ડીપ ફ્રીઝમાં છુપાયું હતું એક ખોફનાક રહસ્ય




રાજેશ ગુલાટી દિલ્હી સ્થિત ધૌલા કૂવા પાસે ૧૪૧/૧, સત્યનિકેતન સોસાયટીમાં રહેતા સતપાલ ગુલાટીનો પુત્ર છે. રાજેશ અને અનુપમાનું લગ્ન ૨૧, ઓક્ટોબર, ૧૯૯૨ના રોજ થયું હતું. બેઉ સાથે ભણતાં હતાં. તેમની દોસ્તી પ્રેમમાં પરિણમી હતી. અનુપમા અત્યંત શિક્ષિત પરિવારની યુવતી હતી. માતા-પિતાના પરિવારના વિરોધ છતાં તેણે રાજેશ ગુલાટી સાથે લગ્ન કરવા નિર્ણય લીધો. રાજેશ સોફટવેર એન્જિનિયર હતો, પણ અનુપમાના પિતાએ તપાસ કરી દીકરીને કહ્યું,: ''બેટા, છોકરો ભણેલો છે, પણ તેના પરિવારનો ઇતિહાસ સારો નથી. બેકગ્રાઉન્ડ સારું નથી.''
પિતાની સલાહને અવગણીને અનુપમાએ રાજેશ ગુલાટી સાથે લગ્ન કર્યું. લગ્ન બાદ તે અનુપમાને અમેરિકા લઈ ગયો, જ્યાં તેને એક નોેકરી મળી હતી. અમેરિકા જતાં જ વાસ્તવિક્તા સામે આવી. બેઉની પ્રકૃતિ અલગ હતી. બેઉ વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડા થવા લાગ્યા. બંને વચ્ચે મતભેદ શરૂ થઈ ગયા. અનુપમા નોકરી કરવા માંગતી હતી પરંતુ રાજેશ તેને નોકરી કરવા દેવા માંગતો નહોતો. આ દરમિયાન અનુપમા ગર્ભવતી થઈ ગઈ. કડવાશ છતાં તેમના બેડરૂમના સંબંધો યથાવત્ હતા. અનુપમાએ જોડકાં બાળકોને જન્મ આપ્યો. એક પુત્ર અને એક પુત્રી જન્મ્યાં. તેમને સિદ્ધાર્થ અને સોનાક્ષી એવાં નામ આપવામાં આવ્યાં. એવામાં અમેરિકામાં આર્થિક મંદી શરૂ થઈ. રાજેશ ગુલાટીએ નોકરી ગુમાવી. રાજેશ અનુપમા અને બંને બાળકોને લઈ દિલ્હી પાછો આવ્યો. દિલ્હી આવ્યા બાદ રાજેશ તેની પત્નીને પિયરમાં મૂકી નોકરીની શોધમાં કોલકત્તા ગયો. કોલકત્તામાં એક યુવાન વિધવા કે જે તેની સાથે અમેરિકામાં કામ કરતી હતી તેની મદદથી નોકરી શોધી કાઢી. રાજેશ અને તેની યુવાન વિધવા મિત્ર એક જ ઘરમાં પતિ-પત્ની તરીકે રહેવા લાગ્યાં.
અનુપમાને આ વાતની ખબર પડી એટલે તે કોલક્તા પહોંચી ગઈ અને ખૂબ ઝઘડો કર્યો. રાજેશ ફરી પાછો દિલ્હી આવી ગયો.
દિલ્હી આવ્યા બાદ તે ફરી નોકરીની શોધમાં દહેરાદૂન પહોંચી ગયો. અનુપમા પણ બંને બાળકોને લઈ તેની સાથે દહેરાદૂન ગઈ. બાળકોને દહેરાદૂનની એક સ્કૂલમાં દાખલ કર્યાં. અલબત્ત, અહીં પણ ઝઘડા ચાલુ જ રહ્યા. સહેજ પણ ઝઘડો થાય તો અનુપમા ફોન કરીને તેનાં મમ્મી- પપ્પાને જાણ કરી દેતી હતી. રાજેશની આવક મર્યાદિત હતી. અનુપમા વારેવારે ઘર ચલાવવા પૈસા માંગતી. આર્થિક તંગીના કારણે તણાવ વધતો રહ્યો. એક દિવસ ફરી અનુપમાએ ઝઘડાની વાત તેના પિયરિયાંને કરી દીધી. વાત હવે છૂટાછેડા સુધી પહોંચી. અનુપમાએ મહિલા હેલ્પલાઈન તથા ડોમેસ્ટિક વાયોલન્સ અધિકારીને ફરિયાદ કરી. બંનેને સમાધાન કરી સાથે રહેવા તથા વારંવાર પિયરિયાંને ફોન ના કરવા અનુપમાને સમજાવવામાં આવી.
