દીકરી-ઝંખના- વાર્તા


રમા ફરીવાર ગર્ભવતી બની હતી. જોકે આ વખતે પુત્ર જન્મે એવું મનોમન તે ઝંખતી હતી. છતાં પાંચેક વરસ પહેલાં તેને જે પીડા અને શરમજનક અનુભવોમાંથી ગુજરવું પડ્યું હતું તે યાદ આવતાં તે ગભરાતી હતી કે ફરીવાર જો પુત્રી અવતરશે તો ?
ઢીંગલી જેવી શ્વેતા અને પારસ હજી ઘસઘસાટ ઊંઘી રહ્યાં હતાં. રવિવાર હોવાથી પતિ અને પુત્રી બન્ને માટે નિરાંતે સૂવાનો દિવસ હતો. સાસુ તેમનાં એક સંબંધીને ઘેર ગયાં હતાં.
નવરાત્રિના દિવસો હતા. પુત્રજન્મની માનતા પૂરી કરવા માટે સંબંધીના ઘરે દેવીનું જાગરણ હતું. જતી વખતે સાસુ ખુશ નહોતાં. ‘‘કોણ જાણે દેવીની કૃપા આપણા પર ક્યારે વરસશે ? મને પણ પૌત્રનું મોં જોવાનો લાભ મળે, તો હું પણ જાગરણ કરાવું.’’
દેવીભક્ત હોવાને નાતે સાસુએ કોઈપણ મંદિર, કોઈપણ ઉપવાસ કે વ્રત બાકી નહોતાં રાખ્યાં. જોકે તેમના ઘરમાં કશી વાતની કમી નહોતી. છતાં માજીને લાગતું હતું કે તેમના પર દેવીની કૃપા નથી વરસી. એટલે જ વહુના ખોળામાં દીકરાને બદલે પાંચ વરસની શ્વેતા રમતી હતી.
રમાનું સાસરું હર્યુંભર્યું હતું. ચારે વહુઓનાં ઘરો આજુબાજુમાં હતાં. સહિયારો વેપાર હતો અને રોજેરોજ બધા હળતાં-મળતાં. દરેક ઘરની રજેરજ માહિતી એકમેકને મળી રહેતી. પણ સાસુના મનમાં વસવસો હતો કે બીજી બધી વહુઓ પર દેવીના આશીર્વાદ વરસ્યા હતા, સિવાય કે રમા. પરિવારની બાકીની વહુઓએ પુત્રો જણ્યા હતા. ત્યારપછી રમા બબ્બેવાર ગર્ભવતી રહ્યા છતાં તેને પુત્ર અવતર્યો નહોતો. એટલે એમની નજરમાં રમા હીન અને તિરસ્કારનું પાત્ર બની ગઈ હતી.
જોકે બીજી વહુઓએ તેમના ગર્ભમાં આવેલી બાળકીઓ પડાવી નાખીને કેવી રીતે પુત્રોને જ જન્મ આપીને પરિવારમાં ગૌરવનું સ્થાન મેળવ્યું હતું તે હકીકતથી રમા અજાણ નહોતી. પણ ગર્ભ-પરીક્ષણ વડે લંિગની જાતિ જાણીને છોકરી હોય, તો ગર્ભપાત કરાવી નાખવા સામે રમાને સખત વિરોધ હતો. દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ રાખવાનું તેને જરાય નહોતું ગમતું, કેમકે તેના પિતાએ તેને ખૂબ લાડકોડથી ઉછેરી હતી. તેથી આવી નીચ માનસિકતાનાં બીજ તેના મનમાં ક્યારેય પડ્યાં નહોતાં.
