ભારતીય પૌરાણિક ગ્રંથોમાં પતિવ્રતા તથા પતિ પરાયણ એવી ગુણવાન - શીલવાન મહિલાઓના અસ્તિત્વના મહિમાનો પરિચય કરાવતી સંખ્યાબંધ કથાઓનું આલેખન કરવામાં આવ્યું છે. જેમાં આજે હજારો વર્ષો વીતી ગયા પછીયે સતિ સાવિત્રીનું ભારતીય નારી સ્મરણ કરીને પોતાના પતિના દીર્ઘાયુની મનોકામના સાથે વટવૃક્ષની પૂજા-અર્ચના કરે છે. સતિ સાવિત્રીએ યમરાજના પાશમાંથી પતિ સત્યવાનને સજીવન સાથે મુક્ત કરાવ્યો હતો. હંિદુ પંચાગ તથા તહેવારો અનુસાર પ્રતિવર્ષ જેઠ મહિનાની પૂનમને ‘વટ સાવિત્રી’ના વ્રત તરીકે ભારતીય નારી ઉજવણી કરે છે. આજના કળિકાળ યુગમાં પણ એક સામાન્ય પરિવારની મહિલાએ ચંબલના ખુંખાર ડાકુઓ દ્વારા અપહરણ કરાયેલા પોતાના પતિને હેમખેમ મુક્ત કરાવવા અદમ્ય સાહસ દાખવીને પૂરાણકથાની સતિ સાવિત્રીની ગૌરવવંતી ગાથાનું એકવાર સ્મરણ કરાવ્યું હતું.
મઘ્યપ્રદેશ તથા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના રાજ્યોને વિભાજીત કરીને વહી જતી ચંબલ નદીના સેંકડો માઇલનો પ્રદેશ ચંબલના બિહડ- ભયાનક કોતરો તરીકે ઓળખાય છે. સામાજીક કે પછી રાજકીય શાસન પ્રણાલિના અન્યાયનો ભોગ બનીને હાથમાં બંદુક ઉઠાવીને બાગી- ડાકુ બની ચૂકેલા સંખ્યાબંધ લોકોએ ચંબલના કોતરોનું શરણ લીઘું છે. જ્યાં આજેય ડઝનબંધ ડાકુ ટોળકી તેમના કારનામાને અંજામ આપીને પડકાર ફેંકી રહી છે. અપહરણ, ધાડ કે લૂંટફાટની ગુનાખોરીને અંજામ આપીને ચંબલના અતિ દુર્ગમ એવા કોતરોમાં શરણું લઇ રહેલ ડાકુ ટોળકીને ઝડપવામાં પોલીસ તંત્ર પણ મુકાબલો કરતા પહેલા સો વાર વિચાર કરે છે ત્યારે એક સ્ત્રી દિલ દિમાગમાં ધરબાયેલ ભયને ખંખેરી નાંખીને એકલી-અટૂલી ચંબલના બિહડ-ભયાનક કોતરો ખુંદી વળી હતી અને છેવટે ડાકુ ટોળકીના અડ્ડા સુધી પહોંચી જઇને પોતાના પતિને મુક્ત કરાવ્યો હતો. મુકાબલો કરતા પહેલા સો વાર વિચાર કરે છે. ત્યારે એક સ્ત્રી દિલ-દિમાગમાં ધરબાયેલ ભયને ખંખેરી નાંખીને એકલી-અટૂલી ચંબલના બિહડ- ભયાનક કોતરો ખુંદી વળી હતી અને છેવટે ડાકુ ટોળકીના અડ્ડા સુધી પહોંચી જઇને પોતાના પતિને મુક્ત કરાવ્યો હતો.
અદ્ભુત- અકલ્પનીય અને અપ્રતિમ કહી શકાય તેવું આ સાહસ દાખવનાર મહિલાનું નામ ગુડીયા છે. ૧૯૯૮માં ગુડીયાના અજીત સંિહ સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવનમાં ગુડીયા બે સંતાનોની માતા બની હતી. પતિ-પત્ની પરિવાર સાથે ગ્રેટર નોઇડામાં રહે છે. અજીત સંિહ કોલેજમાં પ્રાઘ્યાપક તરીકે ફરજ બજાવે છે.
