તારી યુવાન-વિધવા મા એકલી કેવી રીતે રહે ?



- દેવેન્દ્ર પટેલ
સૌરાષ્ટ્રનાં જેતપુર તાલુકાના ખીરસરા ગામ પાસે સુરવો અને ભાદર નદી મળે છે. એક દિવસ કોઈએ ભાદર નદીમાં કોઈ મૃતદેહ જોયો. એણે પોલીસને જાણ કરી. પોલીસે કોહવાઈ ગયેલી માનવ લાશનો કબજો લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પ્રાથમિક તપાસમાં લાગ્યું કે, કોઈએ કોઈ યુવાનની ધારિયાના ઘા કરી લાશ નદીમાં ફેંકી દીધી હતી. જે પાણીમાં ખેંચાઈને જેતપુર સુધી પહોંચી હતી. લાશ વિકૃત થઈ ગઈ હોવાથી મરનારની ઓળખવિધિ શક્ય નહોતી. છતાં પોલીસે આ લાશ કોની છે તે માટે શોધખોળ શરૂ કરી દીધી.
આ ઘટનાના ચાર મહિના બાદ ખીરસરા ગામની નજીક સુરવો નામની એક નદી પાસે કૂતરાંઓએ માટીમાં ઢંકાઈ ગયેલી બીજી એક માનવ લાશ ખોદી કાઢી. કોઈએ આ દૃશ્ય જોતાં પોલીસને જાણ કરી. પોલીસે કેટલાયે દિવસોથી કોહવાઈ ગયેલી લાશ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. આ ઘટનાથી ચોંકી ઊઠેલી પોલીસે આ લાશ કોની છે તે માટે ચારે તરફ તપાસ ચલાવી. મળી આવેલા મૃતદેહ પર એક શર્ટ જ હતું. ઈજાનાં નિશાન જોતાં પોલીસ એવા તારણ પર આવી કે કોઈ યુવાનની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસ ચાર માસમાં મળી આવેલી બે માનવ લાશોનું રહસ્ય શોધવામાં વ્યસ્ત થઈ ગઈ.
રાજકોટ જિલ્લાના પોલીસ વડા પ્રેમવીરસિંઘ પણ આ બે રહસ્યમય લાશો મળી આવતાં ચોંકી ઊઠયા હતા. તેમણે એલસીબી પી.આઈ. વિક્રમસિંહ રાઠોડને તપાસ સોંપી. પોલીસે જેતપુર આસપાસનાં ગામોમાંથી ગુમ થયેલી વ્યક્તિઓની યાદી મંગાવી. તપાસના આધારે જાણવા મળ્યું કે, જેતપુર તાલુકાના ખીરસરા ગામનો વિજય ડોબરિયા નામનો એક યુવાન કેટલાયે દિવસોથી દેખાતો નથી. અલબત્ત, વિજય ડોબરિયાના ગુમ થયા અંગે કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી. બાતમીના આધારે પોલીસ ખીરસરા ગામે ગુમ થનાર જયંતી ડોબરિયાના ઘેર ગઈ. ઘરમાં ગુમ થયેલ વિજય ડોબરિયાની ૪૦ વર્ષની વયની માતા કુંદન એકલી ઘેર હતી. પોલીસે કુંદનને પૂછયું: “તમારો દીકરો વિજય ડોબરિયા ક્યાં છે ?”
તો કુંદને જવાબ આપ્યોઃ “તે કામસર સુરત ગયો છે.”
પોલીસે બાતમીના આધારે પૂછયું: “તમારે કેટલાં સંતાનો છે ?”
કુંદને કહ્યું: “બે, નાનો વિજય ૧૮ વર્ષનો છે અને મોટો અશોક ૨૦ વર્ષનો છે.”
પોલીસે પૂછયું: “તો અશોક ક્યાં
છે ?”
કુંદને કહ્યું : “અશોક પણ બહારગામ ગયેલો છે.”