અનુપમાએ સમાધાનના અનુસંધાનમાં મમ્મી- પપ્પાને ફોન કરવાનું બંધ કરી દીધું. દોઢ મહિના સુધી અનુપમાનો ફોન ના આવતાં તેના પિતા ડો. પ્રધાનને ચિંતા થઈ. દીકરી આખરે દીકરી હોય છે. તેમણે અનુપમાનો મોબાઈલ ફોન નંબર જોડયો. રિંગ વાગતી હતી પરંતુ અનુપમા ફોન ઉપાડતી નહોતી. ફરી ત્રણ-ચાર વાર ફોન જોડયો. કેટલીકવાર બાદ મેસેજ આવ્યોઃ ''ડેડ, બધું જ બરાબર છે. કોઈ પ્રોબ્લેમ નથી. તમે ચિંતા કરશો નહીં... અનુપમા.''
પિતાને શાંતિ થઈ, પરંતુ એક અઠવાડિયા સુધી અનુપમાનો કોઈ ફોન ના આવ્યો. અનુપમાના ભાઈ સુજાને તેના ફોન પરથી અનુપમાને ફોન કર્યો. અનુપમા ફોન ઉપાડતી નહોતી. ફોનના બદલે તે ક્ષેમકુશળ છે તેવા મેસેજ મોકલતી હતી. એક દિવસ ડો. પ્રધાને તેમના જમાઈ રાજેશ ગુલાટીને જ ફોન કર્યો અને અનુપમા સાથે વાત કરાવવા કહ્યું. રાજેશ ગુલાટીએ કહ્યું: ''સોરી, પાપા, અનુપમા બહાર ગઈ છે.'' અનુપમા કોઈના યે ફોન લેતી નહોતી તે રહસ્ય સમજાય તેવું ના લાગતાં અનુપમાના ભાઈ સુજાને અનુપમાની સખીઓનો સંપર્ક કર્યો. અનુપમાની બહેનપણીઓએ પણ કહ્યું કે, ''અનુપમા મેસેજથી જ જવાબ આપે છે.'' આ પરિસ્થિતિ પરેશાન કરી દે તેવી લાગતાં અનુપમાનો ભાઈ સુજાન સીધો દહેરાદૂન પહોંચી ગયો. સાથે તેના અમિત નામના મિત્રને પણ લઈ ગયો. બેઉ મિત્રોએ એક યોજના બનાવી. અમિતને નકલી પાસપોર્ટ એજન્ટ બનાવી રાજેશ ગુલાટીના ઘેર મોકલ્યો. રાજેશ દહેરાદૂનના કેન્ટ વિસ્તારના એક ફલેટમાં રહેતો હતો. અમિતે ફલેટનો ડોરબેલ વગાડયો. રાજેશ ગુલાટીએ દરવાજો ખોલ્યોઃ ''જી, કહીયે.''
અમિતે કહ્યું : ''મુઝે અનુપમાજી સે મિલના હૈ. ઉન્હોને અપના પાસપોર્ટ રિન્યુઅલ કરાને કા કામ મુઝે દિયા થા. મૈં પાસપોર્ટ એજન્ટ હું.''
રાજેશ ગુલાટીએ કહ્યું: ''અનુપમા કા પાસપોર્ટ મુઝે દે દિજીયે. મેં અનુપમા કા પતિ હું. અનુપમા બહાર ગઈ હુઈ હૈં.''
''સોરી સર. મેં અનુપમાજી કા પાસપોર્ટ આપ કો નહીં દે સકતા. મેં આપ કે ઘરમેં બેઠકર ઈન્તજાર કરતા હું.''
રાજેશ ગુલાટીએ તેને રોકતાં કહ્યું :''નહીં, આપ ઘરમેં આ નહીં શકતે. અનુપમા દસ દિનોં સે દિલ્હી ગઈ હુઈ હૈ.''
''તો મેં ફિર કભી આઉંગા.: '' કહી અમિત રવાના થઈ ગયો. એણે બધી જ વાત અનુપમાના ભાઈને કહી. સુજાન ખુદ દિલ્હીથી જ આવ્યો હતો. દિલ્હી તો અનુપમાનું પિયર હતું. અનુપમા દિલ્હી આવે ને મમ્મી-પપ્પાને મળે જ નહીં એ વાત ગળે ઊતરી તેવી નહોતી. હવે તો સુજાને ખુદે તેના બનેવી રાજેશ ગુલાટીને મળવાનો નિર્ણય કર્યો. સુજાન રાજેશના ફલેટ પર ગયો. ફલેટ પર તાળું હતું. સુજાને સિક્યોરિટી ગાર્ડને અનુપમા વિશે પૂછયું તો ગાર્ડે કહ્યું: ''દો મહિને સે અનુપમાબેન કો દેખા નહીં.''
