અમરેલીની ઓપન જેલ એક એવી જેલ છે જ્યાં જન્મટીપ ભોગવનારો કેદી બજારમાં શોપિંગ કરવા જાય છે. આ જેલ ફરતે પાકી દીવાલ પણ નથી. તેમ છતાં અહીં કેદી ભાગી છુટ્યો હોય તેવો એક પણ કિસ્સો બન્યો નથી.
એનું નામ રઘુ. એ ઊછર્યો ઉત્તર સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં. ઘરઘરનો એંઠવાડ ખાઇને એ મોટો થયો પછી ગામના વડીલોએ ભેગા થઇને એને પરણાવી દીધો. દયા ખાઇને એક ખેડૂતે તેને ખેતરમાં મજૂરી કામ આપ્યું. દિવસ ઊગે એટલે રઘુ ખેતરે મજૂરી માટે ચાલ્યો જાય અને સૂર્ય ક્ષિતજિ ડૂબે ત્યારે ઘેર આવે. એક દિવસ રઘુ વહેલો ઘેર આવ્યો, તો રઘુની પત્ની બાજુવાળા એક યુવાન સાથે કઢંગી હાલતમાં હતી. રઘુથી આ ર્દશ્ય જીરવાયું નહીં. ખભેથી કોદાળી ઉતારીને તેણે યુવાનના તાળવામાં ઝીંકી દીધી. ખલાસ. રઘુને જન્મટીપ થઇ. પરંતુ બીજી જેલોના કેદીઓને ઇષ્ર્યા થાય એવી રીતે રઘુને એ સજા કાપવા મળી. તેની સાથે જેલમાં જન્મટીપની સજા કાપતા સૌરાષ્ટ્રના એક ગામડાના જાલમસિંહની કથા પણ જાણવા જેવી છે.
એક દિવસ મારતી મોટરસાઇકલે ખબર આવ્યા કે ગામને શેઢે ઢોર ચરાવવાની બાબતમાં ધીંગાણું થઇ ગયું છે અને તેમાં જાલમસિંહના પણ કેટલાક કુટુંબી સામેલ છે. જાલમસિંહ તલવાર લઇને પહોંચી ગયા. તેમણે ધીંગાણું ટાઢું પાડવા પ્રયત્ન કર્યો, પણ સામા પક્ષવાળાનો ઉશ્કેરાટ વધારે હતો. કોઇક ઘસાતું બોલ્યું ને પિત્તો છટકયો. ખેતરના શેઢે જાલમસિંહે બે લોથ ઢાળી દીધી. જન્મટીપ થઇ, પણ જાલમસિંહ વોલીબોલ રમીને સજા કાપે છે. ટીવીમાં હિન્દી ફિલ્મો પણ જોઇ નાખે છે.
કારણ એ જ કે આ બંને ઓપન જેલમાં સજા કાપી રહ્યા છે. ભારતમાં માત્ર બે જ સ્થળોએ ઓપન જેલ છે. રાજસ્થાનની મુંગાવલીની ઓપન જેલ જાણીતી છે. પરંતુ સૌરાષ્ટ્રના અમરેલી શહેરની ઓપન જેલની બહુ ઓછા લોકોને ખબર છે. અમરેલીમાં ૧૯૬૮માં ઓપન જેલ શરૂ થઇ એનો જશ એ વખતના મુખ્યમંત્રી જીવરાજ મહેતાને જાય છે. તેમણે કેટલાક રાજકારણીઓને નારાજ કરીને પણ ૪૨ એકર જમીન ઓપન જેલને ફાળવી હતી. સામાન્ય રીતે જેલ કરતાં ઓપન જેલ સાવ જુદી કિસમની હોય છે. કેદીઓ આપસમાં ઓપન જેલ માટે ‘ફાઇવસ્ટાર’ શબ્દ વાપરે છે.
ગુજરાતની જેલો સાથે સંકળાયેલા અમદાવાદ ખાતેના એક અધિકારી કહે છે, ‘ઓપન જેલમાં કેદી પર કોઇ રોકથામ નથી હોતી. માત્ર તેને કેદી હોવાનો અહેસાસ થતો રહે તે માટે તેણે કેદીનાં સફેદ કપડાં અને માથે સફેદ ટોપી પહેરી રાખવી પડે છે.’ અમરેલીની ઓપન જેલમાં ચાલીસેક કેદીઓ હતા ત્યારે પણ તેમના પર નજર રાખવા માટે દરેક પાળીમાં માત્ર પાંચ જ સિપાહી હોય છે. મજાની વાત એ છે કે ચાલીસે ચાલીસ કેદીઓ જન્મટીપના કેદી છે. મતલબ કે દરેક કેદીએ કોઇની હત્યા કરી છે. અહીંના એક અધિકારી કહે છે કે ઓપન જેલમાં એક સમયે બાવન કેદીઓ હતા, પરંતુ એ પછી અમે ઘટાડી નાખ્યા છે. ઓપન જેલમાં ચાર બેરેક છે. દરેકમાં દસ દસ કેદી રહે છે. દરેકને સૂવા માટે ખાટલો અપાય છે. સામાન્ય રીતે જે કેદીએ શાંતિપૂર્વક પાંચ-છ વર્ષની સજા કાપી હોય અને હક રજા તથા પેરોલ ભોગવી હોય તેના પર જ વિચારવિમર્શ કર્યા પછી તેને ઓપન જેલમાં લવાય છે.