પરંતુ કમનસીબે તેના સુખી-સંપન્ન અને સુશિક્ષિત સાસરામાં પિયર કરતાં સાવ ઊલટી મનોદશા તેને જોવા મળી. કહેવા ખાતર તેનો પરિવાર દેવી માનો પરમ ભક્ત હતો. લગભગ દરરોજ કોઈકના ને કોઈકના ઘરમાં દેવીના નામે કંઈ ને કંઈ પૂજાપાઠ કે કર્મકાંડ થતાં રહેતાં. પરંતુ જ્યારે દેવીના વાસ્તવિક રૂપ સમી ‘કન્યા’ જનમતી તો ઘરમાં વડીલોનાં મોઢાં એવાં પડી જતાં, જાણે કોઈકે તેમની સમૃદ્ધિ છીનવી લીધી ન હોય.
રમાને જ્યારે જ્યારે તેના પરિવારની કોઈક ભાભીના ગર્ભપાતના સમાચાર મળતા ત્યારે ત્યારે તેનું મન ક્રોધ, નફરત અને વિષાદથી ભરાઈ જતું. કોઈપણ સ્ત્રી પોતાના બાળક સાથે આવું કેમ કરી શકે ? પણ જ્યારે એણે પહેલીવાર ગર્ભ ધારણ કર્યો ત્યારે તેને સમજાઈ ગયું કે એમાં એની ભાભીઓનો વાંક નહોતો. સંયુક્ત પરિવારમાં વડીલોનાં મત-મમતના દબાણને ઝીલવાં એ કોઈ બચ્ચાના ખેલ નથી. ભલભલી વહુઓ વિચલિત બની જતી હોય છે. વળી મોટા પરિવારમાં એક લાચાર વહુની હેસિયત કેટલી કે તે પોતાનો વિરોધ પ્રગટ કરીને સામેથી મુસીબતો નોતરી લે.
છતાં આ વખતે રમા હંિમત ન હારી. ‘પારસ, આ વખતે દીકરી અવતરે કે દીકરો, પણ હું બાળકને જન્મ જરૂર આપીશ.’’ તેણે પતિ સમક્ષ રજૂઆત કરી.
‘‘હું તારી મનઃસ્થિતિ જાણું છું, રમા. આ બાળક કેવળ તારું જ નહિ, મારું પણ સંતાન છે. માને તો હું મનાવી લઈશ, પણ આપણી આસપાસ સગાંવહાલાંની જે ફોજ છે, જે બળતામાં ઘી હોમવાનું કામ કરે છે, તેમનો સામનો શી રીતે કરું ?’’ પારસે પોતાની પરેશાની વ્યક્ત કરી.
‘‘ગમે તે થાય, હું સોનોગ્રાફી નહિ જ કરાવું. તમારે ગમેતેમ કરીને માજીને સમજાવવાં જ પડશે.’’
બાળક માટે રમા કોઈ પ્રકારનું સમાધાન કરવા માગતી નહોતી. આથી એક ગોઠવણ મુજબ તે પિયર ચાલી ગઈ અને જ્યારે તેનાં સાસુને રમા સગર્ભા થયાની જાણ થઈ ત્યારે ઘણો વિલંબ થઈ ચૂક્યો હતો. જોેકે શ્વેતા જન્મી ત્યારે સાસુએ હતાશ હૈયે તેનો સ્વીકાર કર્યો હતો. તેના જન્મપ્રસંગે ન તો ઘરમાં કોઈ જાગરણ કરાયું કે ન તો કોઈએ વધામણીનાં ગીત ગાયાં.પરંતુ રમા અને પારસ ખુશખુશાલ હતાં. બન્ને જણ શ્વેતા પર અઢળક વહાલ વરસાવતાં.
