હું બળીને રાખ થતો જાઉં છું, તોય તારાં ગીત ગાતો જાઉં છું



 
 
‘હું બીડી પીઉં કે ચિરૂટ પીઉં એમાં તારું શું જાય છે? મારા પૈસાથી ખરીદીને પીઉં છુંને!’ આમ કહીને એણે બીડીનો ધુમાડો મારી દિશામાં ફેંક્યો. એમાંથી મને દલીલ જડી ગઇ, ‘આ જ વાંધો છે મને. બીડી તું પીવે છે, પણ એનો ઝેરી ધુમાડો મારાં ફેફ્સાંમાં પણ જાય છે. તને કેન્સર થાય, પણ તારી સાથે એક જ રૂમમાં રહું એટલે મને પણ આ પેસિવ સ્મોકિંગના કારણે...’

‘દોસ્ત! તારી આ આદત મને ગમતી નથી.’ મેં બની શકે એટલી શાંતિથી કહ્યું. આ મારી રીત હતી.‘કેમ? વળી પાછું શું થયું તને?’ એણે બની શકે એટલી ઉદ્દંડતાથી સામો સવાલ કર્યો. આ એની રીત હતી. ‘એ’ એટલે અનિલ. મારી હોસ્ટેલ લાઈફનો રૂમ પાર્ટનર. મારો સૌથી ગાઢ મિત્ર. મારા હૃદયનું જો ડિસેકશન કરવામાં આવે તો એમાં સૌથી મોટી ચેમ્બરમાં જે એક માત્ર નામ લોહીમાં તરતું વાંચવા મળે તે અનિલનું.‘તું આ બીડીઓ ફૂંકવાનું બંધ કરી દે!’ મારો અવાજ સહેજ ઊંચો થયો.‘હું બીડી પીઉં કે ચિરૂટ પીઉં એમાં તારું શું જાય છે? મારા પૈસાથી ખરીદીને પીઉં છુંને!’ આમ કહીને એણે બીડીનો ધુમાડો મારી દિશામાં ફેંક્યો.

એણે ફેંકેલા ધુમાડામાંથી મને દલીલ જડી ગઇ, ‘આ જ વાંધો છે મને. બીડી તું પીવે છે, પણ એનો ઝેરી ધુમાડો મારાં ફેફ્સાંમાં પણ જાય છે. તને કેન્સર થાય એ તો સમજી શકાય, પણ તારી સાથે એક જ રૂમમાં રહું એટલે મને પણ આ પેસિવ સ્મોકિંગના કારણે...’‘એવું લાગતું હોય તો હું બીડી પીતો હોઉં એટલો સમય તારે રૂમની બહાર નીકળી જવું.’ એણે નફ્ફટાઇપૂર્વક જવાબ આપ્યો. પછી મોટેથી ‘હો-હો’ કરીને હસ્યો. પછી અમે ઝઘડી પડ્યા. અમારી ઘાંટાઘાંટથી હોસ્ટેલનો ઓરડો ધ્રૂજી ઊઠ્યો. હું કોઇ પણ રીતે એની સળગતી બીડી ફેંકી દેવાની જીદ ઉપર અડગ હતો. એ માટે તાર્કિક દલીલો, વાજબી સમજાવટ અને ગેરવાજબી ગુસ્સો કર્યે જતો હતો. જવાબમાં એ આડોડાઇ, ટીખળ અને મોં-માથાં વગરની દલીલો કરવાની સાથે બીડીના લાંબા અને ઊંડા કશ ખેંચ્યે જતો હતો.

છેવટે હું જીત્યો, પણ ત્યાં સુધીમાં એણે બીડી પૂરી કરી નાખી હતી. બચેલું ઠુંઠું બુઝાવી દઈને એણે બારીની બહાર ફેંકી દીધું. પછી મારી સામે લુચ્ચું હાસ્ય ફેંકીને એ બોલ્યો, ‘બસ? તારું કહેવું માની લીધું ને? મેં બીડી ફેંકી દીધી, તું પણ હવે ગુસ્સો થૂંકી નાખ! ચાલ, કેન્ટીનમાં જઈને ચા પી આવીએ.’ધૂમ્રપાન પ્રત્યે મને વેર છે, સૂગ છે, નફરત છે. સિનેમાના પડદા ઉપર પણ ધુમાડો છોડતો કોઇ દિગ્ગજ અભિનેતા પણ મને ગમતો નથી. જ્યારે મારી પાસે કાર ન હતી અને હું બસમાં બેસીને મુસાફરી કરતો હતો, ત્યારે દરેક વખતે મારે અચૂક આ બાબત કોઈ ને કોઈ પેસેન્જરની સાથે ઉગ્ર ઝઘડો થઈ જ જતો હતો. સિગારેટ પીતો પેસેન્જર જો મારી વિનંતી કે સમજાવટથી ન માને તો હું બસના કન્ડકટરને અને ડ્રાઈવરને ફરિયાદ કરતો.

