યૌવનની સમસ્યા - સોક્રેટિસ
સોક્રેટિસજી,
હું પરિણીત યુવતી છું. મારે એક દીકરો પણ છે. ખાનગી કંપનીમાં નોકરી કરું છું. મારા પતિને સરકારી નોકરી છે. અમે સંયુક્ત કુટુંબમાં જ રહેતાં હતાં. મારા પતિને તેમનાં માતા-પિતાની જ વાતો સાચી લાગતી હતી અને બધી બાબતમાં મારો જ વાંક જોતા હતા. આખરે કંટાળીને મેં મારા ડિપાર્ટમેન્ટમાંથી લોન લઈને નવું ઘર ખરીદ્યું અને પતિને મનાવીને અમે અલગ રહેવા લાગ્યાં.
અલગ રહેવાનું શરૂ કર્યા પછી મારી મુશ્કેલીઓ ઘટવાને બદલે વધવા લાગી. મારા પતિનો સ્વભાવ શંકાશીલ છે. તેમણે ઘરમાંથી લેન્ડલાઇન ફોનમાંથી આઉટગોઇંગ બંધ કરાવી દીધું છે. કોના ફોન આવે છે એના પર ધ્યાન રાખવા માટે ફોનમાં કોલર આઇડી પણ નંખાવી રાખ્યું છે. મારા પતિને સતત એવી શંકા રહે છે કે મારે અન્ય પુરુષો સાથે પ્રેમસંબંધો ચાલે છે. તેમણે મને મારા બોસ સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવાની મનાઈ ફરમાવી છે. હું તેમના શંકાશીલ સ્વભાવથી ત્રાસી ગઈ છું. વારંવાર આપઘાત કરી લેવાના વિચારો આવે છે, માત્ર મારા દીકરાના ભવિષ્યનો વિચાર કરીને જ બધું સહન કર્યે રાખું છું.
મારા બોસની વાત કરું તો તેમનો સ્વભાવ બહુ સારો છે. તેઓ હમદર્દ અને મદદગાર વ્યક્તિ છે. તેઓ મારી સમસ્યાઓથી વાકેફ છે. તે મને નકારાત્મક વિચાર કરતાં રોકે છે અને આપઘાત જેવા વિચારો ક્યારેય નહીં કરવાની સલાહ આપે છે. બોસના વ્યક્તિત્વને જોઈને થાય છે કે તેઓ મારા પતિ હોત તો કેવું સારું હોત! મારા પતિ તેમના વિશે એલફેલ બોલે છે, તે મારાથી સહન થતું નથી. મને એ સમજાતું નથી કે મારા પતિ સાથે છૂટાછેડા લઈ લઉં કે પછી એમને વાસ્તવિકતાનું ભાન કરાવવા માટે થોડા સમય માટે અલગ રહેવા લાગું? મારે શું કરવું જોઈએ, એ બાબતે હું બહુ મૂંઝવણ અનુભવું છું. તમે યોગ્ય માર્ગ બતાવશો.
- લિ. શ્રીલતા
પ્રિય શ્રીલતા,
લગ્નજીવન વિશ્વાસના આધારે ટકતું હોય છે. માત્ર પ્રેમ હોય પણ વિશ્વાસ અને સમજની કમી હોય ત્યારે પ્રેમ ઓસરી જતાં વાર નથી લાગતી. તમારા પતિની શંકા દૂર કરવા તમારે તેમનો વિશ્વાસ જીતવો જોઈએ. તેમને ખાતરી કરાવવી જોઈએ કે તમે તેમને ચાહો છો અને તન-મનથી તેમને જ વફાદાર છો.
તમારા પત્ર પરથી લાગે છે કે તમે તમારા બોસથી અભિભૂત છો. એમના પ્રેમમાં નહીં હોય તો પણ તેમના માટે તમને સોફ્ટ કોર્નર છે. તમારા બોસ સારા હોય અને સહાયકર્તા હોય એ સારું જ કહેવાય, પણ તમે જો એક હદથી વધારે તેમના તરફ ઝૂકેલા રહો તો પછી તમારા પતિને શંકા થવી સ્વાભાવિક છે. બને કે તમારું હ્ય્દય સાફ હોય, તમે ભૂતકાળમાં સહજપણે જ તમારા બોસનાં વખાણ કર્યાં હોય અને તમારા પતિ ઊંધું સમજ્યા હોય. તમે ક્યારેક તમારા પતિની સરખામણી તમારા બોસ સાથે કરી હોય અને બોસની પ્રશંસા કરી હોય તો સ્વાભાવિક છે કે કોઈ પણ પુરુષને એ સહન ન થાય.
