મમ્મી, હું મરી ગયો છું મારે સ્વર્ગમાં જવું છે


ઈઝરાયેલના એક નાના નગરની વાત છે. શહેરમાં એક અમીર આદમી રહેતો હતો. તેનું નામ કાદિશ. કાદિશને એક નાનકડો દીકરો હતો. તેનું નામ અતજલ. બાળકની ઉંમર માંડ પાંચ-છ વર્ષની હતી. દેખાવમાં સુંદર પણ સ્વભાવથી આળસુ હતો. તેની મા તેને રોજ રાત્રે સ્વર્ગની વાર્તાઓ સંભળાવતી. બાળકને પણ સ્વર્ગની વાર્તાઓ બહુ જ ગમતી હતી. સ્વર્ગની વાર્તાઓ સાંભળી તે સ્વર્ગની કલ્પનામાં જ ખોવાયેલો જ રહેતો.
અતજલે વાર્તાઓમાં સાંભળ્યું હતું કે, સ્વર્ગમાં તો બસ મજા જ મજા છે. કોઈએ કામ કરવું પડતું નથી. ઈચ્છા વ્યક્ત કરતાં હરેક ચીજ હાજર થઈ જાય છે. બાળકોએ સ્કૂલમાં જવું પડતું નથી. બધું જ કામ દેવદૂતો કરે છે. સ્વર્ગની કલ્પનામાં રાચતા બાળકને હવે પોતાના ઘરમાં પરેશાની થવા લાગી. રોજ સવારે વહેલા ઉઠવા મા બૂમો પાડતી. ધકેલીને સ્કૂલમાં મોકલતી. દરેક સમયે મા તેને લડતી રહેતી. તેને આ રોજિંદા નિત્યક્રમથી કંટાળેલા બાળકને સ્વર્ગમાં જવાની ઈચ્છા થઈ આવી. તે ઈચ્છતો હતો કે હવે સ્વર્ગમાં જ જતો રહું. તેણે મરી જવાનું નક્કી કરી લીધું.
બીજા જ દિવસે તે પલંગમાં જઈ સૂઈ ગયો. જે કોઈ તેને ઉઠાડવા આવે તેને તે કહેતોઃ ‘‘હું તો મરી ગયો છું.’’ નાનકડા અતજલે ખાવાપીવાનું છોડી દીધું. બાળકનો આ હઠાગ્રહ જોઈ મા દુઃખી દુઃખી થઈ ગઈ. માએ તેના માથામાં હાથ ફેરવી બાળકને ઉઠાડવા પ્રયત્ન કર્યો પણ અતજલ બોલ્યોઃ’’મા, તું મારી સાથે કેવી રીતે વાતો કરે છે. હું તો મરી ગયો છું.’’
બાળકની બહેકી બહેકી વાતો સાંભળીને ઘરનાં તમામ સભ્યો પરેશાન થઈ ગયાં. મા જેમ તેમ કરીને બાળકને ખવરાવતી પણ બાળક થોડુંક ખાઈને પાછો સૂઈ જતો. દિવસે દિવસે તે કમજોર થવા લાગ્યો. કાદિશ પરિવારનું તે એકમાત્ર સંતાન હતું અને બાળકે સ્વર્ગમાં જતા રહેવાની બેવકૂફીભરી હઠ પકડી લીધી હતી. બાળક મોતના દરવાજે જતો હોય તેમ બધાંને લાગ્યું.
છેવટે અતજલના પિતા ડો. યોત્સ પાસે ગયા. ડો. યોત્સ મશહૂર તબીબ હતા. તેમણે બાળકના પિતા પાસેથી આખીયે વાત સાંભળ્યા બાદ કહ્યું: ‘‘હું બાળકનો ઈલાજ કરીશ પરંતુ મારી શરત એ છે કે હું જેમ કહું તેમ બંધાંએ કરવું.’’ કાદિશે ડો.યોત્સ જે શરત મૂકે તે સ્વિકારી લેવાની હા પાડી.
ડો.યોત્સ કાદિશના ઘરે આવ્યા. તેમણે એક ઓરડાને સુંદર રીતે સજાવી દીધો. પલંગ પર ફૂલો બીછાવી દીધાં. બારીઓ પર સફેદ પરદા નંખાવી દીધા. ઘરના નોકર અને નોકરાણીઓને બનાવટી પાંખો લગાવી દેવદૂત અને પરીઓનો સ્વાંગ સજવા કહ્યું. દીવાલ પર લખવામાં આવ્યું: ‘સ્વર્ગલોક’.
તે પછી ડો. યોત્સ અતજલના રૂમમાં ગયા તેમણે અતજલને સ્પર્શીને કહ્યું:’’અરે, આ બાળક તો મરી ગયો છે તેને દફનાવતા કેમ
નથી ?’’
