તમે આવો છો ત્યારે નજર મારી પર જ કેમ હોય છે?



એનું નામ પિંકી છે. પૂર્વ દિલ્હીના ત્રિલોકપુરા વિસ્તારમાં રહેતી પિંકીના પતિનું નામ રાકેશકુમાર, રાકેશ દરજીનું કામ કરતો હતો. તેનો એક મિત્ર હતો નાસીર. એક દિવસ રાકેશની ગેરહાજરીમાં નાસીર ઘેર આવી ગયો. પિંકીએ તેના માટે ચા બનાવી. દરમિયાન નાસીર પિંકીના બેડ પર લાંબો થઈને સૂઈ ગયો. પિંકીએ નાસીરને ચા આપતા કહ્યું : “ક્યા બાત હૈં ? આજે બહુ જ થાકેલા લાગો છો.”
“એટલે તો આવ્યો છું.” કહેતાં નાસીર પિંકીને પગથી માથા સુધી જોઈ રહ્યો. પિંકીએ કહ્યું : “નાસીર ભાઈ, ખોટું ના લાગે તો એક વાત કહું.”
“બોલોને ! તુમ્હારે લિયે સાત ખૂન માફ.”
પિંકી બોલી : “ મેં જોયું છે, જ્યારે પણ તમે આવો છો ત્યારે તમારી નજર મારી પર જ હોય છે.”
“સાચી વાત છે. તમે છો જ એવા.”
“હું તમને ગમું છું ?”
“હા.”
“ તો પહેલાંથી કેમ કહ્યું નહીં.”
“બસ, આજે કહી દીધું.”
અને નાસીરે પિંકીનો હાથ પકડી લીધો.
વાત જાણે એમ હતી કે પિંકીનો પતિ રાકેશ એક ટેલર હતો. આખો દિવસ તેની દુકાનમાં દરજી કામ કરતો. મોડી સાંજે થાકીને આવતો. પિંકીને રાકેશથી સંતોષ નહોતો. પિંકી પહેલાંથી જ રંગીન મિજાજની અને ચંચળ યુવતી હતી. નાસીર આમ તો રાકેશનો દોસ્ત હતો અને રોશની નામની એક યુવતીને પરણેલો હતો. પરંતુ પિંકીને જોયા બાદ તે પિંકી તરફ આકર્ષાયો હતો. રાકેશની ગેરહાજરીમાં નાસીર નિયમિત તેના ઘેર આવી જતો. એક દિવસ પિંકીએ નાસીરને કહ્યું: “નાસીર, તને ખબર છે ને કે તારી પત્ની રોશનીને શાહઆલમ સાથે દોસ્તી છે.”
“હા. મને ખબર છે.”
“ તો તને વાંધો નથી ?”
નાસીરે કહ્યું: “હું ક્યાં રોશનીને વફાદાર છું. હું પણ આઝાદ અને તે પણ આઝાદ.”
વાત જાણે એમ હતી કે, નાસીર અને શાહઆલમ પણ મિત્રો હતા. બેઉં વચ્ચે સાઠગાંઠ હતી. રોશની શાહઆલમ સાથે મિત્રતા રાખે તેમાં નાસીરને પહેલેથી જ વાંધો નહોતો. એક દિવસ શાહઆલમે નાસીરને પૂછયું: “દોસ્ત, તું આજકાલ રાકેશના ઘેર બહુ રહે છે.”
“સાચી વાત છે.”
“તો મને પણ લઈ જા ને !”
- અને એક દિવસ નાસીર શાહઆલમને રાકેશની ગેરહાજરીમાં પિંકી પાસે લઈ ગયો. નાસીરે પરિચય કરાવરાવ્યો. પિંકી હવે નાસીર અને શાહઆલમ એ બેઉં સાથે દોસ્તી રાખવા લાગી. તેમાં નહોતો નાસીરને વાંધો કે નહોતો પિંકીને, બધાં જ આઝાદ ખ્યાલનાં પાત્રો હતાં.
