સુરતના એક સુસંસ્કૃત વિસ્તારમાં રહેતા એક પરિવારની આ વાત છે. મનહરભાઈ અને તેમનાં પત્ની સુશીલાબેનના પરિવારમાં બે પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. સહુ કોઈ આનંદથી જીવતાં હતાં. સહુથી પહેલાં તેમણે મોટી પુત્રીને સારા ઘરે પરણાવી. તે પછી મોટા પુત્રનું લગ્ન પણ એક સુખી ઘરની દીકરી સાથે કરાવરાવ્યું. નાનો દીકરો હજુ ભણતો હતો. મોટા પુત્રની વહુનું નામ કામિની. કામિની પિયરમાં બે ભાઈઓની લાડકી બહેન હતી. તેનું પિયર આર્થિક રીતે સમૃદ્ધ હોઈ ખૂબ મોટો કરિયાવર લઈને આવી હતી. કામિનીને સંયુક્ત કુટુંબમાં અને નાના ઘરમાં રહેવું ના હોઈ તેના માતા-પિતાએ તેને બે બેડરૂમનો એક ફલેટ પણ ખરીદી આપ્યો. અલગ ફલેટ મળતાં જ પતિને લઈ તેની પત્ની કામિની અલગ રહેવા જતાં રહ્યાં. કેટલાક સમય બાદ નાની પુત્રીને પણ પરણાવી દેવામાં આવી. મનહરભાઈની બંને દીકરીઓ સાસરીમાં સુખી હતી.
એક દિવસ અચાનક તેમનો નાનો પુત્ર બીમાર પડયો. તેને તાવ આવ્યો. હોસ્પિટલમાં દાખલ કર્યો. ખૂબ દવા કરી પરંતુ તે હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યો. મનહરભાઈ અને સુશીલાબેન માટે આ આઘાત અસહ્ય હતો. તેઓ તેમનું ભણવાનું પૂરું થાય તે પછી તેને પરણાવવાની વાત વિચારી રહ્યાં હતાં. મોટો દીકરો અને વહુ અલગ થઈ જતાં તેમને હતું કે નાનો દીકરો અને વહુ પાછલી ઉંમરમાં તેમની સેવા કરશે. પરંતુ દીકરો મોટો થાય અને તે પરણે તે પહેલાં જ અચાનક ચાલ્યો ગયો. તેઓ શૂન્યમનસ્ક બની ગયાં. પુત્રની માતા સુશીલાબેન પુત્રના અચાનક મૃત્યુના આઘાતમાંથી કદી બહાર ના આવ્યાં અને પુત્રના વિરહમાં વલોપાત કરતાં કરતાં જ ગુજરી ગયાં.
હવે મનહરભાઈ એકલા પડી ગયા. પુત્રીઓ સાસરે હતી. મોટો દીકરો અને વહુ અલગ રહેતાં હતાં. નાનો પુત્ર ગુજરી ગયો. પાછલી વયે મનહરભાઈ એકાકી બની ગયા. જીવનમાંથી તેમને રસ ઊડી ગયો. સગાં સંબંધીઓના દબાણથી મોટો પુત્ર એકલા પડી ગયેલા વૃદ્ધ પિતાને તેના ફલેટમાં લઈ આવ્યો. પરંતુ તેની પત્ની કામિનીને આ ગમ્યું નહીં. તેને સ્વતંત્રતા જોઈતી હતી. સસરા ઘરમાં આવ્યા તે દિવસથી તેનું મોં ચઢી ગયું. તેના પતિ સાથે પણ હસવાનું- બોલવાનું બંધ કરી દીધું. મોટો પુત્ર પણ માત્ર લોકલાજે જ વૃદ્ધ પિતાને પોતાના ઘરમાં લઈ આવ્યો હતો. વહુનું વર્તન બદલાવા માંડયું. સસરાને એક અણગમતા ભિખારીની જેમ ગણવા લાગી. સસરાને સવારમાં ઊઠતાં જ ચા પીવાની ટેવ હતી. પરંતુ મનહરભાઈ ત્રણ ચાર વખત ચાની માગણી કરે ત્યારે જ કલાક પહેલાં ઉકાળેલી ઠંડી ચાનો કપ તેમની સામે મૂકી દે. ભૂખ લાગી હોય પણ વહુનું મોં જોઈ ખાવાનું માંગતા ગભરાય. વિનંતી કરી ખાવાનું માંગે ત્યારે વહુ એક નાનકડી થાળીમાં ગણીને બે જ રોટલી અને થોડુંક શાક મૂકે. બસ એટલામાં જ પતાવી દેવાનું. ઘરમાં દાળભાત બન્યા હોય પરંતુ સસરાને પંદર દિવસે એક જ વખત દાળભાત આપે. એક વાર વહુની ગેરહાજરીમાં મનહરભાઈએ પુત્રને પોતાની તકલીફોની વાત કરીઃ ‘‘બેટા હું અડધો ભૂખ્યો રહું છું.’’ પણ પુત્રએ સાંભળ્યું જ ના હોય તેમ વાત એક કાને સાંભળી બીજા કાને કાઢી નાંખે.
