પ્રેમિકા મને લફરાબાજ માને છે!



યૌવનની સમસ્યા - સોક્રેટિસ
સોક્રેટિસજી,
જૂનાગઢ જિલ્લાનો વતની છું. મારું નામ ઈશાન છે. હું દિલ્હીની પ્રતિષ્ઠિત નાટય સંસ્થામાં અભ્યાસ કરી રહ્યો છું. મને નવલકથા વાંચવા-લખવાનો શોખ છે. મારો અભ્યાસ અને સાથે સાથે કરિયર ખૂબ જ સારી રીતે ચાલી રહ્યાં છે, પણ જિંદગી એવા વળાંકે આવીને ઊભી રહી ગઈ છે અને હું અતિ મૂંઝવણ અનુભવી રહ્યો છું. હું અત્યારે હિન્દી સિરિયલોમાં નાની-મોટી ભૂમિકાઓ પણ ભજવી રહ્યો છું અને અભિયન કલાના અભ્યાસ બાદ મારી કરિયર પૂરપાટ વેગે ચાલશે એમાં મને કોઈ શંકા નથી, પણ મારી જિંદગીમાં આવેલી એક છોકરીના મુદ્દે હાલ મારી સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે.
મારી લવસ્ટોરી વિસ્તારપૂર્વક જણાવું તો મારે કેન્દ્રીય વિદ્યાલયમાં કોઈ ને કોઈ કારણસર વારંવાર જવાનું થતું હતું. ત્યાં જ મેં પહેલી વાર હેમાને જોઈ. તેનો સાદગીભર્યો ચહેરો અને વ્યક્તિત્વ મને સ્પર્શી ગયા, એટલું જ નહીં મારા દિલમાં પણ વસી ગયા. જેનો મને ખુદને પણ ખ્યાલ ન રહ્યો. હેમાનો ચહેરો મારો પીછો છોડતો નહોતો. તે મને વારંવાર નજરે ચડવા માંડી. મેં વિચાર્યું ન હોય એવી જગ્યાએ મને તે દેખાવા માંડી. શરૂઆતમાં તો મેં માન્યું કે આ તો સુંદર ચહેરાનું માત્ર આકર્ષણ હશે, જે થોડા દિવસમાં ઓસરી જશે, પણ દિવસો વીતતા ગયા છતાં તે ભુલાતી નહોતી. સમય અને સંજોગોએ સાબિત કરી દીધું કે હું તેના પ્રેમમાં હતો. હેમાને મળવા માટે મારું દિલ તડપવા લાગ્યું હતું. મેં ડાયરીમાં 'હેમાની યાદ'પર રોજ રોજ મારી વ્યથા અને તેના પ્રત્યેના પ્રેમ તથા મનોભાવોની વાતો લખવા માંડી.
હેમા પ્રત્યે બદલાયેલા મારા વર્તન પરથી કદાચ તેને પણ ખ્યાલ આવી ગયો હતો કે હું તેને પસંદ કરું છું અને તેનો પ્રેમ ચાહું છું. પછી તો અમે મળવા લાગ્યાં. મને એવો કોન્ફિડન્શ આવી ગયો કે હું હવે હેમા સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂકીશ તો તે જરૂર સ્વીકારી લેશે. તે ના નહીં પાડી શકે, પણ મારા દિવસો ફર્યા. કયો ગ્રહ આડો ફંટાણો ખબર નથી પણ હેમાને કેટલાક લોકોએ એવી કાનભંભેરણી કરી કે ઈશાન આપણી સ્કૂલની ઘણી છોકરીઓની પાછળ પડયો છે. મારા વિશે તેણે ઘણી આડીઅવળી વાતો સાંભળી. પછી તેણે ધીરે ધીમે મારાથી દૂર રહેવાનું શરૂ કર્યું. તે મારાથી એક અંતર જાળવવા માંડી અને દૂર દૂર થતી ગઈ.
