ડૉ.શરદ ઠાકર: 'આવ, મને પ્રેમ કર, મંત્ર! આજે તું મને...’



 
'બહુ જ મોડું થઇ ગયું છે આવ તું, ચાહનાની વૈભવી પળ લાવ તું'

‘મંત્ર, બત્તી શા માટે ચાલુ કરી? આજની રાત મને ઝીરો બલ્બની આછી રોશની જ ફાવશે. આવ, મને પ્રેમ કર, મંત્ર! આજે તું મને...’ આટલું કહીને મિત્રાએ કામોત્તેજક આક્રમણ કર્યું. એ મંત્રને વળગી પડી. એના જોબનવંતા દેહમાંથી મોગરાના પર્ફ્યૂમની માદક મહેક આવી રહી હતી.

લેકચર પૂરું થયું. પ્રો. મધુકર કલાસરૂમમાંથી બહાર નીકળતી વખતે એક બેન્ચ પાસે જરીક અટક્યા. એક સોહામણા વિદ્યાર્થી તરફ જોઇને બોલ્યા, ‘મંત્ર, આવને મારી સાથે! મારે તારી સાથે વાત કરવી છે.’

મંત્ર ત્રીજા વર્ષનો તેજસ્વી વિદ્યાર્થી હતો. આખી કોલેજમાં એની હોશિયારી અને સતત બબ્બે વર્ષથી એને મળતા રહેલા ગોલ્ડ મેડલ્સના કારણે એ જાણીતો હતો. પ્રો. મધુકરનો એ માનીતો હતો.

‘યસ, સર!’ લોબીમાં જઇને એ વિનયપૂર્વક સાહેબના શબ્દો માટે કાન ધરીને ઊભો રહ્યો.

‘મંત્ર, એક નાની સમસ્યા ઊભી થઇ છે. હું અને મિત્રાની મમ્મી આજે રાતની ટ્રેનમાં અમદાવાદ જઇ રહ્યાં છીએ. મિત્રાને મૂકીને જવું પડે તેમ છે. તું તો જાણે છે કે મારો બંગલો શહેરથી દૂર અને પ્રમાણમાં નર્જિન જગ્યાએ આવેલો છે. જુવાન છોકરી અને પાછી એકલી! મનમાં જરા ફડકો થયા કરે છે.’

‘તો એવું કરોને, સર, મિત્રાને આજની રાત પૂરતી આપણી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં મોકલી આપો!’ મંત્રે મારગ સુઝાડ્યો.

‘તને એવું લાગે છે કે આ વિચાર મારા મનમાં નહીં આવ્યો હોય? પણ એમ કરવું હિતાવહ નથી. પારકી છોકરીને પણ જોખમમાં મૂકવાની આ વાત કહેવાય. શહેરમાં એવું કોઇ વિશ્વાસપાત્ર સગું પણ નથી જેને રાતવાસા માટે કહી શકાય.’ પ્રો. મધુકરના ચહેરા પર ચિંતાના ચાસ પડેલા જોઇ શકાતા હતા. એ ઝડપથી કશુંક વિચારી રહ્યા હતા. અચાનક એમણે ચપટી વગાડી, ‘વ્હાય ડોન્ટ યુ ડુ વન થિંગ ફોર મી? આજની રાત તું હોસ્ટેલને બદલે મારા બંગલે સૂવા માટે આવી જજે. ગર્લ્સ હોસ્ટેલમાંથી મિત્રાની એકાદ બહેનપણીને પણ બોલાવી લઇશું. ત્રણેય જણાં સાથે જ જમજો. આવતીકાલે સાંજ સુધીમાં તો અમે પાછા આવી જઇશું.’

‘ભલે, સર! હું સાંજ પડતાં સુધીમાં પહોંચી જઇશ. તમે મિત્રાની અને મકાનની સહેજ પણ ચિંતા ન કરતા. હું બંનેનું ધ્યાન રાખીશ.’ મંત્રે ખોંખારીને વચન આપ્યું. પ્રો. મધુકરે હસીને એનો ખભો દબાવ્યો. પછી એ બીજા કલાસમાં લેકચર લેવા માટે ચાલ્યા ગયા.

મંત્રે સાચું જ કહ્યું હતું. ધ્યાન એકલી મિત્રાનું જ રાખવાનું ન હતું, મકાનનું પણ રાખવું પડે તેમ હતું. ઉનાળાના દિવસો હતા. દુષ્કાળ અને મોંઘવારીના કારણે એ વિસ્તારમાં હમણાંથી ઘરફોડ ચોરીઓનો ઉપદ્રવ વધી ગયો હતો. એટલે જ મિત્રા ભરેલો બંગલો રેઢો મૂકીને ગર્લ્સ હોસ્ટેલમાં સૂવા માટે જઇ શકે તેમ ન હતી. પ્રો. મધુકરે વિચારેલી વ્યવસ્થા બધી જ રીતે યોગ્ય હતી.