હવે કાંઈક અશુભ બની ગયું હોવાનું લાગતાં સુજાન અને અમિત સીધા પોલીસસ્ટેશને ગયા. બે મહિનાથી તેની બહેન અનુપમા ફોન ઉઠાવતી ના હોવાની અને સંપર્કહીન હોવાની ફરિયાદ લખાવી. પોલીસ અધિકારીએ વાત ગંભીરતાથી લીધી. તેમણે રાજેશ ગુલાટીને ફોન કરીને કહ્યું: ''આપ કા કામ હૈ. આપ પોલીસસ્ટેશન આતે હો કિ હમ આપ કે ફલેટ પર આયે ?''
રાજેશ ગુલાટીએ કહ્યું: ''મૈં ખુદ પુલીસસ્ટેશન આતા હું.''
પોલીસે પૂછયું: ''આપ કી પત્ની અનુપમા કહાં હૈ ?''
રાજેશ ગુલાટીએ કહ્યું: ''દસ-બારહ દિન સે દિલ્હી ગઈ હૈ.''
પોલીસ ઈન્સ્પેક્ટરે સુજાનનો મોબાઈલ લઈ સુજાને આપેલા નંબર પ્રમાણે અનુપમાનો મોબાઈલ જોડયો. આશ્ચર્યની વાત એ હતી કે,ઘંટડી રાજેશ ગુલાટીના ખિસ્સામાં વાગી રહી હતી. હકીકતમાં અનુપમાનો મોબાઈલ રાજેશ ગુલાટીના ખિસ્સામાં હતો. પોલીસે રાજેશ ગુલાટીના ખિસ્સામાં વાગી રહેલો મોબાઈલ માંગી લીધો. પોલીસને ખ્યાલ આવી ગયો કે રાજેશ ગુલાટી ખોટું બોલે છે. રાજેશ ગુલાટીએ એવો બચાવ કર્યોઃ ''અનુપમા દિલ્હી જાતે વક્ત ફોન ઘર ભૂલ ગઈ થી.''
પોલીસે અનુપમાના મોબાઈલનું મેસેજ બોક્સ ચેક કર્યું. અનુપમા દસ-બાર દિવસથી દિલ્હીમાં હતી તો આજની તારીખમાં અનુપમાના નામે આવેલા મેસેજીસના જવાબો અનુપમાના નામે જ કોણે આપ્યા હતા ? પોલીસની શંકા વધી ગઈ. પોલીસે કહ્યું: '' તુમ્હારે ફલેટ પર ચલના હોગા.''
પોલીસ રાજેશ ગુલાટીને લઈ તેના ફલેટ પર પહોંચી. ફલેટનું તાળું ખોલાવી પોલીસે અંદર તપાસ કરી. બધું બરાબર પરંતુ બાથરૂમની નજીક એક ડીપ ફ્રીઝર પડેલું હતું. સામાન્ય રીતે આવું ડીપ ફ્રીઝર આઈસક્રીમની ફેક્ટરીઓમાં કે આઈસક્રીમ પાર્લર્સમાં હોય છે. પોલીસને શંકા ગઈ એટલે પૂછયું: ''ઐસા ફ્રીઝર ઘરમેં ક્યોં ?''
''બસ યૂં હી'': રાજેશ બોલ્યો પણ હવે તે ગભરાયેલો હતો. પોલીસે કડકાઈથી ચાવી માંગી. રાજેશ ગુલાટીએ ફ્રીઝરની ચાવી આપી. પોલીસે ફ્રીઝર ખોલ્યું અને એ ખૂલતાં જ બધાંના હોશ ઊડી ગયા. ઘડીભર બધાંને કંપારી આવી ગઈ. ફ્રીઝરની અંદર કાળા કલરની પોલિથીનના બે થેલા હતા. તેની વચ્ચે એક માનવધડ પડયું હતું. એક થેલામાં કપાયેલું માથું હતું. બીજા થેલામાં કાપી નાંખેલા હાથના ટુકડા હતા. શરીરનો નીચલો હિસ્સો ગાયબ હતો. સુજાનને ખ્યાલ આવી ગયો એ માનવઅંગો તેની બહેન અનુપમાનાં જ હતાં. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. રાજેશને ત્યાં જ પકડી લેવાયો. બીજા ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા અને ફ્રીઝરની અંદરનું દૃશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા.
