શું તમે પણ શિખા જેવી યુવતી બનવા માંગો છો ?



બેટા, તું ચિંતા ના કર, અમે તારા માટે એમબીએ થયેલો છોકરો શોધી કાઢીશું
એનું નામ છે શિખા.
લખનૌથી થોડાક કિલોમીટર દૂર આવેલા એક નાનકડા નગરના મધ્યમવર્ગના પરિવારમાં તેનો જન્મ થયો હતો. તે તેના ટાઉનની સ્કૂલમાં જ ભણતી હતી. ભણવામાં હોંશિયાર હતી. ઘરે અને સ્કૂલમાં આવતાં અખબારો વાંચતી હતી. પરીક્ષા આવે તે પહેલાં ખૂબ વાંચતી હતી. તે નાની હતી ત્યારથી જ બીજાઓ કરતાં કાંઈક અલગ બનવા માંગતી હતી. વયસ્ક થઈને પરણી જવું અને બાળકો પેદા કરવા તથા ઘરગૃહિણી બની ચાર દીવાલોમાં જિંદગી ગુજારવા માંગતી નહોતી. શિખાને તેજસ્વી કારકિર્દી હાંસલ કરવી હતી. દેશનાં કોર્પોરેટ જગતની અગ્રગણ્ય મહિલાઓ જેવી જ પ્રતિષ્ઠા તેને પ્રાપ્ત કરવી હતી.
આધુનિક ભારતમાં સ્ત્રીઓના બદલાતા રૂપ અને બદલાતા રોલને તે નિહાળી રહી હતી. તેનો આદર્શ ચંદા કોચર હતાં. ચંદા કોચર દેશની જાણીતી બેંક આઈસીઆઈસીઆઈ બેંકના ચેરમેન છે. આ બેંકના વિશાળ નેટવર્ક અને જબરદસ્ત સામ્રાજ્યને એક મહિલા સંભાળે છે તે વાત શિખાને રોમાંચિત કરી દેતી હતી. તે ચંદા કોચર બનવા માંગતી હતી. તેને પણ કોઈ કોર્પોરેટ કંપનીનું નેતૃત્વ સંભાળવું હતું. આ તેનું સ્વપ્ન હતું.
શિખાએ ૧૨માં ધોરણની પરીક્ષા આપી. પરીક્ષા આપતી વખતે પણ તેના મનમાં એક જ વિચાર હતો કે ‘‘મોટી થઈને હું કાંઈક કરી બતાવીશ.’’ તેનો ઈરાદો મજબૂત હતો. તેના પિતા બેંકમાં નોકરી કરતા હતા. ઘરમાં મમ્મી અને તેની એક બહેન, અને એક ભાઈ હતા. મમ્મી ઘર સંભાળતી હતી. પિતાની ઈચ્છા હતી કે તેમની બંને દીકરીઓ ગ્રેજ્યુએશન સમાપ્ત કરી લે તે પછી કોઈ સારા છોકરા જોઈ બંને પુત્રીઓને પરણાવી દેવી. પણ શિખાના મનમાં કાંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તે કાંઈક કરી બતાવવા માંગતી હતી. શિખાએ હવે બી.કોમ. કરતાં કરતાં સમય પસાર કરવા માટે નોકરી શોધવા માંડી. નજીકની જ એક સ્કૂલમાં તેને શિક્ષક તરીકે નોકરી મળી ગઈ. તે બાળકોને ભણાવવા લાગી, પણ આ નોકરીથી તેનો સંતોષ નહોતો. એને તો કાંઈક અલગ જ કરવું હતું. મોટાં સ્વપ્નો જોયાં હતાં. તેની નજર સમક્ષ હજુ ચંદા કોચરની પ્રતિભા જ તરવરતી હતી. તે કોઈ પણ ભોગે તેની મંઝીલને હાંસલ કરવા માંગતી હતી પણ હાલ તો કોઈ રસ્તો નજર આવતો નહોતો. તે અસમંજસમાં હતી. તે હિંમત હારી નહોતી. મનોમન નક્કી કરી નાખ્યું કે, ‘‘મારા સ્વપ્નને હું મરવા નહીં દઉં.’’
