ગ્રીષ્મા પૂરા દસ વર્ષ બાદ કેનેડાથી ઈન્ડિયા આવી



પૂરો એક દાયકો કેનેડામાં વીતાવ્યા બાદ ગ્રીષ્મા ભારત આવી હતી. ઘણાં વર્ષેો પછી તે ઈન્ડિયા આવતી હોઈ પ્લેનમાં તે જૂના ઘરની યાદોને તાજી કરી રહી હતી.
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતરતાં જ તે રોમાંચિત થઈ ગઈ. દસ વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. વિમાનીમથક હવે અદ્યતન લાગતું હતું. સ્વચ્છતા પણ હતી. એરપોર્ટ પર તેની એક સખી તેને લેવા આવી હતી. દિલ્હીથી તે બીજી ફલાઈટ પકડી અમદાવાદ આવે તે પહેલાં બે દિવસ દિલ્હી રોકાવાની હતી. ગ્રીષ્માએ જોયું તો દિલ્હી પણ ઘણું બદલાઈ ગયું હતું. ગ્રીષ્માએ તેની સખીને કહ્યું: '' દિલ્હી લુક્સ બ્યુટિફુલ.''
  • મમ્મી, વર્ષોથી તારા હાથની બનાવેલી વેડમી ખાધી નથી, આજે તો તું બનાવ
''યસ, ઓફ કોર્સ.''
''દિલ્હીને આવું સુંદર કોણે બનાવી દીધું ?''
''કોમનવેલ્થ ગેમ્સએ.... સંખ્યાબંધ કૌભાંડોએ.''
ગ્રીષ્મા બોલીઃ '' ડઝ નોટ મેટર... હું તો દિલ્હી જોઈને ખુશ છું. બે દિવસ તારી સાથે રોકાઈશ, પછી મમ્મી-પપ્પાને ભાઈ-ભાભી સાથે અમદાવાદ જઈશ. મમ્મીના હાથની વેડમી ખાવી છે. ભાઈ ભાભીને લઈ શ્રીનાથજીનાં દર્શન કરવાં છે. ઘરમાં બેસીને બધાની સાથે બહુ જ વાતો કરવી છે.''
ગ્રીષ્મા પંદર જ દિવસ માટે ઈન્ડિયા આવી હતી. એના હસબન્ડને જોબ પરથી રજા ના મળતાં તે એકલી આવી હતી. બે દિવસ પછી તે ડોમેસ્ટિક ફલાઈટ પકડી અમદાવાદ આવી. મમ્મી-પપ્પા અને ભાઈ-ભાભી તેને એરપોર્ટ પર લેવા આવ્યાં હતાં. ઘેર પહોંચી ચા-નાસ્તો કરી ગ્રીષ્માને આરામ કરવા કહેવામાં આવ્યું. ગ્રીષ્માનાં મમ્મી-પપ્પાને પુરાણો બંગલો હતો. આરામ કરીને તે ઊઠી અને બહાર જઈ જોવા લાગી. ગ્રીષ્માએ પૂછયું: ''મમ્મી, આપણા બગીચામાં પહેલાં તો શાકભાજી વાવતા હતા. તે કેમ દેખાતા નથી ?''
મમ્મીએ દીકરાની વહુ સામે જોયું. ગ્રીષ્માની ભાભી બોલીઃ ''બગીચામાં શાકભાજી વાવવાનો ટાઈમ કોને છે ? વળી શાકભાજી વાવીએ તો લોકોને લાગે કે આપણી પાસે શાકભાજી ખરીદવાના પૈસા નથી.''
ગ્રીષ્મા સાંભળી રહી. થોડીવાર પછી ભાભી બોલીઃ ''અમારા માટે શું લાવ્યાં ?''
ગ્રીષ્માએ બેગ ખોલી અને અંદરથી કેટલીક ચીજવસ્તુઓ કાઢતાં કહ્યું : ''ભાઈ માટે ટી શટર્સ અને તમારા માટે પરફયૂમ લાવી છું.''
''બસ એટલું જ ? આવાં પરફયૂમ તો અહીં બહુ મળે છે.'' : ભાભી બોલી.
''ભાભી, બીજી વખત તમે જે કહેશો તે લાવીશ, પણ હવે ચા તો પીવરાવો.''
''કામવાળી હજુ આવી નથી. એ આવશે પછી ચા બનાવશે. ત્યાં સુધીમાં નાહી ધોઈ લો.''
''ચાલો, હું ચા બનાવી લઉં.'' ગ્રીષ્મા બોલી.
