વહુ બીજાના ઘરમાં ગઈ અને સાસુ સંસ્થામાં ગયાં

શોભના અમદાવાદના વૈષ્ણવ પરિવારમાં જન્મ્યાં હતાં.
તેમનું લગ્ન વડોદરાના એક યુવક સાથે થયું. પતિ ઠીક ઠીક કમાતો હતો. માંડ માંડ ઘરસંસાર ચાલતો હતો. શોભના કરકસર કરી ઘર ચલાવતી હતી. સમય જતાં શોભનાની કૂખે પુત્ર જન્મ્યો. બસ, એ જ એક માત્ર તેમનું સંતાન. પૈસાની કઠણાઈના કારણે દીકરો ઝાઝું ભણ્યો નહીં. એણે નોકરી શોધવા માંડી. ઓછા ભણતરના કારણે કોઈ મોટી નોકરી તો ના મળી પરંતુ એણે સંસાર ચલાવવા માટે ડ્રાઈવિંગ શીખી લીધું. ડ્રાઈવિંગ લાઈસન્સના આધારે તેને એક શેઠના ત્યાં ડ્રાઈવર તરીકેની નોકરી મળી ગઈ. પતિ એક કારખાનામાં નોકરી કરતો હતો. તેમનો પગાર પણ ઓછો એટલે ઘર ચલાવવા માટે શોભનાએ નજીકની એક હોટલમાં રોટલીઓ વણવાની નોકરી સ્વીકારી લીધી. બે ટાઈમ એ રોટલીઓ વણવા જાય અને પતિને મદદરૂપ થવા લાગી.સમય વહેતો રહ્યો.
  • આમ છતાં છેવટે તો શોભનાબેનના અગ્નિસંસ્કાર કરવા પુત્રવધૂ જ પોતાના પુત્ર સાથે સંસ્થામાં આવી
શોભના અને તેના પતિએ હવે પુત્ર વયસ્ક થતાં તેના માટે છોકરીની શોધ શરૂ કરી. એક સારા પણ મધ્યમવર્ગની દેખાવડી છોકરી શોધી કાઢવામાં આવી. છોકરીનું નામ મીનાક્ષી. મીનાક્ષી વહુ બનીને ઘરમાં આવી. મીનાક્ષીને હરવા- ફરવાનો શોખ હતો. પતિ ડ્રાઈવર તરીકે નોકરી કરવા જાય ત્યારે તે એકલી પડી જતી. ધીમે ધીમે તે બપોરના સમયે બહાર જવા લાગી. એક દિવસ શોભનાએ પૂછયું : ‘‘મીનાક્ષી, રોજ બપોરે તું ક્યાં જાય છે?’’
‘‘ઘરમાં કંટાળો આવે છે એટલે મારી બહેનપણીના ઘરે જાઉં છું :’’ મીનાક્ષીએ જવાબ આપ્યો.
એક દિવસ શોભનાને કોઈએ કહ્યું : ‘‘તમારી વહુને મેં આજે સિનેમા થિયેટરમાં જોઈ હતી.’’
સાંજે શોભનાએ પૂછયું : ‘‘મીનાક્ષી, તું આજે ક્યાં ગઈ હતી?’’
મીનાક્ષીએ કહ્યું : ‘‘હું આખો દિવસ મારી ફ્રેન્ડના ઘેર હતી.’’
શોભનાને ખ્યાલ આવી ગયો કે વહુ ખોટું બોલે છે. પણ મીનાક્ષી આગળ તેઓ કાંઈ બોલી શક્યા નહીં. સમય જતાં મીનાક્ષીને એક પછી એક એમ બે બાળકો થયાં. પરંતુ તેનું બહાર ફરવા જવાનું યથાવત્ રહ્યું. પતિ ડ્રાઈવર હતો. સાંજે થાકીને આવતો અને ખાઈને ઊંઘી જતો. સસરા કારખાનામાં નાની નોકરી કરતા હતા. સાસુ પણ રોટલીઓ વણવા જાય. એમ કરતાં કરતાં ઘરમાં બચતના થોડા પૈસા મૂકી રાખતાં.