તે તેના વતન મલીહાબાદથી દૂર જઈ વધુ ઉચ્ચસ્તરનું ભણવા માંગતી હતી. પરંતુ તેને એ વાતની પણ ખબર હતી કે તેના પિતા તેને એકલીને બહારના શહેરમાં ભણવા જવાની પરવાનગી નહીં આપે. શિખા બી.કોમ. કરી લીધા બાદ એમ.બી.એ. કરવા માંગતી હતી. શિખાને ખબર હતી કે એમબીએ કર્યા વગર ચંદા કોચર બની શકાય નહીં. એક દિવસ શિખાએ તેના પિતાને કહ્યું : ‘‘પાપા, હું બહાર જઈ એમબીએ કરવા માગું છું.’’
પિતા દુઃખી થઈ ગયા. તેઓ યુવાન પુત્રીને દૂર એકલી મોકલવા માંગતા નહોતા. તેથીયે મોટો પ્રશ્ન એમબીએના અભ્યાસક્રમની ફીનો હતો. પિતાએ વચલો રસ્તો કાઢતાં કહ્યું: ‘‘બેટા, તને હું કોઈ એમબીએ યુવક સાથે પરણાવી દઈશ.’’
પણ શિખા એમબીએ પતિથી સંતોષ માણવા માંગતી નહોતી. તે ખુદ એમબીએ કરવા માંગતી હતી. સમય વહેતો ગયો.
અને એક દિવસ શિખાને જે વાતનો ડર હતો તેવું જ કાંઈક બન્યું. એ દિવસે શિખાની યુનિવર્સિટીની પરીક્ષા ચાલતી હતી. આજે બી.કોમ.નું છેલ્લું પેપર હતું. જે દિવસે તેની પરીક્ષા પૂરી થતી હતી તે જ સાંજે છોકરાવાળાં તેને જોવા આવવાનાં હતાં. શિખા પરીક્ષા આપીને ઘરે પહોંચી એટલે તેને ઝટપટ તૈયાર થઈ જવા માટે કહેવામાં આવ્યું. કારણ પણ કહેવામાં આવ્યું. શિખા નિરાશ થઈ ગઈ. પિતાએ કહ્યું : ‘‘બેટા, તું ચિંતા ના કર. મેં મારો વાયદો પૂરો કર્યો છે. તને જોવા આવનાર છોકરો એમબીએ થયેલો છે. તે એક કંપનીમાં ઊંચા હોદ્દા પર છે. ઘણો મોટો પગાર છે. તને એ છોકરો પસંદ આવશે તો તારી જિંદગી આરામથી ગુજરશે.’’
શિખાને તૈયાર કરવામાં આવી. સાંજે એક એમબીએ થયેલો છોકરો તેને જોવા આવ્યો. શિખા તે છોકરા કરતાં વધુ રૂપાળી હતી. એકબીજાને જોવાની વિધિ પૂરી થઈ ગઈ. છોકરાવાળાએ કહ્યું : ‘‘કાલે જવાબ આપીશું.’’
બીજા દિવસે શિખાના ઘરમાં સન્નાટો હતો. છોકરાવાળાઓએ ના પાડી દીધી હતી. શિખાએ જોયું તો મમ્મી-પપ્પા બહુ જ દુઃખી હતા. શિખાએ કારણ પૂછયું તો પિતાએ કહ્યું :’’છોકરાને એમબીએ થયેલી જ છોકરી જોઈએ છે.’’ આ મુદ્દા પર તેણે ના પાડી હતી. આખું ઘર નિરાશ હતું, હતાશ હતું. શિખા કાંઈ બોલી નહીં. થોડીવાર પછી તેના પિતા જ શિખા પાસે આવ્યા. તેની પાસે બેસી તેના માથામાં હાથ ફેરવતા કહ્યું : ‘‘બેટા, તું એમબીએ કરવા માંગતી હતી ને ? ચાલ, આપણે   કાલે જ લખનૌ જઈએ છીએ. તારે હવે એમબીએ જ કરવાનું છે. તારાં સ્વપ્ન પૂરાં કર, બેટા. અમે બધાં જ તારી સાથે છીએ. મારી આંખો ખૂલી ગઈ છે, બેટા. તને પરણાવવા પાછળ લગ્ન વખતે લાખ્ખો રૂપિયાનું ખર્ચ કરવાના બદલે હવે હું તને આગળ ભણાવવા પાછળ પૈસા ખર્ચીશ. તારાં સ્વપ્ન પૂરાં કરવા હવે હું તને પાંખો આપીશ. પછી તારે જ્યાં ઊડવું હોય ત્યાં ઊડજે.’’
