ડ્રાઇવરનો ઇમોશનલ અત્યાચાર



યૌવનની સમસ્યા - સોક્રેટિસ
સોક્રેટિસજી,
હુંએક સમૃદ્ધ અને સવર્ણ ગણાતી જ્ઞાતિના પરિવારની સભ્ય છું. મારી ઉંમર ૨૪ વર્ષની છે અને મારું નામ પ્રતીક્ષા છે. મેં એમએસસી સુધીનો અભ્યાસ કરેલો છે. હવે સમસ્યાની માંડીને વાત કરું. આજથી ચાર વર્ષ પહેલાં હું બારમા ધોરણમાં ભણતી હતી ત્યારે મારા પપ્પાએ કરણ કરીને એક યુવાન છોકરાને ડ્રાઇવર તરીકે રાખ્યો. કરણ માત્ર પાંચ ધોરણ સુધી જ ભણેલો હતો. કરણે એક વાર મને પ્રપોઝ કર્યું અને કહ્યું કે એ મને ખૂબ જ પ્રેમ કરે છે. મેં તેના પ્રેમનો સ્વીકાર કરી લીધો. પછી કોઈ ને કોઈ બહાને અમે એકલા ગાડીમાં જતાં અને મોજ-મસ્તી કરતાં.
ધીમે ધીમે અમારી વચ્ચેનો પ્રેમ-સંબંધ ગાઢ બનતો ગયો. એ સમયગાળામાં એનાં લગ્ન પણ થઈ ગયાં. કરણે મને કહ્યું કે હું તો તારી જોડે જ પ્રેમ કરીશ. આ લગ્ન તો મેં ખાલી મારા સમાજ માટે જ કર્યાં છે. તેણે મને એમ પણ સમજાવી કે આ લગ્ન તેણે મજબૂરીને કારણે કરવા પડયાં છે. તેણે આજ સુધી મારી પાસે કોઈ વાત છુપાવી નથી. ધીમે ધીમે અમારો પ્રેમ બધી રીતે વધતો જ ગયો.
એક દિવસ મારા ઘરના લોકોને અમારી વચ્ચેના સંબંધની ખબર પડી ગઈ. તેમણે મને કરણની સાથે સંબંધો કાપી નાખીને તેને ભૂલી જવા કહ્યું. જોકે, અમારી વચ્ચે સંપર્ક ચાલુ જ હતા. એ વાતને આજે બે વર્ષ થઈ ચૂક્યાં છે. એક વર્ષથી મેં તેની સાથે મારા બધા કોન્ટેક્ટ ઓછા કરી નાખ્યા છે. મને હવે લાગે છે કે મેં મોટી ભૂલ કરી નાખી હતી. કરણની પત્ની અત્યારે પણ તેની સાથે જ રહે છે. મને વારંવાર એવું લાગ્યા કરે છે કે મારાથી તેની પત્નીની જિંદગી બગડી ગઈ છે. એટલે મેં સમજીને જ કરણ સાથેના વ્યવહારો ઓછા કરી દીધા. વચ્ચે એક વાર કરણ મને અચાનક મળી ગયો અને મને કહ્યું કે હું તારા વિના જીવી નહીં શકું. મારી સાથે લગ્ન કર. એણે મને કહ્યું કે હું તેની સાથે લગ્ન નહીં કરું તો એ મરી જશે. તેણે મને એમ પણ કહ્યું કે તેને તેની પત્ની સાથે આજ સુધી કોઈ સંબંધો નથી.
