ડૉ.શરદ ઠાકર: હું છેતરું તને ને તું છેતરે મને



 
એકઝેકટલી! હું પણ આવું જ માનું છું. એટલે તો આજ દિન સુધી મેં કિચનમાં પગ નથી મૂક્યો. મમ્મી કહી-કહીને થાકી ગઇ, પણ હું તો ચા બનાવવાનુંયે ન શીખી. અરે, યાર! હું આટલું ભણી છું ત્યારે નોકરી ન કરું? એક હજાર રૂપિયાના પગારમાં રસોઇયણ બાઇ ન રાખી લઉં! 

‘મને એ જાણવામાં રસ પડશે કે તમને ‘બોલ્ડ’ મૂવિઝ જોવી ગમે કે નહીં? મારી ગર્લફ્રેન્ડ્ઝમાં મોટાભાગની આધુનિક વિચારો ધરાવે છે. એ બધી તો વિદ્યા બાલનની ‘ડર્ટી પિકચર’ ફિલ્મ ફર્સ્ટ ડે, ફર્સ્ટ શોમાં જોઇ આવી.’ તત્વે ભાવિ પત્નીના ઇન્ટવ્યૂની શરૂઆત આ તોફાની સવાલથી કરી. તથ્યા મૂંઝાઇ ગઇ. મૂરતિયો સારો હતો. હાથમાંથી સરકી ન જવા દેવાય તેવો. મમ્મી-પપ્પા મારફતે જ આ મિટિંગ ગોઠવાયેલી હતી. પપ્પાએ તો ખાસ કશી સૂચના નહોતી આપી, પણ મમ્મીએ કડક શબ્દોમાં સંભળાવી દીધું હતું, ‘જોજે પાછી! બહુ ચાવળી કે ચિબાવલી ના થતી. છોકરો જે સવાલો પૂછે તેના સરખી રીતે જવાબો આપજે.’‘સરખી રીતે એટલે કેવા? સાચા કે ખોટા?’ મમ્મીને ચિડવવામાં તથ્યાને મજા આવતી હતી.

‘સાચા પણ નહીં ને ખોટાયે નહીં. જેવા સામેવાળાને ગમતા હોય તેવા. આપણો તો એક જ સિદ્ધાંત છે કે જ્યારે ન્યાતની પંગત પડી હોય ત્યારે જમનારને ભાવતું હોય તે જ પિરસવું.’ મમ્મીએ એમના આજ સુધીના અનુભવોનો નિચોડ ઠાલવી દીધો.તથ્યાને મમ્મીની આ શિખામણ યાદ હતી અને સામે બેઠેલા સુયોગ્ય મુરતિયાની ગુપ્ત મરજી પણ એ ઉકેલી શકતી હતી. એણે તરત જ એની મરજીનો છેડો પકડી લીધો. કહી દીધું, ‘વાઉ! મને પણ આવી હોટ મૂવિઝ જ ગમે છે. વિદ્યા લૂકસ સઝિલિંગ, યાર! લોકો ભલે ‘પરિણીતા’ની વિદ્યાનાં વખાણ કરતા હોય, મને તો એનો આ ડર્ટી લુક જ ગમ્યો છે. તમે માનશો? હું તો ઇંગ્લિશ મૂવિઝ જોવાનું જ પસંદ કરું છું. એમાં જે ન્યૂડ સીન્સ હોય છે તેવા આપણી બોલિવૂડિયા ફિલ્મોમાં ક્યાંથી જોવા મળવાના હતા?!’

તત્વ સાંભળી રહ્યો. પછી એણે પ્રશ્નપત્રનો બીજો પ્રશ્ન બહાર પાડ્યો, ‘તમને રસોઇ બનાવતાં આવડે છે?’ તથ્યા મૂંગી રહી. એણે મુરતિયાની સામે જોયા કર્યું. આટલા ટૂંકા સવાલ પરથી એની ઇચ્છાનું પગેરું પકડાતું ન હતું. ત્યાં જ તથ્યે આગળ ઉમેર્યું, ‘મારા ગ્રૂપમાં જેટલી છોકરીઓ છે એ બધી તો આ વાતની પ્રખર વિરોધી છે. એમાં ટીના નામની એક સ્માર્ટી છે એ તો એવું જ માને છે કે ભારતીય પુરુષોએ પત્નીની રસોઇનાં વખાણ કરી-કરીને એને કિચનમાં બંધ કરી દીધી છે. આયુષ્યનો એંશી ટકા જેટલો સમય ભારતીય નારી રસોડામાં બરબાદ કરી નાખે છે...’ જવાબની ‘કલુ’ જડી ગઇ. તથ્યાએ ટીનાનો અભિપ્રાય બે હાથે ઝાલી લીધો, ‘એકઝેકટલી! હું પણ આવું જ માનું છું. એટલે તો આજ દિન સુધી મેં કિચનમાં પગ નથી મૂક્યો.