અચાનક શોભનાના પતિનું અવસાન થઈ ગયું.
તેના કેટલાક દિવસ બાદ કોઈ કારણસર શોભનાને પૈસાની જરૂર પડી. એણે કબાટ ખોલ્યું. કબાટમાં પાંચ હજાર રૂપિયા સાચવીને મૂકી રાખેલા હતા. પણ એ પૈસા ગુમ હતા. શોભનાએ સાંજે ઘરમાં બધાંને
પૂછયું કે, ‘‘તમે કબાટમાંથી પૈસા લીધા હતા?’’
દીકરાએ ના પાડી. શોભનાએ વહુ સામે જોયું. મીનાક્ષીના ચહેરા પર બનાવટી ગુસ્સો હતો તે બોલી : ‘‘તો શું મેં લીધા છે? તમે ગમે ત્યાં વાપરી આવો છો ને મને ચોર સમજો છો ?’’
શોભનાએ ઠંડા સ્વરે કહ્યું :’’ મીનાક્ષી મેં તો તને કાંઈ કહ્યું
જ નથી.’’
‘‘ના બોલીને પણ તમે ઘણું કહી દો છો.’’ છણકો કરીને મીનાક્ષી તેના રૂમમાં ચાલી ગઈ. એ રાત્રે એણે એના પતિ સાથે પણ ઝઘડો કર્યો. મીનાક્ષીનો પતિ ભણેલો ઓછું હતો પણ સ્વભાવથી ઠંડો અને નરમ હતો. એણે જેમ તેમ કરીને મીનાક્ષીને સમજાવીઃ ‘‘મમ્મીએ તને તો કાંઈ કહ્યું જ નથી.’’
એ રાત્રે તો વાત પતી ગઈ પરંતુ થોડા દિવસ પછી ફરી એક વાર કોઈએ શોભનાને કહ્યું : ‘‘તમારી વહુ મીનાક્ષીને કોઈની સાથે મેં હોટલમાં જતાં જોઈ હતી.’’
શોભનાએ એ સાંજે મીનાક્ષીને કોઈ વાત ના કરી. થોડા દિવસ પછી ફરી કોઈએ કહ્યું : ‘‘તમારી વહુ મીનાક્ષીને એક રિક્ષાવાળા સાથે ફરતાં જોઈ હતી.’’ એ રાત્રે પણ શોભનાએ મીનાક્ષીને કોઈ વાત ના કરી. થોડા દિવસ પછી પડોશીઓએ જ શોભનાને કહ્યું : ‘‘આજે તમે રોટલીઓ વણવા ગયા હતા ત્યારે એક માણસ તમારા ઘેર આવ્યો હતો અને મીનાક્ષીએ બારણું બંધ કરી દીધું હતું. એક કલાક પછી તે માણસ ઘરમાંથી બહાર નીકળ્યો હતો. એ રાત્રે પણ શોભનાએ વહુને કાંઈ ના કહ્યું. પછી તો શોભનાએ બચાવી રાખેલા પૈસા અવારનવાર કબાટમાંથી ચોરાવા લાગ્યા. પણ મીનાક્ષીને કહેવાની તેમનામાં હિંમત નહોતી. ધીમે ધીમે એક માણસ મીનાક્ષી એકલી હોય ત્યારે રોજ ઘેર આવવા લાગ્યો. રોજ બારણું બંધ થઈ જાય અને કલાક પછી ખૂલે. આસપાસના પડોશીઓ પણ હવે જાણી ગયાં હતા કે, મીનાક્ષીને કોઈની સાથે સંબંધ છે ને રોજ તેના ઘેર આવે છે. પડોશીઓએ ફરી શોભનાનું ધ્યાન દોર્યું : ‘‘વહુને કબજે રાખો, શોભનાબેન. તમારી વહુ રખડતી થઈ ગઈ છે !’’