હેમાને સાચી હકીકત જણાવવા અને મારા પ્રેમનો પ્રસ્તાવ રજૂ કરવા માટે મેં ઘણા પ્રયાસો કર્યા, પણ મને એવી તક જ ન મળી. હું જ્યારે પણ હેમા સામે જોઉં છું ત્યારે તે ચહેરા પર એવા હાવભાવ લાવી દે છે કે મને ખ્યાલ આવી જાય છે કે આપણું પત્તું હવે કપાઈ ગયું છે. હું આ બધી વાતો પણ મારી ડાયરીમાં નોંધતો ગયો છું. હું હેમાને કેટલો પ્રેમ કરું છું એ તેને નથી કહી શકતો એટલે પછી ડાયરીમાં તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરીને દિલ હળવું કરી લઉં છું. આજે એ ડાયરીમાં મેં લગભગ ૩૦૦૦ જેટલાં પાનાં લખી નાખ્યાં છે.
હેમાને હું આજે પણ ભૂલી શક્યો નથી. જમતાં, ઊંઘતાં, બેસતાં, ચાલતાં બધે મને હેમાનો જ ભાસ થયા કરે છે. હું તેને અત્યંત ચાહું છું, પણ એ મને સમજવા તૈયાર નથી. હું બસ એક જ વાર તેની સાથે વાત કરીને કહેવા માગું છું કે હું તેને કેટલો ચાહું છું, પણ એ તક આપતી નથી. મેં ફેસબુક પર તેની જૂની ફ્રેન્ડના નામનું ફેક આઈડી બનાવીને પણ તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેને મળવાનું ગોઠવાતું હતું પણ પછી મારાથી રહેવાયું નહીં અને મેં મારી સાચી ઓળખ આપી અને તેણે એ એકાઉન્ટ બ્લોક કરી દીધું.
એ ગાળામાં અભ્યાસ માટે મારે દિલ્હી જવાની તૈયારીઓ ચાલતી હતી. હું ઇચ્છતો હતો કે તેની સાથે મળવાનું ગોઠવાય તો હું ભાવિ જિંદગી માટે કોઈ પ્લાનિંગ કરી શકું. પછી મેં કોઈ છોકરીના નામે તેને એસએમએસ કરીને તેની સાથે વાતો કરવાનું શરૂ કર્યું. તેના જન્મ દિવસના દિવસે મેં તેને વિશ કર્યું. તેણે સામે મેસેજમાં પૂછયું કે તને મારી બર્થ ડે કેવી રીતે ખબર? મેં તો કદી જણાવી જ નથી! અને મારી ચોરી પકડાઈ ગઈ. તે દિવસે તેણે મને બહુ ખખડાવ્યો અને અપમાનજનક ભાષામાં વાત કરી. મને એ વાતનું જરાય દુઃખ નથી, પણ તેણે મને એસએમએસ કરીને એવું કહ્યું કે, “મને હેરાન કરવામાં તમને શું મજા આવે છે?” બસ આ શબ્દો મારા માટે આઘાતજનક હતા. મેં માફી માગી અને મેસેજ કરવાનું બંધ કર્યું.
સોક્રેટિસજી, હું એને કઈ રીતે સમજાવું કે હેરાન તો ખરેખર હું ક્ષણે ક્ષણે થઈ રહ્યો છું. હું દિલ્હી ભણવા પહોંચી ગયો છું છતાં હેમા મને ભુલાતી નથી. તે ચારે દિશામાં મને દેખાતી રહે છે અને મારું ધ્યાન અભ્યાસ કે કામમાં લાગતું નથી. મને એના શબ્દો જ કાનમાં ગુંજ્યા કરે છે. તેના વિના મને મારું જીવન અધૂરું લાગે છે. શું મારા આટલા બધા પ્રેમ ખાતર તે તેની અમૂલ્ય જિંદગીમાંથી બે-પાંચ ક્ષણો મને ન આપી શકે?              