મોટા ભાગે તો ડ્રાઈવર- કન્ડકટરના મોઢામાં પણ બીડી જલતી હોય! કેટલીયે વાર મેં એસ.ટી.ની બસને પોલીસ સ્ટેશન સુધી લઈ જવાની ફરજ પાડેલી છે. દર વખતે મને આ વાક્ય અચૂક સાંભળવા મળતું હતું: ‘ધૂમ્રપાનનો જો તમને આટલો બધો વાંધો હોય તો બસમાં શા માટે મુસાફરી કરો છો? પોતાની ગાડી લઈને નીકળોને!’આપણા ‘મહાન’ ગણાતા ભારતની આ સૌથી ‘મહાન’ નાલાયકી છે. કાયદાનો ભંગ એ લોકો કરે અને એમાંથી બચવું હોય તો ગાડી મારે ખરીદવાની! એની વે, છેલ્લાં ત્રેવીસ વર્ષથી હું એક પણ વાર બસમાં બેઠો નથી એનું કારણ આ બીડીમાતા અને ધૂમ્રદેવતા છે. અનિલે કહ્યું ને હું તરત માની ગયો. યુદ્ધવિરામ અમલમાં આવી ગયો. અમે કેન્ટીનમાં જઈને ચા પીધી.

મેં સ્મોકિંગથી થતા નુકસાન વિષે ટૂંકું પણ જોરદાર ભાષણ એની ખોપરીમાં ખીલા ઠોકતો હોઉં એમ ઠોકી દીધું. એ જોર જોરથી સબડકાનો અવાજ સંભળાય તે રીતે ચા પીતો રહ્યો. મેં આખરી શસ્ત્ર અજમાવ્યું, ‘મારે તને બીડી-સિગારેટથી થતાં શારીરિક નુકસાનની વાત નથી કરવી. એ બધું તો તુંયે જાણે છે, પણ એટલું તો વિચાર કે એનાથી તને આર્થિક નુકસાન કેટલું થાય છે!’‘હું ક્યાં ચેઇન સ્મોકર છું. આખા દિવસમાં માંડ ચાર-પાંચ બીડીઓ...’‘ચાર-પાંચ તો ચાર-પાંચ! એય મફતમાં થોડી મળે છે?’‘તારી વાત સાચી છે. જા, આજથી પૈસા ખર્ચીને બીડી પીવાનું બંધ! હવે તું રાજી?’ આટલું બોલીને એ ઊભો થયો. હું પણ.

કાઉન્ટર પાસે જઈને અમે ચાના પૈસા ચૂકવ્યા. અનિલે કેન્ટીનના મેનેજરના ખિસ્સા તરફ હાથ લંબાવ્યો. પેલાના શર્ટના ખિસ્સામાં સિગારેટનું પેકેટ પડેલું હતું, એમાંથી એક અનિલે કાઢી લીધી. ‘થેન્ક યુ’ બોલીને નીકળી ગયો. રૂમમાં પાછા ફર્યા પછી પાંચ મિનિટ સુધી એની સિગારેટ બળતી રહી અને પાંચ કલાક સુધી હું ધૂંધવાતો રહ્યો.અનિલ પાસે એક જ જવાબ હતો, ‘તું આર્થિક નુકસાનની વાત કરતો’તો ને? લે, આ સિગારેટ માટે મેં એક પૈસોયે ખચ્ર્યો નથી.’જોકે આવું માંડ બે-ચાર દિવસ સુધી ચાલ્યું. ફરી પાછો અનિલ બીડી ઉપર ચડી ગયો. મેં પૂછ્યું નહીં, પણ મારી આગઝરતી નજરને પામી જઈને એણે ખુલાસો રજૂ કર્યો, ‘સિગારેટમાં સાલી મજા નથી આવતી. એમાં ફિલ્ટરને કારણે તમાકુનો ‘કશ’ ફિક્કો પડી જાય છે. તેજ ધુમાડાની મજા માણવી હોય તો આ ખાખી બીડીનો કોઇ વિકલ્પ નથી.’

અંતે કંટાળીને એક દિવસ મેં એને ‘અલ્ટિમેટમ’ આપી દીધું, ‘જો મારા રૂમ પાર્ટનર તરીકે રહેવું હોય તો કમસે કમ રૂમમાં બીડી પીવાનું બંધ કરવું પડશે. મારાથી આ તમાકુની વાસ અને ધુમાડાનો ત્રાસ સહન થતાં નથી.’એ ગંભીર બની ગયો, ‘જા, આજથી વચન આપું છું કે બીડીને હાથ પણ નહીં લગાડું!’બીજા દિવસે હું બહારથી આવ્યો. રૂમમાં દાખલ થયો. એ સાથે જ મારું નાક તમાકુની તીવ્ર દુર્ગંધથી ભરાઈ ગયું. એ સમજી ગયો, તરત બોલી પડ્યો, ‘પેલો છવ્વીસ નંબરવાળો મોદી આપણા રૂમમાં આવ્યો હતો. એના મોઢામાં સિગારેટ હતી. આ ધુમાડાની વાસ એની છે.’ મેં સ્વીકારી લીધું. એ વખતે મેડિકલ સ્ટુડન્ટ્સમાંથી પંચ્યાશી ટકા જેટલા ધૂમ્રપાનના બંધાણી હતા.