શોભનાએ થાકીને પોતાના પુત્રને તેની વહુના રિક્ષાવાળા સાથેના આડાસંબંધો વિષે વાત કરી. પુત્ર નરમ પ્રકૃતિનો હોવા છતાં પત્નીની ચાલચલગત વિશે જાણી ગુસ્સે થયો. એણે મીનાક્ષીને પૂછયું : ‘‘આસપાસના લોકો તારી અને રિક્ષાવાળાની વાત કરે છે તે શું છે ?’’
આ સાંભળતાં જ મીનાક્ષી ખીજાઈ. એણે વાસણો આમતેમ ફેંક્વા માંડયાં, કપડાં ફાડી નાખ્યાં. છોકરાંઓને મારવા લીધાં. સાસુને ગાળો દેવા માંડી. મીનાક્ષીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બોલીઃ ‘‘મારી પર આવો આક્ષેપ તમે કર્યો છે માટે હવે હું આપઘાત કરી લઈશ. તમને અને તમારી માને જેલમાં
મોકલીશ !’’
-આમ કહી થોડું ફિનાઈલ પી લીધું. જો કે તે બચી ગઈ પરંતુ પોલીસ કેસ ના થાય તે હેતુથી ગભરાઈ ગયેલા પતિ અને તેની મમ્મીએ આખી યે વાત દબાવી દીધી. મીનાક્ષીએ નહીં જેવું જ ફિનાઈલ પીધું હતું. થોડી ઊલટી પછી તે એની મેળે જ સ્વસ્થ થઈ ગઈ હતી પરંતુ ઘરમાં બધાં ગભરાઈ ગયાં. મીનાક્ષીને આપઘાત કરવાનું કહી બીવરાવવાનું શસ્ત્ર કારગત લાગ્યું. હવે તે જાણી ગઈ હતી કે ‘મારા સાસુ કે મારો પતિ કાંઈ કહી શકશે નહીં’ તેમ વિચારીને તે વધુ બિન્દાસ બની ગઈ. મીનાક્ષી તેના પ્રેમી સાથે ખુલ્લેઆમ ફરવા લાગી. હવે તો ઘરમાં બધાં હોય તો પણ તેના પ્રેમીને ઘરમાં બોલાવવા લાગી. શોભના ડરી ગઈ હતી. પતિ મનમાં મૂંઝાયા કરતો હતો. એને હતું કે, ‘‘મીનાક્ષી આપઘાત કરશે તો મારે અને મારી મમ્મીને જેલમાં જવું પડશે.’’ એ
બીકથી પત્નીને કાંઈ કહી શક્તો
ન હોતો. એના મનમાં ગડમથલ ચાલતી હતી. મીનાક્ષી કોઈ પગલું ભરશે તો આબરૂ જવાની બીક હતી. અને પત્ની ખુલ્લેઆમ તેના પ્રેમી સાથે પ્રણય ફાગ ખેલીને આમેય તેની આબરૂના ધજાગરા કરી રહી હતી. એક સાંજે તે તેની મમ્મી અને બાળકો સાથે દૂધની થેલી અને બિસ્કિટ લઈ ઘેર આવ્યો. મમ્મી સાથે એણે થોડી વાતો કરી અને થોડીવારમાં આવું છું તેમ કહી ઘરની બહાર ગયો.
રાત્રે પુત્ર ઘેર ના આવ્યો. મા આખી રાત રાહ જોતી રહી. મીનાક્ષીને તો પતિ રાત્રે ઘેર આવ્યો નથી તેની કોઈ ચિંતા જ નહોતી. સવાર પડી છતાં પુત્ર ઘેર ના આવ્યો. મા આખી રાત જાગતી રહી. કાંઈક ખોટું થયાની ચિંતા એને ફાડી ખાતી હતી. અને બન્યું પણ એવું જ. કોઈ માણસો શોભનાને બોલાવવા ઘેર આવ્યા.’’શોભનાબેન, જલદી
ચાલો. તમારો દીકરો હોસ્પિટલમાં બેભાન છે.’’