મંત્ર ચારિત્રયવાન, ભરોસેમંદ અને તેજસ્વી યુવાન હતો. વળી બાજુના ગામડાનો હોવાથી શરીરે ખડતલ પણ હતો. એ એકલો જ ચાર-પાંચ જણાંને ભારે પડે તેવો હતો. બંગલાના રક્ષણ માટે મંત્ર પૂરતો હતો અને ગમે તેવો તોયે એ પુરુષ કહેવાય, માટે એનાથી મિત્રાની રક્ષા માટે બીજી કોઇ છોકરીની હાજરી પૂરતી હતી. આગ અને ઘીને એકાંતમાં સાથે રાખવામાં જોખમ હોય છે એટલું તો દરેક જુવાન દીકરીનો પિતા જાણતો જ હોય છે.

રાત્રે આઠેક વાગ્યે એક કેરી બેગમાં નાઇટડ્રેસ, ટોવેલ અને સવારના માટેનું ટૂથબ્રશ-ઊલિયું લઇને મંત્ર પ્રો. મુધકરના બંગલે પહોંચી ગયો. મિત્રાએ એને ઉમળકાથી આવકાર્યો. એ બંને આમ પણ ખૂબ સારા મિત્રો તો હતા જ. સાથે જ ભણતાં હતાં. નવરાશના સમયમાં જાહેરમાં સાથે જ ફરતાં પણ હતાં. મિત્રાનાં મમ્મી-પપ્પા એમ તો ખુલ્લા મનનાં મા-બાપ હતાં. બે વિજાતીય મિત્રો વચ્ચે તંદુરસ્ત સંબંધ હોઇ શકે એવું એ લોકો સમજતાં પણ હતાં અને સ્વીકારતાયે હતાં.

‘ચાલ, હાથ ધોઇ લે એટલે આપણે જમવા બેસીએ.’ મિત્રાએ સૂચન કર્યું. ડાઇનિંગ ટેબલની દિશામાંથી આવતી સ્વાદિષ્ટ વાનગીઓની સોડમ મંત્રની ભૂખને જાગ્રત કરી રહી હતી. એ હાથ ધોવા માટે વોશ બેઝીન તરફ વળ્યો.

અચાનક એને યાદ આવ્યું, ‘મિત્રા, તારી કોઇ બહેનપણી પણ આવવાની છે ને? આપણે એની રાહ નથી જોવાની?’

‘ના, મેં ચાર છોકરીઓને કહી જોયું, પણ બધીયે ભાવ ખાય છે. કોઇની તબિયત સારી નથી તો કોઇનો ‘મૂડ’ સારો નથી. મેં પણ સંભળાવી દીધું-’ ‘ગો ટુ હેલ! આઇ ડોન્ટ કેર. મારી સાથે મંત્ર તો હશે જ ને! પછી મારે કોની ગરજ છે?’ બરાબર ને? ‘મેં એમને સાચું જ કહી દીધું ને, મંત્ર?’ મિત્રા બોલતી રહી, પ્રશ્નોની ઝડી વરસાવતી રહી અને થાળીઓ પીરસતી રહી.

ભોજન પતાવીને બંને વાતોએ વળગ્યાં. સાથે ટી.વી. જોયું. થોડુંક ભણવાનું વાંચ્યું. પછી સૂવા માટે ઊભાં થયાં. ‘આવ, હું તને તારો બેડરૂમ બતાવું.’ કહીને મિત્રા મંત્રને દૂરના ભાગમાં આવેલા મહેમાનો માટેના બેડરૂમ તરફ દોરી ગઇ. મંત્રને રૂમ ગમી ગયો. સ્વચ્છ રૂમ, પોચી પથારી, નવી ચાદર, પાણીનો જગ અને ગ્લાસ, મિત્રાએ ખાસ એના માટે આ બધું તૈયાર કરી રાખ્યું હતું. હોસ્ટેલના બદબૂદાર રૂમમાં સૂવા માટે ટેવાયેલા મંત્રને એરકન્ડશિનરની શીતળ હવામાં બહુ ઝડપથી ઊંઘ આવી ગઇ.

કેટલા વાગ્યા હશે એની કોને ખબર? અચાનક બારણું ઊઘડવાના ધીમા અવાજથી એની આંખો ઊઘડી ગઇ. નાઇટ લેમ્પના ગુલાબી, આછા ઉજાસમાં એણે જોયું તો બારણા પાસે મિત્રા ઊભી હતી. મંત્ર જોઇ જ રહ્યો. ના, એ મિત્રા નહીં, પણ સ્વર્ગમાંથી ભૂલમાં ઊતરી આવેલી કોઇ દેવકન્યા હતી. પાતળી, પારદર્શક નાઇટીમાં એના પૃષ્ટ ઉભારો અને રમ્ય વળાંકો સ્પષ્ટપણે જોઇ શકાતા હતા. એ ધીમાં પગલે કામનાનો રેલો બનીને પથારીની દિશામાં આવી રહી હતી. મંત્રે ઝડપથી બાજુમાં રહેલી ‘સ્વિચ’ દબાવી દીધી. ઓરડો ટ્યૂબલાઇટના પ્રકાશથી ઝળહળી ઊઠ્યો.