ડો. યોત્સની વાત સાંભળીને બાળક ખુશ થઈ ગયો. તેને સ્વર્ગમાં જવાની ઉતાવળ હતી. તે પછી એક બનાવટી અર્થી તૈયાર કરવામાં આવી. તેની પર અતજલને સુવરાવવામાં આવ્યો. બાળક રાજી થઈને તેની પર સૂઈ ગયો. બધાએ અર્થી ઉઠાવી અને કબ્રસ્તાન તરફ જવા લાગ્યા. દરમિયાન ડોક્ટરે તેને બેહોશીની દવા સુંઘાડી. અતજલ બેહોશ થઈ ઊંઘી ગયો. તે પછી બાળકને સુંદર રીતે સજાવવામાં આવેલા ઓરડામાં લઈ ગયા.
અતજલની આંખો ખૂલી તો તે ચારે તરફથી સુંદર મહેક આવતી હતી. સામેની દીવાલ પર ‘‘સ્વર્ગલોક’’નું લખાણ વાંચી તે ખુશ થઈ ગયો. તે સમજ્યો કે હવે મૃત્યુ બાદ હું ખરેખર સ્વર્ગમાં આવી ગયો છું. એના ઓરડામાં ના તો તેની મમ્મી હતી કે ના તેના પિતા કે નહોતા તેના દોસ્ત. મહોલ્લાવાળા પણ દેખાતા નહોતા. થોડીવાર બાદ દેવદૂતના પોષાકમાં ઘરનો જ એક નોકર આવ્યો. એણે કહ્યું:‘‘સ્વર્ગલોકમાં તમારું સ્વાગત છે. હું દેવદૂત છું.’’
નાનકડા બાળકને હવે પાકી ખાતરી થઈ ગઈ કે, હું સાચ્ચે જ સ્વર્ગલોકમાં આવી ગયો છું. અતજલે કહ્યું: ‘‘મને ભૂખ લાગી છે.’’
થોડી જ વારમાં નોકર અનેક મીઠી વાનગીઓથી ભરેલો થાળ લઈ આવ્યો. તેમાં મીઠાઈઓ જ મીઠાઈઓ હતી. અતજલે પેટ ભરીને મીઠાઈઓ ખાધી. એણે પાણી માંગ્યું તો બદામનું શરબત આપવામાં આવ્યું. બાળકને મજા પડી ગઈ. પેટ ભરાઈ જતાં તે નિરાંતે સૂઈ ગયો. આંખો ખૂલી. બાળકે પાણી માંગ્યું. તો પરીના પોષાકમાં એક નોકરાણીએ હવે તેને ગુલાબનું શરબત આપ્યું. બાળકે શરબત પીતાં પીતાં પૂછયું: ‘‘કેટલા વાગ્યા છે ?’’
પરીના રૂપમાં નોકરાણીએ કહ્યુઃ ‘‘આ સ્વર્ગલોક છે. અહીં કોઈ સમય હોતો નથી. રાત કે દિવસ પણ હોતાં નથી. બસ કાયમ આવું જ રહે છે.’’
આ જવાબ સાંભળીને અતજલને બહુ સારું લાગ્યું નહીં. છતાં તે ખુશ હતો તે ફરી સૂઈ ગયો. આંખો ખોલ્યા બાદ તેણે નોકરાણીને કહ્યું: ‘‘ કાંઈ ચટપટું, તીખું કે નમકીન જેવું લઈ આવો.’’
નોકરાણીએ કહ્યું: ‘‘સ્વર્ગમાં તીખું કે ખાટું હોતું નથી. અહીં તો મીઠાઈઓ જ મળે.’’
અને રોજેરોજ મીઠાઈઓ ખાઈ ખાઈને અતજલ હવે કંટાળ્યો હતો. તેને કાંઈક નમકીન જેવું ખાવું હતું. પાણીની જગાએ બદામનું શરબત જ મળતું હતું. હવે તેને પાણી જ પીવાની ઈચ્છા થઈ આવી. તે તેના કમરામાં ગોળ ગોળ આંટા મારવા લાગ્યો. રૂમમાં પરીઓ અને દેવદૂતો નજર આવતા હતા. પણ કોઈ તેની સાથે વાત કરતું નહોતું. હા, તે કાંઈ પણ ખાવાનું માંગે તો મીઠાઈઓ હાજર કરી દેવાતી હતી.
અતજલ ઉદાસ થઈ ગયો. તેને તેની મા અને પિતાની યાદ આવવા લાગી. તેને તેના દોસ્તો યાદ આવવા લાગ્યા. એણે દેવદૂતને પૂછયું : ‘‘મારી મા અને પિતાજી ક્યારે આવશે ?’’
નોકરે કહ્યું: ‘‘તેમને તો સ્વર્ગલોકમાં આવતાં ઘણાં વર્ષો લાગશે.’’
‘‘અને મારા મિત્રો.’’
‘‘તમારા દોસ્તો ૭૦ વર્ષ પછી આવશે. તેઓ પૃથ્વી પર તોફાન મસ્તી કરે છે. તેઓ હમણાં પૃથ્વીલોક પર જ રહેશે. તેમને મરવાની વાર છે.’’