બે વરસ બાદ રમા ફરી સગર્ભા બની. પણ આ વખતે સાસુ પૂરેપૂરાં સજાગ હતાં. તેઓ પહેલી ભૂલ દોહરાવવા માગતાં નહોતાં. રમાની નાની અમથી હરકત પર તે બાજનજર રાખતાં. માતાનો ઈમોશનલ ડ્રામા, રોકકળ અને ક્લેશ-કકળાટથી બચવા માટે પારસ પોતાને નહિ ગમતું હોવા છતાં રમા પર દબાણ લાદવા માંડ્યો. ‘‘રમા, મમ્મીને દર વખતે સંભાળવાનું મારા માટે અશક્ય છે. ગયે વખતે તેણે આપણી વાત માની લીધી હતી. પણ આ વખતે માની મનમાની થવા દે. ઘરનું ટેન્શન મારાથી સહેવાતું નથી. હું શાંતિથી જીવવા માગું છું.’’
ઘરની દરેક વાત સાસુમા એવું મીઠું-મરચું ભભરાવીને અને રડી-ઝગડીને કુટુંબીજનો સામે રજૂ કરતા કે બધાનાં ભવાં રમા અને પારસ સામે ઊંચાં ચડી જતાં. રોજેરોજના કકળાટમાંથી છુટકારો મેળવવા માટે રમાએ ભારે મનથી સમાધાન કરી લીઘું હતું. પરણ્યા પછી અત્યારસુધીમાં બબ્બેવાર ગર્ભહત્યાનું કલંક વહોરી ચૂકેલી રમા આજે ફરી એજ મોડ પર આવીને ઊભી હતી.
આપવીતી વિશે વિચારી-વિચારીને રમાનું માથું ભારે થઈ ગયું. તે રસોડામાં ચા બનાવવા ચાલી ગઈ. કિચનમાં કામવાળી સલમા વાસણ ધોઈ રહી હતી. ચા બનાવતાં બનાવતાં રમાને ઊબકા આવવા માંડ્યા અને તે બાથરૂમ તરફ દોડી. ‘‘ક્યા દીદી, કોઈ ખુશખબરી હૈ ક્યા ?’’ સલમા રમાની બોડી-લેંગ્વેજ સમજી ગઈ.
રમાએ પળભર તેની સામે જોયું. પરંતુ કશું બોલી નહિ. તેની ચૂપકીદીને ‘હા’નો સંકેત માનીને સલમાએ પોતાની અટકળ સાવ સાચી માની લીધી.
‘‘ચલો, અચ્છા હી હૈ દીદી, શ્વેતા ગુડિયા કબ તક અકેલી ખેલેગી ? ઉસે ભી તો ખેલને કે વાસ્તે કોઈ સાથી-સંગી ચાહિયે ન ? અકેલે બચ્ચે કા ઘર મેં બિલકુલ જી નહીં લગતા હૈ.’’
‘‘અચ્છા, તેરે કિતને બચ્ચે હૈં ?’’ રમાએ ચા ગાળતાં પૂછ્‌યું.
‘‘કિતને ક્યા, દીદી ? બસ એક હી બિટિયા હૈ મેરી. અબ તો સયાની હો ગઈ હૈ. દસવીં મેં પઢતી હૈ,’’આટલું બોલતાં સલમાનો ચહેરો ગર્વથી ચમકી ઊઠ્યો.
‘‘ક્યોં ? દૂસરા નહીં કિયા ઉસકે બાદ ?’’
‘‘ક્યા બતાઉં દીદી, ઈસકે જનમ કે બાદ ઈતના કલેસ પડ ગયા થા ઘર મેં, ઈસકે બખત ધોખે સે ડોક્ટરી જાંચ કરા દી મેરી. મૈં ઠહરી અનપઢ-ગંવાર, મુઝે તો કુછ પતા ન ચલા. છોરી જાનકર પેટ ગિરાને કો પીછે પડ ગયે કમીને. મગર મૈં તૈયાર ન હુઈ. ભલા બતાઓ તો દીદી, અગર મેરે માં-બાપ મેરે સાથ ઐસા કરતે, તો મૈં કૈસે આતી ઈસ દુનિયા મેં ?’’