મમ્મી કહી-કહીને થાકી ગઇ, પણ હું તો ચા બનાવવાનુંયે ન શીખી. અરે, યાર! હું આટલું ભણી છું ત્યારે નોકરી ન કરું? એક હજાર રૂપિયાના પગારમાં રસોઇયણ બાઇ ન રાખી લઉં! શીટ્! હું કંઇ મારો ‘હબી’ સાંજે ઓફિસેથી છુટીને ઘરે આવે ત્યારે ચાનો કપ હાથમાં લઇને ઊભી રહુંં? હું કંઇ પાંચ હજાર વર્ષ પહેલાંની ‘ભોજયેષૂ માતા’ થોડી છું? મને તો મારા હસબન્ડની સાથે ફાઇવસ્ટાર હોટલમાં સર્વિસ ટી પીવા જવાનું ગમે. એ પણ શોટ્gસ અને સ્પેગેટ્ટી પહેરીને.’ તથ્યે જવાબ સાંભળીને પ્રસન્નતાસૂચક સ્મિત કર્યું. પછી સવાલ નંબર તૃતીય રજૂ કર્યો, ‘તમને શોર્ટ વેસ્ટર્ન આઉટ ફિટ્સ પણ પસંદ છે? અમારા ગ્રૂપમાં જુલી કાયમ આવાં કપડાં જ પહેરે છે...’

તથ્યાને જુલીની ઉઘાડી હોટ ટાંગોનો સહારો મળી ગયો, એ ઊછળી પડી, ‘તમે એવું પૂછો છો કે મને એવાં પણ કપડાં પહેરવાનું ગમે છે? અરે, મને તો એવાં જ કપડાં ગમે છે. હું તો કોલેજમાં પણ મિની સ્કર્ટ અને શોર્ટ ફ્રોક પહેરીને જઉં છું. એક વાર પ્રિન્સપાલે ઓફિસમાં બોલાવીને મને ટોકવાની કોશિશ કરી કે છોકરીઓ અહીં ભણવા માટે આવે છે કે ફેશન પરેડમાં ભાગ લેવા? મેં મોઢામોઢ સંભળાવી દીધું કે પ્રોફેસરો ભણાવવા માટે આવે છે કે અમારા શરીર જોવા? અને મારી તો સ્પષ્ટ માન્યતા છે કે જેની પાસે સારું ફગિર હોય એણે ટૂંંકાં કપડાં પહેરતાં ડરવું ન જોઇએ.’

તત્વ જ્યાં બેઠો હતો ત્યાં જ ઊંચો-નીચો થઇ ગયો, પછી હસીને પૂછી રહ્યો, ‘ધારો કે આપણાં લગ્ન થાય, તો એ પછી પણ તમે ટૂંકાં કપડાં જ પહેરશો?’તથ્યાએ આંખોના જામમાંથી મસ્તીની મદિરા છલકાવી, ‘તમારી સાથે મારું મેરેજ થાય તો પછી... તો... હું એનાથીયે અડધાં...’‘ઇન્ટવ્યૂg’ હવે ગરમી પકડી રહ્યો હતો. તત્વના ભાથામાં સવાલોના અગણિત તીરો હતા અને તથ્યા પાસે હરેક તીરની સામે ધરવા માટેની ઢાલ હતી. એ ચાલાકીપૂર્વક સવાલનો શબ્દે-શબ્દ સાંભળી લેતી હતી, સાથે તત્વના મનમાં શું રમે છે એ સૂંઘી લેતી હતી, તત્વની કોઇ ને કોઇ ગર્લફ્રેન્ડના હવાલામાંથી એને ખબર પડી જતી હતી કે તત્વને શું ગમે છે! એ પછીનું કામ તથ્યા ખૂબીપૂર્વક પૂરું કરી નાખતી હતી.

‘તમને લેઇટ નાઇટ પાર્ટીઝમાં જવું ગમે કે નહીં? અમારી ડોલી તો આવી પાર્ટી પાછળ પાગલ છે...’ તત્વએ આટલી આંગળી આપી એટલે તથ્યાએ પહોંચો ઝાલી લીધો. એ કહેવા માંડી, ‘વાઉ! ત્યારે તો મારે ને તમારે જામશે! હું તો અઠવાડિયામાં સાતેય દિવસ મોડી રાતની પાર્ટીઝમાં મશગૂલ હોઉં છું. મને યાદ નથી આવતું કે ક્યારેય રાતના બે વાગ્યા પહેલાં હું ઘરે પાછી ફરી હોઉં!’તથ્ય વચમાં ટપકી પડ્યો, ‘તમારાં મમ્મી-પપ્પા આ બાબતમાં વાંધો નથી ઉઠાવતાં? કે પછી તમે પણ અમારી ફ્રેન્ડ લ્યુસીની જેમ એમને તડ ને ફડ સંભળાવી દો છો?’