આ સાંભળી અતજલ રડી પડયો. તે રડતાં રડતાં બોલ્યોઃ ‘‘હું ધરતી પરના લોકોને મળવા માંગુ છું. મમ્મી-પપ્પાને તથા દોસ્તોને મળવા માંગું છું. તેમને બોલાવી લો,’’
દેવદૂતે હસીને કહ્યું: ‘‘એ શક્ય નથી. તેમનું આયુષ્ય પૂરું થયા બાદ જ સ્વર્ગલોકમાં આવશે અને તે દરેકનું આગવું સ્વર્ગ હશે.’’
આ સાંભળીને અતજલ સ્તબ્ધ થઈ ગયો. તે અત્યંત ઉદાસ થઈ ગયો. કેટલાંયે દિવસોથી તે મીઠાઈ ખાઈને કંટાળી ગયો. વળી તે સાવ એકલો પડી ગયો હતો. નહોતી મમ્મી કે નહોતા પપ્પા. નહોતા દોસ્તો કે નહોતા મહોલ્લાવાળા. બારીઓ પર મોટા મોટા શ્વેત પરદા હતા. નાનકડા અતજલને લાગ્યું કે તે સ્વર્ગલોકમાં કેદી જેવો બની ગયો છે. હવે તે રૂમમાં રડવા લાગ્યો. ચીસો પાડવા લાગ્યોઃ ‘‘મારે સ્વર્ગલોકમાં નથી રહેવું. મને મારા ઘેર જવું છે. મા લડશે તો કોઈ વાંધો નહીં. હું મારા દોસ્તો સાથે રમવા માંગુ છું. સ્કૂલમાં જઈ ભણવા માંગુ છું.’’
અતજલને રડતો જોઈ દેવદૂત બનેલો નોકર ફરી મીઠાઈ લઈને આવ્યો અને બોલ્યોઃ ‘‘જે એક વાર સ્વર્ગલોકમાં આવી જાય છે તેણે અહીં જ રહેવું પડે છે. અહીં તે ક્યાંયે જઈ શક્તો નથી. અને પૃથ્વી પર તો હવે તને બધા ભૂલી પણ ગયા હશે.’’
-આ વાત સાંભળીને અતજલને તેના માતા-પિતાના દુઃખી ચહેરા યાદ આવ્યા. એણે ફરી ચીસ પાડીને કહ્યું: ‘‘તમે ખોટું બોલો છો. તે બધા મને કદી ભૂલ્યા નહીં હોય.’’
-અને અતજલ ડૂસકાં લેવા લાગ્યો. રડતાં રડતાં તે સૂઈ ગયો.
થોડા દિવસ પછી પણ તે જોસજોસથી રડતો હતો ત્યારે એક દેવદૂત દોડતો દોડતો આવ્યો. એણે કહ્યું: ‘‘અરે બાળક, ભગવાને તારી પ્રાર્થના સાંભળી લીધી છે. કાંઈક ભૂલ થઈ ગઈ છે. અમારે તો અતજલ નામના બીજા છોકરાને અહીં લાવવાનો હતો પરંતુ ભૂલથી તને સ્વર્ગલોકમાં લઈ આવ્યા. અમે તને પૃથ્વી લોક પર પાછો મોકલી દઈશું. હાલ આ છેલ્લી મીઠાઈ તું ખાઈ લે.’’
અતજલ ખુશ થઈ ગયો. મીઠાઈમાં ઘેનની દવા ભેળવેલી હતી. મીઠાઈ ખાધા બાદ નાનકડો બાળક ફરી બેહોશ થઈ ગયો. તે બેહોશ હતો ત્યારે જ તેને તેના ઓરડામાં લાવી સુવરાવી દેવામાં આવ્યો.
અતજલને રોજની જેમ તેની માએ ઉઠાડવા હલાવ્યો. બાળકની આંખો ખૂલી તેણે ચોંકીને જોયું તો તે હવે સ્વર્ગલોકમાં નહોતો પણ તેના અસલ ઓરડામાં હતો. સામે મા ઊભી હતી. મહોલ્લામાં લોકોની અવરજવરના ચારે બાજુથી અવાજ આવતા હતા. અતજલ એકદમ બેઠો થઈ ગયો અને માને જોતાં જ તેને વળગી પડયો. એણે કહ્યું: ‘‘મમ્મી, સ્વર્ગ સારી જગા નથી. હવે હું ભણીશ, મહેનત કરીશ અને અહીં જ રહીશ.’’
દૂર ખૂણામાં ડો. યોત્સ મંદ મંદ હસી રહ્યા હતા.
(પોલેન્ડમાં જન્મેલા અને નોબલ પારિતોષિક વિજેતા સાહિત્યકાર ઈશાક વાશેત્યષ સિંગરે લખેલી કૃતિનો આ ભાવાનુવાદ છે.)

Comments