કરણ હવે જીદે ચડયો છે. તે કહે છે કે હવે મરું તોપણ તારી સાથે અને જીવું તોપણ તારી સાથે. તે કહે છે કે એ મને દિલોજાનથી ચાહે છે, સાચો પ્રેમ કરે છે. હવે મને સમજાતું નથી કે હું શું કરું? એક બાજુ કરણનો પ્રેમ છે તો બીજી બાજું મારાં મમ્મી-પપ્પા છે. મારાં મમ્મી-પપ્પાને અમારા સંબંધોની જાણ થયા પછી પણ તેમણે મારા પર કદી કોઈ બંધનો નાખ્યાં નથી. તેમણે મને મારી મરજી મુજબ જીવવા તમામ આઝાદી આપી છે. અન્યનાં મમ્મી-પપ્પાની જેમ મને ક્યાંય પણ જવામાં કોઈ રોકટોક કરી નથી કે મારો મોબાઇલ ફોન બંધ કરી દીધો નથી. મારે કરણની સાથે જવું જોઈએ કે મમ્મી-પપ્પાની વાત માનીને એમને ગમતા છોકરા સાથે લગ્ન કરું? મારા ઘરમાં હવે મારા માટે છોકરાઓ જોવાનું શરૂ થઈ ચૂક્યું છે. હું શું કરું, મને કંઈ સમજાતું નથી. હું બીજા કોઈ સાથે મારી મૂંઝવણ વ્યક્ત કરી શકું તેમ નથી. ક્યારેક લાગણીઓમાં તણાઈ જાઉં છું તો થાય છે કે કરણ પાસે પહોંચી જાવ તો બીજી તરફ મારી સમજણ અને બુદ્ધિ કહે છે કે મમ્મી-પપ્પા કહે છે તેમ કોઈ સારા છોકરા સાથે લગ્ન કરી લઉં. એકાદ વર્ષમાં બધું સેટ થઈ જશે. બીજી મહત્ત્વની વાત એ છે કે કરણે હજુ તેની પત્ની સાથે છૂટાછેડા લીધા નથી. કરણના ઘરમાં અમારા સંબંધ અંગે કોઈ ખબર નથી. કરણ મને એક વાર કહેતો હતો કે અમારા સમાજમાં છૂટાછેડા માટે બહુ રૂપિયા આપવા પડે છે. તું તારા પપ્પાના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લાવજે પછી આપણું સેટિંગ થઈ જશે. કરણ ભૂતકાળમાં ઘણી વાર મારી પાસે પૈસા માગતો હતો. મેં તેને આપ્યા પણ હતા, પણ હવે શું કરું? મને આ સ્થિતિમાં કંઈ સમજાતું નથી તો યોગ્ય દિશા બતાવશો.         
લિ. પ્રતીક્ષા
પ્રિય પ્રતીક્ષા,
તમારી આખી સમસ્યા વાંચીને એક જ લીટીનો જવાબ આપવાનો હોય તો એટલું જ કહેવાનું રહે કે - તમે નાદાની કરી છે, પણ હવે મૂર્ખામી ન કરતાં! જિંદગીનાં કેટલાંક વર્ષો બહુ લપસણાં હોય છે. એ ગાળામાં ભાગ્યે જ કોઈ પડયા વિના રહેતું હોય છે. કહેવાય છે કે સ્ત્રી દિલથી વિચારે છે અને પુરુષ દિમાગથી. બધા માટે કદાચ આ વાત સાચી ન હોય પણ તમારા કિસ્સામાં તો સાચી સાબિત થઈ છે. તમે સ્ત્રી તરીકે કરણ વિશે જે કંઈ વિચારતા આવ્યા છો, એ દિલથી વિચારેલું છે, પણ સામે કરણે તો તમારી સાથેના સંબંધમાં દિલને બદલે દિમાગનો જ વધારે ઉપયોગ કર્યો હશે, એવું તમારી વાત પરથી સમજાય છે. કરણે તમને સાચા હ્ય્દયથી પ્રેમ કર્યો હશે કે નહીં, એ બાબતે અમને