ગત વર્ષના ઓગસ્ટ મહિનામાં ૬ઠ્ઠી તારીખે પ્રોફેસર અજીત સંિહની અપહરણની ઘટના બની હતી. સમી સાંજના અજીત સંિહ આગ્રા શહેરથી બસ દ્વારા ઘર તરફ પરત આવી રહ્યા હતા ત્યારે એકાએક અધવચાળે બસ ખોટકાઇ ગઇ હતી. રાત્રી મુસાફરીમાં બસના એકમાત્ર પ્રવાસી અજીત સંિહ હતા. હવે ઘેર કેવી રીતે પહોંચવું તેની વિમાસણમાં તે મુકાઇ ગયા હતા. આ વખતે રસ્તાની એકબાજુ ઉપર ઊભેલી જીપકાર તરફ બસના કન્ડકટરે ઈશારો કરતાં પ્રોફેસરને કહ્યું હતું કે- ‘‘તમે જીપકાર પકડી લો... તેનો ચાલક તમને ઘેર પહોંચાડી દેશે...!!’’
આથી રાત્રિના અંધકારમાં અટવાઇને નિરાધાર જેવા બની ગયેલા પ્રોફેસરે જીપકાર દ્વારા મુસાફરી કરવાનું પસંદ કર્યું હતું. જીપકારમાં પ્રોફેસર બેસી ગયા બાદ ચાલકે પૂરઝડપે હંકારી મૂકીને ધોરીમાર્ગ છોડીને જંગલનો વેરાનો રસ્તો પકડ્યો ત્યારે તે ગભરાઇ ગયા હતા અને ચાલકને પૂછ્યું હતું કે ‘ભૈયા, કૌન સે રાસ્તે પર હમ જા રહે હૈ...?’’
જીપકારનો ચાલક તો ચૂપકીદી સાધીને જંગલના રસ્તે તેનું વાહન દોડાવી રહ્યો હતો. ચાલકની બાજુમાં બેસેલા તથા પડછંદ કાયા અને ભયભીત ચહેરો ધરાવતા શખ્સે પ્રોફેસરના લમણામાં રિવોલ્વર ધરી દઇને ‘‘અબે ચૂપ રહ... નહીં તો તેરી શામત આ જાયેગી...!!’’ કર્કશ અવાજમાં ફરમાન કર્યું ત્યારે પ્રોફેસર હવે પોતાનું અપહરણ કરવામાં આવ્યું હોવાના ખ્યાલથી કાંપી ઊઠ્યા હતા.
આ પછી જીપકાર ચંબલના કોતરોમાં પહોંચી ગઇ ત્યારે ચારેબાજુ ભયાનક સન્નાટો પથરાઇ ગયો હતો. અપહરણ કરનાર ડાકુએ પ્રોફેસર પાસેથી તેમના ઘરનો ટેલિફોન નંબર મેળવ્યો હતો. પ્રોફેસર પત્ની ગુડીયાનો ટેલિફોન ઉપર સંપર્ક સાધીને તેના પતિની હેમખેમ વાપસી માટે મસમોટી રકમની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. આમ પ્રોફેસરનું ખંડણી વસુલ કરવાના કાવતરાના ભાગરૂપે અપહરણ કરનાર ડાકુએ રાજસ્થાનના સરહદી ઈલાકા ધોલપુર સ્થિત બીજી એક ડાકુ ટોળકીના મુખિયાને પ્રોફેસર હવાલે કરી દીધા હતા.
રાજસ્થાન-ધોલપુર સ્થિત ડાકુ ટોળકીના સરદારે ફરીવાર ગુડીયાનો ટેલિફોન ઉપર સંપર્ક સાધીને ઘરબાર- સ્થાવર- જંગમ મિલકત વેચી નાંખીને તેના પતિને છોડાવવા માટે રોકડ રકમ લઇને ધોલપુર આવી જવા ફરમાન કર્યું હતું. ડાકુ ટોળકીના સરદારના ધમકીભર્યા ફોનથી ભયભીત બની ગયેલી ગુડીયાએ ઉત્તર રેલવેમાં નોકરી કરતાં તેના મા જણ્યા ભાઇ રાજેશ ભારદ્વાજનો સંપર્ક સાધીને પરિવાર ઉપર અચાનક તૂટી પડેલા સંકટની જાણ કરી હતી.
ચંબલના કોતરોમાં શરણ લઇ રહેલી ડાકુ ટોળકી પૈકીના જે સાગરિતોએ પ્રોફેસર અજીત સંિહનું અપહરણ કર્યું હતું તેનો હવાલો ધોલપુરના કોતરોમાં વસવાટ કરી રહેલી ભીમા ગેંગને સોંપી દીધો હતો. આથી આ ગેંગના સરદાર ભીમાએ ગુડીયાને ટેલિફોન ઉપર ધમકી આપીને પતિને હેમખેમ છોડાવવા લાખ્ખો રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.