પોલીસને બંને પુત્રોની માતા કુંદન ડોબરિયાની બોડી લેંગ્વેજમાં શંકા ગઈ. તેમણે કડકાઈથી પૂછયું: “તમારા પતિ ક્યાં છે ?”
કુંદને કહ્યું : મારા પતિનું ત્રણ વર્ષ પહેલાં જ અવસાન થયું છે ?”
પોલીસ પાસે કેટલીક ચોક્કસ બાતમી હતી. પતિ વિહોણી કુંદન ડોબરિયાને બે પુત્રો ઘરમાં દેખાતા ના હોવા છતાં ચહેરા પર કોઈ ચિંતા નહોતી. પોલીસે એકધારી પૂછપરછ કરતાં સુરત ગયેલા પુત્રનો મોબાઈલ નંબર માંગ્યો. મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. પોલીસને લાગ્યું કે કુંદન ડોબરિયા જુઠ્ઠું બોલી રહી છે. પોલીસે કુંદનને ભીંસમાં લીધી અને તે ભાંગી પડી. તે પછી કુંદન ડોબરિયાએ જે કબૂલાત કરી તે વધુ ચોંકાવનારી હતી.
વાત કાંઈક આમ હતી.
ખીરસરા ગામમાં રહેતી ૪૦ વર્ષની વયની કુંદન ડોબરિયાનો પતિ જયંતી ડોબરિયા એક બુટલેગર હતો. જયંતી ડોબરિયાથી તેને બે પુત્રો થયા હતા. છૂટક કામ અને મજૂરી કરતા જયંતી ડોબરિયાને દારૂ પીવાની ટેવ હતી. તે દારૂ પણ વેચતો હતો. દારૂ પીવાની ટેવના કારણે ત્રણ વર્ષ પહેલાં જ તેના પતિનું અવસાન થઈ ગયું. પતિના મૃત્યુ બાદ વિધવા બનેલી કુંદન ડોબરિયાએ પણ ઘેર બેઠાં દારૂ વેચવાનું કામ શરૂ કરી દીધું. કુંદન પાસે આજીવિકાનું બીજું કોઈ જ સાધન નહોતું. કેટલાંક લોકો કુંદનના ઘેર જ દારૂ પીવા આવતા. તેમાં રાવત ખૂમાણ નામનો એક યુવાન પણ હતો. તે ખીરસરા ગામનો જ વતની હતો. કુંદનના ઘેર દારૂ પીવા આવતા રાવત ખૂમાણ અને વિધવા કુંદનની આંખ મળી ગઈ. રાવત ખૂમાણ અપરિણીત હતો જ્યારે કુંદન વિધવા હતી. રાવત ખૂમાણ કુંદનથી ૧૦ વર્ષ નાનો હતો. બેઉની વચ્ચે અનૈતિક સંબંધો બંધાયા. કુંદન અને રાવત ખૂમાણ વચ્ચેના આડા સંબંધો હવે ગુપ્ત રહ્યા ન હોતા. આખા ગામમાં તેમની વાતો થતી. આ તરફ કુંદનના બંને પુત્રો હવે મોટા થઈ ગયા હતા. લોકો કુંદનના પુત્રોને કહેવા લાગ્યાઃ “અલ્યા, તારી માને રાવત ખૂમાણ સાથે સંબંધ છે.”
મોટા પુત્ર અશોકથી આ સહન ના થતાં એણે તેની માતા કુંદનને સમજાવવા પ્રયાસ કર્યો. કુંદન જે રસ્તે હતી ત્યાંથી તે પાછી વળવા માંગતી નહોતી. અશોકે સખત ઝઘડો કર્યો, છતાં કુંદન તેના પ્રેમીને છોડવા માંગતી નહોતી. એક દિવસ મોટા પુત્ર અશોકે કુંદનને માર પણ માર્યો, એણે કહ્યું: “તારા ખોટા ધંધાના કારણે અમારે લોકો આગળ નીચા જોણું થાય છે.” પરંતુ કુંદન રાવત ખૂમાણને છોડવા તૈયાર નહોતી.