મનહરભાઈ પોતાના પાછલા દિવસો યાદ કરે. મોટા પુત્રના જન્મ માટે તેમણે કેટકેટલી બાધાઓ રાખી હતી. ૪૦ વર્ષ સુધી નોકરી કરી બાળકોને ઉછેર્યાં હતાં. મોટાં કર્યાં. ભણાવ્યાં. પોતે મીઠાઈ ના ખાય પરંતુ છોકરાંઓને મીઠાઈ ખવડાવે. નોકરી નાની સરખી હોઈ પોતાના પેટે પાટા બાંધી છોકરાંઓની તમામ જરૂરિયાતો સંતોષી હતી. સારું ભણાવ્યું અને પરણાવ્યાં અને હવે ઓશિયાળું જીવન જીવવાનો વારો આવ્યો.
એક દિવસ પુત્રએ કહ્યું: ‘‘પપ્પા, તમે જે ઘરમાં રહેતા હતા તે મારા અને કામિનીના નામે કરી દેવું પડશે.’’
પિતાએ તો હવે પુત્ર અને વહુના આશરે જીવવાનું હતું તેથી તેમનું મકાન પુત્ર અને વહુના નામે કરી દીધું. તેના બીજા જ દિવસથી વહુ કામિનીનું વર્તન ફરી બદલાઈ ગયું. કામિની હવે બે બાળકોની માતા હતી. એક દિવસ તેણે સસરાને કહી દીધું: ‘‘આખો દિવસ શું ઘરમાં પડયા રહો છો ?’’ સસરા સમજી ગયા કે વહુ અને છોકરાંઓને દિવસે હું ઘરમાં રહી આરામ કરું તે ગમતું નથી. બીજા દિવસથી તેઓ જમીને નજીકમાં આવેલા મંદિરે જતા રહેવા લાગ્યા. મંદિરના ઓટલા પર આખો દિવસ સૂઈ જાય. ઠંડી હોય કે સખત તાપ હોય પરંતુ આખો દિવસ મંદિરના ઓટલે જ પડી રહેવું પડે. તે પછી વહુએ સસરાને ઘરના મુખ્ય દરવાજેથી આવવા મનાઈ ફરમાવી. મનહરભાઈને સાંજે પાછલા દરવાજેથી જ પ્રવેશ કરવો પડે. ક્યારેક તો રોજનું જમવાનું આપ્યા વિના જ કામિની એના રૂમમાં જઈ સૂઈ જાય. મનહરભાઈ રસોડામાં જઈ જે વધ્યું ઘટયું હોય તે જાતે જ લઈ લે. એક વાર તો રાતનું ખાવાનું જ નહોતું. આખી રાત તેઓ ભૂખ્યા સૂઈ ગયા. બીજા દિવસે તેમણે વહુને કહ્યું: ‘‘કામિની ! તું આ બરાબર કરતી નથી. તું તારા વડીલો સાથે જેવો વ્યવહાર કરે છે તેવો જ વ્યવહાર ભવિષ્યમાં તારા પુત્રો- પુત્રવધૂઓ પણ કરશે. છોકરાં બધું જુએ છે અને તેમાંથી જ શીખે છે.’’
સસરાની આ વાત સાંભળી કામિની ગુસ્સે થઈ ગઈ. એણે ક્યાંકથી લાકડી શોધી કાઢી અને સસરાની પીઠ પર ફટકારી દીધી. સાંજે કામિનીએ તેના સસરા વિરૂદ્ધ પુત્રને ફરિયાદ કરી. પુત્ર પણ તેના પિતાને જેમ તેમ બોલી ગયો. કામિનીનાં છોકરાં પણ એની મા જેવાં હતાં. એક દિવસ કામિનીની દીકરીએ દાદાજીને ધક્કો મારી પાડી નાંખ્યા અને બોલીઃ ‘‘અહીંથી જાવને શા માટે અમને બધાને હેરાન કરો છો ?’’
દાદાજી પડી ગયા. ઊભા થઈને તેમણે પૌત્રીને કહ્યું: ‘‘ કોલેજમાં તને આવું શીખવવામાં આવે છે ?’’