રાજેશ ગુલાટી ભાંગી પડયો. એણે પોલીસ સમક્ષ કબૂલ કરી લીધું. એણે કહ્યું: ''મેં સાયલેન્સ ઓફ ધી લેમ્બ'' ફિલ્મ જોઈ હતી. અનુપમા સાથે મારે રોજ ઝઘડા થતા હતા. એક રાત્રે અનુપમાએ મારી પાસે દિવાળીની ખરીદી કરવા ૪૦ હજાર રૂપિયા માંગ્યા હતા. ખૂબ ઝઘડો થયો. વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. હું છૂટાછેડા માટે સંમત હતો પણ બાળકો મને પ્રિય હતાં. હું અનુપમાને છોડવા તૈયાર હતો પણ સિદ્ધાર્થ અને સોનાક્ષીને નહીં. અનુપમા પણ મને છોડવા તૈયાર હતી પણ તે બાળકોને છોડવા તૈયાર નહોતી. અનુપમા બોલી હતી : ચાહે જો કરો, લેકિન બચ્ચોં કો લે જાને કી બાત સોચના ભી મત. બચ્ચોં કો તો મેં લે જાઉંગી ઔર તુમ્હે જેલ ભીજવા દુંગી.''
રાજેશ ગુલાટીએ કબૂલ કર્યું: ''એ રાત્રે જ મેં બાળકોને બીજા રૂમમાં સુવાડી દીધાં. મોડી રાત્રે અનુપમા ઘસઘસાટ ઊંઘતી હતી ત્યારે મેં એના મોં પર ઓશીકું દબાવી તેને ગૂંગળાવી દીધી. અનુપમાએ થોડાક ધમપછાડા કર્યા પરંતુ થોડી વાર બાદ તે શાંત થઈ ગઈ. હું તેની લાશને બાથરૂમમાં લઈ ગયો. દરવાજો બહારથી બંધ કરી દીધો. આખી લાશને ઊંચકીને બહાર લઈ જવી શક્ય નહોતું. બીજા દિવસે સવારે મેં બાળકોને સ્કૂલમાં મોકલી દીધાં. બાળકોએ સ્કૂલમાં જતાં પહેલાં મને પૂછયું: ''મમ્મી ક્યાં છે ?'' મેં કહ્યું:''મામાના ઘેર ગઈ છે.'' એ પછી હું બજારમાં ગયો. એક સ્ટોરમાંથી રૂ.૨૦ હજારની કિંમતનું ડીપ ફ્રીઝર ખરીદી લાવ્યો. બજારમાંથી માર્બલ કાપવાનું દાંતાવાળું ગોળ ઈલેક્ટ્રિક કટર ખરીદી લાવ્યો. બે-ત્રણ મોટી સાઈઝની પોલીથિલિન બેગ્સ ખરીદી, ઘેર આવી બાથરૂમમાં જ મેં અનુપમાની લાશને કાપી તેના ટુકડા કર્યા. બેગમાં ભરી તે ટુકડા ડીપ ફ્રીઝરમાં મૂકી દઈ તેને હાઈ કુલિંગ પર મૂકી ફ્રીઝરને તાળું મારી દીધું. તે દિવસ પછી બાળકો સ્કૂલમાં જાય એટલે લાશના એક એક ટુકડાને પોલીથિલિન બેગમાં મૂકી મસૂરીનાં જંગલોમાં ફેંકતો હતો. લાશના બધા ટુકડાઓનો નિકાલ થાય તે પહેલાં સુજાન અને પોલીસ અહીં આવી ગયાં. અને ડીપ ફ્રીઝ ખૂલતાં જ એક ખોફનાક રહસ્ય છતું થઈ ગયું !''
પોલીસ રાજેશ ગુલાટીની કૈફિયત સાંભળી સ્તબ્ધ થઈ. બે મહિનાથી સાચવી રાખેલી અનુપમાની લાશના બાકીના ટુકડા ડીપફ્રીઝરમાંથી બહાર કાઢી ફોરેન્સિક લેબ.ને મોકલી આપવામાં આવ્યા. રાજેશ ગુલાટીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો. માસૂમ બાળકો સોનાક્ષી અને સિદ્ધાર્થને અનુપમાના પિયરમાં મોકલી દેવાયા. અનુપમાના પપ્પા ડો. પ્રધાન કહે છે : ''મેં મારી દીકરીને રાજેશ ગુલાટી સાથે લગ્ન ના કરવા સલાહ આપી હતી. કાશ, મારી દીકરીએ મારી સલાહ માની હોત તો અમારે આ દિવસ જોવો ના પડત.''


Comments