જોકે મુંગાવલીની ઓપન જેલ કરતાં અમરેલીની ઓપન જેલ જરા જુદી પડે છે. મુંગાવલીની જેલમાં તો જગ્ગા ડાકુ, માધોસિંહ જેવા ડાકુઓ સજા કાપી ચૂક્યા છે. જ્યારે અમરેલીની ઓપન જેલમાં પ્રોફેશનલ કિલર કે રીઢા ગુનેગારોને એન્ટ્રી મળતી નથી. અમરેલીની ઓપન જેલમાં અમે જોયું કે અહીં પાડોશીની હત્યા કરનારો શાકભાજીનું વાવેતર કરતો હતો. પત્નીનું ખૂન કરનારો કેદી ગાયોને ઘાસચારો નાખતો હતો. આવેશમાં બે હત્યા કરનારો કેદી કૂવામાંથી પાણી સિંચતો હતો. અમરેલીની ઓપન જેલની ૪૨ એકર જમીનમાં કેદીઓ ઘઉં, રજકો, લીલો ચારો અને શાકભાજીનું વાવેતર કરે છે.
એ માટે ખાસ એક ટ્રેકટર અને ચાર જોડી બળદ રખાયા છે. અમુક કેદીઓની ટુકડી બનાવીને તેમની વચ્ચે કામની વહેંચણી કરી દેવાય છે. ઓપન જેલના અધિકારી કહે છે, ‘ઘણી વખત અમે શાકભાજી કે ઘાસચારો વેચવા માટે કે કશુંક ખરીદવા માટે ટ્રેકટર લઇને કેદીને જ બજારમાં મોકલીએ છીએ અને ત્યારે માત્ર તેમની સાથે અમારો એક સિપાઇ જ હોય. અમારા કેદીને ખાખી વરદીવાળાની જરૂર જ નથી.’ ઓપન જેલના રિપોર્ટિંગમાં અમે છુપી રીતે ફોટા પાડતા હતા ત્યારે કેટલાક કેદીઓ એ જોઇ ગયેલા, તેમણે તરત ઓફિસમાં ફરિયાદ કરી હતી. અમરેલીની ઓપન જેલ આડે પાકી દીવાલ નથી, છતાં હજુ સુધી એક પણ કેદી ભાગ્યો હોય એવું બન્યું નથી.
ઓપન જેલના કેદીઓ સવારે છ વાગ્યે ઊઠી ગયા પછી તેની નિત્યક્રિયા આટોપીને સાડા સાત વાગ્યે કામે ચઢી જાય છે. દરેક પાસે પોતાનાં ખેતીને લગતાં કાર્યની જવાબદારી હોય છે. કામ પર ચડતાં પહેલાં તેમને ચા-દૂધ, સિંગદાણા અને ગોળચણાનો નાસ્તો અપાય છે. બપોરે ૧૧ વાગ્યે કામ પરથી પાછા આવીને જમવાનું અને બે વાગ્યે ફરી કામ પર ચઢી જવાનું હોય છે. સાંજે છ વાગ્યે કેદીઓની ડ્યુટી પૂરી થાય છે. એ પછી તેઓ ઇન્ડોર ગેમ્સ રમે છે.
ઓપન જેલમાં ચેસ, કેરમ, વોલીબોલનાં સાધનો રખાયાં છે. અખબારો પણ મળે છે. રાતના ભોજન પછી ટીવી પણ જોવા મળે છે. સગાંની મુલાકાત માટેના નિયમો ઓપન જેલમાં પણ બીજી જેલ જેવા જ હોય છે. દરેક કેદીને મહિનામાં એક જ વખત મુલાકાત મળે છે. જોકે ઓપન જેલમાં સજા કાપતા કેદીઓ તો તેમનાં ઘરનાંને કહી દે છે કે વારંવાર મળવા આવવાની જરૂર નથી, કારણ કે અહીં અમારી અને દુનિયાની વચ્ચે કોઇ દીવાલ નથી.
(અનિવાર્ય કારણોસર કેદીઓનાં નામ બદલી નાખ્યાં છે.)
Comments
Post a Comment
Thanx For Comment