હવે એક નવાં માતાજી પ્રગટ થયાં છે. દેખાવમાં એકતા કપૂરની સિરિયલનાં જાજરમાન એક્ટ્રેસ જેવાં લાગે છે. સ્વરૂપવાન છે. હોઠ પર ચમકતા લાલ રંગની લિપસ્ટિક લગાવે છે. અત્યંત કીમતી કોસ્ચ્યૂમ્સ પહેરીને કાળા ભમ્મર છૂટા વાળ સાથે સાક્ષાત્ માતાજી જેવાં લાગે છે. માતાજી આશીર્વાદ આપતાં હોય તેમ સતત એક હાથ ઊંચો રાખે છે. કોઈ પ્રશ્નનો જવાબ આપતાં નથી. મોટેભાગે દર્શન જ આપે છે. ક્યારેક બોલે છે તો તેમના ભક્તોને એટલું જ કહે છે : "આઈ લવ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ." માતાજી અંગ્રેજીમાં પણ બોલે છે. મુંબઈમાં તેમનો જબરો ચાહક વર્ગ છે. ફિલ્મના કલાકારો, નેતાઓ અનેક કેટલાક બિલ્ડરો પણ તેમનાં ભક્ત છે.
- મા કાંઈ જ બોલતાં નથી છતાં મુંબઈમાં તેમના ભક્તોની સંખ્યા વધી જ રહી છે
લોકો તેમને 'રાધે મા' તરીકે ઓળખે છે.
રાધે મા એક રહસ્યમય વ્યક્તિત્વ છે. ચહેરો ફોટોજેનિક હોવાથી કેમેરાને હંમેશાં તેમનું આકર્ષણ રહે છે. લોકો તેમને પગે લાગે છે,પરંતુ નિર્મલ બાબા પછી આ એક નવું વિવાદાસ્પદ પાત્ર છે. રાધે માની વેબસાઈટ અત્યંત ડાયનેમિક છે. કોઈ ફિલ્મ શરૂ થતી હોય તે રીતે તેનું ઓપનિંગ થાય છે.
રાધે માની બાયોગ્રાફી કાંઈક આ પ્રમાણે છે : પંજાબના હોશિયારપુર જિલ્લામાં શિખ માતા-પિતાના ઘરે તેમનો જન્મ થયો હતો. નાની વયથી જ તેઓ હિન્દુ મંદિરોમાં જવા લાગ્યાં હતાં. ખાસ કરીને ભગવાન શિવ અને દેવી પાર્વતીનાં તેઓ ભક્ત બની ગયાં હતાં. તેઓ સ્કૂલમાં ભણતાં હતાં ત્યારે બીજાં બાળકોની જેમ રમકડાં સાથે રમવાના બદલે મહાદેવ અને દેવીની પૂજા કરતાં હતાં. સ્કૂલમાં રિસેસ પડે ત્યારે બાળકોનાં લંચ બોક્સમાંથી બીજાં ગરીબ બાળકોને જમવાનું વહેંચી અપાય તે માટે સમજાવતાં હતાં. બાળકો ઝઘડતાં હોય ત્યારે રાધે મા મધ્યસ્થી બનતાં હતાં. સ્કૂલમાં તેઓ લોકપ્રિય વિધાર્થિની હતાં.
જે દિવસે તેમનો જન્મ થયો તે દિવસથી જ તેઓ તેમના પરિવાર માટે અસાધારણ અને દૈવી બાળક લાગતાં હતાં. તેમનાં માતા કહે છે : "રાધે મા સાક્ષાત્ અન્નપૂર્ણા દેવીનો અવતાર છે."
રાધે મા યુવાન બનતાં તેમનું લગ્ન પંજાબના મુકેરિયા ગામના શ્રીમંત ખેડૂત સરદાર મોહન સિંહ સાથે કરી દેવામાં આવ્યું હતું. તેમના પતિ ખેડૂત હોવા ઉપરાંત બિઝનેસમેન પણ હતા, પરંતુ આ લગ્ન જ તેમને અધ્યાત્મ તરફ લઈ જવા નિમિત્ત બન્યું. તેમની સાસરી મુકેરિયા ખાતે એક પૌરાણિક શિવ મંદિર આવેલું છે. આ મંદિરમાં દર્શન કરવા તેઓ જતાં હતાં. અહીં રહેતા સંત શ્રી ૧૦૦૮ મહંત રામદીન દાસ સાથે તેમને પરિચય થયો. આ મહંત ૨૦૧૦માં મૃત્યુ પામ્યા ત્યારે તેમની વય ૧૩૯ વર્ષની હોવાનું કહેવાતું હતું. અહીં આ સંત અને રાધે માને દેવીની કોઈ આભા પ્રાપ્ત થઈ હતી.