પછી હું પાણીના માટલા તરફ વળ્યો. ગ્લાસ ભરીને હોઠે અડાડ્યો. ભયંકર વાસથી મારું માથુ ફાટી ગયું. હું સમજી ગયો કે બીડી અનિલે જ પીધી હતી. છવ્વીસ નંબરની રૂમવાળો મોદી અમારી રૂમમાં પાણી પીવા માટે ન જ આવે. અને આવે તો પણ ગ્લાસ હોઠે માંડીને તો પાણી ન જ પીવે. આ ટેવ પણ અનિલને જ હતી.બસ, થઇ રહ્યું. અમારી દોસ્તીના કોફિનમાં આ છેલ્લો ખિલ્લો હતો. મેં અનિલની સાથે અબોલા લઇ લીધા. લગભગ આઠ-દસ મહિના સુધી એની સાથે વાત સુધ્ધાં ન કરી. જો એની જગ્યાએ બીજો કોઈ મિત્ર હોત તો આજે પણ હું વાત ન કરતો હોત.

પણ મેં કહ્યુંને કે મારા હૃદયનું જો ડિસેકશન કરવામાં આવે તો એની સૌથી મુખ્ય ચેમ્બરમાં એક જ નામ લોહીમાં તરતું દેખાશે! સાવ જાંગડ માણસ! મને કેવી વાહિયાત દલીલથી એણે મનાવી લીધો? ‘વચનનો ભંગ કર્યો એમાં તું આટલો બધો નારાજ થઈ ગયો? હું ક્યાં મહારાણા પ્રતાપ છું કે આપેલું વચન મારે પાળવું જ પડે? જવા દેને એ બધાં ચોખલિયાવેડાં! ચાલ, આદમની કેન્ટીનમાં...’આજે અમારી દોસ્તીને ચાલીસમું વરસ બેઠું. એ હજુયે બીડી ફૂંકે છે. એનું ખાનગી નર્સિંગ હોમ છે. પત્ની ડોક્ટર છે. બે દીકરાઓ ડોક્ટર થઈ ગયા છે. હું ક્યારેક એના શહેરમાં જઇ ચડું છું. કલાક-બે કલાક રોકાઉં છું.

એમાંથી દસેક મિનિટ દર વખતે એને સમજાવવા પાછળ કાઢું છું, ‘ભાઈ, બીડી પીવાનું છોડી દે! તારા ફાધરની સ્થિતિ કેવી થઈ એ તું જાણે છે ને!’આવું બોલતી વખતે મને દુ:ખ થાય છે. અનિલના પિતાજી શ્રમજીવી હતા, ધૂમ્રપાન કરતા હતા. એમને કેન્સર થયું હતું. ઓપરેશન કરાવવું પડ્યું. ખૂબ પીડા વેઠીને આખરે એ ચાલ્યા ગયા. હું અનિલને લાગણીના સ્તર પર લઇ જવાનો પ્રયાસ કરું છું. એ હસે છે, ‘જો, ભાઇ! એટલું સમજી લે કે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્વિત છે. અને મારા બાપા કંઈ નાની ઉંમરે નથી ગયા. એ મોજથી જીવ્યા ને પછી મોટી ઉંમરે આથમી ગયા. કેન્સર તો એક નિમિત્ત હતું.

બાકી બીજા રોગથી મૃત્યુ પામ્યા હોત. ચાલ, તું મારી એક વાતનો જવાબ દે! તે પોતે તો ક્યારેય બીડી-સિગારેટ-તમાકુને હાથ નથી લગાડ્યો ને? તું ગેરંટી સાથે કહી શકે છે કે તને કેન્સર નહીં જ થાય? અથવા તો તું સો વર્ષ સુધી જીવતો રહીશ એવું છાતી ઠોકીને કહી શકે છે?’ હું ચૂપ થઈ જાઉં છું. આવી દલીલ જો બીજા કોઇએ કરી હોત તો...!પણ શું થાય? અનિલ એક એવું નામ છે જે મારા હૃદયના એક ખાનામાં સચવાયેલું છે. મને ખબર છે એ બીડીને નથી છોડવાનો, એને ખબર છે કે હું એને નથી છોડી દેવાનો!

Comments