‘‘ફિર ક્યા હુઆ ?’’ રમાની ઉત્સુકતા વધી ગઈ હતી. ‘‘હોના ક્યા થા દીદી, મૈેંને તો અપની સાસ ઔર મરદ કો જો ખરી-ખોટી સુનાઈ કિ પૂછો મત. મૈંનેૈ સાફ કહ દિયા કિ ભલે મૈં અનપઢ-ગંવાર હૂં, મગર હાથ-પૈર સે સલામત હૂં. કૈસે ભી કરકે અપના ઔર છોરી કા પેટ પાલ લૂંગી. તેરે દરવાજે પર ન આઉંગી રાટી માંગને, મેરી કોખ કી તરફ આંખ ઉઠાકર ભી દેખા તો અચ્છા નહીં હોગા. બસ, મેરી સાસ ને મુઝે ઘર સે નિકલવા દિયા.’’
‘‘ઔર તેરે આદમી ને નહીં રોકા તુઝે ?’’ રમાએ પૂછ્‌યું.
‘‘વો ક્યા રોકતા. વો તો અપની માં કા ગુલામ થા. મૈંને ભી સોચા, પરે હટાઓ ઐસે મરદ કો, જો દુખ-દરદ મેં અપની જોરુ કા સાથ ન દેકર માં કી ગોદ મેં જા છિપે. જો અબ કામ ન આયા, તો કુઝ બૂરી પડને પે ક્યા કામ આયેગા ? બસ દીદી, અબ તો ખુદ કમા-ખા લેતી હૂં ઔર બિટિયા કો પઢા-લિખા રહી હૂં. ઈક હી બાત હરદમ કહતી હૂં ઉસે ઃ દુનિયા સે કુછ ઉમ્મીદ મત કરિયો. ખુદ મજબૂત બન.’’
સલમાની વાતો સાંભળીને રમા સ્તબ્ધ બની ગઈ. આ બુરાઈનાં મૂળ તેના ઘર સુધી જ નહીં, પરંતુ દૂર વસેલી ગરીબોની વસ્તીમાં પણ પ્રસર્યાં હતાં.
‘‘તુમ લોગોં મેં ભી હોતા હૈ યે સબ ?’’ રમાએ નવાઈ પામતાં પૂછ્‌યું.
‘‘હોતા ક્યોં નહીં, દીદી ? હમ ઠહરે ગરીબ. જિસ સૌદે મેં સિર પર ખરચ આ પડે, વો કિસે ભાયેગા ? હમ લોગોં મેં તો યે સબ ચલતા હી હરતા હૈ. હમ અનપઢોં મેં કહાં ઈતની અક્કલ કિ છોરે-છોરી કા ભેદ કરેં. જિસ છોરી કી કિસ્મત ભલી હોગી, ઉસે ભગવાન આપ જૈસોં કે ઘર ભેજે હૈં. અપની ગુડિયા કો હી દેખ લો. રાની બનાકર રાજ કરે હૈ ઘરભર પર.’’ સલમા દરદભર્યા સ્વરમાં બોલી.
સલમાની આ છેલ્લી વાત રમાના હૈયામાં તીરની જેમ ભોંકાઈ ગઈ. એને ક્યાં ખબર હતી કે ગુડિયાના અસ્તિત્વની રક્ષા ખાતર કેટકેટલી જહેમત ઉઠાવવી પડી હતી તેને. દીકરીઓને મારી નાખવાનું ચલણ અભણો કરતાં સુશિક્ષિતો અને સુખીસંપન્ન પરિવારોમાં વધારે છે, જે લોકો પોતાનું જીવન ભગવાનની ઈચ્છા પ્રમાણે નહિ, પરંતુ પોતાની ગણતરી મુજબ જીવવા માગે છે. શા માટે સર્વ રીતે સંપન્ન કુટુંબો પણ પુત્રીના જન્મને બોજરૂપ માને છે ? કોણ જાણે આ કેવી માનસિકતા છે, જે તેમને પોતાના જ એક અંશને નષ્ટ કરવા માટે પ્રેરે છે.
