મને માફ કરી દો, પ્લીઝ હું એકલી પડી ગઈ છું



શર્મી અમદાવાદની યુવતી છે. કેટલાક સમય પહેલાં તેનાં લગ્ન સુરતમાં રહેતાં વિભાકર સાથે થયાં હતાં. વિભાકર સુરતના એક કોમ્પ્યુટર ક્લાસમાં કોચ તરીકે નોકરી કરે છે. બંને એક જ જ્ઞાતિનાં છે. તેમના પ્રસન્ન દામ્પત્યજીવનના ભાગરૂપે પ્રથમ એક દીકરી અને તે પછી એક દીકરો અવતર્યાં હતાં. પુત્રીને સલોની અને પુત્રને ધ્વનિત એવું નામ આપવામાં આવ્યું હતું. વિભાકર અત્યંત મહેનતુ યુવાન હતો. તે બપોરે કોમ્પ્યુટર ક્લાકમાં શિક્ષણ આપવાનું કામ કરતો અને સાંજે તે બે વિદ્યાર્થીઓને ટયૂશન આપવા જતો. આખો દિવસ થાકીને ઘેર આવવા છતાં શર્મીની પૂરતી કાળજી રાખતો હતો. શર્મી બે બાળકોની માતા હોવા છતાં હજી યુવાન છોકરી જેવી જ લાગતી.
કેટલાક સમય બાદ વિભાકરને લાગ્યું કે શર્મી બદલાઈ ગઈ છે. તે પહેલાં સાંજે ઘેર આવતો ત્યારે શર્મી તેના માટે ગરમગરમ ભાખરી બનાવી આપતી. હવે તે અગાઉથી બનાવેલી ભાખરી જ પીરસી દેતી. કોઈ વાર ટીવી પર કોઈ સિરિયલ ચાલતી હોય તો ઊભી જ થતી નહીં અને વિભાકર જાતે જ પોતાની થાળી બનાવી જમી લેતો. કોઈવાર વિભાકર આવે તે પહેલાં જ શર્મી ઊંઘી જતી હતી. ધીમે ધીમે શયનખંડમાં પણ શર્મી તેનાથી દૂર જતી રહી હોય તેમ લાગતું. એક દિવસ કોઈએ વિભાકરને કહ્યું : ‘‘દોસ્ત, તું આખો દિવસ બહાર હોય છે ત્યારે એક છોકરો રોજ તારા ઘેર આવે છે.’’
વિભાકરે તે સાંજે શર્મીને એ છોકરા વિશે પૂછયું તો શર્મી ચીડાઈ ગઈ. એણે ગુસ્સે થતાં કહ્યું : ‘‘એ તો વર્ષો પહેલાં મારી સાથે ભણતો હતો. તું આવું પૂછે છે એ તારી વિકૃતિ છે.’’
વિભાકર ચૂપ થઈ ગયો.
એક દિવસ વિભાકર અચાનક જ બપોરના સમયે ઘેર પહોંચી ગયો. બારણું અંદરથી બંધ હતું. ડોરબેલ સાંભળી શર્મીએ બારણું ખોલ્યું. સામે પતિ ઊભો હતો. વિભાકરે જોયું તો શર્મીના ચહેરા પર ગુનાના ભાવ હતા. બેડરૂમમાં એક યુવાન તેના જ પલંગમાં આડો પડયો હતો. શર્ટ ઉતારેલું હતું. તે વિભાકરને જોઈને ઊભો થઈ ગયો અને ઝટપટ શર્ટ પહેરી ઘરની બહાર નીકળી ગયો. તે સાંજે વિભાકર અને શર્મી વચ્ચે બહુ જ ઝઘડો થયો. પૂછપરછ કરતા ખબર પડી કે જે છોકરા સાથે શર્મીને સંબંધ હતો તેનું નામ પરેશ હતું. પરેશ મોટરકારનું ગેરેજ ચલાવતો હતો. વિભાકરે શર્મીને લાફો ઝીંકી દીધો. બાળકો પણ રડવા લાગ્યાં. તેમને ખબર જ ના પડી કે પપ્પા મમ્મીને મારે છે કેમ ? એ રાત્રે વિભાકર જમ્યા વગર જ સૂઈ ગયો.