પણ એણે કોઈ જવાબ આપ્યો નહીં. રોજે રોજ તેમને અપમાનિત કરવામાં આવતા. તે પછી વહુએ કેટલીયે વાર તેમને લાકડીઓ ફટકારી અને સગો પુત્ર જોઈ રહે. પિતા નિઃસહાય થઈ પુત્ર સામે જોઈ રહેતા. પણ પુત્રને પિતા માટે કોઈ જ લાગણી થતી નહીં. હવે તેમની સહનશક્તિની હદ આવી ગઈ હતી. વહુના હાથનો માર ખાઈ ખાઈને તેઓ ત્રાસી ગયા હતા. એકલા પડે ત્યારે પત્નીને યાદ કરે : ‘‘ભગવાને, તારા બદલે મને કેમ લઈ ના લીધો ?’’ કંટાળીને તેમણે જીવન ટૂંકાવી નાંખવા નિર્ણય લીધો. તેઓ રેલવે સ્ટેશને ગયા. દૂર રેલવેના પાટા પર જઈ સૂઈ ગયા. ટ્રેન આવે તે પહેલાં કેટલાક માણસો તેમને જોઈ ગયા. તેઓ તેમને ઉઠાવી, સમજાવી ઘરે લઈ આવ્યા. પરંતુ પુત્ર કે વહુને આ વાત જાણ્યા પછી કોઈ સંવેદના થઈ નહીં.
વહુનો ત્રાસ વધી જતાં ભાણિયા- ભત્રીજાઓ વચ્ચે પડયા. તેમણે કામિનીને કહ્યું: ‘‘ તારા મા-બાપે તને આવા સંસ્કાર આપ્યા છે ?’’
તો કામિનીએ કહી દીધું : ‘‘મારા પિતાએ મને ઘર આપ્યું છે. મારા ઘરમાં કોને રાખવા અને કોને ના રાખવા તે નિર્ણય મારે કરવાનો છે. તમને દયા આવતી હોય તો તમે એમને તમારા ઘરે લઈ જાવ.’’
બીજા દિવસથી વહુએ સસરાને રોજ સવારે નહાવા માટે ગરમ પાણી આપવાનું બંધ કરી દીધું. સસરાએ ગરમ પાણી માંગ્યું તો વહુએ કહ્યું: ‘‘ દરિયામાં માછલાં રોજ ન્હાય છે. તમારે ન્હાવાની શું જરૂર છે ?’’ તે દિવસથી સસરાએ ઠંડા પાણીથી ન્હાવાનું ચાલુ કર્યું. પડોશીઓને પણ તેમની દયા આવવા લાગી પણ કોઈ તેમને મદદ કરી શકે તેમ નહોતું.
શિયાળામાં કડકડતી ઠંડી પડે એટલે બીમાર પડી જવાની બીકથી સસરાએ નહાવાનું બંધ કરી દીધું. કેટલાંયે દિવસે બપોરના સમયે ઉતાવળે નહાઈ લે.
એક દિવસ તેઓ સ્વયં એક ઘરડાં ઘરમાં ચાલ્યા ગયા પરંતુ બાદ બે-ચાર દિવસ બાદ મેનેજરે કહ્યું: ‘‘તમારા કોઈ સગાને લઈ આવો. ખર્ચ કોણ આપશે ?’’
વૃદ્ધ મનહરભાઈને ઘરડા ઘરે પણ ના સંઘર્યા. તેઓ હતાશ થઈ પોતાના ભત્રીજાઓને મળ્યા. તેમણે રડતાં રડતાં ભત્રીજાઓને કહ્યું:‘‘મને ગમે ત્યાં મૂકી આવો પણ મારે હવે મારા દીકરાના ઘરે નથી જવું.’’
ખૂબ વિચાર કરીને ભત્રીજાઓ તેમના કાકા મનહરભાઈને સાબરકાંઠામાં ચાલતી એક સંસ્થામાં મૂકી આવ્યા. આ સંસ્થા રક્તપિત્તના દર્દીઓ અને મંદબુદ્ધિનાં બાળકોને રાખી તેમની માવજત કરે છે. પુત્ર અને પુત્રવધૂથી હીઝરાયેલા મનહરભાઈ હવે અહીં સુખેથી રહે છે. તેમને સવારે ગરમાગરમ ચા અને નાસ્તો મળે છે. કપડાં, થાળી વાડકો ધોવા માટે વોર્ડ બોય છે. નહાવા માટે ગરમ પાણી છે. બે ટાઈમ પૌષ્ટિક પૂરતું ભોજન મળે છે. તેઓ રોજ ગીતાજી વાંચે છે. તેમને હવે એક નવો પરિવાર છે. તેઓ ખુશ છે. તેઓ કહે છેઃ ‘‘હું વર્ષોથી ગીતાજી વાંચુ છું. મને જે કોઈ દુઃખ પડયું તે મારા કર્મોના કારણે જ હશે. તેમાં મારા પુત્ર, પુત્રવધૂ કે પૌત્રીઓનો કોઈ દોષ નથી. ભગવાન તેમને સુખી રાખે.’’
Comments
Post a Comment
Thanx For Comment