એ વખતે એની ઉંમર માત્ર ૧૭ વર્ષની હતી. એપ્રિલ, ૧૯૧૨ના સમયની આ વાત છે. જેક પણ આજથી ૧૦૦ વર્ષ પહેલાં ડૂબેલી“ટાઇટેનિક” માં સવાર હતો. તે અમેરિકાની એક રેલવે કંપનીના માલિકનો ટીન એજ પુત્ર હતો. ઇંગ્લેન્ડથી અમેરિકા જવા ઊપડેલી એ જમાનાની અદ્યતન સ્ટીમરના ર્ફ્સ્ટ ક્લાસ કંપાર્ટમેન્ટમાં તેની ટિકિટ હતી. “ટાઇટેનિક” અનસિંકેબલ હતી. તેના માલિકને આ સ્ટીમરનું ઘમંડ હતું.
જેકના પિતા મી. થાયેર અને મીસીસ મારિયાન થાયેરની સાથે જ તેમનો પુત્ર જેક પણ “ટાઇટેનિક”ની રોમાંચક મુસાફરી કરી રહ્યો હતો. સાથે એ એરિસ્ટોક્રેટ પરિવારની એક નોકરાણી પણ હતી.
આજથી ૧૦૦ વર્ષ પહેલાં “ટાઇટેનિક” ડૂબી ગયું. તા.૧૫મી એપ્રિલના રોજ “ટાઈટેનિક” એ જળસમાધિ લીધી ત્યારે સ્ટીમરમાં ૨૨૨૯ જેટલા ઉતારુ હતા. તેમાંથી માત્ર ૭૧૦ ઉતારુઓને બચાવી શકાયા. બચી ગયેલા ઉતારુઓમાં આ કથા કહેવા માટે જેક પણ બચી ગયેલા ઉતારુઓ પૈકીનો એક હતો. ઇ.સ.૧૯૪૦માં જેક થાયેર તેની યાત્રાની હોનારતનું વર્ણન કરતું એક નાનકડું પુસ્તક લખ્યું. એ હોનારતનું એકમાત્ર અધિકૃત પુસ્તક જેક થાયેરે લખેલું “A Survivor”s Tale” આ પુસ્તકની માત્ર ૫૦૦ નકલો જ છાપવામાં આવી હતી અને મિત્રો તથા સગાં-સંબંધીઓને જ વાંચવા માટેનું આ એક પ્રાઇવેટ પુસ્તક હતું. ૧૭ વર્ષનો એ ટીનએજ બાળક જળહોનારતનો આંખ્યેદેખ્યો અહેવાલ લખવા જ જાણે કે બચી ગયો હતો. જેક તેના પુસ્તકમાં લખે છે : “ટાઇટેનિક ડૂબી રહ્યું હતું ત્યારે જે ૪૦ ઉતારુઓએ બચી જવા માટે સમુદ્રમાં ભૂસકો માર્યો તેમાં હું પણ હતો, મને બચાવી લેવાયો હતો. સમુદ્રમાં કૂદકો મારનાર દર ૩૬ વ્યક્તિએ એકને બચાવી લેવાયો હતો અને તેમાં હું એક હતો.”
જ્હોન ઉર્ફે જેક થાયેર તેના પુસ્તકમાં લખે છે : “તા.૧૦મી એપ્રિલ, ૧૯૧૨ના રોજ ઈંગ્લેન્ડના સાઉથમ્પટન બંદરેથી “ટાઇટેનિક”માં અમે બેઠાં હતાં. હજારો ટન વજનનું “ટાઇટેનિક” જરા જેટલા પણ આંચકા વિના એટલાન્ટિકના પાણી કાપવા માંડયું. “ટાઇટેનિક”ની આ પહેલી યાત્રા હતી. તે હવે કલાકના ૨૦ નોટ માઇલની ઝડપે આગળ ધપી રહ્યું. “ટાઇટેનિક” નો માલિક પણ એ જ જહાજમાં મુસાફરી કરી રહ્યો હતો. “ટાઈટેનિક”માં ૨૨૨૪ જેટલા ઉતારુઓ મુસાફરી કરી રહ્યાં હતાં. “ટાઇટેનિક” નો માલિક નિર્ધારિત સમય કરતાં પહેલાં અમેરિકા પહોંચી જઇ અખબારોમાં ચમકવા માંગતો હતો. દરિયામાં હવામાન સ્વચ્છ હતું. પણ સમંદરમાં અનેક સ્થળે હિમશિલાઓ તરી રહી છે તેવા અહેવાલો પછી પણ “ટાઇટેનિક”નો માલિક સ્ટીમરને વધુ ઝડપથી હંકારવા કેપ્ટનને આદેશ આપી રહ્યો હતો. જહાજ એક ભવ્ય મહેલ જેવું હતું અને ફૂડ અત્યંત સ્વાદિષ્ટ હતું.