એટલામાં તેની મમ્મી ચા બનાવવા ઊભી થઈ. ભાભી બોલીઃ ''મમ્મી, તમને ચા બનાવતાં આવડતું નથી. અડધો કલાક મોડી ચા પીશું તો શું બગડી જશે ?''
ગ્રીષ્મા સાંભળી જ રહી. તે ચા પીધા વગર જ નહાવા ચાલી ગઈ. ગ્રીષ્માને લાગ્યું કે, 'ઘરમાં મમ્મીનું ખાસ ચાલતું નથી. ગ્રીષ્મા તેનાં મમ્મી- પપ્પા માટે સ્વેટર્સ લઈ આવી હતી. સ્વેટર્સ જોતાં જ તેની ભાભી બોલીઃ '' આવા કલર્સ મમ્મી- પપ્પાને ના શોભે.''
ગ્રીષ્મા ચૂપ રહી.
બપોરના સમયે ગ્રીષ્મા બોલીઃ ''મમ્મી, આજે સાંજે તો તું વેડમી બનાવ. તારા હાથની વેડમી ખાધાને દસ વર્ષ થઈ ગયા.''
ભાભી બોલીઃ ''વેડમી હવે આઉટ ઓફ ડેઈટ થઈ ગઈ. આજે સાંજે આપણે પીઝા ખાવા જઈશું.''
ગ્રીષ્માએ જોયું તો તેની મમ્મી લાચાર હતી. એ સાંજે વેડમી ના જ બની. રસોઈ કરનારી બાઈ ભાખરી શાક બનાવીને જતી રહી. ગ્રીષ્માની ભાભી ને ભાઈ નોકરી કરતાં હતાં. મમ્મીના હાથની રસોઈ તેમને ભાવતી ના હોઈ એક રસોઈયો સાંજની રસોઈ બનાવીને જતો રહેતો હતો. એ સાંજે ગ્રીષ્મા બધાંની સાથે બેસી વાતો કરવા માંગતી હતી, પણ તેની ભાભીએ કહ્યું : ''મારે તો મારી ફેવરીટ સિરિયલ જોવી છે. તમારે વાતો કરવી હોય તો બહાર જાવ અથવા બીજા રૂમમાં બેસો.
ગ્રીષ્મા ફરી વિચારમાં પડી ગઈ. તે દસ વર્ષ બાદ ઈન્ડિયા આવી હતી પણ ભાઈ-ભાભીને બેસીને વાતો કરવામાં રસ ન હોતો. મમ્મી લાચાર હતી. ભાભી સિરિયલ જોતી રહી અને ગ્રીષ્મા એક રૂમમાં જઈ સૂઈ ગઈ.
બીજા દિવસે શનિવાર આવતો હતો. ગ્રીષ્માએ કહ્યું: ''મમ્મી, ચાલો આપણે વરૂભસદન દર્શન કરવા જઈએ.''
ભાભીએ કહ્યું: ''કાલે મારો ભાઈ તમને મળવા આવવાનો છે. મંદિરમાં જઈ સમય શું બગાડવાનો! ભગવાન તો બધે જ છે ને ! મારા ભાઈને કેનેડા આવવું છે. તમારી સલાહ લેવા આવવાનો છે.''
ગ્રીષ્મા ચૂપ રહી. બીજા દિવસે વરૂભસદન દર્શન કરવા જવાનું થયું નહીં. એના બદલે ભાભીનો ભાઈ અને તેની પત્ની ઘેર આવ્યા અને કલાકો સુધી કેનેડામાં સેટલ થવાની યોજનાઓ પર ગ્રીષ્મા સાથે ચર્ચાઓ કરતાં રહ્યાં. ઘરમાં રસોઈ પણ ના બની. ભાભીએ ફોનથી ઓર્ડર આપી પીઝા મંગાવી લીધાં.
ગ્રીષ્મા હજુ ઘરની બહાર જ નીકળી નહોતી. એક દિવસ તેના પાયજામાને ફિટ કરવા તેણે તેની મમ્મીને પૂછયું: ''મમ્મી, પાયજામો સહેજ ફિટ કરી આપને. પેલું સિલાઈ મશીન ક્યાં મૂક્યું છે ?''
મમ્મી જવાબ આપે તે પહેલાં ભાભી બોલીઃ ''એ તો વેચી દીધું. કોઈ આવીને જુએ તો આપણે સાવ ગરીબ છીએ એવું લાગે.''
ગ્રીષ્મા મૌન રહી.
