'હું તમારી ભાભી છું સંબંધનું સન્માન કરો'



૨૮જુલાઈ, ૨૦૦૮ના રોજ ઈશાનાં લગ્ન કબીર સાથે થયાં હતાં. તેઓ ઓરિસ્સાનાં પામીફોલા ગામમાં રહેતાં હતાં. ઈશા મધુર સ્વભાવની હતી. તેને એક દિયર હતો, રવિ. સાસુ-સસરા અને નણંદ પણ સાથે જ રહેતાં હતાં. દિયર રવિ અવારનવાર ભાભી સાથે હસીમજાક કરતો હતો. ૨૦૦૯માં તેની નણંદનું લગ્ન થઈ જતાં તે સાસરે જતી રહી. ઈશાનો પતિ નોકરી કરવા હૈદરાબાદ જતો રહ્યો. તે દર મહિને પૈસા મોકલતો હતો. ઈશા એક સમજદાર વહુ હતી. કરકસરથી ઘર ચલાવતી હતી. મહોલ્લામાં તેનું માન પણ સારું હતું. દિયર રવિ યુવાન હતો પણ કાંઈ જ કરતો નહોતો. રખડેલ છોકરાઓ તેના ભાઈબંધો હતા. ઈશા કહેતીઃ ''દેવરજી, કાંઈક કામ ધંધો કરો. આમ રખડયા શું કરો છો ?''
પણ રવિ ભાભીની વાતને ગંભીરતાથી લેવાના બદલે તેમની પીઠ પર સ્પર્શ કરી લેતો. કોઈવાર ભાભીના ગાલને હાથ અડકાડી દેતો. ઈશા તેને નિર્દોષ ગમ્મત સમજી હસી લેતી. એક વાર રવિએ ભાભીની પીઠ પાછળના ભાગે જરૂર કરતાં વધુ મજાક કરી. ઈશાએ આંખો કાઢતાં કહ્યું: ''આ શું કરો છો ? કાંઈ ભાન પડે છે કે નહીં ?''
રવિ કહેતોઃ ''દિયર ભાભી સાથે મસ્તી નહીં કરે તો કોની સાથે કરશે ?''
ઈશા બોલીઃ ''મને લાગે છે કે તમને જલ્દી પરણાવી દેવા પડશે. મારી દેરાણી આવી જાય તે પછી એની સાથે જેમ કરવું હોય તેમ કરજો.''
ભાભીના કહેવાથી રવિએ બજારમાં જઈ થોડુંક કામ કરવાનું શરૂ કર્યું. હૈદરાબાદ નોકરી કરવા ગયેલા કબીરને તેના નાના ભાઈ રવિ માટે બહુ જ લાગણી હતી, પરંતુ રવિ દિલફેંક સ્વભાવનો છોકરો હતો. તેના દોસ્તો લફંગા હતા. મિત્રો સાથે બેઠો હોય ત્યારે ઘણા તેને કહેતાઃ ''યાર, તારી ભાભી બડીમસ્ત ચીજ છે.''
રવિ કહેતોઃ ''યાર, ભાભી મારા ભાઈની અમાનત છે.''
મિત્રો કહેતાઃ ''આ જમાનામાં કોઈ જ કોઈની અમાનત નથી. ભાઈ પરદેશ છે તો ભાભીનું કોણ ? કોઈ દિવસ તારી ભાભીની ચિંતા તો કર.''
રવિ હવે સિગારેટ પીતો થઈ ગયો હતો. કોઈક મિત્રો સાથે દારૂ પણ પી લેતો. તેનો એક મિત્ર કહેતોઃ ''યાર, તારી ભાભી જેવી મારે પણ ભાભી હોય તો એની પૂરતી કાળજી લઉં.''
''એટલે ?''
''આ જમાનામાં કોઈ પણ યુવાન પરિણીતા એકલી રહી ના શકે. તારે એને સહારો આપવો જોઈએ.''
એના મિત્રોએ એને રીત બતાવી. એ રાત્રે રવિ ઘેર પહોંચ્યો. ઈશા એકલી બેઠી બેઠી ટીવી સિરિયલ નિહાળી રહી હતી. સાસુ- સસરા તેમના રૂમમાં જઈ સૂઈ ગયાં હતાં. રવિ તેની ભાભીની બાજુમાં જ બેસી ગયો. રવિ બોલ્યોઃ ''ભાભી આજે તો મારે તમારા ખોળામાં સૂઈ જવું છે.''
''તમે હવે નાના નથી.''
''નાનો જ છું. હું તમારા ખોળામાં સૂઈ જાઉં અને તમે મારી પીઠ પર હાથ ફેરવો. આટલું નહીં કરો ભાભી ?'': રવિ બોલ્યો.
''સારું બે મિનિટ માટે જ. પછી જમી લો. મને પણ ઊંઘ આવે છે.'': ઈશા બોલી.