તમારા બોસ સારા હોય તો પણ તમારા જીવનસાથી તો તમારા પતિ છે. તમારે તમારા પતિની લાગણી અને તેમના પઝેસિવ નેચરને સમજવો જોઈએ. તમારા બોસને કારણે તમારા સંસાર પર કોઈ જોખમ ઊભું થાય એ તમારા પોતાના કે તમારા બાળકના ભાવિ માટે નુકસાનકર્તા સાબિત થઈ શકે છે. પતિને ખાતરી કરાવો કે તમે તેમને જ પૂર્ણપણે વફાદાર છો.
***
સોક્રેટિસજી,
હું દાહોદ જિલ્લામાં રહું છું અને મધ્યમ વર્ગનો માણસ છું. મારી ઉંમર ૪૭ વર્ષની છે. મારી પત્નીને કેન્સર થતાં બે વર્ષ પહેલાં તેનું મૃત્યુ થયું હતું. મારે ૨૨ વર્ષનો મોટો છોકરો છે, જે વડોદરામાં ભણે છે અને બીજી ૨૦ વર્ષની દીકરી છે. આજથી ત્રણ-ચાર વર્ષ પહેલાં બસમાં મારી મુલાકાત એક પરિવાર સાથે થઈ હતી. મુખ્ય માણસ સાથે દોસ્તી થઈ અને તેની પત્ની સાથે આંખો મળી. એનું નામ મંદા છે. મંદાને મેં પહેલી વાર બસમાં જોઈ કે તેના સૌંદર્યનો હું કાયલ થઈ ગયેલો. તેને પણ મારામાં રસ પડયો હતો. પછી અમારા સંબંધો વધતા ગયા. આજે અમે એકબીજાં વિના જીવી ન શકીએ એવી સ્થિતિ છે.
હું વારંવાર કોઈ ને કોઈ બહાના બનાવીને મંદાના ઘરે જાઉં છું અને તેને મળું છું. મારે મંદાને મારી જીવનસાથી બનાવવી છે, પણ સમસ્યા એ છે કે તે પરણેલી છે. મંદાને તેના પતિ સાથે જરાય બનતું નથી. તે છાશવારે તેની સાથે ઝઘડા કરે છે અને તેને શાબ્દિક-શારીરિક ત્રાસ આપે છે. મંદા તેના પતિથી કંટાળી ગઈ છે અને છૂટવા માગે છે. હું તેને ગમે તેમ કરીને પામવા માગું છું. જરૂર પડયે તેના આખા પરિવારને મારી સાથે રાખવા તૈયાર છું. શું આ શક્ય છે? મંદાના પતિ સાથે પણ મારે સારી મિત્રતા છે. હું તેને પણ દુઃખી કરવા માગતો નથી, તેને સાથે રાખીને પણ મારે મંદાને પામવી છે. એવું કઈ રીતે થઈ શકે? હું પૈસેટકે સુખી છું એટલે તેનું આખું ઘર ચલાવી શકું એમ છું. ગમે તે ભોગે હું મંદાને મેળવવા માગું છું, તો મને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
- લિ. રાઘવ
પ્રિય રાઘવ,
તમારે આ સ્થિતિમાં માત્ર બે વિકલ્પો પર જ વિચાર કરવો જોઈએ : એક, તમારે મંદાને તેના પતિથી છૂટાછેડા લેવડાવીને વિધિવત્ લગ્ન કરવાં જોઈએ અથવા તો બીજો, તમારે મંદા સાથેના સંબંધો કાયમ માટે તોડી નાખવા જોઈએ. આ બે વિકલ્પ સિવાય બીજો કોઈ માર્ગ તમે અપનાવશો તો આગળ જતાં તમારા માટે સમસ્યાઓ અને દુઃખ સિવાય બીજું કશું નહીં લાવે. મંદાને જો તમે જીવનસાથી બનાવવા માગતા હોય તો તેને કાયદેસર રીતે જ પરણી જવું જોઈએ. તેના પરિવારને સાથે રાખીને, પાળીપોષીને તેની સાથે સંબંધો જાળવી રાખવાથી ટૂંકા ગાળા માટે સામાજિક સમસ્યાથી બચી શકશો, પણ આ રસ્તો અનૈતિક ઠરશે અને આગળ જતાં તમને બદનામ જ કરશે. મંદા જો વિધિવત્ છૂટાછેડા લઈને તમને પરણવા તૈયાર ન હોય તો પછી તમારે એને છોડી જ દેવી જોઈએ, કારણ કે તમારાં સંતાનો હવે નાનાં નથી. તે આ બધું જાણશે ત્યારે તેમને તમારા પ્રત્યે આદર નહીં રહે અને તમને ધિક્કારતા થઈ જશે.
Comments
Post a Comment
Thanx For Comment