જે દિવસ કુંદને તેના આડા સંબંધોના કારણે માર ખાવો પડયો તે દિવસે એણે તેના પ્રેમીને વાત કરીઃ “હવે મારાથી આ સહન થતું નથી. અશોકનો કોઈ રસ્તો કર. હું તારી સાથે કોર્ટમાં લગ્ન કરી લેવા તૈયાર છું. પણ મોટો છોકરો એમ નહીં થવા દે.”
પ્રેમીની પાછળ પાગલ બનેલી કુંદન કંઈ પણ કરવા તૈયાર હતી. કુંદન અને તેના પ્રેમી રાવત ખૂમાણે કુંદનના પુત્ર અશોકનું કાસળ કાઢી નાંખવાનો પ્લાન બનાવ્યો. પ્લાન મુજબ રાવત ખૂમાણે અશોકની હત્યા માટે એક માણસની પસંદગી કરી. દિનેશ ઠાકોર નામના એક ખેતમજૂરને સોંપારી આપી. દિનેશ ઠાકોર પણ તેની સાથે અવારનવાર કુંદનના ઘેર દારૂ પીવા આવતો હતો. સોપારી પાંચ હજાર રૂપિયામાં આપવામાં આવી. દિનેશ ઠાકોર પાંચ હજાર રૂપિયામાં કુંદનના પુત્રની હત્યા માટે તૈયાર થઈ ગયો. પ્લાન મુજબ સોપારી લેનાર દિનેશ ઠાકોરે કુંદનના પુત્ર અશોકને બહાર દારૂ પીવા માટે બોલાવ્યોઃ “યાર, તારા ઘેર દેશી દારૂ પીવાની મજા આવતી નથી. આજે ઈંગ્લિશની બાટલી મંગાવી છે. તું નદી કિનારે આવી જજે.”
કુંદનનો પુત્ર અશોક ઈંગ્લિશ શરાબ પીવાની લાલચમાં ભાદર અને સુરવો નદી મળે છે તેના પટમાં ભેગા થયા. રાતના સમયે અશોક નદીના પટમાં પહોંચ્યો. અશોકને જોતાં જ દિનેશ ઠાકોરે બાજુમાં મૂકેલું ધારિયું તેના માથામાં વીંઝી દીધું. અશોક ત્યાં જ ઢળી પડયો. એ દિવસે નાગપંચમી હતી. વરસાદનું પાણી નદીમાં વહી રહ્યું હતું. દિનેશ ઠાકોરે અશોકની હત્યા કરી તેની લાશ નદીના વહેતા પાણીમાં ફેંકી દીધી. જે દૂર ખેંચાઈને જેતપુર પાસેથી કહોવાઈ ગયેલી હાલતમાં મળી, પરંતુ લાશ કોની છે તે પોલીસ નક્કી કરી શકી નહીં.
અશોકની હત્યા થઈ ગઈ છે એ વાતની ગંધ તેના નાના ભાઈ વિજય (ઉં.વ.૧૮)ને ના આવી. એક દિવસ તે રાત્રે ઘેર આવ્યો ત્યારે તે પોતાની માતા કુંદનને તેના પ્રેમી રાવત ખૂમાણ સાથે અશોભનીય હાલતમાં જોઈ ગયો. વિજય ખુદ પરણવાની ઉંમરનો હતો. એણે માને આ હાલતમાં જોઈ ખૂબ ઝઘડો કર્યો. મોટા ભાઈ અશોકના ગુમ થવા વિષે એણે એની માને પૂછયું તો કુંદને ગોળ ગોળ જવાબ આપ્યા. ખીજાયેલા વિજયે તેની માને માર માર્યો. કુંદન અને રાવત ખૂમાણ હવે પતિ-પત્નીની જેમ જ રહેવા લાગ્યાં હતાં. હવે તેઓ કોર્ટમાં જઈ લગ્ન કરી નાંખવાની વેતરણમાં જ હતા. વિજયથી આ સહન ના થતાં ફરી એણે સખત ઝઘડો કર્યો. માર પડતાં કુંદને ફરી તેના પ્રેમી રાવતને પુત્રએ માર માર્યાની વાત કહીં. બેઉએ ફરી એક વાર બીજા પુત્ર વિજયને પણ પતાવી દેવાનો કારસો રચ્યો. આ કામ પણ અગાઉના હત્યારા દિનેશ ઠાકોરને જ સોંપવામાં આવ્યું.