બીજા દિવસે આખી સોસાયટીને વિભાકર અને શર્મી વચ્ચે થયેલા ઝઘડાની ખબર પડી ગઈ. શર્મીને કોઈ શરમ નહોતી પરંતુ વિભાકર શરમાયો. એને લાગ્યું કે, ‘‘મેં એક સ્ત્રી પર હાથ ઉપાડયો તે ખોટું કર્યું. મારે શર્મીને મારવી જોઈતી ન ંહોતી.’’ એણે સવારમાં ચા પીતી વખતે જ પત્નીને કહ્યું : ‘‘સોરી શર્મી ! કાલે હું ગુસ્સામાં હતો. મારાથી....!’’
શર્મીએ કહ્યું : ‘‘ઈટ્સ ઓ.કે.’’
વિભાકરે કહ્યું : ‘‘શર્મી, તું બે બાળકોની મા છે. તારે એવું કાંઈ જ ના કરવું જોઈએ જેના ખરાબ સંસ્કાર આપણાં બાળકોમાં પડે.’’
શર્મીએ માથું હલાવ્યું.
આ વાતને કેટલાક દિવસો વીત્યા. વિભાકર રોજની જેમ કોમ્પ્યુટર ક્લાસ પર પહોંચ્યો. સાંજે બે ટયૂશન પતાવી રાત્રે નવ વાગે ઘેર પહોંચ્યો, ત્યારે ઘેર તાળું હતું. પડોશીએ ચાવી આપતાં કહ્યું: ‘‘શર્મીબહેન બાળકોને રિક્ષામાં બેસાડી બહારગામ ગયાં છે. તેમણે આ ચાવી આપી છે.’’
વિભાકરે ઘર ખોલ્યું. ડ્રોઈંગરૂમની ટીપોય પર એક ચિઠ્ઠી પડી હતી. ચિઠ્ઠીમાં શર્મીએ સાફ લખ્યું હતું : ‘‘વિભાકર, રાજીખુશીથી હું ઘર છોડી રહી છું. મને લાગે છે કે મારી ખુશી બીજે ક્યાંક છે. બાળકોને પણ સાથે લઈ જાઉં છું. મને શોધવા પ્રયાસ કરીશ નહીં.’’વિભાકર ભાંગી પડયો.
શર્મી પરિણીત હોવા છતાં પરેશ નામના પ્રેમી સાથે બાળકોને લઈ ભાગી ગઈ હતી. તે પરેશને આંધળો પ્રેમ કરતી હતી. પરેશ શર્મીને લઈ મુંબઈ પહોંચ્યો. શરૂઆતના થોડા દિવસ તે મુંબઈમાં એક મિત્રના ઘેર રહ્યો. થોડા દિવસ પછી મિત્રએ પરેશને ભાડાની એક ઓરડી લઈ આપી. પરેશ મોટર મિકેનિક હતો. તેને ગોરેગાંવના એક ગેરેજમાં નોકરી મળી ગઈ. પરેશ તેનું ગેરેજ વેચીને થોડાક રૂપિયા લઈને આવ્યો હતો. તે રકમ ભાડાના રૂમની પાઘડી પેટે ચૂકવવી પડી. હવે ગેરેજમાં નોકરી દ્વારા કમાઈને ઘર ચલાવવા લાગ્યો. ધીમે ધીમે એણે ગેરેજમાં ભાગીદારી કરી અને છેવટે તે ખુદ ગેરેજનો માલિક બની ગયો. શર્મીના વિભાકરથી થયેલાં સંતાનો પણ હવે પરેશને જ ‘પપ્પા’ કહી બોલાવતાં હતાં. બાળકો નજીકની મ્યુનિસિપલ સ્કૂલમાં ભણવા જતાં હતાં. એકાદ વર્ષ બાદ શર્મી ફરીથી પરેશથી ગર્ભવતી થઈ. તેનાથી શર્મીને એક દીકરી અવતરી. તેને પ્રજ્ઞા એવું નામ આપવામાં આવ્યું. ત્રણેય બાળકો સાથે જ મોટાં થવા લાગ્યાં.
