ધીરે ધીરે રાગિણી શ્રેયાના દરેક અંગને સહેલાવવા લાગી..



સંબંધોની આરપાર - મીતવા ચતુર્વેદી
એક પ્રતિષ્ઠિત આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી અને સામાન્ય પરિવારમાંથી આવતી શ્રેયા ખૂબ જ ભોળી અને મહેનતુ છોકરી હતી. મધ્યમ કદ, ગોરો વર્ણ, ઘાટીલો ચતુષ્કોણ ચહેરો,ફૂલ સમાન કોમળતા અને મીઠો-મધુર અવાજ. તેનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હતું. તે સૌની સાથે હળીમળી જાય તેવા સ્વભાવની હતી. તે ઓફિસના અન્ય કર્મચારીઓની સરખામણીમાં સૌથી નાની વયની હતી.
તેની સાથે કામ કરતા અન્ય કર્મચારીઓ પણ ખૂબ જ સારા હતા. જેમાં મોટા ભાગની સંખ્યા છોકરીઓની હતી, પરંતુ તેને સૌથી વધારે રાગિણી સાથે બનતું. રાગિણી તેને કામકાજ શીખવતી, ક્યાંક અટવાઈ જાય તો પણ તે મદદ કરતી. રાગિણી શ્રેયાની બોસ કમ સારી મિત્ર હતી. રાગિણી શ્રેયા કરતાં ઉંમરમાં આશરે દસેક વર્ષ મોટી હતી. ઊંચું કદ, મજબૂત બાંધો, ઘઉં વર્ણ, ભરાવદાર ચહેરો, ગરદન સુધી આવતા ટૂંકા વાળ. તેમનું વ્યક્તિત્વ સો ટકા બોસ જેવું હતું, પરંતુ સ્વભાવ કે લક્ષણ જોતાં એવું ન લાગે કે તેઓ બોસ છે.
સ્ટાફમાં નવી આવેલી શ્રેયા અને તેની બોસ રાગિણી વચ્ચે થોડા જ સમયમાં સારી મિત્રતા થઈ ગઈ. તે શ્રેયાને પોતાની નાની બહેનની જેમ જ રાખતી અને વર્તતી. રાગિણીએ ધીરે ધીરે કરીને શ્રેયાને બધું જ કામ શીખવી દીધું અને સાથે તેનો પગાર પણ વધારી દીધો. બંને ઓફિસમાં સાથે જમતાં, ટી બ્રેકમાં સાથે બેસીને ચા પીતાં પીતાં વાતો કરતાં. રાગિણી કેટલીક વાર બહુ મોડું થઈ ગયું હોય તો શ્રેયાને પોતાની કારમાં ઘરે પણ મૂકી જતી.
એક દિવસ રાગિણીએ શ્રેયાને ફોન કરીને કહ્યું કે, “જો શક્ય હોય તો તું આવતી કાલે ઓફિસથી સીધી મારી સાથે મારા ઘરે આવજે. હું બે-ત્રણ દિવસ ઘરે એકલી છું, તું આવીશ તો મને એકલું નહીં લાગે અને કોઈ ડર પણ નહીં રહે. બે દિવસ સાથે રહી ખાઈ-પીને મજા કરીશું!”
શ્રેયાને પણ કોઈ સમસ્યા ન હતી. બધી જ બાબતે મદદ કરતી અને પોતાની ખૂબ જ કાળજી રાખનાર રાગિણીને આજે પહેલી જ વાર કોઈ કામ પડયું હતું. શ્રેયાએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કહી દીધું કે, “હા હા, હું ચોક્કસ આવીશ. તમારે પૂછવાનું નહીં, માત્ર હુકમ જ કરવાનો હોય.”
બીજે દિવસે ઓફિસનું કામ પતાવીને શ્રેયા અને રાગિણી સાથે કારમાં ઘરે ગયાં. રસ્તામાં એક રેસ્ટોરાંમાંથી તેઓ જમવાનું પણ સાથે લેતા ગયાં. ઘરે જઈને શ્રેયાએ કહ્યું, “તમે ફ્રેશ થઈ જાઓ ત્યાં સુધી હું જમવાનું પીરસી દઉં.”
શ્રેયાએ જમવાનું ડાઇનિંગ ટેબલ પર લગાવી દીધું. બંને જણ સાથે બેસીને જમ્યાં. રાગિણી જમ્યા પછી બેડરૂમમાં જઈને ટીવી જોવા લાગી. શ્રેયા ફ્રેશ થઈને નાઇટ ડ્રેસ પહેરી બેડરૂમમાં આવી. શ્રેયા બેડની બાજુમાં પથારી કરવા લાગી ત્યારે રાગિણીએ કહ્યું કે, “પથારી શા માટે કરે છે? તારે નીચે ઊંઘવાની જરૂર નથી. આટલો મોટો બેડ છેને! મારી પાસે જ સૂઈ જા.”
રાગિણીની વાત માનીને શ્રેયા તેની પાસે બેડમાં જ સૂઈ ગઈ. બંને જણ વાતોએ વળગ્યાં. રાગિણી અડધી બેઠી થઈ, પોતાના એક હાથ પર માથું ટેકવી, બીજો હાથ શ્રેયાના કપાળ અને વાળમાં ફેરવવા લાગી. જોકે શ્રેયાને તેમાં કંઈ અજુગતું ન લાગ્યું, પરંતુ હવે ધીરે ધીરે રાગિણી શ્રેયાના દરેક અંગને સહેલાવવા લાગી. શ્રેયા પોતાનો અણગમો વ્યક્ત કરે તે પહેલાં જ રાગિણીએ તેને જકડી લીધી અને તેની પાસે સજાતીય સંબંધની માંગણી મૂકી.
આવી માંગણી સાંભળીને શ્રેયા ખૂબ જ ડઘાઈ ગઈ. તેનું મન-મગજ એકદમ સૂન થઈ ગયાં. રાગિણીએ પોતાની સાથે સંબંધ શા માટે વિકસાવ્યા તે હવે સારી રીતે સમજી ગઈ. તેણે રાગિણીને સ્પષ્ટ ના પાડી દીધી. તેથી રાગિણીએ તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી.
શ્રેયા કોઈ પણ જાતની ધમકીને વશ થયા વગર ઊભી થઈને તરત જ પોતાના ઘરે જતી રહી. બીજા દિવસે શ્રેયા ઓફિસે તો ન આવી, પરંતુ રાગિણીના ટેબલ પર તેનું રાજીનામું પડયું હતું.

Comments