રમા ચા લઈને પોતાના રૂમમાં આવી ગઈ. પરંતુ એને ચા પીવાનું મન ન થયું. તેની સામે જે કંઈ આવવાનું હતું તેને માટે તે હજી તૈયાર નહોતી. સલમાની વાતો હજીયે તેના કાનમાં ગૂંજી રહી હતી. દેખાવમાં દૂબળી-પાતળી, કૃશકાય સલમા, ભીતરથી કેટલી બાહોશ અને સાહસિક છે. એક અજાણ્યા, નહિ જન્મેલા બાળક માટે એક ઝાટકે બઘું છોડી દીઘું. ન તો સમાજની પરવા કરી, ન માથે છાપરાની ચંિતા કે ન પતિનો મોહ. મારામાં કેમ આટલી હંિમત નથી ? હું તો પારસ વગર રહેવાની કલ્પના સુઘ્ધાં નથી કરી શકતી. હું ભણેલીગણેલી હોવા છતાં સલમાની સામે કંઈ જ નથી. શું છુ ં હું ? એક જીવતીજાગતી વ્યક્તિ કે પછી કેવળ એક રમકડું, જેને ચલાવનારો રિમોટ કન્ટ્રોલ બીજાઓના હાથમાં છે? રમા પોતાના ખયાલોની જાળમાં જ બૂરી રીતે અટવાઈ ગઈ હતી. બહાર નીકળવાનો કોઈ રસ્તો તેને સૂઝતો નહોતો.
પારસ ઊઠીને પોતાનાં રોજંિદાં કામોમાં પરોવાઈ ગયો. રમા તેને કશું કહી ન શકી. પરંતુ તે ભારે ગડમથલમાં હતી. થોડીવારમાં સાસુ આવી ગયાં. રમાની ખરાબ તબીયતનું કારણ સમજાતાં જ ખુશ થઈ ઊઠ્યાં અને બોલ્યાં, ‘‘મને ખબર જ હતી કે આમ જ થવાનું છે. દેવીમા મને નિરાશ નહિ કરે. તેણે તો રાત્રે જ મને ઘ્યાનમાં કહી દીઘું હતું કે મારા ઘરમાં પૌત્ર અવતરવાનો છે. ’’
પોતાની અદમ્ય ઝંખનાઓ કે ઈચ્છાઓની પૂર્તિની ખબર એ સપનામાં અથવા કલ્પનામાં પોતાના ઈષ્ટ દેવી-દેવતા પાસેથી સાંભળેલી ઈશ્વરવાણી નહિ, પરંતુ પોતાના મને જ ગૂંથેલી ભ્રમજાળ હોય છે, એ હકીકત માજી સમજતાં નહોતાં. રમાની અગાઉની પ્રેગ્નન્સી વખતે પણ દેવીએ સપનામાં આવીને પૌત્રના આગમનના ખબર આપ્યા હતા, જે પાછળથી ખોટા સાબિત થયા હતા.
‘‘હું ગીતાને ફોન કરી દઉં છું. તે સમયસર તપાસ કરી લેશે....’’ માની વાત સાંભળીને પારસે નિર્વિકાર ભાવે રમા સામે જોયું. રમાના મનની વ્યથા તેની આંખોમાં સ્પષ્ટ છલકાઈ રહી હતી, જેને સમજ્યા છતાં તે કશું ન કરી શકી.