એ દરમિયાન દિલ્હીના પંડિત ચોક ખાતે ઝવેરાતની એક દુકાનમાં દિન દહાડે લૂંટ થઈ. બીજા દિવસનાં અખબારોમાં સમાચાર પ્રગટ થયા કે આ લૂંટ કરનાર ગેંગનો સૂત્રધાર નાસીર છે અને તેમાં શાહઆલમ નામનો તેનો સાગરીત પણ સામેલ છે. કરીબ રૂ.ચાર લાખના ઝવેરાતની લૂંટ થઈ હતી. આ મામલાની તપાસ પૂર્વ દિલ્હીના ડીસીપી આઈ.બી. રાજાને સોંપવામાં આવી. પોલીસે શકના આધારે શકમંદોના ઘેર દરોડા પાડવાનું શરૂ કર્યું. નાસીર એક રીઢો ગુનેગાર હતો. આ અગાઉ પણ તે કેટલીક લૂંટમાં સામેલ હતો. શકમંદોની પોલીસ યાદીમાં તેનું નામ મોખરે હતું. પરંતુ પોલીસ તેના ઘેર આવે તે પહેલાં જ તે અને શાહઆલમ પિંકીના ઘરમાં છુપાઈ ગયા હતા. આમેય નાસીરની બેઠક પિંકીના પતિ રાકેશની દુકાન પણ ઘણા સમયથી હતી. રાકેશે નાસીરના તેના ઘરમાં રહેવા સામે કોઈ વાંધો લીધો નહીં. પરંતુ રાકેશ દિવસે તેની દુકાને જાય એટલે તેના ઘરને નાસીરે અનૈતિકતાનો અડ્ડો બનાવી દીધો. હવે એ લોકોએ નાસીરની પત્ની રોશનીને પણ રાકેશના ઘરમાં બોલાવી લીધી. નાસીરને આમેય રોશની અને શાહઆલમના સંબંધો સામે વાંધો નહોતો. આસપાસના લોકોને ખબર પડી ગઈ કે રાકેશ તેની દુકાને જાય છે એટલે એનું ઘર અડ્ડો બની જાય છે. પડોશીઓએ રાકેશનું ધ્યાન દોર્યું.
ગુસ્સે ભરાયેલા રાકેશે નાસીરને ધમકાવી નાંખ્યો : “મારા ઘરમાંથી બહાર નીકળ.”
નાસીરે કહ્યું:” દેખ રાકેશ અબ તેરા ઘર તેરા નહીં હૈ. યહ અબ મેરા હૈ. તુઝે માલૂમ હૈ ન કિ મેં ક્રિમિનલ આદમી હું. જ્યાદા બકબક કરેગા તો ખતમ કર દુંગા.”
આ સાંભળી પિંકી એકદમ મેદાનમાં આવી ગઈ. એણે પતિનો પક્ષ લેતાં કહ્યું : “ તુમ ગલત બાત કર રહે હો, નાસીરભાઈ, મેરે ઘર મેં સે મેરે હસબન્ડ કો નિકાલને વાલે તુમ કૌન ?”
પિંકીએ નાસીર અને શાહઆલમ સાથે બહુ જ ઝઘડો કર્યો. નાસીરે કહી દીધું: “અબ કોઈ ભી આદમી હમ કો ઈસ ઘર સે બહાર નીકાલ સકેગા નહીં. પુલીસ મેં જાઓગે તો તુમ્હારી બીબીકો ખતમ કર દુંગા.”
