ખેતી આપણું જીવન છે. આ ધરતીમાતા અને ખેતી થકી આપણું ગુજરાન ચાલે છે. તું પણ ખેતરે આવતો જતો રહે. એક નાનકડા ગામમાં બે દીકરા સાથે ખેડૂતનો પરિવાર રહે. મોટા દીકરાનું નામ રૂડો અને નાના દીકરાનું નામ લાખો હતું. ખેડૂત પિતા વૃદ્ધ હોવા છતાં અડીખમ હતા. તેઓ રોજ પોતાના ખેતરમાં તનતોડ મહેનત કરતા. મોટો દીકરો રૂડો પિતા સાથે ખભેખભા મિલાવીને કામ કરતો અને પિતાને કામમાં પૂરેપૂરો સહકાર આપતો. જ્યારે નાનો દીકરો લાખો આળસુ. મહેનત-મજૂરીથી કાયમ દૂર ભાગતો. ખેતરનું કામ તેને કાળી મજૂરી સમાન લાગતું એટલે ખેતરે જતો નહીં.
એકવાર પિતાએ વાળુ કરીને નિરાંતે લાખાને પાસે બોલાવ્યો. તેને સમજાવ્યો કે, ‘જો દીકરા આપણે ધરતીપુત્રો કહેવાઇએ એટલે ખેતી એ આપણું જીવન છે. આ ધરતીમાતા અને ખેતી થકી આપણું ગુજરાન ચાલે છે. તેથી તું પણ ખેતરે આવતો જતો રહે. થોડી મહેનત કર તો તને જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે. આપણા ખેતરની જમીન ફળદ્રુપ છે. તેથી આપણે ભેગા મળીને ખેતરમાં જોઇએ તેવો પાક લઇ શકીએ. આમેય હવે હું કેટલા દિવસ? તેથી મારા જીવતા રૂડો અને તું સમૃદ્ધ થઇ જાવ એવી મારી ઇચ્છા છે.’ લાખાને વૃદ્ધ પિતાની વાત ગળે ઉતરી નહીં. એને તો મહેનત કર્યા વગર જ પૈસાવાળા બનવું હતું. તેણે પિતાની શિખામણ ધ્યાનમાં લીધી નહીં. એક દિવસ લાખાના મનમાં વિચાર આવ્યો કે, ‘હું આ ગામમાં રહું તો મારે ખેતરે મજૂરી કરવી પડે ને!’ તેના આળસુ સ્વભાવે ગામ છોડી શહેરમાં જવાનો રસ્તો વિચાર લીધો.
એક દિવસ લાખાએ હિંમત કરીને પિતાને જણાવ્યું, ‘જુઓ બાપુજી, આ ગામમાં આપણા ખેતર સિવાય બીજી કોઇ આવક નથી. તેથી મારી ઇચ્છા છે કે હું આ ગામ છોડીને શહેરમાં જઇને રૂપિયા કમાઉં.’ લાખાની આવી વાતથી પિતાને ધ્રાસકો પડ્યો, પણ તેમણે શાંતિથી લાખાને સમજાવ્યું, ‘જો દીકરા, તું ભલે ગામ છોડીને શહેરમાં જાય, પણ ગામ જેવું સુખ તને બીજે ક્યાંય નહીં મળે. તેથી મારુ માન કે ભલું આપણું ગામ ને રૂડું આપણું ખેતર છે.’ લાખાને તો શહેરમાં જવાનું ભૂત સવાર થઇ ગયેલું. તેથી પિતાની વાત માની નહીં અને શહેર ભણી રવાના થયો. લાખો હવે માતા-પિતા અને ભાઇને છોડીને મોટા શહેરમાં પહોંચ્યો. શહેરની ઝગમગાટવાળી રંગીન દુનિયાથી લાખો અંજાઇ ગયો અને હવે શહેરમાં જ વસવાનો વિચાર કરી લીધો, પણ આટલા મોટા શહેરમાં તેને ઓળખે કોણ? અને રાખે કોણ? પણ તેણે તરત જ વિચારી લીધું કે આ દુનિયામાં ધર્મના નામે બધાને ઠગી શકાય છે તેથી તેણે કુટિલ નીતિથી ધર્મના નામે ધતિંગ કરવાનું વિચારી લીધું. એક દિવસ લાખો એક ધાર્મિક સંસ્થામાં પહોંચી ગયો. માનવસેવા આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.