થોડા દિવસ પછી ગ્રીષ્માએ બજારમાં ખરીદીનો કાર્યક્રમ બનાવ્યો તો ભાભીએ કહ્યું: ''મારાથી નહીં અવાય. મારે બ્યુટિપાર્લરમાં જવું છે અને અહીં ઈન્ડિયામાં ખરીદવા જેવું છે શું ?''
ગ્રીષ્માનો બજારમાં ખરીદી કરવા જવાનો કાર્યક્રમ પણ રદ થયો.
થોડા દિવસ પછી ગ્રીષ્માએ કહ્યું: ''ભાભી, કાલે આપણે બધાં શ્રીનાથજી જઈશું ?''
ભાભી બોલીઃ ''ત્યાં તો ભીડ બહુ હોય છે. ઊભા રહેવાની જગા હોતી નથી.''
ગ્રીષ્મા સમજી ગઈ. ગ્રીષ્માને હવે લાગવા માંડયું કે તેણે ઘરમાં જ રહેવાનું છે. મમ્મી- પપ્પા ઉંમરના કારણે બહાર નીકળી શકે તેમ નહોતા. ભાઈ આખો દિવસ નોકરી કરવા જતો હતો. રાત્રે આવીને તેના બેડરૂમમાં ભરાઈ જતો હતો. કોઈ તેની સાથે બેસીને શાંતિથી વાત કરવા તૈયાર નહોતું.
વળી એક દિવસ ગ્રીષ્માએ કહ્યું : ''મમ્મી, મુંબઈથી એક સારું નાટક આવ્યું છે. હું, ભાઈ ને ભાભી કાલે નાટક જોવા જઈશું.''
ભાભી બોલીઃ ''નાટકોનો જમાનો ગયો. મારે તો ''રાઉડી રાઠોડ'' જોવું છે.''
''ભાભી એ તો હું સીડી મંગાવીને પણ કેનેડામાં જોઈ લઈશ, પણ નાટક જોવા ક્યાંથી મળશે ?''
ભાભી બોલીઃ ''તમારે નાટક જોવું હોય તો જાવ. હું અને તમારા ભાઈ તો રાઉડી રાઠોડ જોવા જવાના છીએ.''
કેનેડાથી આવે ગ્રીષ્માને એક અઠવાડિયું પસાર થઈ ગયું. તે પતિ અને બાળકોને કેનેડા મૂકીને જ આવી હતી. તેને લાગ્યું કે દસ વર્ષમાં બધું જ બદલાઈ ગયું છે. ઘરમાં સિલાઈ મશીન રાખવું તે ગરીબી ગણાય છે. પોષાતું નથી છતાં રસોઈ કરનાર બાઈ રાખવી તે સ્ટેટસ ગણાય છે. મંદિરના બદલે બ્યુટિપાર્લરમાં જવું તે સ્ટેટસ ગણાય છે. નાટકના બદલે ફિલ્મ જોવી તે ફેશનેબલ ગણાય છે. વેડમીના બદલે બજારમાંથી મંગાવી ફરજિયાત પીઝા ખાવા તે આધુનિક્તા ગણાય છે. એને લાગ્યું કે ભારતમાં સ્ટેટસ સિમ્બોલના ધોરણો બદલાઈ ગયાં છે. સામાજિક સ્વરૂપ પણ બદલાઈ ગયું છે. દસ વર્ષે ઘેર અતિથિ બનીને આવી હોવા છતાં વાતચીત કરવાના બદલે સિરિયલ જોયા કરવી તે જરૂરિયાત ગણાય છે. ગ્રીષ્મા દસ વર્ષ પહેલાંનું ઘરનું વાતાવરણ માણવા આવી હતી પણ હવે બધું જ બદલાઈ ચુક્યું હતું. બીજા દિવસે કેનેડાથી એના હસબન્ડનો ફોન આવ્યો. નાનકડી દીકરી શિવાની કહી રહી હતીઃ ''મમ્મી, તારા વગર ફાવતું નથી.''
ગ્રીષ્મા બોલીઃ ''બેટા, એક અઠવાડિયા વહેલી જ હું કેનેડા આવી જઈશ.''
મમ્મી-પપ્પાએ પૂછયું, ''કેમ, બેટા, તું તો પંદર દિવસ રહેવાની હતી ને !''
ગ્રીષ્મા બોલીઃ ''મારી દીકરી મને યાદ આવી ગઈ છે.''
અને એક મા તેની દીકરીની વાત મનોમન સમજી ગઈ અને એક દીકરી પણ માની લાચારીને મનોમન પામી ગઈ. બંનેની આંખોમાં ઝળહળિયાં હતા.

Comments