રાતના ડિનર પછી “હું ચાલીને ડેક પર ગયો. રાત અત્યંત સુંદર લાગતી હતી. આકાશમાં ચંદ્ર દેખાતો નહોતો. એ કારણે કાળી ભમ્મર રાતે તારા વધુ ચમકી રહ્યા હતા. કેટલાક તો કટ ડાયમન્ડસ જેવા લાગતા હતા. મેં ઘણો લાંબો સમય સમુદ્રની સાથે પસાર કર્યો. રાતના સમયે મેં દરિયાનું આવું રોમાંચક સ્વરૃપ કદી નિહાળ્યું નહોતું. એક મહાકાય જહાજ દરિયામાં આગળ સરકી રહ્યું હતું. રાતના ૧૧-૪૫ વાગે હું મારી કેબિનમાં પાછો આવ્યો. મેં મારાં મમ્મી-પપ્પાને “ગુડ નાઇટ” કહ્યું અને તે પછી હું સૂઇ ગયો. અચાનક મને લાગ્યું કે સ્ટીમર જોશથી ક્યાંક ટકરાઇ ગઈ છે. ભયંકર આંચકા આવી રહ્યા. હું જાગી ગયો. હું અને મારા પિતાજી કેબિનની બહાર નીકળ્યા અને શું થયું છે તે જાણવા ઉપર ગયા. ઉતારુઓ બધા જ શાંત હતાં પરંતુ અંદરથી ગભરાટ હતો.”
“કાંઈક થઈ ગયું હોવાનો અણસાર બધાને આવી ગયો હતો. સ્ટીમર હવે દરિયામાં સ્થિર થઈ ગઈ હતી. સહેજ નમવા પણ લાગી હતી. એવામાં ટાઇટેનિકના એક ડિઝાઇનર પણ તૂતક પર આવ્યો. તેણે અમને કહ્યું : “આ જહાજ એક કલાકમાં ડૂબી જશે.” હું અને મારા પિતા મારી મમ્મીને બોલાવી લાવવા ઝડપથી નીચે ગયા. અમે બધાં ફરી તૂતક પર આવ્યાં. સ્ટીમર હવે વધુ નમવા માંડી હતી. અમને લાઇફ જેકેટ્સ આપવામાં આવ્યાં. બધાને ખ્યાલ આવી ગયો કે સ્ટીમર હિમશિલા સાથે અથડાઇ ગઈ છે. સ્ટીમરમાં બાકોરું પડી ગયું છે. પાણી અંદર ભરાઇ રહ્યું છે અને ટૂંક સમયમાં ટાઇટેનિક ડૂબી જશે. આવી ગંભીર કટોકટી વખતે પણ સ્ટીમરનું બેન્ડ સંગીત વગાડી રહ્યું હતું. સ્ટીમરના દરેક ખલાસી અધિકારીઓ સખત ઠંડીમાં પણ તેમને અપાયેલા સ્થળો પર તૈનાત હતાં. સ્ટીમર ડૂબી રહી હોઈ મદદ માટે સ્ટીમરમાંથી આકાશમાં અજવાળું થાય તેવા રોકેટસ છોડવામાં આવ્યાં. નજીકમાં જ એસ.એસ.કેલિર્ફોિનયા નામનું એક દરિયાઇ જહાજ પસાર થઇ રહ્યું હતું. પરંતુ તેણે એ રોકેટસના પ્રકાશની નોંધ લીધી નહીં. એ વખતે રાતના ૧૨-૩૦ વાગી ચૂક્યા હતા. ટાઇટેનિક પર સવાર અમે ઘણા લોકોએ દૂરથી પસાર થઇ રહેલી એ સ્ટીમરની લાઇટો જોઈ હતી. એ સ્ટીમર અમને બચાવવા આવી નહીં.
સ્ટીમરના એક અધિકારીએ અમને સૂચના આપી : “બધી જ મહિલાઓ પોર્ટ બાજુએ આવી જાવ.” એ પછી એ સ્ત્રીઓને લાઇફ બોટસમાં બેસાડવામાં આવી. ધીમે ધીમે લાઇફ બોટસને પાણીમાં ઉતારવામાં આવી. મારી મમ્મીને બીજી સ્ત્રીઓ સાથે લાઇફ બોટમાં બેસાડવામાં આવી હતી. હું અને મારા પિતા હજી સ્ટીમર પર જ હતા.