‘મંત્ર, બત્તી શા માટે ચાલુ કરી? આજની રાત મને ઝીરો બલ્બની આછી રોશની જ ફાવશે. આવ, મને પ્રેમ કર, મંત્ર! આજે તું મને...’ આટલું કહીને મિત્રાએ કામોત્તેજક આક્રમણ કર્યું. એ મંત્રને વળગી પડી. એના જોબનવંતા દેહમાંથી મોગરાના પર્ફ્યૂમની માદક મહેક આવી રહી હતી. અને એની નાગણની કાંચળી જેવી લીસ્સી ત્વચા?! ઊફ...! મંત્ર અત્યારે સમજી શકતો હતો કે યુગો પૂર્વે વિશ્વામિત્રની શી હાલત થઇ હશે!

મંત્ર સ્વસ્થતા જાળવીને, હોઠ ભીડીને બેઠો થયો. એણે મિત્રાને બે ખભા પકડીને બળપૂર્વક અળગી કરી. રખેને લલચાઇ જવાશે એવા ભયથી એણે આંખો મીંચી દીધી. પછી જે કહેવું હતું તે કહી રહ્યો, ‘મિત્રા, તારા રૂમમાં પાછી ચાલી જા, પ્લીઝ! તારા પપ્પાએ કેટલા વિશ્વાસથી મને તારંુ રક્ષણ કરવા માટે બોલાવ્યો છે! હું તારંુ ભક્ષણ નહીં કરી શકું. ભવિષ્યમાં નસીબ જો નવેસરથી એનાં પાસાં ફેંકશે અને બાજી પાછી આપણી તરફેણમાં ગોઠવી આપશે તો એ વખતે હું પાછો નહીં પડું, પણ અત્યારે તો નહીં જ.’ અને મિત્રા પાછી ફરી ગઇ.

એ કતલની રાત હતી. ઘણું બધું બની શકતું હતું, પણ એ રાત હેમખેમ પસાર થઇ ગઇ. બીજા દિવસે તો પ્રો. મધુકર આવી ગયા. બધું રાબેતા મુજબ થઇ ગયું. આ રાત અને આ વાતને ત્રણ વર્ષ થઇ ગયાં. મંત્ર તો નોકરી માટે અમદાવાદ ચાલ્યો ગયો હતો. અચાનક એક દિવસ એ પાછો મિત્રાના ઘરે આવી ચડ્યો. મિત્રા એકલી જ ઘરમાં હતી. મંત્રે વાતની શરૂઆત સીધી મુદ્દાસર જ કરી દીધી, ‘મિત્રા, હું તારા પપ્પાને મળવા આવ્યો છું. તારો હાથ માગવા માટે આવ્યો છું.’

‘પપ્પા-મમ્મી એકાદ કલાકમાં આવશે, પણ તને અચાનક આ શું થઇ ગયું? તે રાત્રે તો મોટો સંયમી બની ગયો હતો! આજે મને પામવાની લાલસા જાગી છે એનું કારણ જાણી શકું?’

‘હા, કારણમાં માત્ર મારી પ્રામાણિકતા. તને અમારા ગામડાના રિવાજ વિશે ખબર ન હોય. મારી સગાઇ હું દસ જ વર્ષનો હતો ત્યારે કરી દેવામાં આવી હતી. એ છોકરી સાથે મારે લગ્ન કરવા જ પડે તેમ હતા. માટે જ મેં તને એ રાતે ભોગવી ન હતી. હવે હું પગભર છું અને મેં પપ્પા સામે બળવો કરીને એ અભણ છોકરીની સાથેનો સંબંધ ફોક કરી નાખ્યો છે. હવે...’

‘હવે હું બંધાઇ ચૂકી છું, મંત્ર! મારી સગાઇ ગયા મહિને જ નક્કી થઇ ગઇ છે. પપ્પાના મિત્રના દીકરા સાથે.’ મિત્રા આટલું કહ્યા પછી ચૂપ રહી. થોડું વિચારીને એણે કહ્યું, ‘પણ એક રસ્તો છે. તારી સાથે જો પરણવું હોય તો મારે પણ મારા પપ્પા સામે બળવો કરવો પડશે. વિચારું કે એક સંયમી પુરુષ માટે મારે બળવો કરવો કે નહીં?’ મિત્રાની તીરછી નજરથી વીંધાયેલો મંત્ર સંયમ ત્યાગીને એને વળગી પડ્યો.‘

Comments