પ્લાન એવો નક્કી થયો કે કુંદનના ઘેર ભજિયા ખાવાનો કાર્યક્રમ ગોઠવાયો. તેમાં કુંદનનો પ્રેમી રાવત અને દિનેશ ઠાકોર પણ હાજર રહ્યો. દેખાવ એવો કર્યો કે “તારી યુવાન વિધવા મા એકલી કેવી રીતે રહી શકે ?”એમ કહી વિજયને સમજાવવો. મોડી રાત સુધી ચર્ચા ચાલી. મોડું થઈ જતાં કાવતરા મુજબ કુંદને પુત્ર વિજયને જ કહ્યું: “બહુ મોડું થઈ ગયું છે તેથી તું દિનેશ ઠાકોરને વાડીએ મૂકી આવ.”
વિજય તેની મોટરબાઈક પર દિનેશ ઠાકોર અને રાવતને બેસાડી વાડી તરફ જવા નીકળ્યો. ખીરસવા ગામની સુરવા નદી પાસે મોટર બાઈક ઊભું રખાવી રાવતે કહ્યું : “દિનેશ, તું જતો રહે હવે.” મોટરબાઈક ઊભું રહેતાં જ રાવતે વિજયના હાથ પકડી લીધા અને પાછળથી દિનેશ ઠાકોરે વિજય પર ધારિયાનો ઘા કરી ક્રૂરતાપૂર્વક તેને રહેંસી નાંખ્યો. વિજયની લાશ ત્યાં જ દાટી દીધી. હત્યાની આ સોપારી પણ પાંચ હજાર રૂપિયામાં જ અપાઈ હતી. હત્યા થઈ ગઈ છે તેવી સાબિતી માટે કુંદનને તેના પુત્રનાં લોહીવાળાં કપડાં બતાવવા એવું નક્કી થયું હતું. રાત્રે બધાં પોતપોતાના ઘેર જઈ સૂઈ ગયાં. બીજા દિવસે દિનેશ ઠાકોરે વિજયની હત્યા બાદ લોહીવાળાં થયેલા વસ્ત્રો તેની મા કુંદનને બતાવ્યા. કુંદને પુત્રની હત્યા માટે નક્કી થયેલી રકમ ચૂકવી દીધી. પરંતુ બનાવના દસેક દિવસ બાદ કૂતરાંઓએ વિજયની લાશને માટીમાંથી ખેંચી કાઢી. આ વરવું દૃશ્ય જોઈ કોઈએ પોલીસને જાણ કરી. પોલીસે એક ટીમ બનાવી ખીરસરા ગામ પહોંચી ગુમ થયેલા અશોક અને વિજયની માતા કુંદનની પૂછપરછ કરી. પ્રશ્નોની શૃંખલાઓથી ગભરાઈ ગયેલી કુંદને કબૂલી લીધું : “હા, મેં જ મારા બંને પુત્રોની હત્યા માટે સોપારી આપી.”
પોલીસે કુંદન, તેના પ્રેમી રાવત ખૂમાણ અને હત્યાની સોપારી લેનાર દિનેશ ઠાકોરની ધરપકડ કરી. એ ત્રણેય હવે જેલમાં છે. પ્રેમ અને વાસનામાં ચકચૂર એક માતા પોતાના જ જુવાનજોધ પુત્રોની હત્યા પણ કરાવી શકે છે તે વાત માનવામાં આવે તેવી ના હોવા છતાં એક હકીકત છે.
એક મા આટલી હદે પણ જઈ શકે છે ? લાગે છે કે કળયુગ એની પરાકાષ્ટાએ છે.

Comments