ટાઇટેનિક હવે વધુ નમી ગયું. હવે અમે સ્થિર ઊભા પણ રહી શકીએ તેમ નહોતા. હવે અમે જીવવાની આશા છોડી દીધી હતી. ચારે તરફ બૂમરાણ હતી. અમે છેલ્લા શ્વાસ લેવાની તૈયારી કરી રહ્યા હતા. સ્ટીમરની ભીતર કાંઈક તૂટવાના ધડાકા થઈ રહ્યા હતા. ઘણી બધી બત્તીઓ બુઝાઇ રહી હતી. હવે અમને લાગ્યું કે થોડી જ વારમાં જહાજ ડૂબી જશે. એવામાં અંદર કોઇક ભયંકર ધડાકો થયો. લોકો સમુદ્રમાં કૂદી પડવા લાગ્યા. મને કોઈકે ધક્કો માર્યો. બીજા ધક્કામાં તો હું રાતના અંધારામાં દરિયામાં પડયો. કલ્પના બહારનું ઠંડું પાણી હતું. દરિયામાં હિમશિલાઓ હોઇ મારા ગાત્રો થીજી ગયાં. હું શ્વાસ લઈ શકતો નહોતા. મારા ફેફસાં કામ કરતાં નહોતાં. હું ડૂબવા લાગ્યો. વધુ ને વધુ ઉંડે સુધી પાણીમાં પહોંચી ગયો. પાણીની ભીતર પણ મેં હાથ પ્રસારી તરવા માંડયું. હું ટાઇટેનિકથી વધુ ને વધુ દૂર જવા માંગતો હતો. મને લાગ્યું કે ટાઇટેનિકનો ભંગાર મારા માથા પરના દરિયામાં તૂટીને પડી રહ્યો છે. પણ હું સહેજમાં બચી ગયો. ફરી એક વાર હું દરિયાની સપાટી પર આવ્યો. હવે મારા ફેફસાં કામ કરવા લાગ્યા. હવે હું શ્વાસ લઇ શકતો હતો. મેં જોયું તો એક લાઈફ બોટ ઊંધી થઈ ગઈ હતી. મેં એ પકડી લીધી. મારી બાજુમાંથી પસાર થતી કેટલીક લાઈફ બોટમાં મને સમાવી શકાય તેવી ઘણી જગા હતી પરંતુ મને કોઈએ તેમાં જગા આપી નહીં. મે જોયું તો મારા પિતા પણ પાણીમાં ડૂબી રહ્યા હતા. તેઓ પણ મદદ માટે બૂમો પાડી રહ્યા હતા પરંતુ બચી ગયેલા લોકો લાઇફ બોટમાં બેઠેલા હતા તેમણે મારા પિતાને પણ ઊંચકીને લાઇફ બોટમાં બેસાડયા નહીં. એ લોકોને ડર હતો કે એમ કરવા જતાં તેમની લાઈફ બોટ ડૂબી જશે.”
જેક લખે છે : “ટાઇટેનિક ડૂબી ગયું પરંતુ હૃદયને આઘાત લાગે એવી ટ્રેજેડી એ હતી કે હું અને મારા પિતા જેવા અનેક લોકો લાઈફ બોટના સહારે પાણીમાં તરતા તરતા મદદ માટે ચીસો પાડી રહ્યા હતા. નજીકમાંથી જ પસાર થતી લાઇફ બોટસમાં સવાર લોકો અમને મદદ કરવા માંગતા નહોતા. એ બધા અમારું આક્રંદ સાંભળતા હતા. એ લાઇફ બોટસ પાછી ફરી હોત તો બીજા સેંકડો લોકોને બચાવી શકાયા હોત. ટાઇટેનિક ડૂબી રહી છે તેવો વાયરલેસ મેસેજ “ધી કાર્પાથેનિયા” નામના દૂરથી પસાર થઇ રહેલા એક જહાજને મળ્યો હતો. કેટલાક સમય બાદ એ સ્ટીમર અમારી પાસે આવતી જણાઇ. ટાઈટેનિક તો હવે ડૂબી ગયું હતું. હું હજી મારી લાઈફ બોટના સહારે રાતના અંધારામાં પાણીમાં તરી રહ્યો હતો. એ વખતે સવારના ૭-૩૦ વાગી ચૂક્યા હતા. આખી રાત ઠંડાગાર પાણીમાં હું તરતો રહ્યો હતો. મને એ સ્ટીમરની એક બચાવ બોટે મદદ કરી. એ લોકોએ મને ઉંચકી લીધો. હું લાઈફ બોટમાં બેઠો. હું ધ્રૂજી રહ્યો હતો. લાઈફ બોટમાં મૂકેલી એક સીડી દ્વારા હું બચાવ માટે આવેલી સ્ટીમરના ડેક પર ચડયો. સામે જ મેં મારી માને ઊભેલી જોઇ. મારી મા મને જોઇને ખુશ થઈ પણ એની ખુશી અલ્પજીવી રહી. મારી મમ્મીએ મને પૂછયું : “ડેડી ક્યાં છે ?”