ગુડીયાના ભાઇ રાજેશ ભારદ્વાજે તેની બહેન ગુડીયાએ દાખવેલા વીરતાપૂર્વકના અદમ્ય સાહસની કથા વર્ણવતા કહ્યું હતું કે- ‘‘ગુડીયાએ પોતાની જીવની પરવા કર્યા વગર પતિને ડાકુઓના સકંજામાંથી મુક્ત કરવાનો મનોમન નિર્ધાર કરી લીધો હતો. આથી ઘરમાં જે કાંઇ દરદાગીના હતા તે વેચી નાંખીને રોકડ રકમ ભેગી કર્યા બાદ તેણે ચંબલના બિહામણા કોતરોની વાટ પકડી હતી.’’
હવે ચંબલના કોતરોમાં શું બની ગયું તેની રોમાંચક કથા કંઇક આવી છે. રાજેશ ભારદ્વાજે ગુડીયાના સાહસ કથા વર્ણવતા કહ્યું હતું કે- એકલી અટૂલી પતિને મુક્ત કરાવવા ચંબલના કોતરોમાં ઉતરી ગયેલી ગુડીયા દરબદર શોધખોળ કરતી આખરે મુખીયા ભીમાના અડ્ડા સુધી પહોંચી ગઇ હતી.
ડાકુ સરદાર ભીમા તથા તેના સાગરિકો એક નારીના આવા અપ્રતિમ સાહસથી અભિભૂત બની ગયા હતા. સરદાર ભીમા તથા તેના સાથીઓએ ગુડીયાને પોતાની બહેન માનીને તેનું સ્વાગત કર્યું હતું. તથા પ્રોફેસર અજિત સંિહને મુક્ત કરવાનું અભય વચન આપ્યું હતું. સામાન્ય પરિવારની એક સ્ત્રી ડાકુઓ દ્વારા અપહરણ કરાયેલા પતિને છોડાવવા માટે કોઇનો પણ સાથ સહકાર મેળવ્યા વગર ચંબલના બિહામણા કોતરોમાં ઉતરી આવે તે વાત માનવી ડાકુઓ માટે કઠીન હતી.
સરદાર ભીમાએ તથા તેના સાથીદારોએ ગુડીયાને પોતાની બહેન બનાવી દીધા પછી તેના હાથે રાખડી બંધાવી હતી. તેમજ સાહસિક બહેનને રૂા. ૫૧૦૦ની રોકડ રકમ ભેટ આપી હતી. માત્ર રોકડ રકમ જ નહીં ધરમની માનેલી બહેનનું સૌભાગ્ય અમર રહે તેવા શુભાશિષ સાથે તેના હાથમાં સોનાના કંગન પણ પહેરાવ્યા હતા.
ત્યારબાદ સરદાર ભીમા ગુડીયાનો હાથ પકડીને તેને તેના પતિ પાસે લઇ આવ્યો હતો. બંદુક તથા રાયફલોથી એવા ડાકુઓના ઘેરાવામાં કેદ કરાયેલા પ્રોફેસર સાથે ગુડીયાનું મિલન કરાવ્યું હતું.
આ મિલનના દ્રશ્યથી ખુંખાર ડાકુઓની આંખોમાં હર્ષના અશ્રુ ઝળકી ઊઠ્યા હતા તથા ચહેરા ઉપર ખુશીની લહેર છવાઇ ગઇ હતી.
ત્યારબાદ સરદાર ભીમા તેના સાથીદારો બહેન તથા ગુડીયા તથા બનેવી પ્રોફેસર અજીત સંિહને સાથે લઇને છેક ચંબલના કોતરોની સરહદે પહોંચ્યા હતા. જ્યાં બન્નેને વ્હાલભરી વિદાય આપતા કહ્યું હતું કે- ‘‘બહેન, તું ઘેર હેમખેમ પહોંચી જાય ત્યારે અમને ટેલિફોન દ્વારા સંદેશો પહોંચાડવાનું ભૂલીશ નહીં... અમે તમારા સંદેશાની રાહ જોતા બેસી રહીશું..!’’
ચંબલના ભયાનક કોતરોમાંથી પોતાના પતિને ડાકુના બંધનમાંથી મુક્ત કરાવીને હેમખેમ પાછી ફરેલી ગુડીયાએ પોતાના મનની પ્રસન્નતા આ શબ્દોમાં વ્યક્ત કરી હતી ઃ ‘‘ડાકુ સરદાર ભીમાએ મને તેની બહેન બનાવી છે. અમને બન્નેને વિદાય કરતાં ભીમાએ મારા ચરણ સ્પર્શ કર્યા હતા. શુકન તથા સૌભાગ્ય તરીકે મને રોકડ રકમ અને સોનાના કંગનની ભેટ આપી હતી... રક્ષાબંધનના પવિત્ર દિવસે મને મારો ભાઇ હંમેશા અચૂક યાદ કરશે...!!!’’
Comments
Post a Comment
Thanx For Comment