તો ભારોભાર શંકા લાગે છે. તમારી સાથે પ્રેમ હોય તો પછી તેણે શા માટે બીજી કોઈ યુવતી સાથે લગ્ન કરવાં જ જોઈએ? અને જો એને ખબર જ હોય કે પોતાના સમાજને કારણે એ મરજી મુજબની જગ્યાએ લગ્ન કરી શકવાનો નથી તો પછી તેણે તમારી સાથે પ્રેમના નામે નાટક કરવું ન જોઈએ. કરણ તમને છેતરી રહ્યો છે, એ વાત તે તમારી પાસે પૈસા માગી રહ્યો છે, તેના પરથી વધુ દૃઢ થાય છે. કરણ નોકરી કરી રહ્યો છે, તેની પાસે પણ કોઈ નાની-મોટી મિલકત હશે જ છતાં પણ તે છૂટાછેડા માટે જરૂરી રૂપિયા તમારી પાસેથી કઢાવવાની વાત કરે છે. અમને તો લાગે છે કે તે તમારા રૂપિયા ચાઉં કરી જવા માગે છે. એટલે તમે જો એની વાતમાં આવી જશો તો તે તમને ચોક્કસ ફસાવી દેશે અને તમારા રૂપિયા લીધા પછી તમને રઝળતાં મૂકી દેશે. તમારી જેવી સ્થિતિમાં મુકાયેલી કોઈ પણ સમજદાર યુવતી કરણની શેતાનીને સમજીને તેને પડતો જ મૂકી દે.
કરણ તમારી જિંદગીમાં એવા સમયે આવ્યો જ્યારે તમે નાદાન હતાં, કાચી વયનાં હતાં. ૧૬-૧૭ વર્ષની યુવતીની સમજ ઓછી હોય અને વિજાતીય આકર્ષણ વધુ હોય છે. આવા સમયે પ્રેમના નામે તેઓ જલદી કોઈની વાતમાં આવી જતી હોય છે અને ભવિષ્યનું લાંબું વિચારતી હોતી નથી. તમે કરણ કરતાં વધારે ભણેલાં, આર્થિક-સામાજિક રીતે વધારે સમૃદ્ધ હોવા છતાં તમે તેની વાતોમાં ભોળવાઈ ગયાં. જ્ઞાતિની વાત જવા દઈએ તોપણ તમે એ પણ ન વિચાર્યું કે તમે સાયન્સનું ભણીને ડોક્ટર કે એન્જિનિયર થવાના રસ્તે હતાં અને કરણ એક મામૂલી ડ્રાઇવર હતો. પણ અમુક ઉંમરે દિલ કોઈ વાત સમજવા તૈયાર હોતું નથી. તમારી નાદાનિયતમાં તમે ભૂલ કરી બેઠાં છો, પણ હવે બીજી કોઈ મૂર્ખામીરૂપી ભૂલ કરશો નહીં.
તમે તમારાં મમ્મી-પપ્પા વિશે જે કંઈ લખ્યું છે, તેના પરથી લાગે છે કે તેમણે તમારા પર કોઈ પ્રતિબંધ નહીં લાદીને, તમારો નિર્ણય જાતે લેવાની સ્વતંત્રતા આપીને બહુ પરિપકવતા અને તમારા પ્રત્યેના અતિવિશ્વાસનું પ્રદર્શન કર્યું છે. તેઓ તમારા માટે ભલું જ વિચારવાનાં, ત્યારે તમારે કરણની વાત માનવા કરતાં તમારાં મમ્મી-પપ્પાની વાત જ માનવી જોઈએ. ભૂતકાળની ભૂલનો મન પર ભાર નહીં રાખીને નવી જિંદગીને સમજદારીપૂર્વક માણવાની તૈયારી કરવી જોઈએ. બની શકે કે તમારા નક્કર નિર્ણય પછી કરણ તમને ઇમોશનલી દબાણ કે પછી બ્લેકમેઇલ કરવાની પણ કોશિશ કરી શકે છે. છતાં તમે મક્કમ રહેજો. તમારાં મમ્મી-પપ્પાને તમામે તમામ વાતથી વાકેફ રાખજો અને તેમના તમારા પરના વિશ્વાસને સાચો પાડજો.

Comments