રમાને ત્રીજો મહિનો જઈ રહ્યો હતો. માજીએ રમાની સોનાગ્રાફી માટે એપોઈન્ટમેન્ટ લઈ રાખી હતી અને ધાર્યું પરિણામ ન આવે તો ગર્ભ પડાવવાનો બંદોબસ્ત પણ કરી રાખ્યો હતો. જોકે આપણા દેશમાં લંિગ-પરીક્ષણ પર પ્રતિબંધ છે અને તેને એક ગુનો ગણવામાં આવે છે. પરંતુ થોડાક વઘુ પૈસા વેરીને કઈ સગવડ ખરીદી નથી શકાતી ? એટલે જ રમા સાથે ક્લિનિકમાં પારસને મોકલવાને બદલે સાસુમા જાતે જ જઈ રહ્યાં હતાં, કેમકે તેમને પોતાના બેટા પર પૂરો ભરોસો નહોતો. રખે ને તે કદાચ રમાની વાતોમાં આવી જઈને ફરી જાય, તો તેમનાં આશા-અરમાનો ઘૂળધાણી થઈ જાય.
રમાની સોનોગ્રાફી થઈ ચૂકી હતી. તેની આશા પર પાણી ફરી વળ્યું હતું. પરંતુ તે નિયતિ સામે ઝૂકવા માટે તૈયાર નહોતી. જેમ જેમ ગર્ભપાતનો સમય નિકટ આવતો જતો હતો, તેમ તેમ રમાની બેચેની વધી રહી હતી. તેનું આંતરમન ચિત્કાર કરી રહ્યું હતું ઃ આવો અનર્થ નહિ થવા દેતી રમા, બસ હવે બહુ થયું... ક્યાં સુધી તારા જ જિગરના ટુકડાની હત્યાઓનું પાપ વહોરતી રહીશ ? શું તું સલમા કરતાં પણ સાવ ગઈગુજરી છે ? જ્યારે એ પોતાની કોખની રક્ષા ખાતર બઘું છોડી શકે છે, તો તું કેમ નહિ ? શું થવાનું છે ? બહુ બહુ તો એ જ કે તારે ઘર છોડવું પડશે, પરંતુ તારી દીકરીને કમ-સે-કમ જીવતી જો જોઈ શકીશ ને? એ માસૂમ જીવ પૂરેપરો તારા સહારે સુરક્ષિત છે. એ વિચારતી હશે કે મારી માતાની ગોદમાં હું સહીસલામત છું. મારી મા છે તો પછી કોઈ મારું શું બગાડી શકશે ? નિરાંત સૂતી હશે તે. જ્યારે એને ખબર પડશે કે તેને પોતાની કૂખમાં મમતાથી સંભાળનારી માતા જ આજે ક્રૂર બનીને તેના પ્રાણ હરનારી બની છે, ત્યારે તેના પર શી વીતશે ? તેની સાથે આવો અન્યાય નહિ કર. આજે પારસના પ્રેમની પણ પરીક્ષા થવા દે. દરેક વખતે ખોટા નિર્ણયો લઈને માતૃ-સન્માનના નામે માની પડખે ઊભો રહેનારો માણસ શું એક સાચા નિર્ણય ખાતર તારો સાથ નહિ આપી શકે ? અને જો હજીય તે તારી સાથે ઊભો ન રહી શકે, તો પછી આવા પતિ પાસેથી શી આશા રાખવી ? એ જંિદગીના ગમે તે મોડ પર તારો સાથ છોડી દઈ શકે છે. તું એટલી પરવશ પણ નથી કે પારસ વગર તારી દીકરીઓનો ભાર ન ઉઠાવી શકે. બસ, થોડીક હંિમત કર, રમા.
‘‘ચાલો, રમા.’’ નર્સનો અવાજ સાંભળતાંવેંત રમાનું શરીર જાણે જડ બની ગયું. માંડ માંડ તે ઊભી તો થઈ, પરંતુ પગ હલાવી નહોતી શકતી.
‘‘મારાથી એ નહિ થાય માજી. હું એ નહિ કરી શકું.’’ કંઠમાં રુંધાયેલો નિર્ણય પૂરેપૂરા આવેશ સાથે બહાર નીકળ્યો.