મેં કહ્યું “મને ખબર નથી, મા.”
મેં મારી નજર સમક્ષ જ મારા પિતાને કાળમીંઢ દરિયામાં “બચાવો બચાવો” ની ચીસો પાડતાં અને ધીમે ધીમે દરિયામાં અદૃશ્ય થઇ જતા જોયા હતા. મેં મારી મા ને એ દૃશ્યનું વર્ણન કર્યું. મારી મા ભાંગી પડી. એ પછી એ બચાવ સ્ટીમરમાં અમે ત્રણ દિવસ મુસાફરી કરતાં રહ્યાં. એ ત્રણેય દિવસો અમારા માટે ભારે યાતનાભર્યા હતા. કારણકે કેટલાયે પોતાના સ્વજનો ગુમાવી ચૂક્યાં હતાં. એ તૂતક પર એક વિધવા સ્ત્રી એના પતિને ગુમાવવાનું દુઃખ દૂર કરી શકતી નહોતી અને તે મારી મા હતી. હું મારા પિતાને ગુમાવવાનો ગમ દૂર કરી શકતો નહોતો કારણકે હું જ જાણતો હતો કે મારા ડેડ પણ મારી સાથે જ પાણીમાં કૂદી પડયા હતા. બચાવ માટે ચીસો પાડતા રહ્યા હતા અને નજીકમાંથી પસાર થતી લાઇફ બોટ વાળા તેમને ઊંચકીને લાઇફ બોટમાં લેવા તૈયાર નહોતા. રાતના કાળમીંઢ અંધારામાં મારા પિતા દરિયામાં જ ક્યાંક સમાઇ ગયા હતા. “ટાઇટેનિક”ના જળસમાધિથી બચી ગયેલાં કોઇના ચહેરા પર આનંદ નહોતો. દરેક કોઈને કોઈ ગુમાવી ચૂક્યા હતાં.
- જ્હોન ઉર્ફે જેક થાયેર ૧૯૪૦માં તેમના અનુભવ પર લખેલુ પુસ્તક
“A Survivor”s Tale” ટાઇટેનિકની જળસમાધિની૧૦૦મી વાર્ષિક તિથિ નિમિત્તે ફરી એકવાર પ્રગટ થઇ રહ્યું છે. આ પુસ્તકમાં કરવામાં આવેલું વર્ણન અધિકૃત ગણાય છે. જેક થાયેરને લાગેવળગે છે ત્યાં સુધી વયસ્ક થયા બાદ તેઓ એક બીજી મોટી રેલવે કંપનીની શ્રીમંત યુવતીને પરણ્યા હતા. તે પછી પોતાનો સ્વતંત્ર ધંધો શરૃ કર્યો હતો. પરંતુ ૧૯૪૪માં તેમના પ્રિય પુત્ર કે જે અમેરિકાના એરફોર્સમાં પાયલટ હતો તે તેનું વિમાન પેસિફિકમાં તૂટી પડતાં માર્યો ગયો. જેક થાયરે ટાઇટેનિક હોનારતમાં પિતાને ગુમાવ્યા. બચી ગયા બાદ યુવાન પુત્રને ગુમાવ્યો અને તે પછી થોડા સમયમાં તેની માતાનું પણ મૃત્યુ થયું. આ બધાં દુઃખોની ઘટમાળથી વધુ દુઃખી થયેલા જેક થાયેર ૧૯૪૪ના અંતિમ સમયમાં આપઘાત કરી લીધો. આવી છે ટાઇટેનિકની કહાણી અને ટાઇટેનિક હોનારતથી બચી ગયા પછી પણ તેના પાત્રોની જીંદગીની કરૃણાંતિકા.
Comments
Post a Comment
Thanx For Comment