રવિ તેની ભાભીના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો. ઈશાએ તેની પીઠ પર હાથથી પંપાળી લીધો. થોડીવાર બાદ રવિએ વધુ છૂટછાટ લેતાં ઈશાએ તેનું માથું હટાવી દીધું. ઈશા બોલીઃ ''દેવરજી, આ તમે બરાબર કરતા નથી.''
એમ કહેતા ઈશા ઊભી થઈ ગઈ. રવિ હજુ એ નક્કી કરી શક્યો નહોતો કે ભાભીનો ગુસ્સો સાચુકલો છે કે કૃત્રિમ. રવિએ તની ભાભીનો હાથ પકડવા કોશિશ કરી. ઈશાએ રવિને ધક્કો મારી દીધો. રવિ બોલ્યોઃ ''ભાભી તમે નારાજ થઈ ગયા ? હું તો મજાક કરતો હતો.''
ઈશા બોલીઃ ''મજાક મર્યાદામાં રહે ત્યાં સુધી ઠીક છે.''
એ પછી ઈશાએ દિયર માટે થાળી પીરસી દીધી અને સીધી જ પોતાના બેડરૂમમાં ચાલી ગઈ. બીજા દિવસે તે ઊઠી ત્યારે રવિના ચહેરા પર ક્ષમાયાચના હતી. ઈશાએ પણ ગઈરાતના દિયરના વર્તન અંગે કોઈ ફરિયાદ સાસુ-સસરાને ના કરી. રવિ હજુ સુધી એ નક્કી કરી શક્યો નહોતો કે એણે કરેલી છેડછાડ ભાભીને ગમે છે કે કેમ ?
થોડા દિવસો બાદ ફરી એના મિત્રો સાથે તે દારૂ પીવા બેઠો. એણે ભાભી એને જે ધક્કો માર્યો હતો તેની વાત કરી તેના મિત્રોએ કહ્યું :''રવિ, તું સાવ ભોળો છે. સ્ત્રી પહેલાં ઈન્કાર જ કરે છે. એણે તારી છેડછાડ વિરુદ્ધ તારા મમ્મી- પપ્પાને કોઈ જ ફરિયાદ કરી નથી તે જ દર્શાવે છે કે, તું જે કરે છે તે તારી ભાભીને ગમે છે. તારી ભાભી યુવાન છે. એકલી છે, એટલું તો સમજ.''
એ રાત્રે રવિએ જરૂર કરતાં વધુ દારૂ પી લીધો હતો. રાતના દસેક વાગે ઘેર આવ્યો. બધાં સૂઈ ગયા હતા. એણે જોયું તો તેની ભાભી પણ બેડરૂમમાં સૂઈ ગઈ હતી. એ સીધો જ ભાભીના રૂમમાં ગયો. બારીમાંથી આવતા આછા ઉજાસમાં ભાભીના ગોરો ચહેરો અને કમનીય હોઠને તે જોઈ રહ્યો. ઈશા ભરનિદ્રામાં હતી. એને ઊંઘમાં જ લાગ્યું કે, કોઈ તેના ચહેરાને સ્પર્શી રહ્યું છે. તેના બેઉ હાથ દબાવી દેવામાં આવ્યા હતા. તે અચાનક જાગી ગઈ. તે બેઠી થઈ ગઈ. હજી તેના હાથ મજબૂત હાથોથી જ જકડાયેલા હતા. દિયર રવિ શેતાનની જેમ તેને પકડી રહ્યો હતો. ઈશાને ખ્યાલ આવી ગયો એ બોલીઃ ''રવિ... તું ? તારી આટલી હિંમત ?''
રવિ બોલ્યોઃ ''ભાભી ચીસો ના પાડો. બૂમો પાડશો તો તમારી જ બદનામી થશે.''
ઈશાને દિયરના ખતરનાક ઈરાદાનો ખ્યાલ આવી ગયો. પહેલાં તો તે ગભરાઈ ગઈ પરંતુ હિંમત એકઠી કરી એણે રવિને ફરી ધક્કો મારી દીધો. રવિ ફરી ઊભો થયો. એણે ફરી ઈશાને પકડી લીધી. ઈશા કરગરવા લાગીઃ ''રવિ મને છોડી દો. મારી ઈજ્જત મત લૂંટો. હું તમારી ભાભી છું. મા જેવી છું. બીજી સ્ત્રીઓ જેવી નથી. તમે મારી સાથે કાંઈ પણ કરશો તો હું તમારા ભાઈ સાથે આંખ પણ મીલાવી શકીશ નહીં. હું આત્મહત્યા કરી લઈશ.''