સમય વહેવા લાગ્યો. વર્ષોને જતાં વાર લાગતી નથી. શર્મીની પહેલી દીકરી હવે મોટી થઈ ગઈ હતી. મોટી દીકરીએ ૧૨મું પાસ કરી લીધું. દીકરો ૧૦મા ધોરણમાં હતો. પરેશથી થયેલી પુત્રી પ્રજ્ઞા પણ આઠમામાં આવી. સમયની સાથે બધું જ બદલાય છે. શર્મીનું સૌંદર્ય પણ હવે ઝાંખું થવા લાગ્યું હતું. એવામાં બન્યું એવું કે પરેશનું જ્યાં ગેરેજ હતું તે આખીયે ઇમારત ગેરકાયદે દબાણ કરેલી જગ્યા પર હતી. મ્યુનિસિપાલિટીએ એ ઇમારતને નોટિસ આપી તોડી પાડી. બીજી અનેક દુકાનોની સાથે પરેશનું ગેરેજ પણ તૂટી ગયું. હવે તે રોડ પર આવી ગયો. તેણે દૂરના એક ગેરેજમાં નોકરી સ્વીકારી પણ તેમાંથી થતી આવકથી મુંબઈમાં જેમ તેમ કરીને ઘર ચલાવવા માંડયું. શર્મીએ પણ કરકસર કરવા માંડી. શર્મીના પુત્રએ સાડીઓની એક દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી શરૂ કરી.
પરેશે ઓવરટાઈમ કરીને પણ ગેરેજમાં નોકરી ચાલુ રાખી. તેને દેશી દારૂ પીવાની લત લાગી ગઈ. શર્મીની મોટી પુત્રી સલોની રૂપાળી હતી. સલોનીએ ગ્રેજ્યુએટ થયા બાદ કોલેજના એક છોકરા સાથે લગ્ન કરી લીધું. તે સાસરે રહેવા જતી રહી. એ દરમિયાન શર્મીના બીજી વારના પતિ પરેશનું લીવરની બીમારીના કારણે અવસાન થઈ ગયું. ઘરમાં થતી આવક બંધ થઈ ગઈ. પુત્ર સાડીની દુકાનમાંથી જે કમાતો હતો તે ઘર ચલાવવા પર્યાપ્ત નહોતું. શર્મીની બીજી દીકરીએ પ્રજ્ઞાએ પણ મુંબઈના એક મરાઠી છોકરા સાથે પ્રેમ લગ્ન કરી લીધું. પતિના અવસાન બાદ વિધવા થઈ ગયેલી અને એકલી પડી ગયેલી શર્મીએ સુરતની રાહ પકડી. સાડીની દુકાનમાં નોકરી કરતા પુત્રને મુંબઈમાં રહેવા દઈ તે સુરત આવી.
થોડા દિવસ બાદ સુરતના વરાછા રોડ પર અચાનક જ તેનો જૂનો પતિ વિભાકર મળી ગયો. શર્મી હવે સાવ નંખાઈ ગઈ હતી. છતાં વિભાકર તેને ઓળખી ગયો. શર્મીએ પોતાના હાલહવાલનું વર્ણન કરી વિભાકરની માફી માગીઃ ‘‘વિભાકર મને માફ કરી દો. હું એકલી પડી ગઈ છું. ઘર ચલાવવાના પણ પૈસા નથી. મને ફરી પત્ની તરીકે સ્વીકારી લો.’’
વિભાકરે સ્વસ્થતાથી કહ્યું : ‘‘શર્મી મને તારા માટે પૂરતી સહાનુભૂતિ છે. તું જે દિવસે છોકરાં સાથે જતી રહી હતી તે દિવસે જ મેં તને માફ કરી દીધી હતી. પરંતુ સોરી શર્મી, હવે હું તને પત્ની તરીકે સ્વીકારી શકું તેમ નથી. મેં બીજાં લગ્ન કરી લીધા છે. મારે બાળકો પણ છે. હું તારી સાથે વધુ વાત કરવા માંગતો નથી.’’
એમ કહી વિભાકરે બાજુમાં પાર્ક કરેલી કારમાં બેસી વિદાય લીધી. શર્મી રડી પડી પરંતુ ત્યાં સુધી તો કાર દૂર દૂર જતી રહી. શર્મી હવે એકલી જ વિધવા જીવન ગુજારે છે. તેણે કરેલાં કર્મો માટે પસ્તાઈ રહી છે. એક સારા પતિને તરછોડવાનું કદીક આવું પરિણામ પણ આવી શકે છે.

Comments