લિ. ઈશાન
પ્રિય ઈશાન,
પ્રેમસંબંધ હોય કે દાંપત્યજીવન, જ્યારે બે પાત્રો વચ્ચે કોઈ કારણસર ગેરસમજ પેદા થાય છે ત્યારે તે સંબંધને કાટ લગાડી દે છે. આ ગેરસમજનો કાટ જો વહેલીતકે દૂર ન કરવામાં આવે તો સંબંધના તમામ તાંતણાને સડી જતાં વાર નથી લાગતી. હેમા તમારા માટે જે માને છે એ ગેરસમજ તેના મનમાંથી દૂર નહીં થાય ત્યાં સુધી તે ક્યારેય તમારા વિશે સારું વિચારી નહીં શકે. ગેરસમજ પેદા થાય એ દર્શાવે છે કે બે વ્યક્તિઓ વચ્ચે પરસ્પર વિશ્વાસનો અભાવ છે.
બંને વ્યક્તિ જ્યારે એકબીજાને પૂર્ણપણે ઓળખી-જાણી ન લે ત્યાં સુધી આવી વિશ્વાસની કમી રહેતી હોય છે. તમારી લાગણી સાચી પણ તમારી વચ્ચેનો સંબંધ એટલો પુખ્ત કે પાકો ક્યારેય નહોતો થયો. આને લીધે જ હેમા બીજા બધાની વાતોમાં આવી ગઈ છે. પ્રેમની બાબતમાં પુરુષ હોય કે સ્ત્રી બધા પઝેસિવ હોય છે. પ્રેમ અને લગ્નમાં પહેલી શરત હોય છે, કમિટમેન્ટ, પ્રતિબદ્ધતા. પોતાનો પ્રેમી કે પ્રેમિકા અથવા પતિ કે પત્નીને બીજી કોઈ વ્યક્તિ સાથે સંબંધ હોય એ વાત બહુ ઓછા લોકો સહન કરી શકતા હોય છે. હેમા પણ તમને પ્રેમ કરવા લાગી હશે એટલે તમારા વિશે આવી વાત સાંભળીને તે નારાજ થઈ હશે. તમારા પર પૂરતો વિશ્વાસ નહીં હોવાથી અથવા તમને સારી રીતે ઓળખતી ન હોવાથી કદાચ તેણે બીજાની કહેલી વાત માની લીધી હશે. કદાચ એવું પણ બન્યું હોય કે તમારી અન્ય છોકરીઓ સાથેની દોસ્તીને કારણે પણ આવી કોઈ ગેરસમજ પેદા થઈ હોય.
હેમાના દિમાગમાંથી તમારે ગેરસમજ દૂર કરવી જોઈએ. હેમા જ્યારે તમારી વાત સાંભળવા તૈયાર નથી ત્યારે તેના મિત્ર કે બહેનપણી થકી જ તમારે તમારા દિલની વાત એના સુધી પહોંચાડવી જોઈએ. એ કોઈ તમને મદદ કરવા તૈયાર ન હોય તો પછી તમારે એની સાથે બીજી ત્રીજી વાતો કરવાને બદલે સીધું અને સટ્ટ તમારા દિલમાં જે કંઈ છે, એ તેને જણાવી દેવું જોઈએ. પત્ર, ઈ-મેલ, એસએમએસ કોઈ પણ માધ્યમથી તમે તમારી વાત તેના સુધી પહોંચાડી શકો છો અને હકારાત્મક પ્રતિભાવની આશા રાખી શકો છો. તમારા પ્રયાસો છતાં પણ હેમા તમારી સાથે કોઈ સંબંધ રાખવા માગતી ન હોય તો પ્રેમ કંઈ પરાણે કરાવાતો નથી. તમારે હેમાને એક દુઃખદ અંતવાળું સુંદર સપનું સમજીને ભૂલી જવી જોઈએ અને તમારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

Comments