પતિના ઘરમાં ઘરગૃહસ્થી અને પત્નીની ભૂમિકા ભજવવાની સાથે તેમણે દેવીની ભક્તિ પણ વધારી દીધી હતી. દેવી પ્રત્યેની તેમની આસ્થા જોઈ આસપાસના લોકોએ તેમને પોતાના ઘરે સત્સંગ, પૂજા, ભજન તથા બીજી ર્ધાિમક ક્રિયાઓ માટે આમંત્રણ આપવા માંડયું હતું. લોકો તેમને રાધે મા કહીને બોલાવવા લાગ્યા હતા. રાધે માએ તેમના ભક્તો માટે પોતાનું ઘર ખુલ્લું મૂકી દીધું હતું. રાધે માના કહેવાથી કેટલાંક પરિવારોએ મંગળવારે અને શનિવારે જાગરણ રાખવા માંડયાં હતાં. કેટલાક લોકો માનતા હતા કે, રાધે માના બતાવેલા પૂજાપાઠ પછી તેમના નાણાકીય, સામાજિક અને વ્યાવસાયિક પ્રશ્નો હલ થઈ જાય છે. ધીમે ધીમે રાધે માની પ્રતિષ્ઠા ચારેકોર વધી ગઈ હતી. ધીમે ધીમે આસપાસના ગામોના લોકો પણ તેમનાં દર્શને આવવા લાગ્યાં હતાં. રાધે માની પ્રતિષ્ઠા બહુ થોડા સમયમાં વિદેશો સુધી પહોંચી ગઈ. તેઓ ભારતભરનાં શહેરોમાં જ નહીં, પરંતુ યુ.કે., સ્વિત્ઝરલેન્ડ, મીડલ ઈસ્ટ અને કેનેડા પણ દર્શન આપવા જઈ આવ્યાં.
૨૦૦૬ની સાલમાં બિલબોર્ડસ બિઝનેસ સાથે સંકળાયેલા અને ગ્લોબલ એડવર્ટાઈઝરના માલિક સંજીવ ગુપ્તાનો મુંબઈના એક જાગરણ કાર્યક્રમ દરમિયાન ભેટો થઈ ગયો. ગુપ્તા શ્રીમંત વ્યક્તિ છે. તેઓ કન્ફેક્શનરી અને સ્વીટ્સના સુપર સ્ટોર્સ પણ ધરાવે છે. સંજય ગુપ્તાને રાધે મા તરફ જબરદસ્ત ભક્તિભાવ પેદા થતાં એક દિવસ રાધે માના આકર્ષક ફોટાવાળાં હોર્ડિગ્સ મુંબઈમાં લટકાવી દીધાં હતાં. રાધે માની આકર્ષક તસવીરો જોઈ મુંબઈના લોકો પણ વિચારમાં પડી ગયા હતા. મુંબઈના સંખ્યાબંધ લોકો પણ રાધે માના દર્શનાર્થી બની ગયા. સંજીવ ગુપ્તા કહે છે : "રાધે માને પબ્લિસિટીની કોઈ જરૂર નથી. બિલબોર્ડ્સથી રાધે માને કોઈ ફરક પડતો નથી. હું તો આ કરું છું, કારણ કે તેમણે મારી જિંદગી બદલી નાખી છે. હું પણ બીજા હજારોની જેમ રાધે માના દર્શન માટે કતારમાં ઊભો રહું છું."
સંજીવ ગુપ્તા એકવાર આ રીતે જ રાધે માના દર્શન માટે ઊભા હતા અને તેમને બીજા દર્શનાર્થીઓ માટે આગળ વધવા કહેવામાં આવ્યું ત્યારે તેમણે રાધે માને વિનંતી કરી : "તમે તમારા ઘરે પધારશો ?" સંજીવ ગુપ્તાના કહેવાનો મતલબ એ હતો કે, "હું જે ઘરમાં રહું છું તે તમારું જ ઘર છે."
રાધે માએ સ્મિત સાથે હા પાડી. રાધે મા તેમના ઘરે ગયા અને તે દિવસથી મુંબઈના આ બિઝનેસમેનનું ઘર 'રાધે મા ભવન' બની ગયું. હવે રાધે મા પણ એ જ ઘરમાં રહે છે. રાધે મા અને સંજીવ ગુપ્તા એક જ છાપરા નીચે રહે છે. તે માટે તેઓ પોતાની જાતને નસીબદાર માને છે.