અને હતાશ- નિઃસહાય રાકેશ ઘરમાંથી બહાર જતો રહ્યો. સાંજે ઘેર આવ્યો નહીં. રાત્રે પણ ઘેર આવ્યો નહીં. બીજા દિવસે સવારે પિંકી પોલીસ સ્ટેશને પહોંચી ગઈ. તેણે પોલીસને ફરિયાદ નોંધાવી કે “મારો હસબન્ડ રાકેશ ગઈ રાતથી ઘેર આવ્યો નથી.” પોલીસે તેને શોધી આપવાનું આશ્વાસન આપ્યું. બીજા દિવસે રાકેશ ટેલરની લાશ એક કેનાલમાંથી મળી આવી. રાકેશની પત્ની પિંકીએ રડતાં રડતાં પોલીસને કહ્યું, “મારા હસબન્ડની હત્યા કોઈ ગેંગસ્ટરોએ કરી છે.”
બીજા જ દિવસે પોલીસને બાતમી મળી કે આઈપી એક્સટેન્શન વિસ્તારમાં એક ગેંગ શો-રૂમ લૂંટવા આવવાની છે. પોલીસે અગાઉથી જ ખાનગી ડ્રેસમાં વોચ ગોઠવી દીધી. “રાતના બે વાગે એક ખાનગી મોટરમાંથી ચાર જણ ઊતર્યા અને શો રૂમનાં તાળાં તોડવા જતા હતા ત્યાં જ તેઓ ઝડપાઈ ગયા. પકડાઈ જનારી ટોળકીમાં એક વસીમ હતો અને બીજો શકિલ, શાહીદ અને ફહીમુદ્દીન હતા. પોલીસ તેમને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ. કડકાઈથી પૂછપરછ કરતાં તેમણે કહ્યું કે, “હમ સબ નાસીર કી ગેંગ કે આદમી હૈ.”ળ”નાસીર કહાં હૈ ?” પોલીસે પૂછયું.
વસીમે નાસીર જે ઘરમાં સંતાયો હતો તે ઘરનું એડ્રેસ આપ્યું. પોલીસે રાકેશ ટેલરના ઘેર મોડી રાતે દરોડો પાડયો. રાકેશના ઘરમાં નાસીર, શાહઆલમ, રોશની અને રાકેશની પત્ની દારૂની મહેફિલ માણી રહ્યાં હતાં. પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ કે ગઈકાલે જ પતિના ગુમ થયાની ફરિયાદ આપનાર પિંકી ખુદ મોજમજા માણી રહી હતી. પોલીસે નાસીરની ગેંગની ધરપકડ કરી. બધાંને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યાં. થર્ડ ડિગ્રીનો અમલ થતાં જ નાસીરે કબૂલ કરી લીધું કે ઝવેરીની દુકાન તેણે જ લૂંટી છે. રાકેશ ટેલરની હત્યા પણ તેણે જ કરી છે અને તેમાં ખુદ પિંકી પણ સામેલ હતી. પિંકીએ પતિના ગુમ થયાની આપેલી ફરિયાદ પોલીસની આંખમાં ધૂળ નાંખવા માટેની હતી. હકીકતમાં રાકેશે નાસીરને ઘરમાંથી કાઢવાનું કહી કરેલા ઝઘડા બાદ તે પોલીસને જાણ ના કરે તે ભયથી રાત્રે તેના ઘરમાં જ રાકેશને ઘેનવાળી ચા પીવરાવી તેનું ગળું દબાવી તેની હત્યા કરી નાંખી હતી. ચામાં ઘેનની ગોળીઓ પણ પિંકીએ જ નાંખી હતી. પિંકી પતિને ગુમાવવા માંગતી હતી પણ પ્રેમીને નહીં ? રાકેશને ખતમ કરી દીધા બાદ રાત્રે જ તેઓ તેની લાશ કોંડલી ખાતે હિંડન કેનાલમાં ફેંકી આવ્યા હતા. તેમાં પિંકી પણ સામેલ હતી. પોલીસે તે તમામને સળિયા પાછળ ધકેલી દીધા. એક બેમર્યાદ સ્ત્રી પતિનો આવો અંજામ પણ લાવી શકે છે.

Comments