કહ્યું : ‘પણ બાપુજી…..’
બાપુજી કહે : ‘તારી એક વાત પણ મારે સાંભળવી નથી. મેં તને ભણાવવા માટે જેટલા પૈસા ખરચ્યા છે એ બધા મને આપી દે. હમણાં ને હમણાં મારા ઘરમાંથી નીકળી જા. નહીં તો બીજા ગાલ ઉપર બીજો તમાચો ફટકારી દઈશ !’
મેં કહ્યું : ‘બાપુજી, હું આ ગામડિયાની દવા કરવા જાઉં છું. ને હવે કોઈ ગરીબ પાસે પૈસા નહીં લઉં.’
બાપુજી રાજી થયા.
તે દિવસથી હું ગરીબોની સેવા કરતો રહું છું. કોઈ વાર મનમાં લોભ જાગે ત્યારે બાપુજીનો તમાચો યાદ આવી જાય છે. અને હાથ ગાલ તરફ વળે છે. બાપુજીના તમાચાએ મારી આંખો ખોલી નાખી છે. ડૉક્ટર સાહેબે વાત પૂરી કરી.

Comments