ભક્તો રાધે માને દુર્ગા માતાનો અંશ-અવતાર માને છે. રાધે મા બહુ ઓછું બોલે છે, ભાગ્યે જ બોલે છે. કોઈ તેમના ચરણોમાં પ્રણામ કરી આશીર્વાદ માગે છે તો તેઓ શિવની પૂજા કરવાની સલાહ આપે છે. રાધે મા પંજાબના મુકેરિયા ગામને તેમની કર્મભૂમિ માને છે અને ભક્તો અહીં મા દુર્ગાનું અને ભગવાન શિવનું ભવ્ય મંદિર પણ બનાવવા માગે છે. રાધે માએ તેમ કરવા ભક્તોને પરવાનગી પણ આપી છે. કેટલાક ભક્તોએ રાધે માનું જ એક મંદિર બનાવવા પરવાનગી માગી હતી, પણ રાધે માએ એવી પરવાનગી આપવાનો ઇનકાર કરતાં તેમણે કહ્યું : "મારી પ્રતિમાનું મંદિર બનાવવાના બદલે મને તમારા હૃદયમાં સ્થાપો."
રાધે માને તેમના ભક્તો અને તેમનો પરિવાર પણ 'દેવી મા' કહી સંબોધે છે. દર વર્ષે તેમના ભક્તો વધતા જાય છે. તેઓ ભક્તોને દર્શન આપે છે ત્યારે એક નવવધૂ જેવા અત્યંત કીમતી જરીવાળાં વસ્ત્રો પહેરે છે અને ખૂબ મોંઘાં અલંકારો ધારણ કરે છે. દેહ પર તમામ પ્રકારના શૃંગાર કરે છે. તેમને સોળે શણગારથી સજાવવાનું કામ સંજીવ ગુપ્તાના પરિવારની મહિલાઓ કરે છે. મુંબઈમાં બોરિવલી ખાતે તેઓ સંજીવ ગુપ્તાની માલિકીના 'રાધે મા ભવન' ખાતેના ઘરે લોકોને દર્શન આપે છે. દર્શનાર્થીઓની ભીડ વધતી જતી હોઈ લોકોને ટોકન આપવા પડે છે. વારા પ્રમાણે દર્શન માટે અંદર લઈ જવામાં આવે છે. રાધે મા જે એરકન્ડિશન્ડ ચેમ્બર (ગુફા જેવા ભાગમાં)માં હોય છે ત્યાં ૫૦ની સંખ્યામાં દર્શનાર્થીઓને અંદર લઈ જવામાં આવે છે. રાધે મા કાંઈ જ બોલતાં નથી,માત્ર સ્મિત આપે છે. દર્શન નથી આપતાં ત્યારે રાધે મા સંજીવ ગુપ્તાના 'રાધે મા ભવન'ની અંદર તૈયાર કરેલી ગુફામાં જતાં રહે છે. રાધે માના દર્શન બદલ કોઈ જ પૈસા લેવામાં આવતાં નથી. દર્શન ફ્રી છે. દર્શનાર્થીઓને મફત જમવાનું પણ આપવામાં આવે છે. કોઈ રાધે માને મળી પોતાનો પ્રશ્ન હલ કરવા માગતો હોય તો તેને રાધે માના ખાસ એટેન્ડેન્ટ ટલ્લી બાબા પાસે મોકલી આપવામાં આવે છે. ટલ્લી પંજાબી શબ્દ છે. તેનો અર્થ છે મંદિરનો ઘંટ. દેવી માની માતૃભાષા પંજાબી છે. તે ટલ્લી બાબાને યોગ્ય લાગે તે ભક્તને રાધે માની બીજી સહાયક 'ચોટી મા' પાસે મોકલી આપવામાં આવે છે.
સંજીવ ગુપ્તા કહે છે : "રાધે માને સંતાનો છે. સંતાનો પરણેલાં પણ છે છતાં તેઓ ૨૦ કે ૨૫ વર્ષની વયના લાગે છે. તેઓ સતી માતા જેવાં ના લાગે તે માટે અમે અમારા પરિવારમાં ઉપલબ્ધ છે તે તમામ શૃંગાર તેમને ચડાવીને આભૂષિત કરીએ છીએ. તેમની અંદરની કોઈ દૈવીશક્તિના કારણે જ તેઓ હજુ યુવાન લાગે છે."
વિવાદાસ્પદ અભિનેત્રી ડોલી બિન્દ્રા અને કોંગ્રેસના સંજય નિરુપમ પણ તેમનાં ભક્તજન છે.
Comments
Post a Comment
Thanx For Comment