પરંતુ રવિ દારૂના નશામાં હતો. એને હતું કે ભાભી ખાલી ખાલી જ વિરોધ કરે છે. એણે ઈશા પરની પકડ વધુ મજબૂત બનાવી પરંતુ ઈશાએ વિફરેલી વાઘણની જેમ રવિના ચહેરા પર મુક્કો મારી દીધો. રવિની આંખ પર વાગતાં તે ગભરાયો. તેણે પકડ ઢીલી કરી. રવિને દર્દથી તડપતો જોઈ ઈશા બહારના રૂમમાં ચાલી ગઈ. બહાર જઈ તે સાસુ-સસરાના રૂમના બારણા પાસે જ બેસી ગઈ. આખી રાત એણે એમને એમ જ પસાર કરી.
બીજા દિવસે ફરી રવિએ ગઈરાતના કૃત્ય બદલ માફી માંગી. ઈશાએ રવિને કહી દીધું: ''આજથી તમારો ને મારો દિયર-ભાભીનો સંબંધ ખત્મ.''
''સોરી, ભાભી.'' હવે એવી ભૂલ નહીં થાય.'' રવિના સ્વરમાં ગલતીનો અહેસાસ હતો.
ઈશાએ કડર સ્વરે કહ્યું: ''અગર સંબંધ રાખવો જ હોય તો સંબંધનું સન્માન કરો. એ ના ભૂલો કે, હું તમારી ભાભી છું. તમારી ઘરવાળી નથી.''
એ દિવસથી રવિએ તેની ભાભીને છેડવાનું બંધ કરી દીધું. ભાભી સાથેની હસીમજાક પણ બંધ કરી દીધી. રોજ સવારે બહાર નીકળી જતો. બજારમાં કામ કરતો. રાત્રે ઘેર આવીને ચૂપચાપ સુઈ જતો.
તા.૭, નવેમ્બર, ૨૦૧૦.
એ દિવસે ભાઈબીજ હતી. ઈશાનો મોટોભાઈ સોહન તેની બહેનને મળવા ગામ આવતો હતો. બહેનને આપવા માટે એણે કિંમતી સાડી પણ ખરીદી રાખી હતી. વહેલી સવારે બસસ્ટેશને ઉતરી તે કેનાલના રસ્તેથી જ ગામમાં જતો હતો ત્યાં જ એણે બહેનના દિયર રવિને જોયો. સોહને પૂછયું: 'રવિ, આટલી વહેલી સવારે તું અહીં કેનાલ પર શું કરી રહ્યો છે.''
''બસ ચાલવા નીકળ્યો પણ તમે અચાનક ક્યાંથી ?'' રવિએ પૂછયું.
''આજે ભાઈબીજ છે ને ! મારી બહેન ઈશાને મળવા આવ્યો છું.''
રવિ બોલ્યોઃ ''ભાભી તો પરોઢિયે જ પાંચ વાગે જ તમારા ગામ જવા નીકળી ગયાં છે.''
''એવું ના બને. કાલે જ મેં કહેરાવ્યું હતું કે, હું આજે હું અહીં આવવાનો છું.''
રવિ બોલ્યોઃ ''તમે તમારા ઘેર પાછા જતા રહો. હવે ભાભી ઘેર છે જ નહીં.''
સોહને પૂછયું: ''સવારે પાંચ વાગે તો કોઈ બસ છે જ નહીં. તમે જુઠ્ઠું બોલો છો.''
રવિ ગભરાયો. તે બોલ્યોઃ ''મેં કહી દીધું ને કે ભાભી ઘરમાં નથી.''
સોહનને રવિના હાવભાવ પર શંકા ગઈ. તેને તેનું વર્તન રહસ્યમય લાગ્યું. સોહન વધુ કાંઈ પૂછે તે પહેલાં રવિ ત્યાંથી દોડીને ભાગ્યો. સોહને આસપાસ નજર કરી. તેને લાગ્યું કે રવિ કોઈ રહસ્યમય કામ માટે જ સવારે કેનાલ પર ઊભો હતો. સોહને કેનાલ પરથી ઝાડીઓની ભીતર નજર દોડાવી. તેણે જોયું તો બાજુની ઝાડીની પાછળ જ બહેન ઈશાની લાશ પડેલી હતી. રવિ લાશને કેનાલના ધસમસતા પાણીમાં વહેરાવી દેવા માંગતો હતો. . પણ ઈશાનો ભાઈ આવી જતાં તે મૃતદેહને ઝાડીની પાછળ જ રહેવા દઈ ભાગી છૂટયો હતો
ફરાર રવિ એક દિવસ પકડાઈ ગયો. એણે કબૂલ કરી લીધું: ''ભાભી સાથે બદલો લેવા મેં મિત્રોના કહેવાથી આ કૃત્ય કર્યું હતું.''
ખરાબ મિત્રો માનવીને કેટલી હદે લઈ જઈ શકે છે ? એક સન્માનનીય ભાભીનું દિયરે કેવું સન્માન કર્યું?

Comments