શોભનાને ફાળ પડી. તે રિક્ષામાં બેસી હોસ્પિટલ પહોંચી પુત્રની લાશ જ એને જોવા મળી. દીકરાએ તેની પત્નીથી ત્રાસીને દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી. મા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી. માએ જ દીકરાના અંતિમ સંસ્કાર કરાવરાવ્યા. સહુ લોકો બેસવા માટે આવ્યા પરંતુ મીનાક્ષીના ચહેરા પર કોઈ દુઃખ નહોતું.
થોડા દિવસ પછી મીનાક્ષી વધુ બેફામ બની ગઈ. એક દિવસ છોકરાંઓને લઈ મીનાક્ષી રિક્ષાવાળા સાથે ભાગી ગઈ. ઘરમાં જે બચત અને થોડા ઘણા દાગીના હતા તે પણ સંતાડીને લઈ ગઈ હતી. શોભના પાસે હવે દેવા સિવાય કાંઈ નહોતું. પતિ નહોતો, પુત્ર નહોતો. પુત્રવધૂ એના પ્રેમી સાથે પરણી ગઈ.
શોભનાએ દેવું ભરવા ઘર વેચવા કાઢયું. ઘર વેચી દેવું ભર્યું. આસપાસના લોકોએ શોભનાને રહેવા માટે એક ઝૂંપડું બનાવી આપ્યું. પણ શોભનાની પણ હવે ઉંમર થતાં બીમાર રહેવા લાગી. કોઈ એમની સેવા કરનારું ન હતું. જીવન વેરાન બની ગયું હતું. કોઈકે શોભનાબેનની તકલીફો જોઈ હિંમતનગર- શામળાજી હાઈવે પર આવેલા સહયોગ કુષ્ઠ યજ્ઞા ટ્રસ્ટના સંચાલક સુરેશભાઈ સોનીને ફોન કર્યો. સુરેશભાઈએ કહ્યું : ‘‘શોભનાબેનને અમારી સંસ્થામાં મોકલી આપો. અમે તેમની માવજત કરીશું.’’
અને નિરાધાર અને અપંગ બની ગયેલાં શોભનાબેનને એ સંસ્થામાં આશ્રય મળ્યો. શોભનાબેન પોતાનાં તમામ દુઃખદર્દ ભૂલીને રક્તપિત્તીયા બહેનોની સાથે જ રહીને વૈષ્ણવ ધર્મની સેવા-પૂજા કરવા લાગ્યાં. શોભનાબેનને કેન્સર હતું. તે દરમિયાન અચાનક પુત્રવધૂ મીનાક્ષીનો સંસ્થા ઉપર ફોન આવ્યો :’’મારા સાસુને કાંઈ થઈ જાય તો મને જાણ કરજો.’’અને એક દિવસ શોભનાબહેને સંસ્થામાં જ દેહ છોડી દીધો. સંસ્થાએ બીજું લગ્ન કરનાર પુત્રવધૂને જાણ કરી. મીનાક્ષી તેના પુત્રને લઈ સંસ્થા પર આવી અને પોતાની કૂખે જન્મેલાં શોભનાબહેનના પૌત્રના હાથે જ ટ્રસ્ટીઓની હાજરીમાં સાસુના અંતિમ સંસ્કાર કરાવ્યા. પુત્રવધૂનું પણ આ એક હૃદય પરિવર્તન હતું.
સમયની ઘંટી ફરતી જાય છે. એને કોઈ રોકી શક્તું નથી. ચડતી અને પડતીના બે પડમાં માનવી પીસાતો જાય છે. કોણ પીસે છે અને કોણ પીસાય છે તે સમજાતું નથી. કાળની ખાંડણીમાં રાજા હોય કે રંક- બધાં જ ખંડાતાં જાય છે.

Comments