પારસ જે ક્લેશ સામે નતમસ્તક હતો, એ આજે પૂરજોશમાં હુંકાર કરી રહ્યો હતો. ‘‘વહુઓ ઘર વસાવવા માટે હોય છે, ઘર બરબાદ કરવા માટે નહિ. મારા વંશને ખતમ કરવા બેઠી છે એ. હું તને કહી દઉં છું પારસ, કાં તો એને સમજાવી લે, નહિતર આપણી સાથે એનો કોઈ સંબંધ નહિ રહે.’’મા રોષભર્યા સ્વરમાં બોલી ગઈ.
‘‘ન રહે તો કાંઈ નહિ માજી. હું એને માટે તૈયાર છું. પરંતુ આ વખતે મારી કૂખને ઊની આંચ નહિ આવવા દઉં. મારો નિર્ણય કદાપિ નહિ બદલાય. પછી જેવી તમારી મરજી. હું આજે જ અહીંથી મારી બેટીને લઈને ચાલી જઈશ.’’ રમાની વાણી અને ભાવ બન્ને શાંત હતા. સતત માનસિક દ્વંદ્વોનું તોફાન એક નિર્ણય ઉપર આવીને અટકી ગયું હતું. હવે તે દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂરેપૂરી સજ્જ હતી. ‘‘કોઈ ક્યાંય નહિ જાય, મા. રમાએ જે કર્યું છે તે યોગ્ય જ કર્યું છે. હું પણ એવું જ ઈચ્છતો હતો. પરંતુ કોણ જાણે કેમ, ઈચ્છવા છતાં સાહસ નહોતો કરી શકતો. મારી બે દીકરીઓની હત્યાનો વસવસો હજી મને કોરી ખાય છે. ત્રીજીનો આઘાત સહેવાની તાકાત નથી મારામાં.’’પારસ હંિમતભેર બોલ્યો. ‘‘તું આ શું કહી રહ્યો છે ? રમાની સાથે શું તારું મગજ પણ બહેર મારી ગયું છે ? મર્યા પછી કોઈ તારું ક્રિયા-કરમ કે શ્રાદ્ધ કરવાવાળું પણ નહિ હોય. આત્માને મુક્તિ નહિ મળે....’’ માની આવી વાતો સાંભળીને પારસની સહનશક્તિ ખૂટી ગઈ.
‘‘આત્માની મુક્તિ પોતાનાં સારાં-નરસાં કર્મોથી થાય છે, કોઈ કર્મકાંડથી નહીં અને આજે એક વાત કાન ખુલ્લા રાખીને સાંભળી લે મા, જો તેં રમાની પ્રેગ્નન્સીમાં કોઈપણ જાતની અડચણ પેદા કરી અથવા તેને કોઈપણ જાતનું ટેન્શન આપ્યું, તો અમારી મુક્તિ તો થાય કે ન થાય, પણ તારો મોક્ષ નહિ થાય, કેમકે પછી હું તારા મર્યા પછી તારું ક્રિયા-કરમ કે પંિડદાન નહિ કરાવું.’’ આજે પારસના દિલમાં ધરબાઈ રહેલો રોષ-આક્રોશ ભભૂકી ઊઠ્યો. માજી એના જવાબથી અવાચક બની ગયાં.
‘‘રમા, જો તારી સાથે કશું ગેરવર્તન થશે, તો તારી સાથે હું પણ આ ઘર છોડી જઈશ.’’ પારસની આવી અણધારી પ્રતિક્રિયાથી રમા એકદમ ભાવાવેશમાં આવી ગઈ અને એને વળગીને રોઈ પડી. આજે એની સૂની ગોદ ફરીથી હરીભરી બની ગઈ હતી. આજે તેણે પોતાની કૂખની સાથે પોતાના સૌભાગ્ય પર પણ અધિકાર મેળવી લીધો હતો. 

Comments