લાખો આ સંસ્થામાં ઉપરછલ્લો વિનયભાવ દર્શાવીને દાખલ થઇ ગયો. એક મકાન ભાડે રાખીને લાખો રહેવા લાગ્યો અને પાખંડ કરીને લોકોને પ્રભાવિત કરવાનું શરૂ કરી દીધું. સંસ્થામાં પણ પોતે જ્ઞાની છે તેવી છાપ પાડવા માટે પોતાનો સ્વભાવ અંદરથી અને બહારથી બદલી નાખ્યો. કુદરતી આફતો કે અન્ય મુશ્કેલીઓમાં લોકોને મદદ કરવા આ સંસ્થાના અન્ય સભ્ય પહોંચી જતા, પણ લાખો તો આળસુ હતો. તેથી ગમે તે બહાનું કાઢીને છટકી જતો.
આ બાજુ લાખાના ગયા પછી રૂડો અને તેના પિતા તનતોડ મહેનત કરીને ખેતર ખેડીને વધુ સમૃદ્ધ બની ગયા હતા. અહીં શહેરમાં આવીને લાખાને તો એક સાંધતા તેર તૂટે એવી પરિસ્થિતિ આવવા લાગી. તેથી તે એક ખાનગી કંપનીમાં નોકરી કરવા લાગ્યો. અહીં પણ તેના આળસના ગુણથી કામ ઓછું ને દેખાવો વધુ કરે અને ધર્મના નામે બનાવટ કરવા લાગ્યો. તે ચાલુ નોકરીમાં જ ક્યારેક ઊંઘી જતો અને કોઇ જુએ તો ઊભા થઇને જણાવતો કે હું ભગવાનના ધ્યાનમાં હતો અને બનાવટ કરતો. સાહેબ આવે ત્યારે આગળ આગળ ફરીને અને પોતે જ વધુ કામ કરે છે તેવા દેખાવો કરતો પણ ખોટું ક્યાં સુધી ચાલે! ધીરે ધીરે લાખાની બનાવટ અને પાખંડની લોકોને ખબર પડી ગઇ.
લોકો જાણી ગયા કે લાખો ઢોંગી અને કામચોર છે. બન્યું એવું કે ગામડામાં જમીન અને ખેતરના ભાવ એકાએક વધી ગયા. ઘણા ખેડૂતો પોતાના ખેતર વેચીને રાતોરાત પૈસાદાર બની ગયા. તેવી વાત લાખાને જાણવા મળી. લાખો આમેય હવે ચોમેર પોતાના દંભ-પાખંડથી પંકાઇ ગયેલો. તેને પોતાનેય ખબર પડી ગઇ કે તેની આ ઢોંગી ભક્તિ લાંબો સમય ચાલશે નહીં. શહેરના ખર્ચાથી પણ તે તંગ આવી ગયેલો. તેથી શહેર છોડીને પાછા પોતાના ગામ જતા રહેવાનું તેણે વિચાર્યું. રાત્રે લાખાને ઊંઘ આવી નહીં અને પોતાનું ગામ તેને ખૂબ જ યાદ આવ્યું. ગામડે કેવા ખુલ્લા અને શુદ્ધ વાતાવરણમાં જીવતો! ચોખ્ખા હવા-પાણી તાજાં શાકભાજી, દૂધ, છાશ ખાવા મળતાં. તેને ખૂબ પસ્તાવો થયો. શહેરના ભાગદોડ અને ઘોંઘાટવાળા જીવનથી કંટાળી ગયો.
તેથી તેણે પોતાના વતન પાછા જવાનું મુનાસીબ માન્યું અને મહેનત કરીને કમાણી કરવાનું દ્રઢપણે વિચારી લીધું.લાખો શહેરમાંથી પાછો પોતાના ગામ ફર્યો અને પોતાના પિતા અને ભાઇને પસ્તાવા સાથે પોતાની આપવીતી સંભળાવી. પિતાએ કહ્યું, ‘જોયું દીકરા, મેં તને પહેલાં જ સમજાવેલું કે ‘ભલું આપણું ગામ’ ગામમાં જે જીવવાની મજા છે તે શહેરમાં નથી.’ લાખાને આ વાત બરાબર સમજાઇ ગઇ. તે ખેતરના કામમાં જોડાઇ ગયો અને ત્રણેય બાપ દીકરાએ મહેનત કરી ખેતરમાં સોના જેવો મબલખ પાક ઉતાર્યો અને તેના મળેલા રૂપિયામાંથ બંને દીકરાને ટ્રેકટર અને પાકા મકાન બનાવી આપ્યાં અને પ્રતિ વર્ષ ખેતરથી આવક વધતાં બીજી જમીન પણ રાખી લાખો રૂપિયાની કિંમત મળવા છતાં ખેડૂતે પોતાનું ખેતર વેચ્યું નહીં અને આ ખેડૂત પરિવાર ફરીથી હળીમળીને સુખેથી જીવવા લાગ્યા.શહેરના ભાગદોડવાળા જીવન કરતાં ગામડાનું શાંતભિર્યું જીવન વધુ સારું.
Comments
Post a Comment
Thanx For Comment