બીજા જ દિવસે શિખાને લઈ તેના પિતા લખનૌ ઊપડયા. તેણે એક શ્રેષ્ઠ મેનેજમેન્ટ કોલેજમાં પ્રવેશપત્ર ભર્યું. તેની પ્રવેશ પરીક્ષા લેવામાં આવી. શિખા આમેય હોંશિયાર હતી. તેને એમબીએના કોર્સમાં પ્રવેશ મળી ગયો. કોલેજની ફી ઘણી ઊંચી હતી. એમબીએની ફી ભરવા માટે એક બેંકમાંથી લોન લેવામાં આવી. લોન મળતાં જ ફી ભરી દેવામાં આવી. શિખા હવે હોસ્ટેલમાં રહીને ભણવા લાગી. ખૂબ મહેનત કરી. તેણે સખ્ત પરિશ્રમ કરી એમબીએની ડિગ્રી હાંસલ કરી લીધી. તેનું કેમ્પસ સિલેક્શન પણ થઈ ગયું હતું. હવે તેને ઈન્તજાર હતો એક ઓફર લેટરનો.
એ દિવસે શાયદ સોમવાર હતો. તે લખનૌથી તેના વતન મસીહાબાદ જવા નીકળી. તે સાંજે ઘરે પહોંચી તો તેનું ઘર ફૂલોથી સજાવેલું હતું. બારણા આગળ રંગોળી પૂરવામાં આવી હતી. શિખાને કાંઈ ખબર ના પડી. તેણે ડોરબેલ વગાડયો. માએ બારણું ખોલ્યું. દીકરીને જોતાં જ મમ્મીએ તેને ગળે વળગાડી દીધી. શિખાને લાગ્યું કે ‘આજે કોઈ છોકરો મને, જોવા આવ્યો હશે ? તે ઘરની અંદર પ્રવેશી તો તેના પિતા તેનો ઈન્તજાર કરી રહ્યા હતા. પિતાએ પણ શિખાને જોતાં જ તેને ગળે વળગાડી, પિતા બોલ્યા : ‘‘બેટા,તારું ચંદા કોચર બનવાનું સ્વપ્ન પૂરું થઈ ગયું. તારે હવે જ્યાં ઊડવું હોય ત્યાં ઊડ.’’ એટલું કહેતા તેમણે એક લેટર શિખાના હાથમાં મૂક્યો. એ કવર આજે જ ટપાલમાં આવ્યું હતું. શિખાએ પત્ર ખોલ્યો. પત્ર વાંચીને શિખા આશ્ચર્ય અને આનંદમાં સ્તબ્ધ થઈ ગઈ. એક બેંક તરફથી શિખા માટેનો તે ઓફર લેટર હતો. વર્ષનો રૂ. ૧૨ લાખનો પગાર. વધુ આશ્ચર્યની વાત તો એ હતી કે તેના પિતા જે બેંકમાં નોકરી કરતા હતા તે જ બેંકમાં તેને ઊંચા હોદ્દાની નોકરી મળી હતી. બસ, આ તો હજુ શરૂઆત હતી. શિખાને લાગ્યું કે, ‘આકાશ મારી મુઠ્ઠીમાં છે.’
શિખા મનોમન પિતાનો આભાર માનતાં વિચારી રહી, ‘‘મારા પિતાના ત્યાગના કારણે જ મારું સ્વપ્ન પૂરું થયું.’’
અને શિખા પિતાના ચરણોને સ્પર્શવા નમી રહી.
- આ સુંદર અને પ્રેરક કથા દેશની નવી પેઢીને તથા ખાસ કરીને નવી ઊંચાઈઓ હાંસલ કરવા માંગતી કન્યાઓને અર્પણ છે. આ કથા દિલ્હીથી પ્રગટ થતાં સુપ્રસિદ્ધ અખબાર ‘‘હિન્દુસ્તાન’’એ આખું પાનું ભરીને તેના પહેલા પાને પ્રગટ કરીને પત્રકારત્વને નવી ક્ષિતિજ બક્ષી છે. હિન્દુસ્તાનની યુવા નારીના આ બદલાવની કહાની અને તસવીર ‘હિન્દુસ્તાન’ અખબારના સૌજન્યથી અહીં પ્રગટ કરી છે.

Comments