‘એકઝેકટલી એમ જ કરું છું. આ જગતમાં ક્યા પેરેન્ટ્સને આવું બધું ગમે? પણ હું તો સંભળાવી દઉં કે આપણી વચ્ચે આ જનરેશન ગેપ છે તે આખી જિંદગી રહેશે જ. તમારું કામ ઠપકો આપવાનું છે, તો મારું કામ એ ન સાંભળવાનું છે. આફ્ટર ઓલ, ધિસ ઇઝ માય લાઇફ... મારે શું કરવું એ મને નક્કી કરવા દો! ડોન્ટ ટ્રાય ટુ બી મોરલ પોલિસ!’ઘણા પ્રશ્નો પુછાયા, ઘણી ચર્ચાઓ થઇ. સંયુક્ત કુટુંબમાં રહેવું ગમશે? કે લગ્ન પછી તરત સાસુ-સસરાથી જુદા થઇ જવાનું ગમશે? ગુજરાતી ભોજન ભાવશે કે ચાઇનીઝ અને થાઇ કે કોિન્ટનેટલ ફૂડ ખાવાનું વધારે ફાવશે? લગ્ન પછી એ જંજાળમાં પડવું? તથ્યા તત્વના સવાલમાંથી એની મરજીને તંતુ પારખતી રહી અને સિલ્કી, મીનુ, ક્રિના, હેલી અને પિન્કી જે-જે કરતી હતી તેવું બધું એ પણ કહેતી ગઇ. ‘ઇન્ટવ્યૂg’ સુખદ વાતાવરણમાં પૂરો થયો. શિખર મંત્રણા પૂરી કરીને બે રાષ્ટ્રોના વડાઓ બનાવટી સ્મિત વેરતાં જે રીતે છુટા પડે છે તે રીતે આ બંને પણ છુટાં પડ્યાં.

ઘરે આવીને તથ્યાએ મમ્મીને બધી વાત કરી. મમ્મીએ ખુશ થઇને એની પીઠ થાબડી, પણ એ રાત્રે તથ્યા જમી ન શકી. પોતે કોઇ મહાપાપ કર્યું હોય એવી ભાવના એને ઘેરી વળી. મોડી રાતે એ ટેબલલેમ્પના અજવાળે પત્ર લખવા બેઠી: ‘તત્વ, મને માફ કરશો. હું એવી છોકરી હરગિજ નથી, જેવી આજની આપણી મુલાકાતમાં મારી છબી પ્રગટી છે. હું નખશિખ હિન્દુ સંસ્કારો ધરાવતી, આપણી પરંપરાઓમાં માનતી, એક ફેમિલી ગર્લ છું. મારાં વસ્ત્રો આધુનિક હોય છે પણ એનું માપ કદીયે મર્યાદાની સરહદ ઓળંગતું નથી. મારા પગને જોઇ શકવા જેટલો ભાગ્યશાળી હજુ સુધી આ જગતનો એક પણ પુરુષ થયો નથી.

મને સામાજિક ફિલ્મો જોવી જ ગમે છે, હું ઇન્ડિયન ફૂડ જ ખાવાનું પસંદ કરું છું અને વાનગીઓ બનાવવાની બાબતમાં હું રસોડાની રાણી છું. મારી મોડી રાતની ઉજવણીઓ માત્ર મારા પતિ માટે જ હશે. તમારી સમક્ષ ખોટા જવાબો આપવાનું કારણ માત્ર એટલું જ હતું કે તમે ખૂબ સુંદર છો અને મને ગમી ગયા છો, પણ તમને પામવા માટે હું મારી જાતને આટલી હદે ખોટી ચીતરવા નથી માગતી. તમારા માટે હું બદલવા તૈયાર છું, પણ બગડવા નહીં. લિ. એક એવી સ્વમાની છોકરી જે પોતાના સંસ્કારોના ભોગે એક સારો પતિ પામવા માટે રાજી નથી...’ આ પત્ર લિફાફામાં બંધ કરીને એણે બીજા જ દિવસે તત્વના હાથમાં પહોંચાડી દીધો.

તરત જ તત્વનો ફોન સામેથી આવ્યો, ‘હાશ! તારો પત્ર વાંચીને મને કેટલી રાહત થઇ? ગાંડી, એટલુંયે ન સમજી કે જો મને એવું બધું ગમતું હોત તો પછી ટીના, ક્રિના, જુલી, લ્યુસી અને સિિલ્વયા શું ખોટી હતી? હું મારો પ્રશ્ન પૂરો બોલી રહું તે પહેલાં તો તું ચાલતી બસમાં ચડી જતી હતી! ચાલ, હવે ઘીના ઠામમાં ઘી ઢળી ગયું. આજે સાંજે મમ્મી-પપ્પાને લઇને હું તારા ઘરે આવું છું. ફુદીનાવાળી ચા તો પિવડાવશોને, મહારાણી?’ 

Comments